લીતા લખણખોટી.
લાલુ લોટવાલાની એકની એક
છ વર્ષની છોકરી લીતા એક તોફાની બારક્સ હતું. શહેરની કોઈ સ્કૂલ એને ત્રણ દિવસથી વધુ રાખી શકી નહોતી.
ટૂંકી ગરદન અને બઠિયા કાનવાળા વદન નીચેનું લીતાનું બદન પણ ઘાટઘુટ વગરનું હોવાથી એને ઘડવામાં ભગવાને ઉતાવળ કરી હોવાનું લીતાની દાદી હમેંશા કહેતી..!
પહેલીવાર બાલમંદિરમાં એને બેસાડી ત્યારે એની મમ્મીની સાડી ખેંચીને એ ધૂળમાં આળોટી હતી. એનો ભેંકડો સાંભળીને બહારના પગથીયે સુઈ રહેતી ભુરી કુતરી પણ એના ગલુડીયા લઈને નાસી ગયેલી..!
લીતાનો હાથ પકડવા આવેલી ટીચરના હાથ પર બચકું ભરીને એણે પરચો બતાવેલો એટલે એ ખરચો પણ લાલુએ આપવો પડેલો. લીતાનું કદ જોઈ તરત જ પ્રવેશ રદ થઈ ગયેલો.
ફરીવાર મહા મુશ્કેલીથી એક શાળામાં નક્કી કર્યું ત્યારે,
"ચોતલેતની આથ્થી તોથળી લઈ દ્યો, પપ્પા લેવા મુતવા આવે, તંઈપન લથવવાનું ટીચલ નઈ કે અને લેશન તો સાવ નઈ તલું. તો અને તો જ હું નિશાલે જચ. નતલ ટીચલને બતકુ ભલી લચ" લીતાએ ભેંકડો તાણીને આવી શરતો મુકેલી.
છેલ્લી બેંચ પર બેસીને એની લાંબી જીભે એ નાકના પહોળા નસકોરામાં ઝરતો રહેતો રસ ચાટતી રહેતી.બીજા છોકરાઓ ટીચરને ફરિયાદ કરતા કે " ટીચલ ટીચલ જોવો જોવો આ સોતલી નાતમાં જીભ લાથે..એ.."
એ છોકરાનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ એના ગાલ પર લીતા ચીમટો ભરી લેતી.ટીચર ત્યાં પહોંચે એ પહેલાં આ કામ પતી જતું.
થોડા દિવસોમાં તો બીજા બાળકોના નાસ્તા ઝાપટી જવા..ચોકલેટ છીનવી લેવી, કોઈ રમકડું લાવ્યું હોય તો એને રમવા ન દેવું, કોઈ જરાક સામું થાય તો એના બરડામાં ઢીકો મારી લેવો..ટીચર ખીજાય તો બચકું ભરી લેવું..વગેરે લક્ષણો લીતાએ ઝળકાવ્યા.
આખરે બે હાથ અને ત્રીજું માથું નમાવીને ટીચરે લાલુ લોટવાલાને બોલાવી પ્રવેશ રદ કર્યો
"કોઈ બચ્ચું જડા ટોફાની બી ઓહે, ટો શું એને આમ કાઢી મુકવાનું ? ટમે લોકો શું ટોફાન કડ્યા વગડ જ મોહોટા ઠેઈ ગેલા મલે ? સ્કુલમાં બચ્ચાંઓ ટોફાન ની કડે તો કાં આગાડી કડે.. ટમે લોકો સ્કૂલ લઈને બેઠલા છો ટો ટમામ પ્રકાડના બચ્ચાંઓ આવવાના જ વડી....એમ હિંમત હાડી જહો તો કેમનું ચાલહે..?"
લીતાનો તાત લાલુ પ્યોર સુરતી હતો. તેની વાત સાંભળીને ટીચરે લાત મારવાની ઈચ્છા દબાવી રાખીને કહ્યું...
"ન ચાલે તો નથી ચલાવવું ભાઈ,
તમામ પ્રકારના બાળકોને અમે ભણાવીએ જ છીએ પણ તમારો આ પ્રકાર તો ભાઈ સાવ નોખો છે.શુ ખાઈને આને તમે જન્મ આપ્યો છે હેં ભાઈ ? કોઈ જાતના સંસ્કાર જ નથી."
"અવે જનમ તો એની માએ આપેલો મલે..! મેં થોડી જનમ આપટો ફડતો છું ? કેવી વાટ કડતા છો ટમે ! કોઈ જેન્સ બચ્ચાને જનમ ની આપી શકે.ઓ ટીચર તમને આટલું બી સેન્સ છે નઠ્ઠી. ટો ટમે હું બચ્ચાઓને ગ્નાન આલવાના ? ભગવાને જેવું બચ્ચું ડીઢું એવુ અમે લેઈ લીઢું.આમાં કંઈ બે ચાડ નંગ બતાડતા ની મલે કે અમે ચોઈસ કડી શકીએ.ગમે ટેમ ઠેઈ જહે ટો હો મેં માડી લીટાને અહીંયા આગડી જ ભનાવવા.ભલે તમાડું નોલેજ ઓછું છે પણ તમાડું મુખડું સુંદડ છે.બચ્ચાઓને બી સુંદડ મુખડાવાલી ટીચડ જોડે જ વઢું ફાવટું ઓહે.ભનાવવી તો તમાડે જ પડહે,હમજ્યાં કે ની?" ભાલુ જેવો લાલુ તો ચાલુ જ પડી ગયો.
લાલુ એકધારું ટીચરની આંખમાં તાકી રહ્યોં એટલે એ ગુસ્સે થઈ.
"જુઓ ભાઈ, તમે છે ને તમારો આ નમૂનો બીજે ક્યાંક લઈ જાવ.
પ્લીઝ અમને માફ કરો.તમારી અડધી આંટા વગરની અને અક્કલના છાંટા વગરની છોકરીને અમારી સ્કૂલમાં રાખવાનું અમે જોખમ લેવા માંગતા નથી."
"ટો ટમે કેવા પ્રકાડનું જોખમ લેવા માંગટા છો એ કેવની.મેં ગમે ટેમ કડીને પન લીટાને તમાડી પાસે ભનાવવા માંગટો છું.તમે માડા ઘેડ સ્પેશીયલ ટ્યુશન આપવા આવી શકો કે ની ? એ કેવની.ટો એવી કંઈ ગોઠવન કડીએ બીજું હું."
"લો આ તમારી છોકરીનું બર્થ સર્ટી. અને અહીંથી સિધાવો જાવ જાવ." ટીચરે કંટાળીને લાલુ તરફ હથેળી બે વાર ઝાટકીને જવા માટે ઈશારો કર્યો.
લોટવાલો, દલીલો કરી કરીને ગદ ગદ થયો તોય લીતાનો પ્રવેશ રદ જ થયો.
ખોટો રૂપિયો બધેથી પાછો જ આવે એમ બીજી અને ત્રીજી સ્કૂલમાંથી પણ લાલુ લોટવાળાની લીતાને કોઈપણ પ્રાઈવેટ શાળા આડા કે ઉભા એકપણ લીટા શીખવાડવા તૈયાર ન થઈ.
લાલુ લોટવાલા, પોતાની લાડકી લીતાના અભ્યાસ બાબતે ખૂબ ટેંશનમાં આવી ગયો.એવામાં એના મિત્રે "હસતા ફૂલ શિશુ મંદિર" નામની એક ઓછી સંખ્યાવાળી સ્કૂલમાં જગ્યા હોવાનું કહ્યું એટલે લાલુ લોટવાલા તરત જ એ શાળાના સંચાલક કનું બૂંહાને રૂબરૂ મળવા આવી પહોંચ્યો.
"શહેડની મોહોટી મોહોટી શાલાઓના માલિકોને બહુ ચડબી ચડેલી મલે.મેં ટો હિઢ્ઢો જ અહીં આવેલો છું.એ લોકો હું હમજટા મલે..ફોર્મ લેવા હો લાઈનમાં ઉભવાનું,પહી પન ડોનેશન ટો આલવાનું જ.એ લોકો હું અલગ ભનાવતા ઓહે.મને ટો બિલકુલ પસંડ ની મલે." લાલુએ કનું બૂંહાની ઓફિસમાં બેસતાં કહ્યું.
"જુઓ મહાશય, અમારી શાળામાં અમે બહુ લિમિટેડ પ્રવેશ આપીએ છીએ.( કારણ કે અહીં કોઈ પ્રવેશ લેવા આવતું જ નથી) અમે ક્વોન્ટીટીમાં માનતા નથી પણ ક્વોલિટીમાં માનીએ છીએ.
(શુ કરીએ ? કવોન્ટીટી મળવી જોઈએ ને !) આપની બેબીને શહેરની જાણીતી શાળાઓએ ગેબી ગણીને પ્રવેશ નથી આપ્યો એ જાણું છું.પણ, નો પ્રોબ્લેમ અમે એવું કંઈ મનમાં રાખતા નથી" કનું જાણતો હતો કે કોઈ સ્કૂલમાં પ્રવેશ ન મળ્યો હોય એ જ અહીં આવવાની તસ્દી લેતા હોય છે !
"ઓ ભાઈ, માડી બેબી બિલકુલ ગેબી ની મલે.એ ટો હીધી જલેબી જેવી જ છે.થોરા ટોફાન કડતી છે પણ એ તો બચ્ચું ટોફાન ટો કડતું જ હોય કે ની ? ગમે ટે ઠહે તો હો મેં તો તમાડી સ્કૂલમાં જ પ્રવેશ લેવાનું નક્કી કિઢેલું છે." લાલુ લોટવાળો કનુને ભોટ સમજીને પ્રવેશ પાક્કો કરવા ચિંગમની જેમ ચોટયો.
"ઓકે, નો પ્રોબ્લેમ. તમે તમારી બાળકીને લઈ આવો.એટલે એડમિશન મળી જશે." કનુએ સ્કૂલની સંખ્યામાં એકનો વધારો થવાની ખુશી દબાવી રાખતા કહ્યું.
બીજા દિવસે સ્કૂલે જઈ વધુ એકવાર લીલતાએ મોટો ભેંકડો તાણીને પોતાની શરતો કહી સંભળાવી ! ઓછી સંખ્યાના મારથી મરી રહેલા સંચાલક કનું બૂંહાએ હસતા હસતા લલીતાની શરતોને 'બાળકનું હઠીલાપણું' જાહેર કર્યું.
''એ તો અમારા માયાળુ શિક્ષિકા બહેનો સરસ રીતે એને બધું શીખવી દેશે.તમે એડમિશન ફી વગેરે ભરી દો." કનું સાહેબને એમ હતું કે આ લોકોનો વિચાર ફરી જાય એ પહેલાં ફી ભરી દે તો સારું.
કનુનું પન્નું બદલાવાનું હતું એ વાતથી કનું બેખબર હતો એ જોઈ લાલુ લોટવાળો, ખેલતા કૂદતાં સસલાને શિયાળીયું તાકી રહે એમ તાકી રહ્યો હતો.કનું એમ વિચારતો હતો કે સાલો ક્યાંક છટકી ન જાય !
સામે પક્ષે લાલુ એમ વિચારતો હતો કે જલ્દી ફી ભરી દઉં તો 'લીટા' સેટ થઈ જાય.
"પન આમાડી લીટા થોડી નટખટ છે." લીતાની મમ્મી શાલુ લોટવાલા પણ સાથે આવેલી. એણે ચોખવટ કરી લેવાના ઈરાદાથી કહ્યું.જેથી પાછળથી પ્રવેશ કેન્સલ ન થાય.લાલુ લોટવાળાએ એની સામે ડોળા કાઢીને તરત જ ક્લાર્ક ઓફીસ તરફ ફી ભરવા દોટ મૂકી.
"શુ છે કે બાળકો તો નટખટ જ હોવાના ને ? હું કે તમે તોફાન કરી શકીશું ?" સવાલનો જવાબ સ્માઈલથી મળતા કનુએ ઉમેર્યું,
"વાલી તરીકે મળવા આવતા રહેજો.શું છે કે જેન્ટ્સને સમય ન મળે.આપણે સાથે મળીને બેબીનું ભવિષ્ય ઘડીશુ. શું છે કે એક હાથે તાળી ન પડે.લો આ મારું કાર્ડ રાખો.અવારનવાર ફોન કરતા રહેજો.જેથી આપણે ચર્ચા કરી શકીશું.અને ફ્રી હોવ ત્યારે મલવા આવશો તો મને ગમશે. શું છે કે આપણી બેબીના ભવિષ્યનો સવાલ છે !"
લીતાની મમ્મીએ કાર્ડ લઈને કંઈક વિચિત્ર નજરે કનું બૂંહા સામે જોયું.કનુએ તરત સ્માઈલ આપ્યું..
"લાર ટપકાવતો છે સાલ્લો.ટેડે નામ કા તો મેં કુટ્ટા બી ની પાલુ " મનમાં એમ બબડીને શાલુ,લીતાને લઈ બહાર નીકળી ગઈ.
લાલુ લોટવાળાએ આખા વરસની ફી એક સાથે ભરી દીધી.
કનું હજી કાચની આરપાર 'વાલી'ને જોઈ મંદ મંદ હસી રહ્યો હતો !
બીજે દિવસે શાળામાં ધમાલ મચી.બે ટીચરોના હાથ પર લીતાએ બચકું ભર્યું હતું.ચાર છોકરીઓને ઢીબી હતી.અને ત્રણ છોકરાઓના ગાલ પર નખના ઉઝરડા પાડીને એમનો નાસ્તો ખાઈ ગઈ હતી.
પેલી બે ટીચરોએ પોતાના લોહીલુહાણ હાથ લઈ ઓફિસમાં પ્રવેશ કરીને એ છોકરીને ભણાવવાની ઘસીને ના પાડી !
"જુઓ ટીચરો,( ટીચરનું બહુવચન ગુજરાતીમાં ટીચરો જ થાય ને ?) આ બાળકી જરા શેતાન છે એની ના નથી.પણ આમ તમે પાણીમાં બેસી જશો તો કેમ ચાલશે ? ફર્સ્ટ એઇડ બોક્સમાંથી મલમ પટ્ટી કરીને ક્લાસમાં જાવ." બૂંહા સાહેબે ટીચરોને કડક અવાજે કહ્યું.
"સર આટલા ઓછા પગારમાં અમારા હાથ અમે એ છોકરીને ખાવા નહી દઈએ.તમે એ છોકરીને ઓફિસમાં બોલાવીને જરા ખીજવાવ.."
ચમન પટ્ટાવાળો,સાહેબનો હુકમ લઈ પહેલા ધોરણના વર્ગમાં લીતાને લેવા ગયો.
"હાલ્ય અલી અય છોડી, તને શાબ્ય બોલાવ સ." એમ કહી ચમને લીતાનો હાથ પકડ્યો. લીતાએ તરત જ ફૂલ વોલ્યુમવાળો ભેંકડો તાણીને બીજા હાથે ચમનના હાથ પર ન્હોર માર્યા.ચમનને વધુ દમન કરવું જરૂરી લાગ્યું.લીતાને ઉચકીને લઈ જવા એ આગળ વધ્યો ત્યાં એના ગાલ પર લીતાએ નખ ભરાવીને ઉઝરડા પાડ્યા. ગુસ્સે થયેલા ચમને એક તમાચો જડી દીધો એ સાથે લીતાના મોંમાં ચમનનું કાંડુ આવી ગયું.લીતાનો ભેંકડો બંધ થયો અને ચમનનો ચાલુ થયો..
"હોય...હોય...બાપલીયા.." ચમને રાડ પાડીને પોતાનો હાથ છોડાવવા કોશિશ કરી.લીતાના જડબામાંથી પોતાનો હાથ છોડાવીને માંડ એ છૂટ્યો. છૂટ્યો એવો જ ક્લાસમાંથી વછૂટ્યો.
"શાબ....શાબ....ઈ છોડી બટક્યાં ભરસ..અ...જોવો મારા મોંઢા પર નખ માર્યા અન મારો હાથ ક્યડી ખાધો...." કહી ચમન રાડો પાડવા લાગ્યો.
હવે કનું સરના પેટમાં ધ્રાસકો પડ્યો.આખા વરસની ફી લેવાઈ ગઈ હતી.સંખ્યા વધવાની આશા સેવાઈ ગઈ હતી પણ સોદો ખોટનો કરી નાખેલો એ હવે સમજમા આવી રહ્યું હતું..!
આખરે બે ઠોઠ છોકરાઓને સાવચેતી પૂર્વક લીતાને ઉઠાવી લાવવા મોકલવામાં આવ્યા.
ડુક્કરને પકડી લાવવામાં આવે એમ પેલા બંને ભણવામાં ઠોઠ વિદ્યાર્થીઓએ લીતાનો એક એક હાથ પકડીને ટીંગાટોળી કરી. લીતા પણ પકડાયેલા ડુક્કરની માફક ચિચિયારીઓ કરતી, પાણીમાં તરતી હોય એમ હવામાં પગ હલાવતી હતી. જે શિક્ષિકાઓ ફરિયાદ કરવા ઓફિસમાં ગયેલી એમના વર્ગોમાં બેઠેલા વિદ્યાર્થીઓ કલાસની બહાર નીકળીને ટીંગા ટોળી કરીને લઈ જવાતી લીતાની પાછળ ટોળું થઈને ચાલ્યા.
આખું સરઘસ કનું સાહેબની ઓફીસ આગળ આવીને ઉભું રહ્યું. એ ટોળાને જોઈ બીજા ચાલુ કલાસમાં ઊંઘી ગયેલી માયાળુ શિક્ષિકાઓ જાગી ન જાય એમ છોકરાઓ, લીતાનો ખેલ જોવા ક્લાસની બહાર નીકળી ગયા. બકરા નાસી જતા ભરવાડો પાછળ દોડે એમ એ વર્ગોમાં આરામ ફરમાવતી માયાળુ શિક્ષિકાઓ એકાએક વર્ગ ખાલી જોઈને પોતાના ગાડરડા શોધતી શોધતી સાહેબની ઓફિસે આવી પહોંચી.
આ બધું જોઈ, નરમ સ્વભાવના કનું બૂંહા એકાએક ગરમ થઈ ગયા.
"અલ્યા, આ શું માંડ્યું છે..? એક છોકરીને બોલાવી તો એની પાછળ આખી સ્કૂલ આવી પહોંચી. આમાં કેમ સંખ્યા વધશે. જાવ બધા અહીંથી ભાગો અને ક્લાસમાં જાવ ક્લાસમાં."
પેલા બે છોકરાઓએ પણ પોતાને ક્લાસમાં જવાનો આદેશ મળેલો જાણી લીતાને પડતી મૂકી. પોતાના વર્ગના બાળકો બીજા વર્ગના બાળકો જોડે મિક્સ થઈ ગયા હોવાથી પેલી માયાળુ શિક્ષિકાઓએ પણ સાહેબના ડરથી પોતપોતાની સિસોટીઓ મારી.
કનું સાહેબની ઓફીસ આગળ મચેલું આ ઘમાસાણ શાંત થયું ત્યારે કનું સાહેબ ઓફિસમાં એકલા જ હતા. પટ્ટાવાળો ચમન હાથ પર પાટો બાંધીને સાહેબ સમક્ષ આવી ઉભો.
"શાબ્ય, સા લીયાવું ?"
ચમનને ચા પીવાની ઈચ્છા થાય એટલે એ તરત જ સાહેબ માટે ચા લઈ આવતો. અત્યારે એનો હાથ પેલી છોકરીએ કરડી ખાધો હોવાથી એની ચા પીવાની તલપ એકાએક વધી ગઈ હતી.
ચાનું નામ પડતા જ સાહેબના મો પર પાણીમાં કાંકરી પડતા ઉઠતા વમળ જેવા સ્મિતની લહેરખી ઉઠી.એ જોઈ ચમન ચા લેવા ઉપડી ગયો.
બરાબર એ જ વખતે કચેરીમાંથી આંકડાકીય માહિતી શા માટે મોકલવામાં આવી નથી એ પૂછપરછ માટેનો ફોન આવ્યો.
દરેક ધોરણમાં મોકલવા લાયક આંકડા ન હોવાથી સાહેબ આ માહિતી આપવામાં મોડા પડતા હતા.એટલે ડી.ઈ.ઓ.ઓફિસનો ક્લાર્ક દર વખતે બૂંહા સાહેબને સ્કૂલ બંધ કરી દેવાની માથામાં વાગે એવી કડક સૂચના આપતો હતો.
"હાજી સાહેબ,જી સાહેબ હવે લેટ નહીં થાય.અમે લોકો અભ્યાસ પરત્વે દિલ દઈને ધ્યાન આપતા હોઈ ટેબલવર્કમાં ઢીલ થઈ ગઈ છે.પણ હું આવું ન થાય એ માટે સતત પ્રયત્નશીલ છું.જી જી,જી સાહેબ." કહી કનુભાઈએ ફોન મુક્યો.ત્યાં જ ચમન ચા લઈને આવી પહોંચ્યો.
સાહેબે ચાનો પહેલો ઘૂંટ ભર્યો એ જ વખતે શાળાના ગેટ પર લોટવાળુ દંપતી ભડકેલા ઢોરની માફક દોડી આવતું જણાયું. સાહેબને તરત ખ્યાલ આવ્યો કે આ બધી માથાકૂટમાં મુખ્ય મુદ્દા જેવી લીતાના કેસમાં તો લાલ લીટી જ લાગી ગઈ હતી.
"અરે..આવો આવો મિ. લોટવાળા, ચમન પાણી લાવ.અને પછી ચા લાવ.."
પોતાના ભાગની ચાનો ભોગ લાગી જવાના ડરથી ચમને જલ્દી જવાબ આપવાને બદલે જલ્દી ઘૂંટડો ભર્યો.ચા ગરમ હોવાથી એ દાજયો.એક તો હાથ પેલી ગલુડીયા જેવી છોકરીએ કરડી ખાધો હતો. હવે શાંતિથી પોતાના માટે સ્પેશિયલ અને સાહેબ માટે ચાલું ચા લાવીને એ ચાની મજા લેવા બેઠો હતો.ત્યાં જ એ ગલુડીયાના માબાપ પોતાની ચા છીનવી લેવા આવી ચડ્યા હતા.
"ચમના..આ..આ..ક્યાં મરી ગયો સાલો.." સાહેબને ખ્યાલ આવ્યો હતો કે નક્કી કંઇક ગરબડ થઈ છે. લીતાના વાલી સજોડે પધાર્યા હોવાથી જે સીન થવાનો હતો એનો અંદાજ એમને કદાચ આવી ગયો હતો.
"તમાડા ચા પાની ની પીવા. અમાડા કાલજા ના કટકા જેવી પોયડી રડતી રડતી એકલી ઘડ હુંધી પોચી જ કેમ ? રસ્ટામાં એનું અકસ્માટ ઠેઈ ગયું હોટે ટો ? કોઈ એને ઉઠાવી જટે ટો ? કોઈ ટ્રકવાડાએ કચડી કાધી હોટે ટો ? કોઈએ કિડનેપ કડર્યું હોટે ટો..? કોઈ કાડ નીચે આવી જટે ટો ? કૂતડું બી કયડી શકટુ ઉટું. ગટડમાં બી પડી જટી ટો..?" શાલુએ એકની એક સંભવિત ઘટનાઓ અલગ અલગ રીતે રજૂ કરીને કેટલાય અણીયાળા સવાલોના ભાલા ઘોંચી દીધા.એને એમ હતું કે કનું સાહેબ તરત હોંચી હોંચી કરવા લાગશે. પણ એના છ ''ટો'' માંથી એકેયનો જવાબ કનું સાહેબે જવાબ ન આપ્યો.
શાલુ સાતમાં 'ટો' ને જન્મ આપે એ પહેલાં લાલુના તીખાતમતમતા અને સણસણતા સવાલો શરૂ થયા..
"આટલી બેદડકાડી ટમે લોકો રાખટા છો એમ ? ચાલુ શાડાએ બચ્ચું નીકડી ગયેલું મલે એમ ? છટાં બી ટમને લોકોને તો ખ્યાલ બી છે નઠ્ઠી એમ ? બચ્ચાઓની સલામટી ટમારી આ ભંગાડ નિશાડમાં સેજ બી જડવાટી ની મલે એમ ? બોલો..ઓ...ઓ..
માડી લલીટા તમાડી જાન બહાડ ઘેડ પોંચી જ કેમ..?" કહી લાલુએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો.
કનું સાહેબના હાથમાંથી કપ ઉછળીને ટેબલ પર પડ્યો. સાહેબના ગળામાંથી રાડ નીકળી ગઈ..
"ચમના...આ..આ..."
ચમન પોતાની સ્પેશિયલ ચાને ઠારીને છેલ્લો ઘૂંટ મારી રહ્યો હતો.
છેલ્લો સબડકો મારીને છેક તળિયા સુધીની ચાને પોતાની જીભ પર ખેંચી લઈ એ દોડ્યો.
"જી શાબ્ય...."
"પેલી કરડકણી ક્યાં મરી ગઈ ? આ લોકોને મારે શું જવાબ દેવો ? નાલાયક તું શું કરતો હતો ? તને હજાર વાર કહ્યું છે કે ગેટ બંધ રાખ. પણ સાલ્લા તું સુધરતો જ નથી.અત્યારે ને અત્યારે ચાલ્યો જા.તને નોકરીમાંથી છુટ્ટો કરું છું.
જા તારું ડાચુ લઈને મારી નજર સામેથી અદ્રશ્ય થઈ જા.નાલાયક,
ઈ છોડીને કોઈ ઉઠાવી ગયું હોત ટો ? કોઈ ટ્રક નીચે કચરાઈ ગઈ હોત ટો ? એને કોઈ કિડનેપ કરી ગયું હોત ટો ? એને કૂતરું કરડી ગયું હોત ટો ?" પછીના 'ટો' યાદ ન આવતા કનુ સાહેબે શાલુ સામે જોઈને પૂછ્યું, "હા, તો વ્હાલી.. અરે સોરી વાલીશ્રી આટલા જ 'ટો' હતા કે ? એમ કરો બાકીના 'ટો' તમે જ આ ચમનાને ચોપડી દો. સાલો મારુ મોત કરાવશે. ક્યાંથી આવા ને આવા પટ્ટાવાળા પેદા થાય છે..!''
પછી તરત ચમન સામે જોઈને ફરી બરાડો પાડ્યો..
"આમ મીંદડાની જેમ તાકી શું રહ્યો છો.અહીં પોતું માર.તારી ડોહી ચા ઢોળાઈ ગઈ.આ તો ઠીક છે ઘેર પહોંચી ગઈ,નહીંતર નવી ક્યાંથી લાવી આપત.છોકરા કંઈ દુકાને નથી મળતા હમજ્યો ?"
"જી શાબ્ય."કહી ચમન પોતું લેવા ભાગ્યો.
"એમ ની ચાલહે; અમાડી પોયરી મડી નઠ્ઠી ગેઈ હમજયા ? એની સલામટીનું હું ?" લાલુએ પોતાનો રાગ ફરી અલાપ્યો..
"જુઓ, આમ ગરમ થવાથી જે થઈ ગયું છે એ નહીં થયેલું આપણે કરી શકીશું નહીં. ખુદાનો શુક્ર છે, ભગવાનનો પાડ છે અને ઇસુનો ઉપકાર છે,તેથી આપણી બેબી સહી સલામત ઘેર પહોંચી છે.કારણ કે એ ખૂબ પહોંચેલી માયા છે. આપણી બેબીએ એની નાની કાયાથી અમારા બે માયાળુ શિક્ષિકાઓ અને આ ચમનના હાથ ખાયા છે.હવે આપણી બેબી માટે ચિંતા ન કરો. આપણી બેબી...." સાહેબે શાલુ સામે જોઈને સ્મિતવદને કહ્યું.
"એ બેબી અમાડી છે.આપની ની મલે. ક્યાડના ટમે આપની બેબી આપની બેબી ચોટેલા મલે.અમે ટો આવી ભંગાડ સ્કૂલમાં એક ડીવસ હો ની મૂકીએ.પન હું ઠાય ટમે આખા વડસની ફી લેઈ લીઢેલી મલે.." શાલુ ખિજાઈ ગઈ.
કનું સાહેબને સંખ્યા વધારવાની લ્હાયમાં થઈ ગયેલો ખોટનો સોદો સુધારી લેવાની તક દેખાઈ ગઈ.તરત જ એ તક ઝડપી લેતા એ ઓચર્યા..
"જુઓ,આપણી અરે સોરી અમારી.ના ના તમારી બેબીને તમો આવી ભંગાર શાળામાં શા માટે ભણાવવા માંગો છો હેં ? અમારી શાળા ભંગાર, અમારો આ પટ્ટાવાળો ચમન ભંગાર, અમારા માયાળુ શિક્ષકો ભંગાર.."
ભંગારની યાદીમાંથી પોતાને બાકાત રાખીને એમણે શાલુના નમણાં ચહેરા તરફ મોં લંબાવીને ઉમેર્યું,
"અત્યંત ખેદ પૂર્વક મારે જણાવવું પડી રહ્યું છે કે હું તમને આવનારી પાંચ દસ મિનિટમાં જ આપણી, અરે સોરી આપની બેબી, શું છે કે હું મારી સ્કૂલના બધા બાળકોને મારા બાળકો જેટલો જ પ્રેમ આપતો હોવાથી અને તમારા જેવા વાલી સાથે આપણાપણું અનુભવતો હોવાથી આપણું કહેવાઈ જાય છે. હા તો હું શું કહેતો હતો ?" કનું શાલું સામે એકધારું જોઈ રહ્યો હોવાથી એનું મન બીજા વિચારે ચડી જતા એ મૂળ મુદ્દો ભૂલી ગયો !
"ટમે માડી તડફ જોઈને પન વાટ કડી શકટા છો.મેં બી લલીટાનો વાલી જ છું. ટમે આ તડફ ઢીયાન ડેવની." લાલુ લોટવાળો પણ હવે ગુસ્સે થઈ રહ્યો હતો.
"શાબ્ય, તમે આવનારી પાંસ દહ મિલેટનું કાંક કેતા'તા.." ટેબલ પર પોતું મારતા ચમને કનુસાહેબને યાદ કરાવ્યું.
"અરે હાં હાં. જુઓ તમને લોકોને હું સખેદ જણાવી રહ્યો છું કે તમારે લોકોને હવે પછી અમારી આ ભંગાર શાળામાં ફરી પગ નહીં મુકવો પડે. હું એડમિશન કેન્સલ થઈ ગયેલું જાહેર કરું છું.તમે ભરેલી ફીમાંથી ખર્ચ બાદ કરીને સો બસો રૂપિયા અને એલ.સી. તમને પરત મળી જશે !"
"એવું કેમનું ચાલહે ? ભૂલ તમાડી છે.એવી રીટે એડમિશન કેન્સલ ની ઠહે." લાલુને એકદમ ધ્રાસકો પડ્યો કે હવે ક્યાં જશું !
"તમારી છોડીને હડકવાનું ઈંજીસન મરાયું'તું ? " ટેબલ પર હજી પોતું મારી રહેલા ચમને એકાએક લાલુને પૂછયું.
"ટું ટારું કામ કડ ને ભાઈ..ટું માટ્ડ પ્યુન છે. ટાડું કામ કચડા પોટા કડવાનું મલે, હમજ્યો કે ?" લોટવાલો ખિજાયો.
"એ સમજી ગયો છે, ચમન તારે હવે નોકરી છોડવાની જરૂર નથી.
આ વાલી કહે છે કે આપણી સ્કૂલ ભંગાર છે ! જે વાલીઓને આપણી શાળા માટે આવો શબ્દ સુજે એમના બાળકોને આપણે ભણાવી શકીએ નહીં. જા તું ફક્ત મારા માટે ચા લઈ આવ અને ક્લાર્કને કહે કે લીતાનું એલસી પાછું આપી દે." કનું સાહેબે 'ફક્ત' શબ્દ પર ભાર આપીને કહ્યું.
"અડે....અડે....માડી વાટ ટો હાંભલી લેવ.અમે તો માટ્ડ ફડીયાડ કડવા આવેલા ઉટા." લાલુ લોટવાલો કરગરી પડ્યો.
"પણ તમે અમારી આ નાનકડી સ્કૂલને ભંગાર કીધી. અમારા આ ચમનને ભંગાર કીધો.અમારા માયાળુ શિક્ષિકાઓને બી ભંગાર કીધા.અને મનમાં મને પણ કહ્યું જ હશે ને..!" કનું સાહેબના હાથમાં હવે દાવ આવી ગયો હતો.
"ટમે તો ખુબ સડ્સ નેચડ ઢડાવટા છો.અમે ટમને કશું જ કિઢેલું ની મલે.પ્લીઝ, એડમીશન કેન્સલ ની કડો પ્લીઝ !" શાલુએ કનું સાહેબને વિનવતા બે હાથ જોડ્યા.
"હવે હાથ જોડ્યા છે તો સાથ પણ આપવો પડશે.કેમ કે એ છોકરી બટાકા ભરી લે છે.તમારા સાથ વગર હું એકલે હાથે એને સુધારી નહીં શકું." કનુસાહેબે ઢીલા પડતા કહ્યું.કારણ કે એને પણ સંખ્યા ઘટે એ પોસાય તેમ ન્હોતું.
"શાબ્ય, બટાકા નઈ, બટક્યા ભરી લેય સે બટક્યા..!" ચમન પણ આ કેસમાં ઊંડો રસ લઈ રહ્યો હતો..
"તું તારું કામ કર ને ભાઈ.જા આમ તાસ બદલવાનો બેલ માર. હવે આ વહાલી માટે પણ ચા લઈ આવ.આપણે વધુ એક ઉપકાર કરવો જ રહયો..!'' કનુએ શાલું તરફ જોઈને 'વાલી'નું 'વ્હાલી' કરી નાખ્યું તો પણ એડમિશન કેન્સલ થવાની બીકે, શાલું કંઈ બોલી નહિ.
ચમન બેલ મારીને ચા લઈ આવ્યો.કનું બૂંહાએ ચા પાઈને ચાહ વધારી.લાલુ અને શાલું લોટવાલાએ બીજા દિવસથી થોડી શિખામણ આપીને લાડકી લીતાને સ્કૂલે મોકલવા માંડી.
માયાળુ શિક્ષકો, લીતાને ખાસ વતાવતા નથી. કારણ કે એ ક્યારે બચકું ભરી લે એ નક્કી નથી હોતું.
કનું બૂંહા 'આપણી બેબી'ના વિકાસ માટેની ચર્ચાઓ કરવા વ્હાલી વાલી શાલુને અવારનવાર ફોન કર્યા કરે છે.પણ શાલુને બદલે ચર્ચા કરવા લાલુને આવતો જોઈ કનું સ્કૂલમાં રાઉન્ડ મારવા ચાલ્યો જાય છે.
પટ્ટાવાળો ચમન લાલુને જવાબ આપે છે કે "શાબ્ય તો હમણાં જ વયા ગિયા.તમે જરીક મોડા પડ્યા, હવે કાલ્ય આવજો.અને તમને ટાઈમ નો મળે ઈમ હોય તો સોડીની માને જ મેકલજો.કારણ કે તો જ વિકાસ થાય ઈમ સે !''
લાલુ લોટવાળો મનોમન કનું બૂંહાને 'સ્કૂલ બી ભંગાડ મલે અને સંચાલક બી ભંગાડ જ મલે ! ક્યાંક બીજે એડમિશન મલે તો અહીં એકદાડો પન લીતાને ની ભનાવવા..!'' એમ બબડીને ચાલ્યો જાય છે.
---*----