Bhagvat Rahasaya - 208 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 208

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 208

ભાગવત રહસ્ય -૨૦૮

 

મંથરા કહે છે-રામ તો આનંદમાં જ હોય ને ? રામનો તેમના પિતા આવતી કાલે રાજ્યાભિષેક કરે છે.રામના સમાચાર સાંભળી કૈકેયી પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. કૈકેયી અતિ ભોળી છે.મંથરાએ હાર ફેંકી દીધો.

કૈકેયીને આશ્ચર્ય થયું-તે પૂછે છે-મારા રામનો રાજ્યાભિષેક થાય,તેથી મને અતિઆનંદ થાય છે,પણ તને આટલું દુઃખ કેમ થાય છે ? સૂર્યવંશની રીત છે-કે-મોટો પુત્ર ગાદી પર બેસે.

 

મંથરાએ ધરતી પર પડતું મુક્યું,ખોટી રીતે મૂર્છા માં પડી છે,નવી રીતે નવું નાટક ચાલુ કર્યું.

મંથરા હવે કહે છે-કે-રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે ? હું તો દાસી જ રહેવાની છું.

મારો સ્વાર્થ નથી પણ તારું બગડે છે –તે સુધારવા આવી છું, પણ હું જ ખરાબ છું, હવે હું નહિ બોલું.

કૈકેયી વિચારે છે-કે-આ બોલે છે તે કંઈ ખોટું લાગતું નથી,રામ રાજા થાય કે ભરત રાજા થાય તેમાં તેનો શું સ્વાર્થ ? લાગે છે કે તેના મનમાં કંઈક છે તે-તે કહેવા આવી લાગે છે.

 

કૈકેયી મંથરા પાસે આવી અને મંથરાની પીઠ પર હાથ ફેરવવા લાગી.

જેવો મંથરાને સ્પર્શ કર્યો-કે તેની બુદ્ધિ બગડી છે.મંથરામાંના કલિએ કૈકેયીમાં પ્રવેશ કર્યો છે.

સ્પર્શ કર્યો નહોતો ત્યાં સુધી તેની બુદ્ધિ બગડી નહોતી.

 

મંથરા કહે છે-તારું એંઠું મેં ખાધું,તારાં કપડાં પહેર્યા,મને તો બોલતાં પણ બીક લાગે છે,મારે કંઈ નથી કહેવું.

પણ તારું બગડે તે મારાથી જોવાતું નથી,

કૈકેયી હવે કહે છે-કે-“તું જે કહે તે હું કરવા તૈયાર છું.” મંથરા કૈકેયીને ખુબ વહાલી હતી.

મંથરાને જયારે ખાતરી થઇ કે કૈકેયી હવે તેને આધીન થઇ છે-એટલે તે કહે છે-કે-“તેં મને કહ્યું હતું કે રાજા દશરથના બે વરદાન તારી પાસે છે-તે માગી લે.એક તો ભરતને ગાદી અને રામને ૧૪ વર્ષનો વનવાસ”

કૈકેયી ભોળી છે-પણ કુસંગ થી કૈકેયી નુ જીવન બગડ્યું.

કુસંગથી મનુષ્ય દુઃખી થાય છે-સત્સંગથી મનુષ્ય સુખી થાય છે.

 

રોજના નિયમ પ્રમાણે રાજા દશરથ કૈકેયીના મહેલ માં આવે છે-રાજા કૈકેયીને આધીન છે.

શાસ્ત્રમાં લખ્યું છે-કે જે પુરુષ સ્ત્રી ને અતિ આધીન રહે છે-તે દુઃખી થાય છે.

દશરથ રાજાના દુઃખની શરૂઆત થઇ છે. યેનકેન-પ્રકારેણ કૈકેયીએ તેના બે વરદાન માગ્યા છે.

દશરથ રાજાને મૂર્છા આવી છે.

 

બીજા દિવસે સવારે દશરથ જાગ્યા નથી એટલે રામ દોડતા ખબર કાઢવા આવ્યા છે.

કૈકેયીને વંદન કરીને પૂછે છે-બાપુને શું થયું ?મને ખબર કેમ ના આપી ?

કૈકેયી કહે છે-“તારા પિતાના દુઃખનુ કારણ તું છે” એમ કહી આખી વાત કહી સંભળાવી.

રામજી કૈકેયીને વંદન કરીને કહે છે-મા- મારો ભરત રાજા થાય તે સાંભળી મને આનંદ થાય છે.

તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. મને ઋષિ-મુનિઓનો સત્સંગ થાય-અને મારું કલ્યાણથાય –તે માટે તમે વનમાં મોકલો છો-તેનાથી વધુ સારું શું ?હું વનમાં જઈશ. આવી નાનકડી વાતમાંપિતાજીને આટલું દુઃખ કેમ થાય છે ?

 

કૈકેયી ની નિષ્ઠુરતા ની હદ થઇ છે.મંત્રીએ દશરથ રાજાને થોડા બેઠા કરીને કહે છે-તમારો રામ તમને વંદન કરે છે.રામ શબ્દ સાંભળતા જ –દશરથે આંખો ખોલી,બે હાથ લંબાવી રામને છાતી સરસો ચાંપે છે-

“રામ મને છોડી ને જઈશ નહિ” તે વધુ કંઈ બોલી શક્યા નહિ.

રામજી પિતાને સમજાવે છે-આપ તો ધર્મધુરંધર છો,આપને કોણ સમજાવી શકે ? મહાપુરુષો પ્રાણના ભોગેધર્મનુ પાલન કરે છે.ચૌદ વર્ષનો સમય જલ્દી પુરો થઇ જશે,અને આપનાં દર્શન કરવા આવીશ.તમારા આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે.

રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે,દશરથજી,માત્ર રામ-રામ એટલું બોલે છે-અને આંખમાંથી આંસુ નીકળે છે.

 - - - - - - -- 

ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો