Bhagvat Rahasaya - 251 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 251

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 251

ભાગવત રહસ્ય -૨૫૧

 

શિવજી નું તાંડવ નૃત્ય પુરુ થયું.પછી યશોદાજીએ -શિવજીને આસન પર બેસાડ્યા છે.યશોદાજીએ દાસીને આજ્ઞા કરી,મારે તેમની પૂજા કરવી છે.વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે.શિવજી લેવાની ના પડે છે.”મારા ગુરૂની આજ્ઞા નથી. ચંદન પુષ્પ ચાલશે” યશોદાજી કહે છે-કે-તમે કંઇક તો લો.તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો તેમનું સન્માન ના કરવામાં આવે તો ધન સંપત્તિ શા કામનાં?તમારા માટે નહિ તો અમારા કલ્યાણ માટે તમે કંઈ લો.

 

શિવજી કહે છે કે-મા,મને કોઈ અપેક્ષા નથી,હું જયારે જયારે આવું ત્યારે તમારો લાલો મને આપજો.

બાલકૃષ્ણલાલ ના સ્વ-રૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાશધામ પધાર્યા છે.

નંદગામમાં નંદજીના રાજમહેલની અંદર છે,તે નંદેશ્વર મહાદેવ અને બહાર આશેશ્વર મહાદેવ –

એમ વ્રજવાસીઓ બતાવે છે.લાલાના દર્શનની આશા રાખતા બહાર બેઠા હતા એટલે આશેશ્વર.

 

આ પ્રસંગની પાછળ થોડું રહસ્ય છે.યશોદાજી લાલાને નજર ના લાગે તે માટે બહુ સભાન છે.

વૃંદાવનના મુખ્ય ઠાકોરજી –એ બાંકે બિહારી લાલજી છે. તેમનું સ્વરૂપ દિવ્ય અને બહુ સુંદર છે.

ત્યાં મર્યાદા છે-કે- ૧-૨ મીનીટે “ટેરો” આવે. ઠાકોરજીને નજર લાગે નહિ –તેવો ભાવ છે.

“ટેરો” એ માયા છે,જીવ ઈશ્વરનાં દર્શન કરે છે,ત્યારે વચમાં “માયા” નો પડદો આવે છે.

મોટે ભાગે સામાન્ય મનુષ્ય, જયારે ઈશ્વરનાં દર્શન કરે છે,ત્યારે માયાના આવરણ સાથે કરે છે.

ત્યારે મહાપુરુષો નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે.

જેને નિરાવરણ ઈશ્વરનાં દર્શન થાય તે પછી –ઈશ્વરને છોડી શકે નહિ.

 

મંદિરમાં રાધાજી નું સેવ્ય-સ્વ-રૂપ છે,બાંકેબિહારી બે મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે.

ઠાકોરજીના દર્શનમાં આનંદ ત્યારે આવે –કે-જયારે,ચાર આંખો મળે.

જ્ઞાનમાર્ગમાં “ટેરો” એ માયાનું સ્વરૂપ છે,ભક્તિમાર્ગ માં “ટેરો” એ “અનુગ્રહ” નું સ્વરૂપ છે.

“ટેરા” થી થોડો સમયનો વિયોગ થાય છે,અને વિયોગમાં જેને દુઃખ થાય તેને દર્શનમાં આનંદ આવે છે.

શ્રીકૃષ્ણ ના વિયોગ માં જયારે દુઃખ થાય છે ત્યારે ભક્તિ ની શરૂઆત થાય છે.

 

નંદબાબા દર વર્ષે કંસને વાર્ષિક કર (ટેક્ષ) આપતા.આ વખતે કર આપવાનો સમય થયો.

એટલે નંદબાબા કંસને વાર્ષિક કર આપવા મથુરા ગયા છે.કંસના દરબારમાં નંદજી આવ્યા અને કર આપ્યો.અને વધુમાં સુવર્ણનો થાળ અને પાંચ રત્નોની ભેટ આપી.

કંસ કહે છે-કર તો મળી ગયો પણ આ ભેટ શા માટે આપો છો ?

નંદબાબા કહે છે-કે-વૃદ્ધાવસ્થામાં મારા ઘેર દીકરો થયો છે,એટલે રત્નો આપું છું,

તમે મારા બાળકને આશીર્વાદ આપો.

 

કંસ જાણતો નથી કે નંદબાબાનો કનૈયો એ મારો કાળ છે.પણ બહુ મોટી ભેટ મળી,એટલે તેણે વિચાર કર્યો કે આશીર્વાદ પણ ભેટના પ્રમાણ માં આપવા જોઈએ ને ? કંસે અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે.

“તમારો બાળક મોટો રાજા થશે.એનો જયજયકાર થશે.તમારાં લાલાનો કોઈ શત્રુ હોય તો તે બળીને ભસ્મથઇ જાય” કંસ પણ લાલાનો જય જયકાર કરે છે.

 

ત્યાર પછી નંદજી ,વસુદેવને મળવા જાય છે.શ્રીકૃષ્ણ પ્રગટ થયા પછી બંનેનું આ પ્રથમ મિલન છે.

શુકદેવજી વર્ણન કરે છે-કે-નંદબાબાને જોઈ વસુદેવને આનંદ થયો છે, અને કુશળ સમાચાર પૂછ્યા છે.

 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 - - - - -  - - - -- - - - - - -- - --- -- -  --