Bhagvat Rahasaya - 204 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 204

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 204

ભાગવત રહસ્ય -૨૦૪

 

જનક મહાજ્ઞાની છે.સંસારમાં રહે છે-પણ જનકરાજાના “મન” માં સંસાર નથી.

સંસારમાં રહેવાથી પાપ થતું નથી પણ સંસારને મનમાં રાખવાથી પાપ થાય છે.

ગીતામાં બીજા કોઈ રાજાનાં વખાણ કર્યા નથી પણ શ્રીકૃષ્ણે જનકરાજાના વખાણ કર્યા છે-લખ્યું છે-કે-“જનક રાજાએ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.”

જનકરાજાની સતત આત્મદૃષ્ટિ હતી. સતત એક જ ભાવના હતી કે “હું શરીર નહિ-શુદ્ધ ચેતન આત્મા છું”

 

રામ-લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરીની બહાર આંબાવાડીમાં રહ્યા છે.

સાયંકાળે સંધ્યા કરે છે,વિશ્વામિત્ર જોડે સત્સંગ કરે છે-અને રાત્રે બંને ભાઈ ગુરુના (વિશ્વામિત્રના) ચરણનીસેવા કરે છે.રામ-લક્ષ્મણની સેવા જોતાં –વિશ્વામિત્રનુ હૃદય પીગળ્યું છે-હૃદયથી આશીર્વાદ આપ્યો છે-કે- તમારું કલ્યાણ થાઓ.

 

આશીર્વાદ માગવાથી મળતાં નથી.આશીર્વાદ હૃદયમાંથી નીકળે છે. સેવા જોતાં –પ્રેમથી હૃદય પીગળે-

ત્યારે હૈયામાંથી જે શબ્દ નીકળે –તેનું નામ આશીર્વાદ છે.

ગુરુજીની આંખ મળી છે-એટલે રામજી હવે સૂતા છે,હવે લક્ષ્મણ રામજીના ચરણની સેવા કરે છે.

લક્ષ્મણ વિચારે છે-કે હવે તો મોટાભાઈના લગ્ન થશે –એટલે તે ભાભીના થશે-ચરણની સેવા કરવાનો

આજે છેલ્લો દિવસ છે.કાલથી મારી સેવા જશે,મને રામજીની સેવા ના કરું ત્યાં સુધી ચેન પડતું નથી.

લક્ષ્મણ વ્યાકુળ થયા છે-આંખમાંથી આંસુ નીકળ્યા છે.

 

રામજી તો અંતર્યામી છે-લક્ષ્મણને કહે છે-લક્ષ્મણ,લગ્ન થયા પછી પણ તું અંતઃપુરમાં આવજે-મારા જમણા ચરણની સેવા તું કરજે અને ડાબા ચરણની સેવા સીતાજી કરશે.લક્ષ્મણ,તને જોયા વગર મને પણ નિંદ્રા આવતી નથી,ભલે મારું લગ્ન થાય પણ હું તને છોડવાનો નથી.રામજીનો આવો બંધુ-પ્રેમ હતો.

 

બીજા દિવસનું સવાર થયું છે-લક્ષ્મણ સહુથી પહેલાં ઉઠયા છે.

લક્ષ્મણજી સૂવે છે-સહુથી છેલ્લા અને ઉઠે છે-સહુથી પહેલા.સાચા સેવકનો તે -ધર્મ બજાવે છે.

વિશ્વામિત્ર શાલિગ્રામની પૂજા કરતા હતા-પૂજા માટે ફૂલ-તુલસી લેવા રામ-લક્ષ્મણને બગીચામાં મોકલ્યા.

બગીચામાં આવી રામજી વિચારે છે-કે- માળીને પૂછ્યા વગર ફૂલ લઉં તો ચોરી કરવાનું પાપ લાગે,એટલે-

બગીચાના માળીને પૂછે છે-કાકા,પૂજા માટે ફૂલ લઉં ? માળી કહે છે-કે હું તો રાજાનો અધમ નોકર છું.

રામજી કહે છે-ભલે તમે રાજાના નોકર હો,પણ ઉંમરમાં તો તમે મારા પિતા જેવડા છો,પિતા સમાન છો.

માળીની આંખ માંથી આંસુ આવ્યા છે.રામજીનો વિનય જોઈ માળી વારંવાર વંદન કરે છે.

 

રામજીની પ્રત્યેક લીલા માં મર્યાદા દેખાય છે,રામ સર્વને માન આપે છે.

તુલસીને પ્રણામ કર્યા સિવાય તુલસી તોડી શકાતી નથી-એવો નિયમ છે.

રામ-લક્ષ્મણ તુલસીને વંદન કરે છે-અને તુલસી તથા ફૂલ –પૂજાને માટે તોડીને ભેગાં કરે છે.

બગીચામાં અંબાજીનુ મંદિર છે-સીતાજી તે વખતે અંબાજીના દર્શન કરવા આવ્યા છે.

સીતા-રામજીની દૃષ્ટિનુ મિલન થયું છે.

 

આ કથા તુલસીદાસજી, તુલસી-રામાયણમાં લઇ આવ્યા છે. બીજી કોઈ રામાયણમાં આ કથા નથી.

સીતાજીએ જગદંબાને વંદન કર્યું-માગ્યું-કે-મને રામજી –પતિ તરીકે મળે.

અંબાજી પ્રસન્ન થયાં છે-અને આશીર્વાદ આપ્યા છે.

 

રામ-લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા છે-વિશ્વામિત્રને રામે કહ્યું-કે-

“જેનો સ્વયંવર થવાનો છે-તે રાજ-કન્યા બગીચામાં આવી હતી, તે અમને જોતી હતી.”

રામજીનો સ્વભાવ સરળ છે-તેમનામાં છળકપટ નામ માત્ર નથી.

વિશ્વામિત્ર કહે છે-કે બેટા હું બધું જાણું છું,કે સીતાજી ત્યાં રોજ આવે છે,અને એટલે જ મેં તને ત્યાં મોકલ્યો હતો.કારણ -સીતાજીને ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -