Bhagvat Rahasaya - 239 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 239

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 239

ભાગવત રહસ્ય -૨૩૯

 

વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે.

વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.

 

કંસ –દેવકી અને વસુદેવજીનો રથ હાંકતો હતો- તે વખતે આકાશવાણી થઇ કે-

“જે દેવકીને તેના સાસરે પહોચાડવા તુ જાય છે-તે દેવકીનો આઠમો પુત્ર તને મારશે.”

કંસને આ સાંભળી ક્રોધ આવ્યો.આ દેવકીને જ મારી નાખું,તો મારા કાળનો જન્મ થશે નહિ.

કંસે દેવકીનો ચોટલો પકડ્યો અને તલવારથી તેનો વધ કરવા તૈયાર થયો છે.

 

તે વખતે વસુદેવજી કંસને સમજાવે છે-કે-તમે આ શું કરો છો ?આ તો સ્ત્રી છે,સ્ત્રી અવધ્યા છે (સ્ત્રીનો વધ કરાય નહિ) –વળી આતો તમારી નાની બહેન છે.તેને મારશો તો જગતમાં તમારી અપકીર્તિ થશે.દેવકીને મારીને તુ અમર તો થવાનો નથી,જેનો જન્મ તેનું મરણ નિશ્ચિત છે.મરણ નિવારી શકાતું નથી. વસુદેવજી કંસને સમજાવવાનો બહુ પ્રયત્ન કરે છે,છેવટે કહ્યું-દેવકીથી તો તારું મરણ નથી ને ? કંસ કહે છે-કે- ના

વસુદેવ કહે છે-કે-આ દેવકીને જેટલાં બાળકો થશે તે હું તને આપીશ.

કંસે વિચાર્યું-કે –હું સ્ત્રી હત્યાના પાપ માંથી બચીશ-એટલે તેણે કહ્યું-બહુ સારું,હું દેવકીને મારતો નથી.

 

વસુદેવજી શુદ્ધ સત્વગુણનું પ્રતિક છે.વિશુદ્ધ ચિત્ત એ વસુદેવ છે.

દેવકી એ નિષ્કામ બુદ્ધિ છે,એ બંનેનું મિલન થાય એટલે ભગવાનનો જન્મ થાય છે.

વસુદેવ અને દેવકીને ત્યાં પ્રથમ સંતાન થયું,એટલે વસુદેવ તેમના વચન પ્રમાણે,અને દેવકીના કલ્પાંત છતાં બાળકને લઇ ને કંસ પાસે આવ્યા છે.અને બાળકને કંસ સામે મુક્યો.

વસુદેવનો સત્સંગ થવાથી કંસની બુદ્ધિ સુધરી છે.બાળકને જોતાં કંસનું હૃદય પીગળ્યું છે.

 

તેણે વિચાર કર્યો કે –“આ બાળકને મારવાથી શું લાભ થવાનો ? આઠમાથી મારું મરણ છે.આ તો પહેલો છે,આ બાળકને હું નહિ મારું.” તેણે વસુદેવ ને કહ્યું-કે-સાત બાળકોને તમારા ત્યાં રાખજો,મારા કાળ આઠમા ને મને આપજો. વસુદેવ બાળકને લઇને ઘેર આવ્યા.

 

આ બાજુ નારદજી એ વિચાર કર્યો-કે મામા કંસની બુદ્ધિ બહુ સુધરે તે સારું નથી,તે સુધરી જશે અને વધુને વધુ પાપ નહિ કરે તો-ભગવાન અવતાર નહિ લે.અને કંસ જલ્દી મરશે નહિ.કંસને લીધે દેશ દુઃખી છે.

નારદજી કંસ પાસે આવ્યા છે અને કહ્યું-કે-હું સ્વર્ગમાં ગયેલો ત્યારે દેવોની ખાનગી સભા થઇ હતી,આ બધા દેવો તારી પાછળ પડ્યા છે,અને તને મારવાનો વિચાર કરી રહ્યા છે. કંસ તુ સાવ ભોળો છે,શત્રુ,અગ્નિ,પાપ અને ઋણ –આ ચારે વસ્તુઓ સાધારણ નથી,તે વધ્યા જ કરે છે. તેણે ઉગતાં જ ડામવાં જોઈએ.તે વસુદેવના બાળક ને છોડી દીધો તે ઠીક કર્યું નથી,ગમે તે આઠમો થઇ શકે છે, ગણનારની મરજી પર તેનો આધાર છે.આઠમાને પહેલો ગણો તો આ આઠમો થશે. હું તો તને સાવધાન કરવા આવ્યો છું.નારદજી આ પ્રમાણે કંસને ઉશ્કેરે છે-કારણ કે-જો કંસનું પાપ વધે તો તેનો અંત નજીક આવે.કંસને લીધે દેશ દુઃખી છે.

    - - - - - - - - - - - - - - - - - - - - -  - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો