Bhagvat Rahasaya - 188 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 188

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 188

ભાગવત રહસ્ય- ૧૮૮

 

વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે -તો તે વાસના જ ઉપાસના બને.અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે)

વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.

(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.આઠમા સ્કંધમાં સંતોના

ચરિત્રો કહ્યા છે, જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે.

(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે.

આ નવમા અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.

 

મનના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે.

આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.

બંને વાસનાઓ ના સંપૂર્ણ વિનાશ વગર “મોહ”નો વિનાશ થતો નથી.

અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.

 

જ્ઞાની પુરુષો સંસારમાં સાચું સુખ નથી એવો વારંવાર વિચાર કરે છે.તે વિચારે છે-શરીર છે,ત્યાં સુધી કદાચ-સુખ-સગવડની અપેક્ષા રહે છે,પરંતુ આ સુખ સગવડનો અંત –પરિણામ –દુઃખમય છે-એમ માની તેને વિવેક થી ભોગવવા જોઈએ.આત્મા તો સદા મુક્ત છે.પણ મન-બુદ્ધિને મુક્ત કરવાના છે.

મન-બુદ્ધિમાં સૂક્ષ્મ રૂપે રહેલી વાસનાનો વિનાશ જલ્દી થતો નથી.

 

આપણું લક્ષ્યબિંદુ –શ્રીકૃષ્ણને મળવાનું છે.ઈશ્વર સાથે એક થવાનું છે.(આત્મા-પરમાત્મા નું મિલન)

ભગવાન સાથે તન્મય થવા માટે –એક થવા માટે-સૂક્ષ્મ વાસનાનો વિનાશ કરવા માટે

ભાગવતની કથા એક સાધન છે. કોઈ પણ સાધન કરો પણ સંસારના વિષયોનું વિસ્મરણ થાય, અને ઈશ્વર સાથે તન્મયતા થાય- એ જ સર્વ સાધનનું ફળ છે.

 

સંસારના વિષયો (સ્વાદ-વગેરે) મનમાં ન આવે તેને માટે મુક્તિ સુલભ છે.

પ્રભુનું બનાવેલ જગત ભજનમાં વિક્ષેપ કરતુ નથી,પણ

મનુષ્યે જે મનથી બનાવેલ જગત છે-તે ભજનમાં (સાધનમાં) વિક્ષેપ કરે છે.

મનમાંથી તેણે બનાવેલ-ઉભા કરેલ જગતને કાઢી નાખવામાં આવે ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં આવશે,

માલિકની રાસલીલા માં પ્રવેશ મળશે.

 

કોઈ એક તેલની બરણીમાં વર્ષો સુધી તેલ ભરવામાં આવ્યું હોય, પછી જો તેને સ્વચ્છ કરવા

બરણી ચારપાંચ વખત ધોવામાં આવે તો પણ તેમાં ચીકાશ રહી જાય છે,

અને કોઈ એવી બીજી સારી વસ્તુ તેમાં ભરવામાં આવે તો તે બગડી જાય છે.

 

તેવી જ રીતે આ આપણું મસ્તક-બુદ્ધિ એ બરણી છે.

આ બરણીમાં વર્ષો સુધી કામ-વાસના રૂપી તેલ –આપણે રાખતા આવ્યા છીએ.

આ બુદ્ધિ-રૂપી પાત્રમાં શ્રીકૃષ્ણ રૂપી રસ રાખવાનો છે.

પણ જ્યાં સુધી બુદ્ધિમાં કામ-વાસનાની સહેજ પણ ચીકાશ હશે ત્યાં સુધી –પ્રેમ રસ તેમાં રહેશે નહિ.બુદ્ધિ કંચન જેવી ચોખ્ખી થાય ત્યારે જ –પ્રેમરસ,ભક્તિરસ તેમાં ઠરશે.(બગડશે નહિ)

 

પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે.

બુદ્ધિમાં જ્યાં સુધી ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી, આનંદનો અનુભવ થતો નથી.

નવમાં સ્કંધમાં બે પ્રકરણ છે.સૂર્યવંશ અને ચંદ્રવંશનું.

બુદ્ધિની શુદ્ધિ માટે સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને

મનની શુદ્ધિ માટે ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.

 

રામાયણમાં રામચંદ્રજીના ચરિત્રનું વિગતવાર વર્ણન છે,પણ,

રામચંદ્રજીનું ચરિત્ર –અહીં-ટૂંકમાં ભાગવતમાં કહ્યું છે,તે એટલા માટે કે-તે બતાવે છે-કે-

જે રામચંદ્રજીની મર્યાદાનું જે પાલન કરે અને કામને (રાવણને) મારે તેને જ કન્હૈયો મળે

 

 - - - - - - - - - - - -- - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -