Debt agreement in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | ઋણાનુબંધ

Featured Books
Categories
Share

ઋણાનુબંધ

ઋણાનુબંધ જ્યારે પૂરો થઈ જાય ત્યારે!!!!





        હૃદયની ભાવના પૂરી થઈ જાય ખરી!! લાગણીની ભીનાશ સૂકાય જાય ખરી!! ઋણ કદાચ ગયા ભવનું બાકી હોય ચૂકવવાનું તે પૂરું થઈ જાય એટલે સંવેદનાનો બંધ, સેતુ તૂટી જાય ખરો!! સાવ જીવનમાંથી જીવંતતાના પત્તાનો મહેલ કકડભૂસ થાય સાવ એમ જ!! ખોટું ખોટું જીવેલું, સાચુ સાચુ માનેલું, ખોટાને સાચું માની, સાચાને ખોટું ધારી, જીવનની ક્ષણોને ભરેલી, તે 'ભરેલાપણા'નું માટલું સાવ ઊંધું કરી કુદરત ઢોળી દઈ, તેને ખાલી કરી દે, તેવી અસંવેદનશીલ, કઠોર અને પથ્થરસમ લગતી ક્ષણો એટલે જ શું ઋણાનુબંધ પૂરો થયો એમ લોકો કહેતા હશે!!!




       શું એટલું સહેલું હશે સળગતી આગને યજ્ઞ કહી મન મનાવી લેવું!! શું એટલું સહેલું હશે ઋજુતાની હત્યા કરી ઘરેડની માન્યતાને માથે ચડાવી લેવી !!



         સંબંધોની ગાંઠ સાવ ઢીલી હતી કદાચ મૃગજળ જ હતી, છૂટી ગઈ એવી રીતે કે ક્યારે બંધાયેલી જ નહતી. આવી રીતે પૂરો થાય છે ઋણાનુબંધ? તણકલા સંબંધોના ઉખડી જાય ને મૂળથી તે ખરેખર મૂળથી જોડાયેલા જ નથી હોતા. માત્ર આપણને જે તે સમયે લાગતાં હોય છે .

જીવનના જુદા જુદા તબક્કે ઈશ્વર એક ઋણાનુબંધનું દોરડું લટકાવતા હોય છે જેને પકડીને આપણે જીવનના પગથિયા ચઢી શકીએ. એકવાર ચઢી ગયા પછી પાછું વળીને જોતા પગથિયાં હોતા જ નથી. તે તો છાયા હોય છે માત્ર . જેને આપણે લાગણી કહીએ, અંતરથી જીવેલી ક્ષણો ક્ષણભરમાં આભાસી લાગવા માંડે. જીવન આખું જાણે આપણે દર્પણ જોતાં હોઈએ એવું લાગે. જેમાં માત્ર આપણે જ સત્ય હોઈએ,બાકીનું બધું દોડતું, ભાગતું, ઘડીકમાં દેખાતું, ઘડીકમાં અદ્રશ્ય, સાચા ખોટાથી પર મૃગજળ જેવું, જેમાં લાગણી ય છલ છે ને છેતરાવું પણ છલ. માત્ર છે તો એ માત્ર ઋણાનુબંધ. સાચો સંબંધ માત્ર "સ્વ" સાથેનો. આતમ સાથેનો. જેને આપણને જાત સાથે ઝઘડતા જોયા છે. ચીસો પાડીને રડતા જોયા છે. આંસુ પાછળ છુપાયેલની સહાયતા અને સ્મિત પાછળ છુપાયેલ ડુમાઓ જોયા છે. જેને આપણને મૃગજળ સમ ખુશીને પીતા જોયા છે. જેને સાચા-ખોટામાં અટવાઈને આપણને છેતરાતા જોયા છે. છેતરતા જોયા છે. જેને ક્યારેય નથી આપણને બાંધ્યા કે નથી આપણને એકલા મૂક્યાં .સતત સાથે રહી આપણને બસ તેના સાથે હોવાપણાનો અહેસાસ આપ્યો છે. 



         ક્યારેય ઋણાનુબંધ પૂરો થાય એ દર્પણ તોડી નાખવું નહીં. તેને સાથે રાખીને આપણા બદલાતા ચહેરા, બદલાતાં ભાવ , બદલાતા રસ્તાઓ, બદલાતા સંવેદનાઓ, તાદ્રશ્ય જોવાનો પ્રયત્ન કરવો. માની લીધેલું કંઈ જ સત્ય હોતું નથી. જોયેલું, સાંભળેલું, અનુભવેલું પણ સત્ય નથી હોતું. માત્ર આપણે કઠપુતળી છીએ જેને કુદરત આ અજાયબભરી જાદુઈ દુનિયામાં આપણને નચાવ્યા કરે છે. કંઈ જ આપણે કરી શકતા નથી. ઇચ્છવા છતાં કંઈ જ આપણે બદલી શકતા નથી. માત્ર દ્રષ્ટા બની જાતને જોતરવી પડે છે .




       મારાપણું ય છલ છે અને તારાપણું ય છલ છે. માત્ર નીરખી શકીએ જીવનને દ્રષ્ટા બનીને,જોઈ તેના સાચાં સ્વરૂપને અને તેના સાચા સ્વરૂપ સુધી પહોંચી શકે તોય ઘણું .


        જીવનના દરેક તબક્કે હરેક ક્ષણ આપણને કાયમ અમર જ લાગે છે. ક્યારેય પણ બીજી ક્ષણ નહીં હોય એવો વિચારસુદ્ધા આપણને નથી આવતો. ક્ષણોનું આ જોડાણ જ્યારે પૂરું થવાને આરે આવે છે ત્યારે જીવનના બધા લેખાજોખામાં પારકો, પોતાનો, વહાલું, દુશ્મન બધા સંબંધો ખરી પડે છે. નશ્વરતાના આ સંસારમાં શાશ્વત જોઈ શકવાની દ્રષ્ટિ વિકસાવેલી હશે, તો જીવન વ્યર્થ વહી ગયું એવી લાગણી નહીં થાય. સુખેથી જીવવાનું સહેલું છે, સુખેથી મરવું કદાચ અઘરું. તે માટે આખી જિંદગીમાં સાચાં સુખની પરિભાષા સુધી પહોંચવું પડે .



મિત્તલ પટેલ 

"પરિભાષા"