Bhagvat Rahasaya - 216 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 216

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 216

ભાગવત રહસ્ય -૨૧૬

 

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-

અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે.

તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.

કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.

કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.

કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.

 

ભરત નો ત્યાગ ઉત્તમ છે.અષ્ટસિદ્ધિઓ દાસી થઈને ઉભી છે,પરંતુ ભરત કોઈની સામું જોતાં નથી.

વૈરાગ્ય વગર ભક્તિ રડે છે,વૈરાગ્ય ના હોય તો ભક્તિની કોઈ કિંમત નથી.

ભરતને એક જ ઈચ્છા છે-અને તે રામના દર્શન કરવાની. “મોહે લાગી લગન તેરે દર્શંનકી”

એક વાર -આવી ઈશ્વરની લગન લાગી જાય –તો બાકીનું બધું આપોઆપ આવી જાય છે.

જગતના સર્વ ભોગ પદાર્થોમાં –ભલે તે સામે આવે પણ મન તેમાં જતું નથી. અને તે જ સાચો ભક્ત છે.

 

રામકૃષ્ણ પરમહંસને તેમનો શિષ્ય હંમેશાં પૂછતો કે પરમાત્મા ક્યારે મળે ?

એક દિવસ તે શિષ્ય ગંગામાં જોડે નહાતો હતો તે વખતે,રામકૃષ્ણ પરમહંસે તેના વાળ પકડી અને તેનું માથું

ગંગાના પાણીમાં એક મિનિટ ડૂબાડી રાખ્યું. જેવું તેનું માથું બહાર કાઢ્યું-કે તે શિષ્ય ચિલ્લાઈ ઉઠયો કે-

આવું તો થતું હશે ? મને તો એમ થયું કે આજે મારો પ્રાણ નીકળી જશે.મારો જીવ પાણીમાં મુંઝાતો હતો.

ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું-કે- બસ ઈશ્વરને મળવાની આવી જ ઉત્કંઠા જાગે-કે તેના વગર હવે મારો

પ્રાણ નીકળી જશે-ત્યારે-જ ઈશ્વર મળે છે.પરમાત્મા વગર જીવ મુંઝાય તો પરમાત્મા મળે.

 

ભરતજીએ ત્રિવેણી ગંગા પાસે ભીખ માગી છે-કે-“મારી બીજી કોઈ ઈચ્છા નથી,હું મોક્ષ માગતો નથી,

મને રામ દર્શન કરાવી આપો.”

“ભુક્તિ,મુક્તિ માંગું નહિ,ભક્તિદાન દેહુ મોહી,ઔર કોઈ યાચું નહિ,નિસદિન યાચું તોહી.”

જ્ઞાની-ભક્ત-વૈરાગી પુરુષોને મુક્તિની ઈચ્છા નથી,જે ભક્તિરસ માં તરબોળ થયો છે,તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે.વેદાંત કહે છે-કે-આત્મા તો સદા મુક્ત જ છે,તેને વળી મુક્તિ શાની ?

ભગવાન મુક્તિ આપે છે-(આપેલી જ છે) પણ ભક્તિ જલ્દી આપતા નથી.(વૈરાગ્યથી ભક્તિ આવે છે)

 

સાધુઓ ભરતના વખાણ કરે છે,અમારા વૈરાગ્ય કરતાં પણ ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે.

ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા છે, (દશમે દિવસે રામ-ભરતનું મિલન થયું છે.)

આજે તો ચિત્રકૂટના દૂર થી દર્શન થતાં.લોકોએ દુરથી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે,સૂર્યનારાયણ અસ્ત થયા છે,અને લોકોએ તળેટીમાં મુકામ કર્યો છે.

 

આ બાજુ સીતાજીને સ્વપ્ન આવ્યું છે-કે-ભરતજી આપણને મળવા આવ્યા છે,સાથે અયોધ્યાની પ્રજા છે,

સાસુજીનો વેશ અમંગળ હતો. રામજી કહે છે-કે-આ સ્વપ્ન બહુ સારું નથી,કોઈ દુઃખની વાત સાંભળવી પડશે.

રામ,લક્ષ્મણ જાનકી પર્ણકુટીના ઓટલે બેઠા છે,અનેક ઋષિઓ ત્યાં આવ્યા છે,જ્ઞાન ની વાતો કરે છે.

ત્યાં ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા અને કહે છે-કે-કોઈ ભરત નામનો રાજા મોટી સેના સાથે

તળેટીમાં આવ્યો છે,તેથી આ પશુઓ પણ ગભરાટમાં દોડે છે.

 

રામજી વિચારમાં પડ્યા. પણ લક્ષ્મણના મનમાં પણ –ગુહકના જેવો જ કુભાવ આવ્યો.

“ભરતને સેના સાથે આવવાની શી જરૂર હશે ? હું જાણું છું કે ભરત સાધુ છે,પણ રાજ્ય મળ્યા પછી તેની બુદ્ધિ કદાચ બગડી હશે,અને પોતાના રાજ્ય ને નિષ્કંટક કરવા સેના લઈને આવ્યો હોય, સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે” લક્ષ્મણજીને ક્રોધ આવ્યો છે ધનુષ્ય પર હાથ મૂકી ઉભા થઇ ગયા છે.

 

રામજીએ લક્ષ્મણનો હાથ પકડી બેસાડ્યા અને કહે છે-કે-લક્ષ્મણ,ભરતને જો-સ્વર્ગનું પણ રાજ્ય મળે તો પણ તેને અભિમાન થાય તેવું નથી,આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી.