Bhagvat Rahasaya - 210 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 210

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 210

ભાગવત રહસ્ય -૨૧૦

 

સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથને સમજાવે છે-કે-

પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.

કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજીએ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

 

પછી સીતાજીને વલ્કલ-વસ્ત્ર આપ્યાં.પણ તે જ વખતે વશિષ્ઠજી આવ્યા છે,તેમણે વલ્કલ વસ્ત્રો ખેંચી લીધાં

અને કૈકેયીને ઉદ્દેશીને બોલ્યા-તે અયોધ્યાની રાજલક્ષ્મી છે.વનવાસ રામને આપ્યો છે,સીતાને નહિ.

પતિવ્રતાધર્મને અનુસરીને તે વનમાં જાય છે-તે વસ્ત્ર અને આભૂષણો સાથે જ વનમાં જાય.

 

અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઇ છે.પ્રજા કહે છે-કે અમારે પણ અયોધ્યામાં રહેવું નથી,અમે પણ રામજીની સાથે વન માં જઈશું.રામજી કહે છે-કે-તમે બધા મારા પિતાજીની સેવા કરો.જે મારા પિતાજીની સેવા કરશે તે મને વહાલો લાગશે. વશિષ્ઠજી તમારા સહુનું રક્ષણ કરશે. –છતાં પ્રજાજનો કહે છે-જ્યાં રામ જશે ત્યાં અમે સર્વ જઈશું.રામ,લક્ષ્મણ સીતા સાથે સર્વ પ્રજાજનોએ પણ વન પ્રતિ પ્રયાણ કર્યું.

 

કૈકેયી કહે છે-રામ ગયો પણ અયોધ્યા ને ઉજ્જડ કરતો ગયો.

જ્યાં “મારું-તારું” એવી “ભેદ-બુદ્ધિ” છે ત્યાં ભગવાન વિરાજતા નથી.

કૈકેયીની ભેદ બુદ્ધિથી પરમાત્માએ તેનો ત્યાગ કર્યો છે.

 

દશરથજી તે પાછી જયારે મૂર્છામાંથી જાગ્યા ત્યારે જાણ્યું-કે રામ વનમાં ગયા. તે વિચારે છે-કે-

“મારો રામ વનમાં ગયો,હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?” તેમણે મંત્રી સુમંતને બોલાવ્યા અને કહ્યું-

મારો સોનાનો રથ લઇ જાવ અને રામને કહેજો-ચાલતા વનમાં જશો નહિ,રથમાં બેસીને જાય.

આ મારી આજ્ઞા છે.બેચાર દિવસ વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા પાછાં લઇ આવજો.

રામ કદાચ પાછો ન આવે તો મારી બહુ ઈચ્છા છે –કે સીતાજીને સમજાવીને જરૂર પાછા લઇ આવજો.

સીતાજીને જોઈ હું થોડા દિવસ જીવી શકીશ.

 

દશરથની આજ્ઞા પ્રમાણે સુમંત રથ લઇને રામજી પાસે આવ્યા ને કહ્યું- કે તમારા પિતાજીની આજ્ઞા છે-કે તમે ચાલતા વનમાં ન જાવ.આપ રથમાં વિરાજો. રામ,લક્ષ્મણ,જાનકી –રથમાં બેઠા છે.

અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે છે.કોઈને અયોધ્યામાં રહેવું નથી.રામજી સમજાવે છે-પણ કોઈ માનતા નથી. ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે –રાજકુમાર ઘર છોડીને વનમાં જાય તેની પાછળ આખું ગામ જાય.રામજી જેવી લોકપ્રિયતા –જગતમાં કોઈની નથી. આજે અયોધ્યા નગરી ઉજ્જડ થઇ છે.

 

તમસા નદીને કિનારે સર્વ આવ્યા છે.ત્યાં મુકામ કર્યો છે,અયોધ્યાની પ્રજા સુતેલી છે.

લોકોએ રામજી માટે ઘર છોડ્યું પણ નિંદ્રા છોડી નહિ.

પરમાત્મા માટે ઘર છોડવા કરતાં નિંદ્રા છોડવાની જરૂર છે.જે જાગે તેને પરમાત્મા મળે છે.

મધ્યરાત્રિનો સમય થયો છે,રામે મંત્રીને કહ્યું-કે-“મારા લીધે આ પ્રજાજનો દુઃખી થાય તે યોગ્ય નથી,

બધા ગાઢ નિંદ્રામાં સૂતેલાં છે,એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહિ,સવાર પડશે તો કોઈ મને છોડશે નહિ.” રામચંદ્રજીએ રાત્રિના સમયે ત્યાંથી પ્રયાણ કર્યું છે.પ્રાતઃકાળ માં શ્રુંગવેરપુર પાસે રથ આવ્યો છે.બીજી તરફ પ્રજાજનો જાગ્યા અને રામજીને ન જોતાં વિલાપ કરે છે.

  - - - - - - - - - - - -  - - - - - - - - - - - - - - - - - - - - -

ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો

  - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -