Talash 3 - 27 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 27

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 27

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"મારા કારણે એક નિર્દોષ, જવાન, કુંવારી છોકરીને એક રાજાની વાસનાનો ભોગ 10-12 દિવસ બનવું પડ્યું. 10-12 દિવસ એટલા માટેકે એને આત્મ હત્યાનો કોઈ મોકો જ મળ્યો ન હતો. એટલા દિવસ સતત કોઈને કોઈ દાસી સેવક, કે માં સાહેબ કે દાદી સાહેબ ત્યાં હાજર જ રહેતા હતા. પણ એક દિવસ બધા આઘાપાછા હતા કે તરત જ, એ છોકરી રંગ મહેલની છજા પર પહોંચી ગઈ અને ત્યાંથી ભુસ્કો મારી દીધો. એની કમર ભાંગી ગઈ એનો એક હાથ સાવ ઉલટો થઇ ગયો બધી તરત જ ભેગા થયા રાજ વૈદ્ય ને બોલાવ્યા, પણ એ ન બચી એની આબરૂ લૂંટાઈ પછી એને જીવવું જ ન હતું. લગભગ 7-8 કલાક રિબાઈ ને એને દમ તોડી દીધો, જેલમાં રહેલા એના બાપને એનું મોઢું આખર વાર જોવા પણ ન મળ્યું. રાજ મહેલના પ્રાંગણમાં જ એને સળગાવી દેવાઈ, અને ગામમાં તો દસ દિવસ પહેલા જ અફવા ઉડાવી દેવાઈ હતી કે એ જવાન થયેલ છોકરી કોઈકની સાથે ભાગી છૂટી છે. રાજમહેલના દરવાન, વડારણ, દાસ, સેવક અને રાજવૈદ્યને પણ મોઢું બંધ રાખવાનું સમજાવી દેવાયું હતું."

"પણ વર્ષ - દોઢ વર્ષપછી પાછું મને ઇન્દોરથી તેડું આવ્યું. આ વખતે હું તૈયાર હતો, જેવો મને એકાંત રૂમમાં બોલાવ્યો કે તરત જ મેં મહારાજ મલ્હાર રાવ ત્રીજાને કહ્યું કે “મેં ખજાના ના સગડ ગોતી લીધા છે એ ખજાનો જેસલમેરના કોઈ કોતરોમાં દાટવામાં આવ્યો છે."

"તો મહાવીર રાવ એક કામ કરો આપણા ચુનંદા 20-25 સૈનિકો ને લઇ જાવ અને એ ખજાનો હાસિલ કરીને તરત જ મને ખબર મોકલો" મલ્હાર રાવે કહ્યું. હવે એ સ્વતંત્ર નિર્ણય લેતો થયો હતો પણ હાજી ચકની પાછળ માં સાહેબ અને દાદી સાહેબ બેસી ને બધું સાંભળતા હતા. 

"રાવ એમ ઉતાવળે આંબા ન પાકે. અને આમેય 22-25 વર્ષ જૂની વાત છે. મને સરખી તપાસ કરી લેવા દો પછી."

"ક્યાંક તમારી નિયતમાં તો ખોટ નથી આવી ને?" મલ્હારરાવે સહેજ આકરા અવાજે પૂછ્યું. અને હું કંઈ બોલું એ પહેલા ચકની પાછળથી દાદી સાહેબે મલ્હારરાવને કંઈક કહ્યું એ મને ન સમજાયું પણ એમની વાત સાંભળીને પછી મલ્હાર રાવે મને કહ્યું. "એક કામ કરો મહાવીર રાવ અત્યારે કમુરતા ચાલે છે. તમે હોળી વધાવી ને પછી અહીં આવજો ત્યાં સુધીમાં તમે માહિતી ભેગી કરો" 

એમ કરતા એકાદ વર્ષ મેં ખેંચી કાઢ્યું છેવટે ઈસવીસન 1933 માં મને ઇન્દોથી તેડું આવ્યું. મેં પણ મન મક્કમ કરી લીધું હતું કે શ્રી નાથદ્વારાનો ખજાનો કોઈ પણ ભોગે આ લાલચી રાજાના હાથમાં નથી આપવો. મેં 2-3 વાર એ લોકોથી બચીને એ ખજાનો પાછો શ્રી નાથદ્વારા સુપર્દ કરવાનું વિચાર્યું. પણ એ શક્ય ન હતું મારા પર, મારા ઘર પર અને ગામમાં એના ચાડિયાઓ સતત નજર નાખી ને બેઠા હતા, આ વખતે મેં આરપાર નોજ વિચાર કર્યો હતો. જેવો હું ઇન્દોર પહોંચ્યો કે રાજ દરવાને મને કહ્યું કે રાવ હમણાં જ આરામ કરવા મહેલમાં પહોંચ્યા છે. અને તમે આવો કે તરત જ તમારે એમને મળવા જવાનું છે. આરામ પછી કરજો" 10-12 દિવસની સતત ઘોડેસવારી કરી ને થાક્યો હું એમના એ જ રૂમ પહોંચ્યો જ્યાં દર વખતે અમારી મુલાકાત થતી હતી.

"આવો મહાવીર રાવ, થાક્યા તો હસો પણ કામની વાત પહેલા કરી લઈએ. પછી આરામ કરજો"

"જી રાવ, હુકમ ફરમાવો."

પછી શું થયું ઓલું જેસલમેરનું? જુવો હાલત એવી છે કે મારે પાણીએ બ્રિટિશ એજન્ટ ને પૂછી ને પીવું પડે છે. હાથમાં કઈ ખર્ચનું ય રહેતું નથી. તમે તો કુટુંબી છો કંઈક ઉગારો મને આમાંથી."

"જી છેલ્લા ખબર મુજબ 8-10 વર્ષ પહેલા એ ખજાનો ત્યાંથી હટાવી અને કોઈ અજ્ઞાત જગ્યાએ મુકાયો છે. મારા ખબરી બધે દોડધામ કરે જ છે. જેવી કઈ..."

મારું વાક્ય અધૂરું રહ્યું અને ચકની પાછળથી દાદી સાહેબ નો ઘેરો અવાજ આવ્યો. "મહાવીર, હું તને મારો દીકરો માનતી આવી છું. તે ના કીધી તો મેં મહિપાલને અહીં બોલાવવાની પણ મલ્હાર રાવને ના પાડી દીધી ભલે એ એના ઘરે સુખી રહેતો. પણ જો અમારી મુસીબતમાં ય તું હાથ ઉંચા કરી દે તો કેમ ચાલે" 

"દાદી સાહેબ, હું કોશિશ કરું જ છું."

ત્યાં પડદા પાછળથી માં સાહેબનો અવાજ આવ્યો. "મહાવીર રાવ, મલ્હારને કઈ સંતાન નથી થયું, 3 લગ્ન કર્યા તોપણ. અને આમેય એનું સ્વાસ્થ્ય કથળતું જાય છે. કૈક અજીબ બીમારી એને વળગી છે, મારો વિચાર તારા નાના દીકરા જનાર્દનને એનો વારસ બનાવવાની છે. જે ધન તું અમને મેળવી આપશે એ થોડા સમયમાં તારા જ દીકરાને ઉપયોગમાં આવશે." 

"પણ માં સાહેબ, મને ખરેખર ખબર નથી કે એ ખજાનો અત્યારે ક્યાં છે. જેવા ખબર મને મળશે કે હું તુરંત તમને એ ખબર આપવા દોડ્યો આવીશ અને એ ખજાનો ઇન્દોર પહોંચાડવાની વ્યવસ્થા કરીશ."

"મહાવીર રાવ, બહુ થયું હવે, એક મહિનાનો સમય આપું છું એક મહિના પછી જો ખજાનો ઇન્દોર નહિ પહોંચે તો." મલ્હાર રાવે કહ્યું. 

"તો શું રાવ?" મેં ફાટતા અવાજે પૂછ્યું મને હતું કે એ, મારા ભાગના બધા ગામ પોતાના કબ્જામાં લઇ લેશે, મને એનો વાંધો ન હતો, મારુ ખોરડું અને ખેતર એટલું વધે તોય ઘણું હતું અહીં ઇન્દોરના ધક્કા મટવાના હતા.

"તો એમાં એવું છે ને મહાવીર રાવ" મલ્હાર રાવ ની જગ્યાએ ચક પાછળ બેઠેલા માં સાહેબે કહ્યું. "કે તમારી દીકરીઓ પણ પરણાવવા જેવી થઇ ગઈ છે. અને મેને દાદી સાહેબે તો બેય ને જોય છે, બહુ રૂપાળી છે, કોઈ પણ જુવાન નું મન લલચાય જાય એવી. અને અમે જયારે તમારે ગામ આવ્યા હતા ત્યારે તમારી બેય દીકરીએ મારી અને દાદી સાહેબની બહુ સેવા કરી હતી, જો તમે એક મહિનામાં ખજાનો શોધવામાં નિષ્ફળ જશો તો ઈ બેય અહીં રાજમહેલમાં દિવસે મારી દાદી સાહેબની અને રાત્રે મલ્હાર રાવની સેવા જીવશે ત્યાં સુધી કરશે. અને તને તો ખબર જ છે કે ઇન્દોરના રાજ મહેલમાં કોઈ પણ પુરુષને અંદર પ્રવેશવાની મનાઈ છે. જિંદગીભર તારી દીકરીને તું ફરીથી જોઈ નહી શકે. માટે ગમે તેટલો થાક હોય તોય આરામ કરવાનું ભૂલી ને ખજાનો શોધવા નીકળી જા. મહિનો પૂરો થતા જજો સમય નથી લાગતો" માં સાહેબના આ વાક્ય ને સાંભળીને હું ત્યાંજ બેશુદ્ધ જેવો થઈને બેસી પડ્યો. 

xxx 

શ્રી નાથદ્વારાથી રાજસમંદ જવાના રસ્તે લગભગ 10-12  કિલોમીટર દૂર એક જીપ અને કાર, રોડથી થોડા નીચે સાઈડમાં ઉભા હતા. જીપ ખાલી હતી, જયારે કારની અંદર 3 જણા ગુફતગુ કરી રહ્યા હતા. એ હતા અઝહર (અજય), (નાઝનીન) નીનાનો પતિ, એનો બાપ ઈરાની (પંડિત) અને ઈરાની નો પાર્ટનર (હની) પ્રોફેસર જગદીશ ગુપ્તા 

"અઝહર હૂ શું.." ઈરાની ઉર્ફે પંડિત નું વાક્ય પૂરું થાય એ પહેલા હની ઉર્ફે પ્રોફેસર ગુપ્તા એ એને રોક્યો અને કહ્યું. "પંડિત ફરીથી આવી ભૂલ ન કરતો આનું નામ અજય છે. તું પંડિત છે, હું જગદીશ ગુપ્તા છું, અને અત્યારે નાથદ્વારામાં આનો ભાઈ સાહિલ અને આની પત્ની નીના છે.

"હા ગુપ્તા, સાચી વાત છે મારા ધ્યાનમાં થી જ આ વાત નીકળી ગઈ હતી." પછી અજયને કહ્યું. "હા ભાઈ ઓલા અમારા પાર્સલ આવવાના હતા એ લાવ્યા છો તમે?" 

"હા કેટલાક હલકા વજનના મારી ધર્મશાળામાં છે. બાકીના પણ હાથવગા છે. તમે કહો તો હમણાં કલાકમાં તમને સોંપી દઉં."

"ના આ તમે જોયું ને સવારે તમે અમારી ગાડીમાં પાર્સલ મુકવા આવેલા ત્યારે શું થયું એ." 

"હા એ તો ખરેખર જ વિચિત્ર વસ્તુ હતી. ગઈ કાલે રાત્રે અમે જયારે ધર્મશાળામાં આવ્યા ત્યારથી સાવ શાંત રહેલા કુતરાની ટોળી જયારે પાર્સલ ફેરવવાનો વારો આવ્યો ત્યારે અચાનક કેમ એક્ટિવ થઈ ગઈ ઈ જ સમજાયું નહિ. અને તરત જ પબ્લિક અને પોલીસ ભેગા થઇ ગયા. સારું થયું કે કોઈ પાર્સલ આપણા હાથમાં ન હતું. પણ તમે લોકો મારા બચાવમાં કેમ ન આવ્યા"

"અમને, એટલે કે આપણને કોઈ ને અહીં ઇન્ડિયામાં કોઈની નજરે ન ચડી જઈએ એની સતત સાવચેતી રાખવાની સૂચના છે. એટલે જ તો નીનાને તમારી ભેગી રાખી છે. જેથી કોઈ શક ન પડે." પ્રોફેસર ગુપ્તા એ કહ્યું.

"અને એ ફરંદી જેવો હું ત્યાંથી દૂર થયો કે તરત જ સાહિલ સાથે રંગરેલિયા મનાવવામાં મચી પડી હશે, અંકલ, મને તો એવું લાગે છે કે ઉલટાની એની હાજરીથી જ આપણે બધા ફસાસુ, મારી વાત માનો તો એને અહીંથી વિદાય કરી દો, ગઈ કાલે રાત્રે પણ રસ્તામાં ઉભેલા એક કાકાને છેક શ્રી નાથદ્વારા સુધી લિફ્ટ આપી, એ તો સારું થયું કે એ કાકા બીજી ધર્મશાળામાં ઉતર્યા. જો એ આજુબાજુના રૂમમાં હોત તો ચોક્કસ નીના અને સાહિલની હરકતો પકડી પડી હોત. ખેર હવે ડિલિવરીનું શું કરવાનું છે."

"મેં કુંભલગઢની સરકારી ટુરિસ્ટ ઓફિસના એક ઓફિસરને સાધ્યો છે, અમે સવારે હવા મહેલ જવા નીકળશું ત્યારે, હું એને ખર્ચના રૂપિયા અને અહીંયા તમારો કોન્ટેક્ટ કહી દઈશ. એ બધું એરેન્જ કરી દેશે."

"પછી," અજયે પૂછ્યું.

"એક વાર એ બધો માલ સરકારી ગાડીઓમાં ચડી જાય પછી આપણે રાજા,"

"પણ હવા મહેલમાં રહેલા કર્મચારીઓ, અને આપણે જે 7-8 આસિસ્ટન્ટ લાવ્યા છીએ એમાંથી કોઈ ફૂટી જશે તો?"

"તો ના છૂટકે આપણે એ લોકો ને ખતમ કરવા પડશે, પણ એમાં એક ફાયદો એ થશે કે અત્યારે આપણને માલ હેન્ડલિંગ માટે કમિશન મળવાનું છે. જયારે જો આપણે ખૂનામરકી કરવાની આવશે તો પછી..."

"પછી શું?”

“તો એ બધો ખજાનો આપણો."

'પણ એ આપણે અત્યારે જ આપણા કબ્જામાં ન લઇ શકીએ? શું કામ આપણે માત્ર કમિશન લઈને એને બધું સોંપી દેવું છે?" અજયે અકળાઈને કહ્યું.

"કેમ કે ડીલ થઈ ત્યારે શું વસ્તુ હશે એ આપણને ખબર ન હતી અને આપણે આપણા ગામની (પાકિસ્તાનથી) ભલે ગમે એટલા નજીક હોઈએ પણ આ એ લોકની માતૃભૂમિ છે અને અહીંયાના રસુખદાર લોકો સાથે આપણે ડીલ કરી છે. આતો ઈ લોકો આખા મામલામાં પોતાના હાથ ખરડાવવા નહોતા માંગતા એટલે આપણને કમિશન મળ્યું છે." 

"ગુપ્તા, તું  મોઢે ભલેને ગમે એમ કહે, પણ તારી આંખોમાં મને કૈક બીજું જ દેખાય છે. તારા દિમાગમાં આ ખજાનો આપણા ઘર ભેગા કરવાનો પ્લાન રમી રહ્યા છે." પંડિતે હસતા હસતા કહ્યું. એની વાત સાચી હતી, પ્રોફેસર ગુપ્તા એ જયારે માલની હેરફેરનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે એને ખબર ન હતી કે એ માલ એટલે કે એ ખજાનો આવડો મોટો હશે. એ લોકો એ જે માલ ફેરવવાનો કોન્ટ્રાકટ કર્યો હતો એ શ્રી નાથદ્વારા નોજ ખજાનો હતો. અને લગભગ સાવ બસો વર્ષ પહેલા મંદિરમાંથી લૂંટી લેવાયો હતો અત્યારે એ ખજાનાનો થોડો ભાગ મંદિરથી માંડ 250 ડગલાં દૂર સુરેન્દ્ર સિંહ અને નીના જે ધર્મશાળામાં ઉતર્યા હતા એમાં નીનાની રૂમમાં હતો જયારે બાકીના મોટા ભાગના ખજાનો મંદિરથી માંડ 10-12 કિલોમીટર દૂર જ્યાં અજય, પ્રોફેસર ગુપ્તા અને પંડિત વાતો કરી રહ્યા હતા એની આજુબાજુમાં જ ક્યાંક દટાયેલો પડ્યો હતો.   

ક્રમશ:   

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.