Bhagvat Rahasaya - 214 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 214

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 214

ભાગવત રહસ્ય -૨૧૪

 

રાજા દશરથની શોકસભામાં ભરત ઉભા થયા છે.સીતા-રામના સ્મરણમાં આંખમાંથી આંસુ નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠના ચરણમાં વંદન કરે છે,અને કહે છે-કે-ગુરુદેવની અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે-મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે ? મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.

 

જેમ જીવ વિના આ શરીરની શોભા નથી તેમ-રામ વગર આ રાજ્યની શોભા નથી.હું તો રામની સેવા કરવા જવાનો છું,પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે,એ વખતે મારો રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ ?

સર્વ અનર્થનું કારણ હું છું,જો જગતમાં જો મારો જન્મ જ ન થયો હોત તો –આ પ્રસંગ કદી બનત નહિ.

મારા જન્મથી અયોધ્યાની પ્રજા દુઃખી થઇ છે,આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુઃખ નથી,પણ મને

માત્ર એક જ વધુ દુઃખ થાય છે-કે-મારા રામ વલ્કલ ધારણ કરી ઉઘાડા પગે વનમાં ફરે છે.

 

મારા રામ સિવાય જિંદગીમાં સઘળું વ્યર્થ છે. મને શાંતિ ત્યારે જ મળશે જયારે હું રામ-સીતાના દર્શન કરીશ.

આ કૈકેયીનો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે,મારા રામની સેવા કરું તો જ જીવન સફળ છે.આ અયોધ્યાની પવિત્ર ગાદી છે-કે જેના પર ભગીરથ,રઘુરાજા અને દિલીપ વિરાજતા હતા તે ગાદી ને હું લાયક નથી.હું પાપી અને અધમ છું, જો મને ગાદી પર બેસાડવામાં આવશે તો-ધરતી રસાતારમાં ડૂબી જશે.આજે મારું ભાગ્ય પ્રતિકુળ છે-તેથી ગુરુદેવ મને આવી સલાહ આપે છે.પણ મારું કલ્યાણ તો માત્ર રામજીની સેવા કરવામાં છે.

 

હું આવતી કાલે રામજીને મળવા જાઉં છું,મને આજ્ઞા આપો.તમે મને આશીર્વાદ આપો કે –મારા રામ

અયોધ્યા પાછા પધારે.હું તો રામજીની પાસે મારા પાપની માફી માંગીશ,તો રામજી મને ક્ષમા કરશે.

રાજ્યના માલિક તો રામ છે,હું તેમને મનાવીશ.રામ-સીતા માની જાય,તેઓ પાછા ફરે –તો ચૌદ વર્ષ હું વનમાં રહીશ.હું અપરાધી છું,સર્વ અનર્થનું કારણ હું છું.

 

કૈકેયીનો દીકરો જાણીને પણ તેઓ મારો તિરસ્કાર નહિ કરે.તેમનો મારા પર અતિશય પ્રેમ છે.

નાનપણમાં રમતમાં પણ તેમણે કદી મને નારાજ કર્યો નથી.હું રામજીને શરણે જઈશ.ભરતજી અતિશય વ્યાકુળ થયા છે,સીતા-રામનું સ્મરણ કરતાં કરતાં તેમની આંખમાંથી આંસુ નીકળતા હતાં.

 

લોકોને ખાતરી થઇ કે ભરતજી રામ-પ્રેમની મૂર્તિ છે.બધાને આનંદ થયો છે.

અને કહે છે-કે- તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું.

ભરતજી કહે છે-કે જેને પણ આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે.

બધાને આનંદ થયો છે-કે ભરતજીના હિસાબે અમને પણ રામજીના દર્શન થશે.

દરબાર પુરો થયો.લોકો ઘેર જઈ ને ભરતજીની સાથે જવાની તૈયારી કરવા લાગ્યા.

પુરુષો,સ્ત્રીઓ,બાળકો બધાને રામના દર્શન કરવાની આતુરતા થઇ છે.

ક્યારે સવાર થાય અને ક્યારે અમે જઈએ.!!!

 - - - - - - - - - - -  - - - - - - - - - - - - - - - - - - - - - -  -  -

ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - -