"આહા! તમે આ કુંડામાં શું વાવ્યું!?... કોણ મહેનત કરે? અમે તો બધું ખરીદી લઈએ. જેની પાસે પૈસા હોય એજ ખરીદી શકે હો!... આવડી મહેનત હું ન કરું!!!... કોણ સમય બગાડે!?
ઝંખના પોતાના અગાસીમાં બનાવેલા નાનકડા શાકભાજીના બગીચામાંથી થોડું શાક તોડી નીચે લઈ આવતાં હતાં. બાજુમાં રહેતાં તેમના પાડોશી અમૃતા બહેન તેમના હાથમાં શાક જોઈ બોલી પડ્યાં. અમૃતા બહેન અને ઝંખના બહેનની અગાસીઓ જોડાયેલી હતી. એક બીજાની અગાસીમાં આરામથી જઈ આવી શકાય. પગથિયાં પણ એક જ બાજુથી હતાં.
ઝંખના બહેન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. અને તેમના પતિ એક કંપનીમાં એકાઉન્ટન્ટ હતા. બાળકો બંને ભણવામાં ખૂબ હોશિયાર અને સંસ્કારી પણ. સામે અમૃતાબેનના પતિ બેંકમાં મેનેજર હતા. અમૃતાબેન પોતે તો કંઈ જોબ નહોતા કરતાં. પણ ઘર સાચવવામાં તેઓ ખૂબ નિપુણ હતા. ત્રણ કામવાળાને ઓર્ડર આપવો એ કંઈ ઓછું કામ ન હતું. બાળકો તેમના પણ ખુબ સરસ અને સંસ્કારી હતા.
ઝંખના બહેનને ગાર્ડનિંગનો શોખ હતો અને કોઈ સામાન્ય કે ફૂલોનો બગીચો કરવો પણ તેમને ગમતો હતો. પરંતુ તેમણે શાકભાજીને પોતાના ઘરમાં ઉછેર્યા હતા. જેથી તાજુ શાક મળી રહે. અને તેમના બાળકોમાં પણ ગાર્ડનની મહેનતની સમજ આવે. પણ બાજુમાં રહેતા અમૃતા બહેનને તેમનું આ રીતનું વર્તન ગમતું ન હતું. એટલે જ્યારે સમય મળે ત્યારે કોઈને કોઈ રીતે મેણાં મારી લેતા હતા. અવારનવાર સોસાયટી ઓફિસમાં નાની નાની ફરિયાદ ઝંખના બહેનના બગીચા વિરૂદ્ધ કરી ચૂક્યાં હતાં.
ક્યારેક શાક ઓછું ઉતરે કે ક્યારેક નાના આકારની શાકભાજી ઉગી જાય તો ચોક્કસ અમૃતા બહેન મજાક ઉડાડતાં.
કયારેય પણ કોઈ મહેમાન તેમના કે ઝંખના બહેનના ઘરે આવે તો ચોક્કસ કહેતાં 'અરે ઘરમાં જ શાકભાજી વાવ્યા છે ખરીદવાની ત્રેવડ નહીં ને જો પૈસા હોત તો લઈ શકત. હું તો આના કરતા સારા શાકભાજી લઈ આવું છું થોડા મોંઘા લેવાના એટલે સારું મળે એ તો કંજૂસ છે ગરીબ છે એટલે ઘરમાં જેવું મળે એવું વાવી નાખ્યું છે."
ઝંખના બહેન ક્યારેય પણ આ વાત સામે દલીલ રજૂ કરતા નહીં. તે હસતા અને સાંભળી લેતા. તેમને ખબર હતી કે સારા પાકની વચ્ચે ક્યારેક બિનજરૂરી ઘાસ ઉગી નીકળતું હોય છે. આવા ઘાસને બસ પાકને નુકસાન ન કરે એટલે દૂર કરી નખાતું હોય છે. પણ માણસને થોડી દૂર કરી શકાય. એટલે તે બધું જતું કરતાં. ઘણી વખત અમૃતા બહેનનું બોલવું મન પર લાગી આવતું પરંતુ ઝંખના બહેન ક્યારેય મન પર વાતને ટકવા દેતા નહીં.
ધીરે ધીરે ઝંખના બહેનનો આ બગીચો ફેમસ થઈ ગયો. પાંચથી દશ ઝાડમાંથી ટેરેસ ગાર્ડન તરીકે આજે પચાસ જેટલા ઝાડ વધી ગયા હતા. અને એમના સમાચાર છાપાંઓમાં પણ આવવા લાગ્યા હતા. તેમના વિદ્યાર્થીઓ તાલીમ લેવા પણ આવતા હતા.
આ બધા સામે પણ બાજુવાળા અમૃતા બહેન પોતાની વાત ચોક્કસ કરતાં. પોતાનું બજારમાંથી લાવેલ શાક ભાવના ટેગ સાથે બતાવી દેતા હતા. બાકીના પાડોશીઓ થોડી ઘણી અદેખાઈ કરતાં પણ તેમને આ કામ ગમતું પણ ખરું.
હમણાં હમણાં બનતું એવું કે ઝંખના બહેનની અગાસીમાંથી શાકનું હરણ થઈ જતું. હમણાં તેમના શાકનો પાક ઘણો ફૂલ્યો ફાલ્યો હતો. આગલી સાંજ સુધી શાક ને વ્યવસ્થિત જોઈને ગયેલાં ઝંખના બહેન સવારે શાક લેવા આવે ત્યારે ત્યાં એની ગેરહાજરી જોવા મળતી. કોણ આ હરણનું જવાબદાર તે કહેવું મુશ્કેલ હતું. કારણ પંદર ઘરોની અગાસી એક બીજા સાથે જોડાયેલી હતી. નાની નાની ભાજીઓ પણ લેવાઈ જતી.
હવે કોઈ રસ્તો કાઢવો જરૂરી એટલે રાતના બાર વાગ્યા સુધી ચોક્કી ગોઠવી. પણ કોઈ ફરક નહિ. આ વખતે વધારે શાકનું હરણ થયેલું. દસ લીંબુ ગાયબ, બાર તેર ટામેટા પાકા સાથે કાચા પણ,, ભડથાના રીંગણ તો હજી કળી માંથી બહાર આવીને હાથવેંત જેટલાં જ થયાં હતાં પણ એનું પણ હરણ થયેલું. ફણસી, કાકડી, ખીરાં કાકડી, દૂધી બધાં સાથે આ દુર્ઘટના બની હતી.
બધું સહી લેતું ઝંખના બહેનનું પરિવાર તેમની મહેનતની આ અવદશા સહન ન કરી શક્યું. પહેલાં અપહરણ કર્તાને પકડવાનું નક્કી કર્યું. ચોકકી કરવા માટે આધુનિક સાધનનો ઉપયોગ કર્યો. અને આ ઉપયોગની જાણ કોઈને થવા દીધી નહિ. બે દિવસ તો ચોરી થવા દીધી અને એનું પ્રૂફ પણ સાચવી લીધું.
આ પ્લાન્ટ સાચવવાના બહાને અને પાડોશીઓને પડતી મુશ્કેલીના હલને હાજર કરતાં અગાસીમાં રેલીંગ બે ઘરની વચ્ચેની દીવાલ પાસે ઊંચી લોખંડની જાળી વાળી બાઉંન્ડ્રી બનાવી દીધી. અને જેના માટે અમૃતા બહેનનો જીવ ખૂબ બળ્યો.
"અરે તમે આ શું કરી નાખ્યું. આવી મૂર્ખાઈ કોઈ કરતું હશે!? તમે તો ભારી કરી. તમે જે જાળી લગાવી છે એને કારણે અમારી અગાસી નબળી પડી ગઈ છે હવે વરસાદનું પાણી અમારા ઘરમાં આવશે."
"ચિંતા નહિ અમૃતા આ જાળી જ ફોલ્ડિંગ છે એને માત્ર સ્ટેન્ડમાં ગોઠવવાની હોય છે. જમીન કે અગાસીના ફ્લોર પર નહિ. એટલે અમને અને તમને કોઈ નુકસાન નથી. સોસાયટીના સભ્યો ને પહેલેથી જાણ કરાઈ ગઈ છે. અને આ અમારું ટેનામેંટ છે. તો અમે કરી શકીએ."
"હું નહિ ચલાવું... આવા વાહિયાત કામ તમારા મગજમાં જ આવે. હું હમણાં જ તમારી ફરિયાદ..."
"અરે તમે પેલાં જાળી ના વીડિયો તો જોઈ લ્યો."
અમૃતા બહેને પોતાના મોબાઈલમાં એક વીડિયો બતાવ્યો. જાળી જોવાની લાલચે અમૃતા બહેને વિડિયો જોયો. પણ તેમાં તો શાકના હરણ કરતાની કરતૂતો હતી. વિડિયો જોઈ એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનાં ઘરમાં જતાં રહ્યાં. ઝંખના બહેન શાકના હરણ કરનારને પાઠ ભણાવ્યાની ખુશીમાં ભાડથાના રીંગણને હાથમાં રમાડતાં મલકાતાં પોતાના રસોડામાં પહોંચી ગયાં.