Bhagvat Rahasaya - 200 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 200

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 200

ભાગવત રહસ્ય -૨૦૦

 

પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા.

જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.

મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”

 

રામજીની આ દશા જોઈ-દશરથજીને ચિંતા થઇ, તેઓએ વશિષ્ઠજીને વાત કરી.

રામજીનો વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજી એ રામજીને ઉપદેશ કર્યો છે. જે “યોગ-વશિષ્ઠ” માં આપેલો છે. યોગ-વશિષ્ઠનું પહેલું પ્રકરણ –વૈરાગ્ય- નું છે,તે અતિ ઉત્તમ છે-એક વખત તે વાંચવું જ જોઈએ.

બીજું બધું ન વંચાય-તો-પહેલું પ્રકરણ વંચાય તો પણ ઘણું.

 

આજે જે ખીલ્યું છે તે કાલે ખરવાનું છે-આજે જે સુંદર દેખાય છે-તે કાલે કરમાવાનું છે.

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

સંસારના ખોટાં સુખ પાછળ –માનવ જીવન બગાડે તે અજ્ઞાન છે.

સંસારના વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી-ભક્તિ વધતી નથી.

 

વશિષ્ઠ રામને કહે છે-કે- તમે શું છોડવા માગો છો ? જગતને (સંસારને) છોડવાની જરૂર નથી.

છોડીને ક્યાં જશો ? જ્યાં જાવ ત્યાં જગત છે.

સંસારના વિષયો સુખ આપે છે- તે સમજ છોડો,વૈરાગ્ય અંદર રાખો.

બહિરંગનો (બહારનો) કરેલો ત્યાગ એ સાચો ત્યાગ નથી,અંતરંગ (અંદર) નો ત્યાગ સાચો છે.

ત્યાગ એ મનથી કરવાનો છે-સંસારમાં સાચું સુખ નથી-એમ માનીને –સંસારમાં રહેવાનું છે.

 

સંસાર બંધન કરતો નથી,મમતા બંધન કરે છે. મન સંસારનું ચિંતન કરે ત્યાં સુધી જીવે છે.

દીવામાં તેલ ના નાખો તો દીવો શાંત થશે.

સંસાર મનોમય છે.સ્વ-રૂપનું (આત્માનું) ભાન થયા પછી-મનનો સંસાર સુખ-દુઃખ આપતો નથી.

દુઃખ એ ખોટું છે-અને સુખ પણ ખોટું છે.

 

રાગ-દ્વેષથી નવું પ્રારબ્ધ પેદા (ઉભું) થાય છે.

પ્રારબ્ધ ભોગવવું –પણ નવું પ્રારબ્ધ ઉભું ન થાય તે માટે કાળજી રાખવી.

ભગવદ-ઇચ્છાથી, પ્રારબ્ધ થી જે વ્યવહારનું કાર્ય પ્રાપ્ત થયું છે-તે પરમાત્માનું અનુસંધાન રાખીને કરવાનું છે.

વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી,પણ ઘરમાં રહેલી એક એક વસ્તુની આસક્તિ-બાધક થાય છે. સંસાર દુઃખ આપતો નથી-સંસારની આસક્તિ દુઃખ આપે છે.

 

પ્રારબ્ધથી જે પ્રાપ્ત થયું છે –તે પ્રભુની પ્રસાદી માની અનાસક્તપૂર્વક ભોગવો-તો તેમાં વાંધો નથી.

જેના રાગ (આસક્તિ) નિવૃત્ત થઇ ગયા છે-તેને માટે ઘર જ તપોવન છે.

હે,રામ. રાજમહેલ છોડશો –તોપણ ઝૂંપડીની જરૂર પડશે. સારાં કપડા પહેરવાનું છોડી દો તો પણ લંગોટી ની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો તો પણ કંદમૂળની જરૂર પડશે-જ.

જ્યાં સુધી લંગોટીની જરૂર છે-ત્યાં સુધી સંસાર છૂટતો નથી.

 

વ્યવહાર તેનો છૂટે જેને ઈશ્વર સિવાય કાંઇ જોઈતું નથી.

માટે રાજ્ય છોડવાની જરૂર નથી,કામ,ક્રોધ,લોભ,આસક્તિ છોડવાનાં છે.

વૈરાગ્ય અંદર હોવો જોઈએ-જગતને બતાવવા માટે નહિ,સાધુ થવાની જરૂર નથી,સરળ થવાની જરૂર છે.

મનોનાશ એ જ મુક્તિ છે.મન વિષયોનું ધ્યાન કરે છે-ત્યારે જીવે છે, મન જયારે પરમાત્માનું ધ્યાન કરે છે-ત્યારે તે પરમાત્મામાં મળી જાય છે. જન્મ મરણનું કારણ મન છે.મન નથી તો સંસાર નથી.

વશિષ્ઠજી કહે છે-આપ તો પરમાત્મા છો-આપ તો લીલા કરો છો.