Bhagvat Rahasaya - 247 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 247

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 247

ભાગવત રહસ્ય -૨૪૭

 

નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું. ભાવનાથી નંદ-મહોત્સવ કરવાનો.સંતો રોજ સવારે નંદ-મહોત્સવ કરે છે,તેથી તેમના મન પર દુઃખ-સુખની અસર થતી નથી.દવાથી જેમ અંગ બહેરું થાય છે-તેમ ભક્તિરસ થી મન બહેરું થાય છે.શરીર ગમે ત્યાં હોય-પણ ભાવના કરવાની કે-“હું નંદબાબાના મહેલમાં છું,યશોદાજીની ગોદમાં લાલો બેઠો છે,મરક મરક સ્મિત કરે છે.ગાયો કુદાકુદ કરે છે,ને ગોપીઓ આનંદમાં નાચે છે.ને હું સેવા કરું છું.” આવા સ્મરણથી આખો દિવસ આનંદમાં જશે અને દિવસ સુખમય થશે.

 

લાલાજીના કોઈ એક જ સ્વરૂપનું ધ્યાન થઇ શકતું ન હોય –તો એક એક કૃષ્ણલીલાનું ચિંતન કરવું.

એવું કૃષ્ણકીર્તન કરવું,કે દેહભાન ના રહે,દેશ-કાળ (સ્થળ અને સમય)નું ભાન ના રહે.

નંદબાબાનું ગોકુલ –એ શુદ્ધ પ્રેમભૂમિ છે.તેમાં સુખ ભોગવવાની નહિ પણ બીજાને સુખી કરવાની ભાવના છે.

બીજા ને સુખી કરવાની ઈચ્છા વાળો કોઈ દિવસ દુઃખી થતો નથી.

 

નંદમહોત્સવ બ્રાહ્મમુહૂર્ત માં સવારે ચાર વાગ્યે થયો હતો.

તે પ્રમાણે રોજ સવારે ચાર વાગે નંદમહોત્સવ કરવાનો.

ધ્યાન-ધારણા નો ઉત્તમ સમય સવાર ના સાડા ચારથી સાડા પાંચ સુધીનો (બ્રાહ્મ-મુહૂર્તનો) છે.

કોઈ પણ મનુષ્યનું મોઢું જોયા પછી મનમાં રજોગુણ આવે છે.(મનુષ્યમાં રજોગુણ વધારે હોય છે) માટે

સવારનો સમય જે અતિ પવિત્ર છે,તે સમયને સાચવવો જોઈએ.મનમાં રજોગુણ પેસે તે પહેલાં જ-

સવારમાં પ્રભુની સેવા –ધ્યાન કરતાં કરતાં –જો બે આંસુ પડશે તો આખો દિવસ આનંદમાં જશે.

 

કેટલાક ને તો સવાર પડે એટલે ચા ને છાપું જોઈએ.છાપામાં આ આવ્યું અને છાપામાં તે આવ્યું.

અમદાવાદમાં બેઠો હોય અને દિલ્હીમાં બગડે તો કંઈ તે સુધારવા જવાનો નથી.

કેટલાક બહુ ગર્વ થી કહે “આપણે તો રાતના રાજા” આખી રાત જાગે અને સવારે ઊંઘે.

શાસ્ત્ર માં તો એવું લખ્યું છે-કે-સવારના ચાર વાગ્યા પછી જે પથારીમાં સૂતેલો રહે છે-તેના પુણ્યનો નાશ થાય છે. લોકો પુસ્તકો વાંચે છે,કથા સાંભળે છે,જાત્રા પણ કરે છે-પણ સવારે વહેલા ઉઠી સાધના કરતા નથી.

 

ભક્તિ વધે તેવી ઈચ્છા હોય તો-સવારે ચાર વાગે ઉઠી,માનસી સેવા,ધ્યાન જપ કરવા જોઈએ.બાર વર્ષ નિયમ પૂર્વક આમ કરવાથી –“અનુભવ” થાય છે.(કોઈ નસીબદાર ને વહેલાં પણ દર્શન થતાં હશે ??!!)

સવારે લાલાજીની સેવા કરતાં જો થોડું હૃદય પીગળે અને આંખમાંથી આંસુ ટપકે તો મન શુદ્ધ થાય છે.

 

ભાગવતના અઢાર હાજર શ્લોકો છે,તેનો સાર નંદમહોત્સવના અઢાર શ્લોકમાં છે.

પાંચમા અધ્યાય ના ૧ થી ૧૮ શ્લોકો નંદમહોત્સવના છે.આ શ્લોકોનો પાઠ આવડે નહિ તો કંઈ વાંધો નહિ,પણ –આંખ બંધ કરી નંદમહોત્સવની કથાનું ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે.

આમ અહીં નંદમહોત્સવ ની દિવ્ય કથા સંક્ષેપમાં કહી અને તેનું તાત્પર્ય પણ કહ્યું

 

         - - - - - - - - - - - - -  - -- - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 -  - -  - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -