Bhagvat Rahasaya - 224 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 224

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 224

ભાગવત રહસ્ય - ૨૨૪

 

શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.

 

એકનાથ મહારાજે લખ્યું છે-કે-ભગવાન વાલીને કહે છે-કે-મારા દર્શન તને થયાં તે તારા પ્રતાપે નહિ,પણ સુગ્રીવ મારા શરણે આવ્યો છે,અને સુગ્રીવનો તુ ભાઈ છે,તેથી તારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું, શરણાગત ના કુટુંબનો પણ ઉદ્ધાર કરવો એ મારી ફરજ છે.

વાલી આ સાંભળી સુગ્રીવને પ્રણામ કરવા ગયો-કે તારે લીધે મને રામજીના દર્શન થયાં.

સુગ્રીવ જવાબ આપે છે-કે-મોટાભાઈ,તમારે લીધે મને રામજીના દર્શન થયાં છે,જો તમે મને ઘરમાંથી કાઢી

મુક્યો ના હોત , તો મને રામજીનાં દર્શન ક્યાં થવાનાં હતાં ?

પછી રામ-રામ બોલતા વાલીએ શરીરનો ત્યાગ કર્યો છે.રામજીએ સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય આપ્યું છે.

 

રામજીની અનાસક્તિ કેવી છે !! રાવણને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું પણ એક પૈસો લીધો નથી,

વિભીષણને રાજ્ય આપી દીધું છે.શ્રીકૃષ્ણને પણ મથુરાનું રાજ્ય મળ્યું હતું તે તેમણે ઉગ્રસેનને આપી દીધું.

ભગવાન જેવું બોલે છે-તેવું જીવનમાં ઉતારી ને-કરીને બતાવે છે.

જ્ઞાનની શોભા વ્યાખ્યાન (ભાષણ)થી નથી પણ-ક્રિયાત્મક ભક્તિયોગથી છે.

 

ભગવાન શ્રીરામ પ્રયર્ષણ પર્વત પર વિરાજ્યા છે.

 

રાજ્યગાદી મળ્યા પછી,સુગ્રીવ રાજ-વૈભવના સુખોમાં ભગવાનને ભૂલી ગયો.

વધુ પડતાં સુખો મનુષ્યને ભગવાનથી દૂર લઇ જાય છે.સુગ્રીવને વધુ પડતું સુખ ,મળ્યું એટલે તે ભગવાનના ઉપકારને પણ ભૂલી ગયો છે.સુગ્રીવના આવા વર્તનથી લક્ષ્મણજી નારાજ થયા છે,અને સુગ્રીવને ઠપકો આપે છે.સુગ્રીવ આવી ક્ષમા માગે છે-કહે છે-કે- મારી ભૂલ થઇ છે,રામજીની માયા એવી છે કે ,મોટા મોટા તેમાંભુલા પડે છે,મોટા મોટા બુદ્ધિશાળીઓને પણ તે નચાવે છે-તો હું તો પશુ (વાનર) છું. કામાંધ અને મદાંધ થઇ હું અતિ સુખમાં આપને ભૂલી ગયો,પ્રભુ મને ક્ષમા કરો.

 

પરમાત્મા જીવના અપરાધને ક્ષમા કરે છે. પ્રભુએ સુગ્રીવને પાસે બેસાડી તેના કુશળ પૂછે છે.

સુગ્રીવ અને હનુમાનજી સીતાજીને શોધવાના કામમાં લાગી જાય છે.વાનરસેના ભેગી કરી છે.

હનુમાનજી રામજીને પૂછે છે-કે-મેં માતાજીને જોયાં નથી તો હું તેમને કેવી રીતે ઓળખી શકીશ ?

મને કોઈ ઓળખ આપો. ત્યારે રામજી કહે છે-કે-તેઓ ગોરા છે,વાળ અતિ સુંદર છે.હનુમાનજી કહે છે-કે

હું બ્રહ્મચારી છું,હું સ્ત્રીના સામે જોતો નથી કે સ્ત્રીના શરીર નું સ્મરણ પણ કરતો નથી.બીજું કોઈ લક્ષણ મને કહો.

 

ત્યારે રામજી કહે છે-કે- સીતાજી જો જંગલમાં વિરાજેલા હશે તો જે ઝાડના નીચે તે વિરાજેલા હશે –

તે ઝાડના પાંદડાંમાંથી રામ--રામનો ધ્વનિ આવતો હશે.અને તે જો કોઈ ઘરમાં હશે તો તે મકાનની

દીવાલોમાંથી રામ-રામનો ધ્વનિ આવતો હશે. આવું જોવામાં આવે તો માનજે કે ત્યાં સીતાજી હશે.

હનુમાનજીને રામજીએ પોતાના હાથની મુદ્રિકા (વીંટી) આપી કહ્યું કે-

સીતાજી ને મારા બળ અને વિરહની વાત કહી –સમજાવી તરત પાછો ફરજે.

 - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

 - - - -  - - - - - -