Bhagvat Rahasaya - 206 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 206

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 206

ભાગવત રહસ્ય -૨૦૬

 

સીતાજી,સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે- જાય છે.અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા માએ ચારેને વધાવ્યા છે.અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓની રૂબરૂમાં જનકરાજાના બહુ વખાણ કર્યા.સીતાજી તે સાંભળે છે.કન્યાના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.

 

દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે-કે-આ પારકી કન્યા આપણે ઘેર આવી છે-તેનું રક્ષણ-પાંપણો જેમ આંખનું રક્ષણ કરે છે-તેમ કરજો. તેને બરોબર સાચવજો.હવે એ આપણી દીકરી બની છે.

અયોધ્યાની પ્રજા સીતારામને નિહાળે છે.અતિશય આનંદ થયો છે.

આનંદના દિવસો જતાં વાર લાગતી નથી. રામજી ૨૭ વર્ષના અને જાનકીજી ૧૮ વર્ષના થયા છે.

 

એક વાર દેવર્ષિ નારદ અયોધ્યા આવ્યા છે.રામજીએ નારદનું સ્વાગત કર્યું અને પૂછ્યું-કે-શું સેવા કરું ?

નારદજી કહે છે-કે-તમારાં સત્ય સ્વરૂપને હું જાણું છું,તમે જગતને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવો છો.

તમે ભલે માન આપો,પણ તમે તો લીલા કરો છો. આજે બ્રહ્માજીની પ્રેરણા થી આવ્યો છું.

રાવણ દેવોને બહુ ત્રાસ આપે છે,તમારો રાજ્યાભિષેક થશે તો રાવણનો વિનાશ કોણ કરશે ?

ભગવવાને કહ્યું-તમે ચિંતા ન કરો.આવતીકાલે હું લીલા કરીશ.

 

એક દિવસ દશરથજી રાજસભામાં વિરાજતા હતા,ત્યારે માથાનો મુગુટ જરા વાંકો થયો,સેવકો દર્પણ લાવ્યા.

રાજાએ દર્પણ માં જોયું તો મુગુટ વાંકો હતો,વિશેષમાં જોયું તો કાનના ધોળા વાળ પણ દેખાણા.

કાનના ધોળા વાળ અતિ વૃદ્ધાવસ્થાની નિશાની છે.

દશરથે વિચાર્યું-કે “આ ધોળા વાળ મને બોધ આપે છે-કે-હું હવે વૃદ્ધ થયો છું,હું રામને રાજગાદીએ કેમબેસાડતો નથી ? સીતારામનો રાજ્યાભિષેક થાય અને મારી આંખે નિહાળું, હવે આ એક જ ઈચ્છા છે.”

 

ઈચ્છાઓ નો અંત આવતો નથી.પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવદ ભજન કરવું એ ઉત્તમ છે.

પરંતુ દશરથરાજા આ વાત જઈને કોને કહે ?દશરથનુ રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે.

મંત્રી અને મહાજનો ની સંમતિ સિવાય રામને ગાદી પર બેસાડી શકે નહિ.

દશરથે મહાજન અને મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું-

તમારાં સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરું.

 

સુમંત મંત્રીએ કહ્યું-અમારી અને પ્રજાની પણ એ જ ઈચ્છા હતી,પણ સંકોચને કારણે બોલી શકતા નહોતા.

વશિષ્ઠ જી ને બોલાવ્યા અને તેમની પણ મંજૂરી લેવામાં આવી.અને શુભ મુહૂર્તની માગણી કરી.

વશિષ્ઠજી જાણતા હતા કે –રામ કોઈ પણ મુહૂર્તમાં ગાદીએ બેસવાના નથી,એટલે તેમણે કોઈ દિવસ

આપ્યો નથી-અને કહ્યું-કે રામજી જે દિવસે ગાદીએ વિરાજે તે શ્રેષ્ઠ દિવસ છે.

 

વશિષ્ઠની ગૂઢાર્થ વાણી દશરથ સમજી શકતા નથી.અને કહે છે-કે આવતીકાલે જ દિવસ અતિઉત્તમ છે.

આવતીકાલે રામનો રાજ્યાભિષેક થાય,બધી તૈયારીઓ ચાલુ કરો.

દશરથે વશિષ્ઠને વિનંતી કરી છે-કે આ વાત તમે જ રામજીને જઈ કરો.

 

વશિષ્ઠજી રામજી પાસે આવી ને રાજ્યાભિષેકની વાત કરે છે.

રામજી કહે છે-કે- મને એકલા ને ગાદી પર બેસાડશો? ના,ના –અમે ચારેય ભાઈઓનો રાજ્યાભિષેક કરો.

વશિષ્ઠ કહે છે-કે-સૂર્યવંશની રાજનીતિ છે કે-જે જ્યેષ્ઠ (મોટો) પુત્ર હોય તે રાજા થઇ શકે છે.

તમે જ્યેષ્ઠ છો,સર્વની ઈચ્છા છે-કે તમે સીતા સાથે સિંહાસન પર વિરાજો.

 

આજે આખું ગામ શણગારવામાં આવ્યું છે,દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી.દશરથના જીવનમાં

આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશી ગાદી છે-જે ગાદી ઉપર રઘુરાજા,ભગીરથ,દિલીપ વિરાજતા હતા-તે

ગાદીને દશરથ પ્રણામ કરી કહે છે-કે-અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો,હવે આવતીકાલથી

મારો રામ તારી ગોદમાં બેસશે, મારા રામનું તું રક્ષણ કરજે.

 

 - - - - - - - - - - - 

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો