Bhagvat Rahasaya - 221 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 221

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 221

ભાગવત રહસ્ય - ૨૨૧

 

રામ-લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમમાં નથી.

રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.તેમ છતાં-સ્ત્રીવિયોગમાં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે.એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.

રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.

 

રામ કહે છે-કે-આંખો કેમ કરી ઉઘાડું ? ધરતી મારી સાસુ છે-તેના તરફ જોઉં તો તે મને કહે છે-કે-

સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો પરણ્યો શું કામ ? આકાશ તરફ જોઉં તો સૂર્યનારાયણ

મને ઠપકો આપે છે-કે-મારા કુળમાં આવો જન્મ્યો કે જે પત્નીનું રક્ષણ કરી શક્યો નહિ? ........

તેથી હું આંખ ઉઘાડી શકતો નથી.

 

રામ-લક્ષ્મણ સીતાજીની શોધ માં નીકળ્યા છે.સીતાની શોધમાં ચાલતાં-રસ્તામાં જટાયુને પડેલો જોયો, જટાયુ એ કહ્યું-કે રાવણે મારી આ દશા કરી છે.તે સીતાજીનું હરણ કરીને દક્ષિણ દિશામાં ગયો છે.

જટાયુને જોતાં, રામજી સ્ત્રીવિયોગનું દુઃખ ઘડીભર ભૂલી ગયા છે.દશરથ મહારાજને જટાયુ સાથે મૈત્રી હતી,તેથી જટાયુને રામજી કાકા કહીને બોલાવતા હતા.

 

જટાયુ માટે બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખીને જટાયુને કહ્યું-કે- કાકા,મારા લીધે તમારી આ દશા થઇ છે,તમે કહો તો તમારા શરીરને સારું બનાવી દઉં,તમે શરીર ને ધારણ કરી રાખો.

જટાયુએ ના પાડી છે, અને કહ્યું-કે-મરતી વખતે જેનું નામ (રામનું નામ) મુખમાંથી નીકળે –તે અધમ હોય તો પણ મુક્તિ પામે છે,તેવા આપ મારાં નેત્રો સમક્ષ ઉભા છો,

તો હે નાથ,હું કઈ કમીની પૂર્તિ માટે આ દેહને રાખું ? મારી એક જ ઈચ્છા હતી કે અંત સમયે

મને રામના દર્શન થાય,તમારાં દર્શન માટે મેં પ્રાણને રોકી રાખ્યા હતા,હવે ભલે મારા પ્રાણ જાય.

 

આમ કહી જટાયુએ રામજીની ગોદમાં માથું નાખી દીધું. હે-રામ,હે-રામ -કહેતાં જટાયુ,ગીધ શરીરનો ત્યાગ કરે છે, અને હરિના ધામમાં જાય છે.યોગીઓ પણ જે ગતિને યાચે છે-તે સારૂપ્યગતિ, રામજી ,જટાયુને આપે છે.

જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે છે-ત્યારે તેનું મરણ ઈશ્વર સુધરે છે.

જટાયુ ગીધ પક્ષી છે.પક્ષીઓમાં ગીધ ને અધમ પક્ષી ગણ્યું છે,પણ રામ સાથે સંબંધ બાંધી,જટાયુ એ પોતાનું મરણ સુધાર્યું છે. શ્રી રામની સેવા-શ્રીરામનો સંપર્ક –સંબંધથી મુક્તિ મળે છે.

 

જટાયુના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે તે પ્રમાણે –રામજીએ કર્યો છે.

રામજી જેવો દયાળુ કોઈ થયો નથી અને થવાનો નથી.માટે તો શિવજી,પાર્વતી ને કહે છે-કે-

તે લોકો ખરેખર અભાગી છે-કે જે –રામજીને (હરિને) છોડી ને –વિષયો સાથે પ્રેમ કરે છે.

 

જટાયુનું મરણ સુધારીને –શ્રીરામ આગળ વધ્યા છે.ત્યાંથી પંપા સરોવરને કિનારે,શબરીના આશ્રમમાં

પધાર્યા છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણ માં શબરીજીની કથા સુંદર વર્ણવી છે.

શબરીના ચરિત્રનું વર્ણન કરતાં, એકનાથજીને સમાધિ લાગી છે.

 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

 ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -