અર્પણ....
19780 માં મારા લગ્ન થયાં. છેલ્લા 45 વર્ષ થી હું જેવો છું તેવો. છતાં મને નિભાવ્યો. સુખ અને દુઃખમાં હંમેશા મારી પડખે રહી. સમાજમાં મને મોટો કર્યો.45 વર્ષ ના લગ્ન જીવનમાં આજે પણ ખોટા હોય કે સાચા પરંતુ મારા જ નિર્ણયોને સર્વોચ્ચ ગણે છે તેવી મારી ધર્મપત્ની
શ્રી મતિ કેસરબેન કરસનજી રાઠોડ ને
લેખક તરફથી
આમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ માં અઘ્યક્ષ સ્થાને થી પ્રવચન માં જાણીતા લેખક ડો. કેશુભાઈ દેસાઈ એ મને ટકોર કરી અને સૂચન કર્યું કે હજુ પણ લેખનકાર્ય કરી શકાય. અને આ નવલકથા લખવા ની મને પ્રેરણા મળી. અને તેમાં પાછલા 28 વર્ષ ની કલ્પના નો નિચોડ ઠાલવવા નું મેં નક્કી કર્યું.
મારી અગાઉની બંને નવલકથા ઓ, લોહી નો ડાધ , અને, સાટા -પેટા, સામાજિક વિષય ઉપર છે.પરંતુ આ નવલકથા માં ધણા બધા વિષયો વણી લીધા હોવાથી આને કોઈ એક વિષય ની કથા કહી શકું તેમ નથી.
આજે પણ , વેશ્યાવૃત્તિ, નો ધંધો જ્યાં ખુલ્લેઆમ ચાલે છે તેવા બનાસકાંઠા જિલ્લાના, વાડિયા, ગામની આમાં વાત છે.તો ઙીસા શહેરમાં હાઈવે નજીક ચાલતા મોના,માસી, ના દારુ ના અડ્ડા ની પણ વાત છે.તો છેક રાજસ્થાન માં થી આખા ગુજરાતમાં ચાલતી ઙી.એસ.ની ઈંગ્લીશ દારૂની લાઈનની પણ આમાં વાત છે.
શરાબ,શબાબ, સંપત્તિ અને સત્તાની સાઠમારી ની વાત છે તો રાજકારણ ના આટા -પાટા ની પણ વાત છે.એક પછાત સમાજમાં જન્મેલી દીકરી એ, ટોચ, સુધી પહોંચવા ની કરેલી, મહેનત અને સંધર્ષ ની, કથા, છે.
ફ્રાન્સના પેરિસ શહેરના, એફિલ ટાવર,ની ટોચ ઉપર 61 વર્ષ ના કેશારામ બાપુ અને 21 વર્ષ ની કલાવતી એ તંદુરસ્ત તન , મન અને પૂરા હોશ-હવાસમા કરેલા પ્રેમ, ના એકરાર ની આમાં વાત છે .
આમાં ડીસા તાલુકાની પ્રમુખ, મિસ કલાવતી,ની રાજકીય કેરિયર ની વાત છે.તો કલાવતી એ જોયેલા ભારત દેશને, અખંડ ભારત, અને, વિશ્વગુરુ, બનાવવા ના, મહાસવપન ની પણ વાત છે.
આ નવલકથા નાં પાત્રો કાલ્પનિક છે. છતાં વાસ્તવિકતા થી ધણાં નજીક છે. તેથી બંધ-બેસતી પાધડી કોઈ એ પણ પહેરવી નહીં.અપેક્ષા છે કે આ નવલકથા ને પણ વાચકો અગાઉ ની નવલકથાઓની જેમ જ ઉમળકાભેર આવકારશે તો અન્ય નવલકથા લખવાની પણ પ્રેરણા મળશે એજ અભિલાષા સહ...
- કરસનજી અરજણજી રાઠોડ . તંત્રી.
મુ.પો.તનવાડ તા.ભાભર.જિ. બનાસકાંઠા
મો.નં. 9904826150ગુજરાત રાજ્યમાં તેની ઉત્તર -પશ્ચિમ દિશામાં બનાસકાંઠા જિલ્લો આવેલો છે . ને બનાસકાંઠા જિલ્લાની ઉત્તર- પશ્ચિમ દિશામાં રાજસ્થાન સરહદ પાસે 35 કિલોમીટર અંદર બનાસકાંઠામાં થરાદ નામનું શહેર આવેલું છે. જે આ વિસ્તારનું તાલુકા મથક પણ છે. આ થરાદ શહેરની મધ્યમાં આવેલી શેઠ ચુનીલાલ નાગર લાલ શાહ ની પેઢી એ ટ્રક ડ્રાઇવર રણજીતે, પટેલ ટ્રાન્સપોર્ટ કંપની,ની ટ્રક નંબર- જી-જે ટુ -વાય- 7295 ને માલ ખાલી કરવા માટે રિવર્સમાં લગાડી . માલ ખાલી કરતાં - કરતાં વચ્ચે રોકાઈ ને બીડી ઓ ફૂંકતા અને વાતો કરતા મજૂરોને જોઈને રણજીતને મનોમન તેમના ઉપર થોડો ગુસ્સો આવ્યો. કારણકે અડધો માલ અહીં ખાલી કરીને, અડધો માલ ખાલી કરવા હજી તો તેને છેક .વાવ .જવાનું હતું જે અહીંથી 12 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં આવેલું હતું. તેથી તેને ઉતાવળ હતી. પેઢીનો માલ ખાલી થઈ રહ્યો એટલે પેઢીના મહેતાએ બિલ્ટીમાં સહી સિક્કા કરી આપ્યા મહેતાએ એક નકલ પોતાની પાસે રાખી ,અને એક નકલ રણજીતને પરત આપી ,રણજીતે તે નકલ સાચવીને ટ્રકની કેબિન ના ખાનામાં મૂકીને ટ્રકને લઈને ધીમે- ધીમે બજારમાંથી હંકારીને પાકી સડક ઉપર આવ્યો .અને ટ્રકને થરાદ થી સુઈગામ તરફ જતા નેશનલ હાઇવે નંબર 68 ઉપર વાવ તરફ મારી મૂકી . તો વાવ એ પણ મોટા ગામડા જેવડું નાનું શહેર જ હતું. છતાં તે પણ તાલુકા મથક હતું થોડીવારમાં વાવ પહોંચીને રણજિત્તે ટ્રક બજારમાં લીધી. આગળ જતાં બજારમાં રસ્તા વચ્ચો- વચ્ચ બે યુવાનો બિન્દાસ ચાલ્યા જતા હતા . રણજીત ટ્રકનું હોર્ન ઉપર હોર્ન વગાડતો હતો. છતાં પેલા બંને યુવાનો સાઇડ આપતા ન હતા. પેલા બને યુવાનોએ ,સાડા પાંચ મીટર સફેદ કાપડ માંથી સિવેલા લાંબા બે -ફાળા અઢીવટા -ધોતી- પહેર્યા હતાં. ને તે ઉપર ઢીંચણ સુધી પહોંચતાં લાંબાં સફેદ પહેરણ પહેર્યાં હતાં .બંને યુવાનના કાનૂની બુટમાં સોનાની મોટી ગોળ મરકીઓ લટકી રહી હતી .એક યુવાન કે જેની ઉંમર ૩૦ આસપાસ હતી .તેણે માથા ઉપર ભાત વાળો રંગીન ફેટો -પાઘડી -બાંધી હતી .તેની મુછો નાની છતાં વાંકડી હતી. જ્યારે બીજાની ઉંમર 26 આસપાસ હતી. તેનું માથું ખુલ્લું હતું .પરંતુ વાળ વ્યવસ્થિત પાછળ ઓળેલા હતા. તેના ખભે બંને બાજુ લબડતી લૂંગી નાખેલી હતી.તે લુગી ના બંને છેડા છેક કમર સુધી લબડતા હતા. રણજીત બજારમાં ટ્રક ને સાચવી -સાચવીને ચલાવતો હતો. કારણ કે તે એકલો હતો.ક્લીનર જગદીશ આજે સાથે આવ્યો ન હતો. ઘણી વખત હોર્ન મારવા છતાં પેલા બંને જણે સાઈડ ન આપી. એટલે રણજીતે ટ્રક ને બ્રેક મારી, અને જોરથી બૂમ પાડી. અરે... ઓ.. ભાઈ.. ! સંભળાતું ..નથી ! જરા સાઈડ તો આપો ને ? બૂમ સાંભળીને પેલા બંને યુવાનોએ પાછળ નજર કરી, રણજીત ઉપર એક કરડી નજર નાખી .અને તેમાંથી જે ૨૬ વર્ષનો યુવાન હતો તે ડ્રાઇવર સાઈડે રણજીત પાસે આવીને રોફથી બોલ્યો.' ક્યાંનું છે? ક્યારનું હોર્ન કેમ મારે છે ? 'અરે ભાઈ , ક્યારનું હોર્ન વગાડું છું તોય સાઈડ કેમ નથી આપતા? રણજીત અકળામણ થી બોલ્યો. રણજીતે સામે પ્રશ્ન પૂછ્યો તેથી પહેલા બંને ને રણજીતે જાણે કે તેમનું અપમાન કર્યું હોય તેવું લાગ્યું. તેમાંના પેલા નાના યુવાને પીતો ગુમાવ્યો .'તારી માને ,કોણ છે ..એ-- ઓળખે છે અમને ...?'
પેલા બંનેનું વર્તન જોઈને રણજિત નું લોહી પણ ઉઠ્યું તેણે પણ મહેસાણા પાસેના 'સુણસર'નું પાણી પીધું હતું .પરંતુ પરાણે તેણે પોતાની જાત ઉપર કાબુ રાખ્યો.. કારણકે તે એકલો હતો ,અને તેને ઉતાવળ પણ હતી.
' રહેવા દેને રાસેગા ,કોઈક બહારનું લાગે છે! ઘેર જતાં જતાં ક્યાંક ,નકામો દા'ઙો બગડશે ! કહેતાં પે'લા મોટી ઉંમરના પુરુષે પેલા યુવાનને વાર્યો. 'તમે કહો છો એટલે આજે તો જવાબ દઉં છું વાઘજીભાઈ ,બાકી એને પણ આજે ખબર પડોત કે, ' એના બાપ આજે બજારમાં ભટકાણા હતા ખરા ...!' અને આ બંને યુવાનો બજારમાં રસ્તા વચ્ચેથી એક બાજુ સાઈડમાં ખસીને, ટ્રક ને સાઈડ આપવામાં રણજિત ઉપર મોટો ઉપકાર કરતા હોય ,તેવી નજર નાખીને બજારમાં ચાલતા થયા. આ બંને યુવાનો વાવની બજારને પોતાના બાપની જાગીર સમજતા યુવાનીમાં છકેલા 'રાજપુત' યુવાનો હતા .
રણજીતે ટ્રકને ધીરે- ધીરે ચલાવીને વાવની બજાર વચ્ચે આવેલ ઠાકર દ્વારા પાસે આવેલી 'અભરામ અબુબકર 'ની પેઢીએ માલ ખાલી કરવા ટ્રક ને લગાડી. મજૂરો અહી હાજર જ હતા .એટલે માલ થોડીવારમાં જ ખાલી થઈ ગયો. અહીં પણ બિલ્ટિના કાગળો ઉપર પેઢીના સહી- સિક્કા કરાવી ,એક નકલ રણજીતે પરત લઈ ટ્રકની કેબિનના સુરક્ષિત ખાનામાં મૂકી, ને ત્યાંથી ટ્રક ને હંકારીને તે હાઇવે ઉપર આવ્યો.
અહીં વાવ ચાર રસ્તાથી એક રસ્તો ભાભર તરફ જતો હતો. અને એક રસ્તો સુઈગામ તરફ જતો હતો .જ્યારે એક રસ્તો થરાદ તરફ જતો હતો .રણજીત અવારનવાર આ વિસ્તારમાં ટ્રકનો ફેરો લઈને આવતો રહેતો ,તેથી આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી તે જાણકાર હતો. રણજીત છાંટા -પાણીનો શોખીન હતો .અને ટ્રકને લઈને બધે ફરવાને લીધે, ગુજરાતમાં રોડને અડીને આવેલા મોટા ભાગના અડ્ડાથી તે પરિચિત હતો. માલ ખાલી થઈ ગયો એટલે હવે તેને નિરાંત હતી .આવતીકાલે સવારે 9:00 વાગ્યા સુધી બીજો કોઈ ફેરો ન હતો. તેથી ઘેર પહોંચવાની તેને કોઈ ઉતાવળ ન હતી .વાવ ચાર રસ્તાથી થરાદ બાજુ જવાના હાઇવે ઉપર આશરે 100 મીટર ટ્રકને ચલાવીને રણજીતે ટ્રક ને ખાલી સાઇડમાં હાઇવે ઉપરથી નીચે ઉતારીને સાઈડમાં ઉભી રાખી.ને ટ્રકને બંધ કરી .અને તેણે 'દુદાજીના પ્રખ્યાત અડા' તરફ પગ ઉપાડ્યા.
હાઇવે થી થોડો જ દૂર આવેલી રોડની ચોકડીઓને સમથળ કરીને ,જેના ઉપર 'ગેરકાયદેસર' કબજો જમાવી નેં દુદાજી એ તેના ઉપર પોતાનો અડો બનાવેલ હતો . આ વિસ્તારમાં થતા ગાંડા બાવળના લાકડાઓની થાંભલી ઓ તેમજ વળીઓ તરીકે ઉપયોગ કરીને, ઉપર અને ત્રણ બાજુ ,કોથળાના કંતાનથી ઢાંકીને અડ્ડો બનાવવામાં આવ્યો હતો. જ્યારે એક ભાગ દરવાજા માટે ખુલ્લો રાખ્યો હતો. કંતાન માથે ઉપર ના ભાગે સેગતરાના બે કટલા ગુથી ને તેના ઉપર ઢાંકી દીધાં હતાં . અડ્ડા ની અંદર બે -ત્રણ પ્લાસ્ટિકની ખુરશીઓ ,અને ત્રણ -ચાર લાકડાની પાટલીઓ ગોઠવી હતી. જમીન ઉપર બે -ત્રણ પાણીનાં ઠંડાં માટલાં ભરેલ પડ્યાં હતાં ને તે ઉપર બે -ત્રણ લોટા ઉંધા ઢાંકેલા પડ્યા હતા. રણજીત અડ્ડા પાસે જઈને મોટા સાદે બોલ્યો. 'દુદાજી...એ... દુદાજી ...! 'કોણ છે ..એ ..? કહેતાં એક યુવાન અડ્ડા માંથી બહાર આવ્યો. ' એ.. તો.. હું.. છું ..! કહેતાં રણજીત પોતાનું નામ તો ના બોલ્યો ,પરંતુ પરિચિત હોય તેમ અડામાં પ્રવેશ્યો . અડ્ડામાં બે પુરુષો ખુરશી ઉપર બેઠા- બેઠા હાથમાં ગ્લાસ પકડીને' પેગ' લઈ રહ્યા હતા. તેમની સામે લાકડાની પાટલી ઉપર છાપાની પસ્તીના કાગળમાં, શેકેલી શીંગ અને ચણા પડ્યા હતા. તેમાં અંદર કતરેલી ડુંગળી પણ હતી. રણજીતે અડ્ડા માં આજુબાજુ નજર કરી, અને ફરી પૂછ્યું' કેમ જુદાજી દેખાતા નથી ?
'એ તો હમણાં જ ગામમાં ગયા. બોલો શું જોઈએ છે? પેલા યુવાને ડાયરેકજ પુછ્યું. 'એક વાહણ (બોટલ) 'મહુડા 'નું લેવું છે .'રણજીત ખુરશી ઉપર બેસતાં બોલ્યો 'મહુડા નું તો આજે ખલાસ છે. ગોળીયુ જોઈતું હોય તો બે 'વાહણ' પડ્યાં છે .' પેલો યુવાન પાટલી ઉપર પાસે બેસતાં બોલ્યો. રણજીત ક્ષણેક ખચકાયો .આજે એને 'મહુડાનું ચોખ્ખું 'પીવું હતું .પરંતુ દુદાજી ના અડ્ડા માં ધરાકી એટલી હાઈસ્કુલ રહેતી હતી કે મહુડા નું આજે ખલાસ થઈ ગયું હતું. ને ગોળીયાના પણ બે જ વાહણ વધ્યાં હતાં .ને જો કોઈ બીજો ગ્રાહક આવે અને એ લઈ લે, તો પોતાને એના વગર પણ રહેવાનો વારો આવે.
તે થોડા નિરાશ સાદે બોલ્યો 'સારું તો લ્યો ,એક વાહણ આપો !' ' વાપરવું છે, કે લઈ જવું છે ? પેલા યુવાને ફરી પૂછ્યું . 'અહીં જ વાપરવું છે !'રણજીતે કહ્યું. પેલા યુવાને કોથળાના કંતાન પાછળ છુપાવેલી સ્ટીલની મોટી બરણીમાંથી ,એક લોટો ભરીને રણજીતને આપ્યો. અને સાથે ખાલી ગ્લાસ પણ આપ્યો. અહીં વહાણ ગણો, બોટલ ગણો, કે જે ગણો તે, બધાનું માપ આ એક મોટો લોટો જ હતું .જો ગ્રાહક સાથે લઈ જવાનું કહે, તો લોટો ભરીને દારૂ બોટલમાં ભરી આપતો હતો. અને અહીં પીવાનું કહે, તો સીધો લોટો ભરીને સાથે ગ્લાસ પણ આપતો હતો. રણજીતે લોટામાંથી થોડો દારૂ ગ્લાસમાં લીધો, અને ઊંચે જોઈને મો ખુલ્લું કરીને અધર ધારે મોમાં રેડીને ચાખ્યું. તેણે આંખો બંધ કરી દીધી.થોડી કંપારી આવી હોય તેમ મો મચકોડ્યું, અને ધીરેથી બોલ્યો .'ઠીક છે .ચાલશે !ત્યારબાદ લોટા માંથી ગ્લાસમાં દારૂ ભરીને રણજીત ધીમે ધીમે પીવા લાગ્યો. કોઈ પણ જાતની ઓળખાણ ન હોવા છતાં, પેલા પાસે બેસીને દારૂ પીતા બે અજાણ્યા પુરુષોએ રણજીત ને સિંગ-ચણા અને કતરેલી ડુંગળીનું બાઈટિંગ લેવા આગ્રહ કર્યો. તેમના આગ્રહને વશ થઈને રણજિતે પેગ લેતાં -લેતા થોડા સીંગ-ચણા ખાધા પણ ખરા. રણજીતે ધીમે- ધીમે લોટો પૂરો કર્યો. માટલામાંથી પાણી લઈ એક- બે કોગળા કરી મોં સાફ કર્યું. ને પછી બુસ્કોટ ની અંદર પહેરેલી બંડીના ખિસ્સામાંથી પાકીટ બહાર કાઢતાં બોલ્યો 'કેટલા પૈસા આપુ ? 'પાંચ રૂપિયા !'
'ઘણા નથી ?' ' આ તો ગોળીયાનો ભાવ છે. બાકી મહુડાના તો પુરા દશ છે .'પેલો યુવાન બોલ્યો. ને આગળ પૂછ્યું .'બાકી માલ કેવો હતો ?' 'માલ તો સારો છે !' કહીને રણજીતે પાકીટમાંથી પાંચની નોટ કાઢીને પેલાને આપી . ને પાકીટ ખિસ્સામાં મૂક્યું. ખિસ્સામાંથી ટેલિફોન બીડી કાઢીને સળગાવીને તેના કસ લેતાં -લેતાં તેણે ટ્રક તરફ પગ ઉપાડ્યા. ટ્રકમાં બેસીને તેણે ટ્રક ચાલુ કરી, શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ વર્તાતી હતી. થાક બિલકુલ ઉતરી ગયો હતો. રણજીતે ટ્રક ને હાઈવે ઉપર લાવી, અને થરાદ બાજુ મારી મૂકી. ટ્રક ચલાવતાં -ચલાવતા રણજીત રંગમાં આવી જઈને, તાજેતરમાં જ રીલીઝ થયેલી રાજેશ ખન્નાની ફિલ્મ 'આરાધના' નું 'મેરે સપનો કી રાની કબ આયેગી તું , બીતી જાયે, યે જિંદગાની કબ આયેગી તું .'ધીમે- ધીમે ગુન ગુનાવી રહ્યો હતો .
આ બધી ગડમથલમાં થરાદ પહોંચતાં સુધીમાં તેને અંધારું થઈ ગયું. ટ્રકની હેડલાઈટ ચાલુ કરીને તે થરાદ ચાર રસ્તા પહોંચ્યો.અહીંથી એક રસ્તો સાંચોર તરફ જતો હતો. જ્યારે બીજો રસ્તો મીઠા થઈને ભાભર તરફ જતો હતો જ્યારે સામેનો રસ્તો ડીસા તરફ જતો હતો. જે રસ્તે તેને જવાનું હતું .થરાદ ચાર રસ્તાથી ટ્રક લઈને તે દિશા તરફ આશરે બસો કે ત્રણસો મીટર તે આગળ વધ્યો હશે ,ત્યાં ટ્રકની હેડલાઈટ ના પ્રકાશમાં તેને એક સ્ત્રી રોડની બિલકુલ પાસે સાઈડમાં ઊભેલી દેખાઈ .તે હાથ ઊંચો કરીને ટ્રકને રોકવાનો ઈશારો કરી રહી હતી. આ સમયે રોડ ઉપર એકલી સ્ત્રીને જોઈને તેને થોડું આશ્ચર્ય થયું.આ વિસ્તારમાં દિવસે પણ એકલી સ્ત્રીઓ તે ભાગ્યે જ જોતો. તેથી તેને મનમાં શંકા જાગી. તેને સાંભળ્યું હતું કે કોઈ પુરુષને સ્ત્રી વેશ પહેરાવીને, તેના દ્વારા ટ્રક રોકાવીને ગુંડાઓ દ્વારા કેટલાય ટ્રક ડ્રાઇવરોને લુટી લેવામાં આવ્યા હતા .તેથી ભયમાં ટ્રક રોકવી કે ના રોકવી તેની ગડમથલમાં તે સાવ પેલી સ્ત્રી પાસે પહોંચી ગયો.. પેલી સ્ત્રી ટ્રકને લગભગ આતરતી હોય તેમ, સડકની પાસે આવી બંને હાથ ઊંચા કરી ટ્રકને રોકવા ઈશારો કર્યો. તે સ્ત્રીથી ટ્રક લગભગ પચાસેક મીટર આગળ નીકળી ગઈ, છતાં પેલી સ્ત્રી વગર આજુબાજુ કોઈ બીજું ન દેખાવાથી રણજીત નો પગ અનાયાસે જ બ્રેક ઉપર દબાઈ ગયો. તેણે ટ્રકની કેબીનના ખાલી સાઈઝના કાચમાં નજર કરી બ્રેક લાઈટ ના પ્રકાશમાં તેણે જોયું તો પેલી સ્ત્રી, દોડતી હોય તેમ ઝડપથી ચાલી ટ્રકની પાછળ આવતી જણાઈ. રણજીત કાંઈ પૂછે કે સમજે,એ પહેલાં પાસે આવીને સ્ત્રી ચપળતાથી ટ્રકની કેબિનના પગથિયે પગ મૂકીને, કેબીનમાં ચડી ગઈ . ને 'કલીનર'ની ખાલી સીટ ઉપર ગોઠવાતાં બોલી .'શેણલમાં તમારું ભલું કરશે, જવા દો હવે !'અવાજ સ્પષ્ટ સ્ત્રી નો હતો . મધુર અને ગમે એવો . 'એકલા જ છો ? બીજું કોઈ સંગાથ નથી ?' 'ના .' જવાબ સાંભળીને રણજીત ને ફરી શંકા ગઈ .કેબિનમાંથી પાછલી નાની બારી ખોલીને ટ્રકમાં પાછળથી બીજું કોઈ ચડી તો નથી ગયું ને તે જોઈ લીધું અને ટ્રક ને મારી મૂકી .
' ક્યાં જેતડા બાજુ જાય છે ?' 'ના ડીસા બાજું !રણજીત નો ભય હજુ પૂરો દૂર થયો ન હતો .
'તો તો સારું લ્યો!' કરણાસર નું પાટિયું પણ વચ્ચે જ આવે છે !' 'કેટલું દૂર છે અહીંથી ?'
'પહેલું નહીં ,અને બીજા નંબરનું પાટિયું.'
'આવે એટલે કહેજો , જેથી ટ્રક ઉભી રાખું !'રણજીત ટ્રક ચલાવતાં -ચલાવતા બોલ્યો . તેનો ડર હવે થોડો ઓછો થયો હતો એટલે થોડી હિંમત આવવાથી આગળ પૂછ્યું. 'આટલી મોડી રાત્રે ક્યાં જાઓ છો ? અને તે પણ સાવ એકલાં જ !'. 'એ તમને ખબર નહીં પડે. બધાને પેટ કરાવે વે !' કહીને પેલી સ્ત્રી ખડખડાટ જોરથી બિંદાસ હસી. રણજિત મનોમન વિચારી રહ્યો. ક્યાંક આ સ્ત્રી ધેરથી રિસાઈને તો ભાગી નહી હોય નેં ? તે પછી તેને પકડવા કોઈ પાછળ તો નહીં પડ્યું હોય ને ? પરંતુ તેણે જોયું તો આ સ્ત્રીના ચહેરા ઉપર એવો કોઈ ભય કે ઉતાવળ દેખાતાં ન હતાં . 'કેમ એકલા જ છો !કંડકટર નથી રાખતા ? પેલી સ્ત્રીએ પૂછ્યું . 'છે પણ આજે રજા ઉપર છે .' રણજીત ટૂંકો જવાબ આપ્યો .
'તો હું રહી જાઉં કંડકટર ?'કહીને તે સ્ત્રી ફરી જોરથી હસી. તેને હસતી જોઈને રણજીતે પહેલી વખત પૂરી નજર તે સ્ત્રી ઉપર નાખી . સ્ત્રીની ઉંમર 20 કે 21 આસપાસ હતી .તેણીએ રંગીન ભપકાઉ વસ્ત્રો પહેર્યાં હતાં .જે આ વિસ્તારની સ્ત્રીઓ ભાગ જ પહેરતી હતી. સ્ત્રીનો બાંધો પાતળો, રંગ ગોરો, અને ચહેરો રૂપાળો હતો તેણીએ પીળા કલરનો લાંબો પાની સુધી પહોંચતો ઘેર વાળો ચણીયો પહેર્યો હતો. ને એ ઉપર એ જ કલરનું શરીરને તસોતસ ચોંટતું બ્લાઉઝ પહેર્યું હતું.ખભે દુપટ્ટો કહી શકાય તેવી લાલ કલરની ઓઢણી લબડતી હતી. માથાના વાળ વ્યવસ્થિત ઓળેલા પરંતુ પીઠ પાછળ ખુલ્લા લહેરાઈ રહ્યા હતા. તેણીએ બંને આંખોમાં કાજલ આજીને ,આંખોને અણીયાળી બનાવી હતી . ને તે સ્ત્રી કોઈ દુલ્હનની જેમ સજી- ધજીને તૈયાર થયેલી હતી. દારૂ ના નશામાં હોય ત્યારે માણસને ડર પણ નથી લાગતો અને શરમ પણ નથી આવતી. મનમાંથી ભય દૂર થતાં જ આ રૂપાળી સ્ત્રી ને એકલી જોઈને 30 વર્ષના અપર્ણિત રણજિત ને મનમાં લાલસા જાગી . તેણે પૂછ્યું .'ક્યાં રહો છો ?' ' વાડીયા.'. ' ક્યાં આવ્યું ?કરણાસરના પાટિયેથી કાચા રસ્તે, ઉત્તર દિશાની અંદર જતાં પાંચ કિલોમીટર આગળ. ' શું ધંધો કરો છો ? મર્દો ને ખુશ કરવાનો !' રણજીત તેના સામે જોઈ હસ્યો અને બોલ્યો . 'એ કંઈ ધંધો કહેવાય ?'
' અહીં તો એ જ ધંધો છે !'કહી યુવતી પણ હસી. ' ઘરવાળા મનાઈ નથી કરતાં ?'. 'ઘરવાળા જ તો પાસે રહીને કરાવે છે !'. 'એમા એમને કોઈ શરમ કે સંકોચ નથી થતો ?' 'એમાં સંકોચ શાનો? આજ તો અમારો વંશ -પરંપરાગત ધંધો છે .'. રણજીત ને આ સ્ત્રીની વાતોમાં રસ પડ્યો.એણે પૂછ્યું .' મર્દ એટલે કોણ ? કોઈ જાણીતા હોય એ જ, કે' ગમે તે અજાણ્યા પણ ચાલે !'. 'જાણીતાઓની રાહ જોઈને બેસી રહીએ તો અહીં ભૂખે મરવાનો વારો આવે .જાણીતા હોય કે અજાણ્યા ,અમારે મન તો 'મર્દ' બધાય સરખા !'
આમપણ રણજીત આ સ્ત્રીના રૂપથી તો આકર્ષાયો જ હતો. તેમાં પણ તેણી ની આ ખુલ્લી વાતોથી તેનામાં હિંમત આવી. અને તેણે સીધો જ પ્રસ્તાવ મૂક્યો .'કેટલા લેશો ? 'એક પ્રોગ્રામના 200 રૂપિયા .' કહેતાં પેલી સ્ત્રીએ બંને હાથની આંગળીઓ ભીડીને, બંને હાથ ઊંચા કરીને બગાસું ખાતી હોય તેમ કરીને શરીરને આકર્ષક અંગ મરોડ આપ્યો. થોડીવાર વિચાર કરીને રણજિત બોલ્યો . 'મને એટલા બધા ન પોસાય .આખો મહિનો ટ્રક ચલાવું છું ત્યારે માંડ મહિને ત્રણ હજાર રૂપિયા પગાર મળે છે.
'કેટલા આપશો ?' ' સો રૂપિયા પુરા !'
'એટલા મને પણ ન પોસાય. મારે પણ ત્રણ જણના પેટનો ખાડો પુરવાનો હોય છે.' થોડી રકજક ના અંતે રૂપિયા દોઢશોમાં સોદો નક્કી થયો . કરણાસરનું પાટનગર આવ્યું એટલે રણજીતે ટ્રક ને, તે સ્ત્રીના કહેવાથી હાઇવે ની ડાબી બાજુ સાઈડમાં લીધી .અહીંથી કાચો રસ્તો વાડિયા જતો હતો .કાચા રસ્તે થોડે આગળ જઈને તેણે ટ્રકને એક સાઈડમાં ઉભી રાખી . અહીં ટ્રકમાં જ પોતાનો મકસદ પૂરો કરીને ,રણજીત નો ઇરાદો બારોબાર નીકળી જવાનો હતો. 'કેમ આટલે ઊભી રાખી ?' તે સ્ત્રીએ પૂછ્યું.
' ત્યારે કેટલે ?' રણજીત બોલ્યો . આ અમારા ગામનો મુખ્ય રસ્તો છે. તેથી ઘણા ગ્રાહકો વાહન લઈને મોડા- વહેલા આ રસ્તે આવજા કરે છે. ' તો કઈ બાજુ લઉ ?' 'આપણા ધેરજ લઈ લો !તયાં કોઈ જ બીક નથીઃ પેલી સ્ત્રી બિન્દાસથી બોલી . રણજીત મનમાં વિચારી રહ્યો . આવું કામ કરવા માટે તો લોકો ખાનગીમાં ગામ, કે ઘરથી દૂર સંતાઈને જવાનું પસંદ કરતાં હોય છે. જ્યારે આ સ્ત્રી તેને પોતાના ઘેર આવવા સામેથી નિમંત્રણ આપી રહી હતી .પોતાને ઘેર લઈ જઈને આ સ્ત્રી તેને ક્યાંક ફસાવી તો નહીં દેને ?' તેની ગડબથલમાં તે પડ્યો. રણજીત ને વિચારમાં ડૂબેલો જોઈને ,તેની મનોદશા પેલી સ્ત્રી પામી ગઈ હોય તેમ બોલી .'શું નામ તમારું સાહેબ? 'રણજીત '. 'રણજીત બાબુ, માંગરોળ વાળી માતા શેણલના સોગંદ ખાઈને કહું છું, કે' આ મયુરી એ જિંદગીમાં કોઈની સાથે દગો ,કે છળ -કપટ નથી કર્યું .અને કરશે પણ નહીં .' એ સ્ત્રીએ રણજીતને નામ પૂછવાની સાથે પોતાનું નામ પણ કહી દીધું . 'મયુરી ' કેટલું સુંદર નામ હતું. ને નામની જેમજ મયુર દેખાવ ઉપરથી જાણે કે, કેટલીયે સુંદર કળાઓની જાણકાર હશે. એવું લાગતું હતું 'ક્યારેક -ક્યારેક આ રસ્તે અમારા ગામના અને બહારના લુખ્ખાઓનો પણ ત્રાસ રહે છે. જે બહારથી આવતા અજાણ્યા શાહુકાર (ગ્રાહક)ને હેરાન કરીને લુંટી પણ લે છે પોતાના ઘેર આવવાનું મયુરી એ કારણ પણ બતાવ્યું .અને તે આગળ બોલી .'ઘેર આવવું ન આવવું તમારી મરજી, પરાણે નથી કહેતી. બાકી વિશ્વાસઘાત નહીં કરું એનો પુરો ભરોસો રાખજો .'. મયુરીની વાત ઉપર વિશ્વાસ કરીને રણજીતે ટ્રક ચાલુ કરી,ને કાચા રસ્તે આગળ ચલાવી.રસ્તો રેતાળ હતો .આજુબાજુ થોરની મોટી વાડ હતી. જે થશે તે જોયું જશે.' એમ વિચારીને મયુરીના શબ્દો ઉપર વિશ્વાસ મૂકી રણજીત ટ્રક લઈ આગળ વધી રહ્યો હતો. લગભગ ચાર કિલોમીટર કાચા રસ્તે ચાલ્યા બાદ ખુલ્લી ખરાબાની જમીન આવી. તેમાં ગાંડા બાવળ અને શેણ નાં ઝાડ અસ્થવસ્ત ઉભાં હતાં પરંતુ તેમાં વાહનો ચાલવાનો ચિલો સ્પષ્ટ પડી રહ્યો હતો. ખરાબામા એક કિલોમીટર કાચા રસ્તે ચાલ્યા બાદ, એક નાનું ગામ આવ્યું .
મયુરી ના કહેવાથી ગામ વચ્ચે આવેલા મોટા ચોરામાં એક ઘર સામે જઈને રણજીતે ટ્રક ઉભી રાખી .ટ્રકનો અવાજ સાંભળીને અને પ્રકાશ જોઈને આજુબાજુના ઘરોમાંથી કેટલીક યુવાન છોકરીઓ ,સ્ત્રીઓ ,તો એક -બે પુરુષો એમના ઘર બહાર નીકળી આવ્યાં.ને કોઈ ગ્રાહક આવ્યા છે એમ સમજીને ટ્રક તરફ જોઈ રહ્યાં .પરંતુ ટ્રકની કેબીન લાઈટ ના પ્રકાશમાં તેમણે મયુરીને કેબિન માથી એક પુરુષ સાથે નીચે ઉતરતી જોઈ, તેથી વારાફરતી બધાં એક પછી એક ટપો -ટપ પોતાના ઘરોમાં ચાલ્યાં ગયાં . ટ્રક ને ચોરામાં પોતાના ઘરની સામે જ મુકાવીને મયુરી રણજીત ને પોતાના ઘેર દોરી લાવી.