દાદાના ચરણોમાં નમી ત્યારે દાદાએ ખૂબ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. મારી આંખમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. દાદાએ મને ખાલી થઈ જવા દીધી, જ્યાં સુધી મેં મારી જાતે માથું ન ઊંચક્યું ત્યાં સુધી. હું શાંત પડી. આંસુ લૂછી હું સ્વસ્થ થઈ. દાદાની સામે જોયું. દાદાની આંખમાં પ્રેમ જ પ્રેમ છલકાતો જોયો.
‘સંયુક્તા, આજે જે આપણી વાત થઈ એને રોજ વાગોળજે. જ્યારે જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે ખાસ. એ તને બળ આપશે. ધીમે ધીમે તારો અચકાટ ઓછો થતો જશે.’
‘હા દાદા. પણ છતાં હું ઢીલી પડું તો તમે મારી જોડે રહેજો.’
‘અમે તારી સાથે જ છીએ. અમારી હજી એક વાત માનીશ?’
‘શું દાદા?’
‘મમ્મી-પપ્પા કહે છે એ પ્રમાણે ડોક્ટરની દવા શરૂ કર ને.’
હું કંઈ બોલી નહીં.
‘ડોક્ટરની દવા અને અમારી દુઆ, બંને ભેગા મળીને કામ કરશે.’
કોણ જાણે કેમ પણ મારું મન તરત માની ગયું.
‘સારું દાદા.’
હું ફરી દાદાને પગે લાગી. દાદાએ આશીર્વાદ આપ્યા. આ વખતે મારા મોઢા પર હળવાશ હતી. બોજો જાણે બાષ્પીભવન ન થઈ ગયો હોય! આને જાદુ કહેવો કે ચમત્કાર!
હું રૂમમાંથી બહાર આવી. મમ્મી અને પારૂલ આન્ટી કાનનબેન સાથે વાતો કરી રહ્યા હતા. મને જોઈને તેઓની આંખો મારા ચહેરા પર સ્થિર થઈ. તેઓ તાગ લગાવી રહ્યા હતા કે હું કેમ છું!
પણ કહે છે ને કે ‘મા એ મા.’ મને જોતા જ એના મોઢા પર પણ ખુશી છવાઈ ગઈ. એ તરત જ ઊઠીને મને વળગી પડી.
‘સંયુ... મારી દીકરી...’
‘મમ્મી, મને ઘણું સારું લાગ્યું.’
આ સાંભળીને પારૂલ આન્ટીએ પણ નિરાંતનો શ્વાસ લીધો.
‘આવો, તમે દાદાના આશીર્વાદ લઈ લો.’ કાનનબેને મમ્મીને કહ્યું.
હું, મમ્મી અને આન્ટી ત્રણેય દાદાના દર્શન કરવા અંદર ગયા.
‘જય સચ્ચિદાનંદ, રશ્મિબેન.’
‘જય સચ્ચિદાનંદ, દાદા.’
‘તમે મજામાં છો ને?’
‘હા દાદા. સંયુક્તાને જોઈને મને પણ શાંતિ થઈ ગઈ.’
‘બધું સારું થઈ જશે હં. એને થોડી ડોક્ટરની દવા પણ શરૂ કરજો ને.’
‘પણ એ...’
‘એ લેશે.’ કહી દાદાએ મારી સામે જોયું.
મેં હકારમાં માથું હલાવ્યું.
મમ્મી તો મારામાં આ અકલ્પનીય ફેરફાર જોઈને આભી જ બની ગઈ.
એની આંખો રડું રડું થઈ ગઈ. દાદા માટેનો અહોભાવ આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો, પણ એને વ્યક્ત કરવા ફાવતું નહોતું.
‘દાદા...’ એ એટલું જ બોલી શકી.
‘રશ્મિબેન, તમારી દીકરી હવે ખરી સુંદરતા પ્રાપ્ત કરવાની છે. એના માટે એને તમારો સપોર્ટ જોઈશે.’
‘હા, હા, ચોક્કસ.’
દાદાએ પારૂલ આન્ટી સાથે થોડી વાતો કરી અને અમે ત્રણેય ત્યાંથી નીકળ્યા.
મમ્મીએ રોનકને ડોક્ટર સંબંધી વાત કરી અને રોનકે પપ્પાને અને દાદીને. ઘરમાં બધા ખુશ હતા. મારી ડોક્ટરની દવા શરૂ થઈ.
દાદાની દુઆ અને ડોક્ટરની દવા!
હું ખરેખર સ્વસ્થ થવા લાગી, તનથી અને મનથી, બંનેથી! દાદાએ કહેલી વાતો હું રોજ યાદ કરતી. એ મારામાં વિટામિન જેવું કામ કરતું.
ધીમે ધીમે મેં બહાર જવાની હિંમત કરી. હિંમત સાથે બેચેની પણ હતી. શરૂઆતમાં તો હું બિલ્ડિંગમાં જ નીચે ઊતરીને ઉપર આવી ગઈ. બહાર વધારે રહેવાની હિંમત ન ચાલી. ગભરાટમાં મારા ધબકારા વધી જતા. ઘરે આવીને આંખો બંધ કરીને હું થોડીવાર બેસતી અને દાદાની વાત યાદ કરતી. પાછી હિંમત આવતી. આમ થોડા દિવસો પસાર થયા.
એક દિવસ મેં નક્કી કર્યું કે દાદાને મળવા જવાથી જ હું એકલી બહાર નીકળવાની શરૂઆત કરું. અને હું નીકળી. મમ્મી, દાદી અને રોનક તો મને જોઈ જ રહ્યા!
દાદા પાસે પહોંચતા સુધીમાં તો હું પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. ઉતાવળા પગલે રૂમ સુધી ગઈ. દરવાજા પાસેથી જ દાદાને જોતા મારી સાથે સાથે હૃદયની ચાલવાની સ્પીડ પણ આપોઆપ નોર્મલ થઈ ગઈ. એમને જોતા જ ઠંડક થઈ ગઈ. ધીમા પગલે હું રૂમમાં પ્રવેશી. એમની સામે મર્યાદા અને વિનય આપોઆપ આવી જ જાય એવો ગજબનો એમનો પ્રભાવ હતો.
‘જય સચ્ચિદાનંદ, દાદા.’ મેં કહ્યું.
‘જય સચ્ચિદાનંદ. બધું સચ્ચિદાનંદ છે ને?’
‘હા દાદા.’
‘તો હવે તારા ભોગવટા ઓછા થયા?’
‘આમ તો તમારી પાસેથી જે સમજણ મળી છે, તે યાદ રહે છે. એનાથી ઘણો ફરક લાગે છે, દાદા. પણ ઘણીવાર હજી અંદર અસર ઊભી થઈ જાય.’
‘એમ? શું થાય?’
‘દાદા, જ્યારે પણ ઘરની બહાર નીકળું ત્યારે લોકોની અચંબાવાળી નજર મારા પર સ્થિર થઈ જાય છે. પહેલા જેટલી અસર તો નથી થતી. છતાં ક્યારેક કોઈ વધારે સમય સુધી ઘૂરીને જુએ તો ઓકવર્ડ ફીલ થાય.’
‘એ વખતે તું શું કરે?’
‘તમારી વાત યાદ આવી જાય તો થોડું નોર્મલ થઈ જવાય. પણ ઘણીવાર સામી વ્યક્તિનું વર્તન વધારે ના ગમતું લાગે તો બધું ભૂલી જઉં છું.’
‘પહેલા કરતા તો સારું રહે છે ને?’
‘હા દાદા. પહેલા તો સાવ ખરાબ હાલત હતી. આપ તો જાણો જ છો ને.’
‘બીજું શું શું થાય?’ દાદાને મારી અંદરની સ્થિતિ આરપાર દેખાતી હોય એમ જાણી ગયા કે મારી ગૂંગળામણ હજી પૂરી ખાલી થઈ નથી.
દાદાને બધું સાચું કહીશ તો દાદાને કેવું લાગશે કે મને હજી પણ આ બધું થાય છે. એ વિચારે મેં એકવારમાં એમને બધું ના કહ્યું પણ દાદાએ મને પકડી પાડી.
‘હું હજી પણ લોકો સાથે દૃષ્ટિ મિલાવી નથી શકતી. હું ટ્રાય કરું કે આ બધા લોકોથી મારે ડરવાની કે નાનપ અનુભવવાની કોઈ જરૂર નથી તો પણ...’
‘કંઈ વાંધો નહીં. આપણે અહંકારે કરીને નહીં, પણ સમજણ ગોઠવીને આમાંથી બહાર નીકળવાનું છે. જેમ જેમ તને ઊંડાણમાં સમજાતું જશે, તેમ તેમ બધું બરાબર થઈ જશે હું.’ દાદાએ પ્રેમથી મને કહ્યું.
એમનો એ પ્રેમ જોઈને મને રાહત થઈ ગઈ. દાદા મારા માટે હવે પરિચિત હતા. મને એમની સાથે વાત કરવામાં જે થોડો સંકોચ રહેતો હતો તે પણ તેમની કરુણાથી નીકળવા લાગ્યો.
‘હા દાદા. હજી બધા જેવો કોન્ફિડન્સ નથી લાવી શકતી.’
‘એ કોન્ફિડન્સ લાવવાનો નથી. તારી સમજણ બદલાશે એના પરિણામે આપોઆપ કોન્ફિડન્સ આવી જશે. અહંકારથી આવેલો કોન્ફિડન્સ ક્યારે ડિપ્રેશનમાં જતો રહે એ કહેવાય નહીં.’
દાદાના આ વાક્યથી મને મારી વિગના કારણે આવેલું એલિવેશન અને તે પછીના ડિપ્રેશનનો પ્રસંગ એકદમ તાજો થઈ ગયો. દાદાની વાતો ગળે ઊતરવા લાગી. કારણ કે, સાંભળતા જ પોતાની થયેલી ભૂલો તાદ્રશ દેખાવા લાગી અને ત્યાં ને ત્યાં જ સમાધાન થઈ ગયું...
‘તારી દૃષ્ટિ જે આખો દિવસ સંયુક્તાના બાહ્ય દેખાવ પર, વિનાશી સ્વરૂપ ૫૨ સિમિત થઈ જાય છે તે જ દૃષ્ટિને તું પોતાના અસલ અવિનાશી સ્વરૂપ પર ગોઠવ.’ દાદાએ કહ્યું.
‘એટલે? કંઈ સમજાયું નહીં.’
આ દેહ તો નિરંતર પરિવર્તનશીલ છે. બાળપણમાં જેવો હોય એવો યુવાનીમાં ના રહે અને યુવાનીમાં હોય એવો ઘડપણમાં ના રહે. મૃત્યુ વખતે પણ બદલાય. મર્યા પછી લોકો બાળી મૂકે તો પછી જ્યારે જીવતો હતો ત્યારે કોની હાજરીથી તેનામાં ચેતના હતી? જે દેહના આધારે બધા સંબંધો હતા તે બધા જ મરતાની સાથે જ પૂરા થઈ જાય છે. તો પછી એમાં આપણે મૂળ કોણ? એવું વિચાર્યું છે કદી?’
‘ના દાદા.’
‘આપણા બધાની અંદર જે આત્મા છે તે જ મૂળ તત્ત્વ છે અને તે જ પરમાત્મા છે. એ જ તારું સાચું સ્વરૂપ છે. એને લોકો જોઈ શકતા જ નથી. જે જુએ છે એ તો બહારના પેકિંગને જુએ છે. એ તો કોઈનું રૂપાળું હોય તો કોઈનું કદરૂપું. પણ અંદર જે આત્મા છે તે જ સાચો માલ છે. એના નીકળી ગયા પછી શરીરને કોઈ સંઘરી રાખતું નથી. એ તો મૂકી આવે તરત જ સ્મશાનમાં. એટલે આ પેકિંગની કોઈ વેલ્યૂ નથી આત્મા સામે. પણ કળિયુગમાં લોકોનો મોહ એટલો વધ્યો છે કે આને જ સર્વસ્વ માન્યું છે. આ જ હું છું અને આ બધું મારું જ છે. અધ્યાત્મની ભાષામાં વાસ્તવિકતા સાવ જુદી જ છે. સમજાય છે?’
‘હા, થોડું થોડું. આખી જિંદગી આ શરીરને જ પોતાનું સર્વસ્વ માનીને ચાલ્યા અને તેના કારણે જ આટલા ભયંકર ભોગવટા ભોગવ્યા છે. હવે સાચી કિંમત આત્માની છે એ સમજાય છે. દાદા, આજથી હું નિર્ભયપણે એકલી હરવા-ફરવાની શરૂઆત કરીશ.’
‘સરસ. અમારા આશીર્વાદ છે તને કે તું સુંદર જીવન જીવતી થઈ જઈશ.’ હું કંઈક બોલવા જતી હતી પણ એ પહેલા દાદા બોલ્યા...
‘અ... હ... વાળ સાથે નહીં, સાચી સમજણ સાથે.’ દાદાએ એમની પહેલી આંગળી ઊંચી કરીને મને હસતા હસતા ચેતવી.
હું ખડખડાટ હસી પડી.
‘દાદા, મને ક્યારેક વિશ્વાસ નથી થતો કે તમને મળ્યા પહેલા મારી જિંદગીમાં શું હતું અને આજે શું છે!!’
‘કેટલાય અવતારોનું પુણ્ય ટીપું ટીપું કરીને ભેગું કર્યું હોય ત્યારે આ ભવમાં જ્ઞાનીનો ભેટો થાય.’
એ દિવસે પહેલીવાર મને પોતાના ફૂટેલા ભાગ્ય પર ગર્વ થયો. હું દાદાના ચરણોમાં નમી પડી. દાદાએ આશીર્વાદ આપ્યા અને હું ત્યાંથી નકળી. અને એ દિવસથી ધીમે ધીમે હું નોર્માલિટી તરફ જવા લાગી. મીત મળ્યો તે દિવસે હું રોનક સાથે બિન્દાસ નાટક જોવા ગઈ હતી. એના પછી શું શું થયું એ તો તમે જાણો જ છો.
બધા મૌન હતા અને સ્વસ્થ પણ. છતાં કોઈ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા.
મેં મિરાજ તરફ જોઈને કહ્યું, ‘મિરાજ એક વાત યાદ રાખજે. આપણને એમ લાગે કે મેં બહુ સહન કર્યું છે. પણ આ જર્નીમાં આપણા પેરેન્ટ્સે આપણા કરતા પણ વધારે સહન કર્યું હોય છે.’
મિરાજની આંખો ઢળી પડી. જોયું તો એના મમ્મી-પપ્પાની આંખો પણ ઢળેલી જ હતી.
‘મિરાજ, તને યાદ છે? મેં તને કહ્યું હતું કે પરમ, નિખિલ, પ્રિયંકા... આ બધા તો નિમિત્ત કહેવાય.’
‘હા દીદી. એ લોકો તો જેવા છે એવા જ છે. પણ મને સારા-નરસાનો ફરક ન સમજાયો, એટલે હું મારી જાતને બદલવા ગયો અને એમાં ફસાયો. એમાં એમનો વાંક નથી.’
‘તારી સમજણ ખરેખર બહુ ડેવલપ થઈ ગઈ છે, મિરાજ. આઈ એમ હેપી ટૂ હિયર ધીસ ફ્રોમ યૂ.’
મિરાજના મોઢા પર સંતોષનું સ્માઈલ આવ્યું.
‘મિરાજ, જો તું એ લોકોને માફ કરી શકે તો તારા પેરેન્ટ્સને માફ ન કરી શકે?’ આ સાંભળી મિરાજ સડાક થઈ ગયો.
‘ભલે જમાના પ્રમાણે હવે વિચારશૈલી બદલાઈ હોય અને ક્રિકેટમાં પણ કરિઅર બનાવી શકાય. પણ ગમે એટલા જમાના બદલાય, એ સિદ્ધાંત ક્યારેય નહીં બદલાય કે મા-બાપને ક્યારેય દુઃખ ન અપાય. એમને સમજાવીને વાત કરાય. પણ જો મેળ ન બેસતો હોય તો તેઓ રાજી થાય એ રીતે રહેવું. એમાં પોતાનું સુખ જતું કરવું પડે તો એ કરીને પણ મા-બાપને પહેલા રાજી રાખવા. જે સુખ મેળવવા તે આટલા ફાંફાં માર્યા, એટલી મહેનત તે મમ્મી-પપ્પાને ખુશ રાખવામાં કરી હોત, તો તું એમ ને એમ સુખિયો થઈ ગયો હોત. તારી આ હાલત ન હોય. આખરે તેઓ મા-બાપ છે. અને કોઈ મા-બાપ એમના છોકરાંઓનું અહિત તો ન જ ઈચ્છે.’ મારો અવાજ થોડો સ્ટ્રોંગ હતો. પણ મને એ ખાતરી હતી કે હવે એ ભાંગી નહીં પડે.
‘મનમેળ વગર એક ઘરમાં સાથે રહેવામાં મુક્તતા કેવી રીતે લાગે?’ મારી નજર બધા તરફ ફરી. કોઈની પાસે જવાબ નહોતો.
‘શું થયું? અઘરું લાગે છે?’ ફરી મારી દ્રષ્ટિ મિરાજ પર સ્થિર થઈ.
મિરાજ એકીટસે મને જોઈ રહ્યો.
‘ક્યારેક તો માઉન્ટ એવરેસ્ટ ચઢવો પડશે ને?’ મારો અવાજ મૃદુ થવા લાગ્યો, ‘તું જ કહે, તું માંદો હતો ત્યારે કયા ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ કે વ્હોટ્સએપના ફ્રેન્ડ્સ કામમાં આવ્યા છે?’
‘કોઈ નહીં.’
‘ત્યારે તારા પેરેન્ટ્સ જ હતા ને તારી પાસે ને પાસે?’
મિરાજે માથું હલાવ્યું. એને એક પછી એક પ્રસંગો આંખ સામે આવવા લાગ્યા.
‘એટલે કંઈ પણ થાય, ઘરની બધી વ્યક્તિ એક તાંતણે બંધાયેલી હોવી જ જોઈએ. તું એ અનુભવ કરી તો જો.’
મિરાજ ઢીલો પડ્યો. મારી વાત એનું હૃદય પણ કબૂલ કરતું હતું. એની આંખોમાં પસ્તાવાના ભાવો ઊપસી આવ્યા. એ તરત ઊભો થયો અને એની મમ્મીના પગમાં પડ્યો. અચાનક આવું થવાથી અલ્કાબેન ડઘાઈ જ ગયા. તરત જ એમણે મિરાજને ઊભો કરી ગળે વળગાડી દીધો. તેઓ રડી પડ્યા. પછી મિરાજ પપ્પાના પગે પડ્યો. તેઓ ઊભા થઈને મિરાજને ભેટી પડ્યા. અલ્કાબેન સાડીના છેડાથી આંખો લૂછી રહ્યા હતા અને મિરાજના પપ્પા એમના ચશ્મા. મીત ગદ્ ગદ્ થઈ ગયો હતો. એ સામેથી ઊભો થઈને મિરાજને ભેટી પડ્યો. બંને ભાઈઓનું આ મિલન જોઈને મારી આંખો પણ ભરાઈ ગઈ.
ફાઈનલી મિરાજ મારી પાસે આવ્યો અને મને નમવા ગયો. મેં તરત એને રોકી લીધો અને હસતા હસતા મારો હાથ એની સામે લંબાવ્યો, ‘ગુડ લક મિરાજ. આઈ એમ પ્રાઉડ ઓફ યૂ.’ મિરાજે એની ભીની આંખો લૂછતા લૂછતા મારી સાથે હેન્ડ શેક કર્યું.
‘દીદી, એક લાસ્ટ ફેવર કરશો? મને દાદાના દર્શન કરવા છે. જેમણે મને જોયો નથી, છતાં મારા માટે સતત તમને માર્ગદર્શન આપી મારા પર આટલી બધી કૃપા કરી.’
‘હા, હા. અમારે પણ એમના દર્શન કરવા છે. જેમની કૃપાથી અમારા અંધારા ઘરમાં ફરી ઉજાસ થયો.’
‘ચોક્કસ લઈ જઈશ.’ મેં ખુશી ખુશી કહ્યું, ‘અત્યારે એ બહારગામ છે. મહિના પછી આવશે ત્યારે જઈશું.’
બધા ખુશ થઈ ગયા.
‘મિરાજ, તારી બર્થ ડે આવે છે ને? લે, આ મારા તરફથી નાનકડી ગિફ્ટ.’
‘કંઈ ફ્રેમ જેવું છે?’ એણે આતુરતાથી ગિફ્ટ રેપર ખોલવા માંડ્યું.
‘કરેક્ટ.’ એણે રેપર ખોલીને ફ્રેમમાં લખેલા શબ્દો વાંચ્યા.
‘I never lose. I either win or learn.’
- Nelson Mandela
‘આજ પછી જીવનમાં ગમે તેવા કસોટીના પ્રસંગો આવે પણ તારે સ્ટ્રોંગ અને પોઝિટીવ જ રહેવાનું છે. પ્રોમિસ આપ.’
એણે મને ખુશી ખુશી પ્રોમિસ આપ્યું.
બસ આ હતી મારી મિરાજના વેલ વિશર તરીકેની આખરી મુલાકાત. ત્યાર પછી અમે મળ્યા નથી. મીત પાસેથી એના રિપોર્ટ મળી જાય છે. એના ઘરમાં બધું ઓલરાઈટ થઈ ગયું છે. ક્યારેક તણખા ઝરે પણ થોડીવારમાં બધું સોલ્યુશન આવી જાય છે. તણખા તો ઝરે, પણ પછી તરત પાણી છાંટતા આવડી જવું જોઈએ ને.
મને ખૂબ સંતોષ છે. દાદાએ મને જે નવજીવન આપ્યું એનો બદલો તો હું વાળી શકું એમ નથી. પણ મારા જેવા એકને સવળે વાળી મેં મારા જીવનને સાર્થક કર્યું.
હા...
હું સંયુક્તા...
તમારી જ મિત્ર...
તમારો જ પડછાયો...
તમે તમારામાં મને અથવા મિરાજને ક્યાંક ને ક્યાંક અદ્રશ્ય જોશો જ...
હવે તો તમે મને બહુ સારી રીતે ઓળખો છો. તેથી તમારામાં છૂપાયેલી મારી છબીને પણ સહેલાઈથી ઓળખી શકશો.
જીવનના વિવિધ પાસાઓમાં અટવાઈ જતા હું અને તમે, નજીવી અણસમજણના કારણે, અકારણ હોઠ અને આંખોને ન હસવાની ઉંમરકેદની સજા આપી દેતા હોઈએ છીએ.
આવો, આજે સાચી સમજણ પકડીને મુક્ત મને હસીએ અને જીવનને પૂર્ણપણે જીવીએ.