Bhagvat Rahasaya - 242 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 242

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 242

ભાગવત રહસ્ય -૨૪૨

 

વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે.

 

બ્રહ્મ-સંબંધ થાય ત્યારે માયાનું બંધન તૂટે છે,પણ જો બ્રહ્મ-સંબંધ ટકાવી રાખવામાં ના આવે,

ને જો-માયા સાથે ફરીથી સંબંધ થાય તો ફરીથી બંધન આવે છે.

યોગમાયા રડવા લાગી.કંસને ખબર આપવામાં આવી.

કંસ દોડતો આવ્યો છે.“ક્યાં છે મારો કાળ ? તેને મને આપો”

કન્યાના બે પગ લટકતા હતા તે કંસે પકડ્યા,કંસ યોગમાયાના બે પગ પકડીને પથ્થર પર પછાડવા ગયો.

 

પણ માયા કોઈના હાથ આવતી નથી.યોગમાયા કંસના હાથમાંથી છટકી ગયા,અને-

જતાં જતાં કંસના માથા પર લાત મારી.

અષ્ટભુજા,જગદંબા,ભદ્રકાળી –આકાશમાં પ્રગટ થયા છે. યોગમાયાએ કહ્યું-કે-

વિના કારણ તુ બાળકોની હત્યા કરે છે,તને મારનાર બાળકનો જન્મ થઇ ગયો છે.

 

આ બાજુ જન્માષ્ટમીના દિવસે –રાતના બાર વાગ્યા સુધી નંદબાબાએ જાગરણ કર્યું છે.

શાંડિલ્ય ઋષિએ નંદબાબાને કહ્યું-કે બાબા હવે તમે સૂઈ જાવ,તમે જાગશો તો બધા જાગશે.

સવારે આનંદના સમાચાર સાંભળવા મળશે.

શાંડિલ્યના કહેવાથી બધાં સૂતાં છે,ત્યારે જ યોગમાયાએ આવરણ કર્યું છે.

બાલકૃષ્ણ જયારે નંદજીના ઘરમાં આવ્યા છે તે વખતે નંદબાબા સૂતેલા છે.

 

નંદબાબા ને સ્વપ્ન દેખાયું.“મોટા મોટા ઋષિઓ મારે આંગણે આવ્યા છે,યશોદાજીએ સુંદર શણગાર કર્યો છે,અને તેમની ગોદમાં સુંદર બાળક છે. શિવજી બાળકના દર્શન કરવા આવ્યા છે,આંગણે કિર્તન થઇ રહ્યું છે,હું બ્રાહ્મણોની પૂજા કરું છું અને ગાયોનું દાન કરું છું.”

નંદબાબા પ્રાતઃકાલે જાગે છે,આવું સુંદર સ્વપ્ન જોઈ ને તે રાજી થયા છે. વિચારે છે-કે-

“મેં એવું પુણ્ય કર્યું નથી કે આવું બાળક મારે ત્યાં આવે, પણ સ્વપ્ન હતું સુંદર.મેં શિવજીના દર્શન કર્યા છે,

બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું છે.મેં સાધુના મુખે થી સાંભળ્યું છે કે,જે ગાયોની સેવા કરે છે-તેના વંશનો વિનાશ થશે નહિ. હે,નારાયણ ,કૃપા કરો. મારા માટે નહિ,મારા વંશની વૃદ્ધિ માટે નહિ પણ ગાયોની સેવા કરવા માટે –મને દીકરો આપો. મારો દીકરો ગાયોની સેવા કરે અને સુખી થાય.”

 

આવા અનેક પ્રકારના વિચાર કરતાં નંદબાબા ગૌશાળામાં આવ્યા છે.નંદબાબાના ઘરમાં અનેક સેવકો છે,

પણ ગાયોની સેવા તે જાતે કરે છે.તે વખતે બાલકૃષ્ણે લીલા કરી છે.નંદબાબાને ગૌશાળામાં બાળકની (લાલાની) ઝાંખી થઇ છે.

 

લાલાએ પીળું ઝભલું પહેર્યું છે,

કેડ પર સોનાનો કંદોરો છે,

કાનમાં કુંડળ છે,હોઠ લાલ છે,

બાજુબંધ ધારણ કર્યા છે,

અતિસુંદર વાંકડિયા વાળ છે,

કપાળ માં કસ્તુરીનું તિલક કર્યું છે,

આંખમાં મેંશ આંજી છે,અને ઘૂંટણિયે ચાલતા ચાલતા બાલકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે.

 - - - - -  - -  - - - - - - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - -