Bhagvat Rahasaya - 232 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 232

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 232

ભાગવત રહસ્ય -૨૩૨

ખરેખર જોઈએ તો-રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજીનો ત્યાગ કરી શકે જ નહિ.પણ રાજાએ,પ્રજાને રાજી રાખવા પોતાની રાણીનો ત્યાગ કર્યો છે,એનો તે પુરાવો છે.સીતાજીનો ત્યાગ કર્યો તે ઘણા લોકોને ગમ્યું નહિ,પણ સીતારામજીના દુઃખનો કોઈએ વિચાર કર્યો નથી.રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમમાં એકલાં વિરાજે છે.કોઈએ એમ કહ્યું નથી કે સીતાજીને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજીએ કહ્યું-કે મને આ બાબતેમાં કંઈ કહેશો નહિ.

 

યજ્ઞ કરવાનો વિચાર આવ્યો,ત્યારે વશિષ્ઠે કહ્યું કે –એકલો પુરુષ યજ્ઞ કરી શકે નહિ,પતિ પત્નીને સાથે બેસવું પડે છે.તમે સીતાજીને બોલાવો.રામજી કહે છે-કે-મેં જે કર્યું છે તે યોગ્ય કર્યું છે,સીતાજીને હું નહિ બોલાવું.

ત્યારે વસિષ્ઠે કહ્યું કે-પત્ની વગર યજ્ઞ થાય નહિ,તમે બીજું લગ્ન કરો.

ત્યારે રામજીએ ના પાડી છે-કહ્યું,-ગુરુજી,સીતા સિવાય ની બધી સ્ત્રીઓ મારે માટે મા છે.

રામજીએ યુક્તિ કરી છે,સીતાની સુવર્ણની મૂર્તિ બનાવી છે,અને જયારે યજ્ઞ કરવા બેસે છે-

ત્યારે આ મૂર્તિને સાથે રાખે છે.

 

યજ્ઞની વાલ્મીકિને ખબર પડી.લવ-કુશને લઇ ત્યાં આવ્યા છે. યજ્ઞમાં વિશ્રાંતિને સમયે-

લવ-કુશ રામાયણની કથા કરે છે. રામજીને ખબર પડી છે,લવ-કુશને દરબારમાં બોલાવ્યા.

રામાયણના પ્રધાન વક્તા લવ-કુશ છે,રામાયણની પહેલી કથા ત્યાં થઇ છે.

લવ-કુશ રામાયણની કથા કરે છે અને રામજી સાંભળે છે.રોજ વીસ સર્ગની કથા કરે છે.

ચોવીસ દિવસની કથા ચાલી છે.મહાન પતિવ્રતા સ્ત્રીની કથા છે. લવ-કુશ કથા કરે છે અને

રામજી નીચે બેસીને કથા સાંભળે છે. શ્રોતાએ વક્તાથી ઉંચે બેસાય નહિ,તેથી રામજી નીચે બેસે છે.

આવું છે રામજી નું મર્યાદા પાલન.

 

રામજી કહે છે-કે-આ બાળકોને જોતાં મને આનંદ થાય છે,મારે તેમનું સન્માન કરવું છે.

વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે. રામજીએ બાળકો ને કહ્યું-કે આ ભેટનો સ્વીકાર કરો.

લવ-કુશે ના પાડી છે,કહે છે-અમારા ગુરુજીની આજ્ઞા છે કે-અમે વનવાસી,અમે કંદમૂળ ખાનારા,અને

તપસ્વી જીવન ગાળનારા છીએ,કથા કરવાની પણ કશું લેવાનું નહિ.

 

લક્ષ્મણજીએ કહ્યું-કે તમારી કથામાં રામજીને આનંદ થાય છે-તમારો પરિચય આપો.

લવ-કુશે કહ્યું-કે-અમે વાલ્મીકિ મુનિના શિષ્યો છીએ.

લક્ષ્મણજી કહે છે-કે-તે તો રામજી જાણે જ છે,તમારા માત-પિતા કોણ છે?તે તો કહો.

લવ-કુશે કહ્યું-આ પ્રશ્ન તો ધર્મની -મર્યાદાની વિરુદ્ધનો છે.

જે બ્રહ્મચારી છે-ઘર છોડીને ગુરુકુળ માં રહ્યો છે,તેના ઘરનો પરિચય પુછાય નહિ.

જેણે ઘરનો ત્યાગ કર્યો છે,તેને ઘરનું કોઈ સ્મરણ કરાવે તો તેને પાપ લાગે છે.

બ્રહ્મચારીને તેનાં માતપિતા કોણ છે ? તે પુછાય નહિ.અમે વાલ્મીકિના શિષ્યો છીએ.

 

લવ-કુશે રાજ્યાભિષેક સુધીની વાત કહી. રામજીએ કહ્યું કે મને આગળની કથા સાંભળવાની ઈચ્છા છે.

લવ-કુશે કહ્યું કે –અમારા ગુરુજીની આજ્ઞા છે-કે રામ કથા રાજ્યાભિષેક સુધીની જ કરવી,.

આગળની કથા કરવી નહિ.

રામ કથા રાજ્યાભિષેક સુધીની જ થાય છે, તે પછીની કથા કરવા જેવી નથી.

 

 - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --  - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -