Shu aapna vichar ane karma upar koinu niyantran hoy chhe in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | શું આપણા વિચારો અને કર્મ ઉપર કોઈનું નિયંત્રણ હોય છે ?

Featured Books
Categories
Share

શું આપણા વિચારો અને કર્મ ઉપર કોઈનું નિયંત્રણ હોય છે ?

વિચાર અને કર્મ બે જુદી વસ્તુ છે. વિચાર મનમાંથી ઉદ્‌ભવે છે. વિચારો તો ફટાકડાની કોઠીની માફક ફૂટ્યા જ કરે છે. જ્યારે વિચાર ફૂટે ત્યારે તેમાં પોતે ભળે એટલે કર્મ બંધાય છે. જેમ કે, પોતાને ગમતો વિચાર આવે કે, “આ લોટરી લઈશું તો બે લાખ રૂપિયા મળશે”, તો તે ઘડીએ વિચારમાં તન્મયાકાર થઈ ગયા. જો વિચારોમાં ભળીએ નહીં અને વિચારો એમ ને એમ ખાલી થયા કરતા હોય તો કર્મ નથી બંધાતા, જે આત્મજ્ઞાન વિના શક્ય નથી. એટલે સામાન્ય રીતે વિચારો ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી. જીવ ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી વિચારો અવિરત ચાલતા જ હોય છે.
ઘણા મનુષ્યો વિચારોને કંટ્રોલ કરવાના અને મનને વશ કરવાના પ્રયત્નો કરતા હોય છે. તે માટે ઘરબાર બધું ત્યાગીને હિમાલયમાં જઈને ઘોર સાધના પણ કરતા હોય છે. જેથી બધા પરિગ્રહો ઓછા કરતા કરતા વિચારો ઉપર કાબૂ મેળવી શકાય. પણ બાહ્ય ચીજોનો ત્યાગ થઈ શકે, જ્યારે મન તો આપણે જ્યાં જઈએ ત્યાં સાથે જવાનું જ છે. જ્યાં સુધી બહારની ચીજવસ્તુઓનો સંયોગ નહીં હોય ત્યાં સુધી મન પાંસરું રહેશે અને આપણને શાંતિ રહેશે. પણ બહારના સંયોગો ઉપર કોનો કાબૂ છે? જેવા સંયોગ આવીને ઊભા રહેશે કે આપણું મન ફરીથી ચઢી બેસશે.
મનની ચંચળતા એક વાર્તાના ઉદાહરણથી સમજીએ. એક સાધુ હતા. તે આત્મા પ્રાપ્ત કરવા ઘર સંસારનો, પત્ની-છોકરાઓનો ત્યાગ કરીને જંગલમાં નીકળી પડ્યા. હવે અમદાવાદ જેવા શહેરની ગરમીમાંથી હિમાલયની ઠંડકમાં શરૂઆતમાં તો એમને સારું લાગ્યું. સાધના શરૂ થઈ. એમ કરતા કરતા શિયાળો આવ્યો અને કડકડતી ઠંડી શરૂ થઈ અને સાધુને શરદી થઈ ગઈ. થોડા દિવસો તો એમને એમ ખેંચ્યું. પણ પછી શરદી ભારે થઈ ગઈ, તાવ આવ્યો અને માથું દુઃખવા માંડ્યું. એટલે સાધુને એમના પત્ની યાદ આવ્યા, કે “એ હોત તો અત્યારે તુલસીનો ઉકાળો કરીને પીવડાવત અને માથું-બાથું દબાવી આપત.” પણ પછી એમણે મનના વિચારોને ધક્કો માર્યો, અને વિચાર્યું કે “હું જંગલમાં જાતે જ તુલસી શોધી કાઢું.” એટલે તે જંગલમાં તુલસી શોધવા નીકળ્યા અને એક છોડ મળ્યો. એમાંથી ઉકાળો કરીને પીધો અને સાધુને સારું લાગ્યું. એટલે પછી એમને વિચાર આવ્યો કે “આ છોડ હું મારી ગુફા આગળ વાવી દઉં, એટલે પછી જ્યારે શરદી થાય તો વાંધો ના આવે.” એટલે એમણે ગુફા આગળ એ છોડ રોપ્યો અને રોજ પાણી પાઈને એને ઉછેરવા માંડ્યો. એમ કરતા કરતા છોડ મોટો થયો. પણ એક દિવસ મોટો ઉંદરડો આવીને આખો છોડ કાપી ગયો. એટલે સાધુને તો ચિંતા થઈ કે, “આટલી મહેનત કરીને છોડવો ઉછેર્યો, પણ આ મહેનત તો નકામી ગઈ!” એટલે ઉંદરનો ઉપાય કરવાનો વિચાર આવ્યો કે, “લાવ ને! એક બિલાડી પાળું, એટલે ઉંદરડા નાસી જાય ને છોડવો સચવાય.” એટલે સાધુ એક બિલાડી લઈ આવ્યા. ઉંદરો તો ભાગી ગયા પણ બિલાડીને રોજ દૂધ ક્યાંથી પીવડાવવાનું? એટલે સાધુને વિચાર આવ્યો કેમ “એક ગાય પાળી લઉં એટલે એનું દૂધ બિલાડીને પીવડાવાય.” અને એ ગાય લઈ આવ્યા. પછી સાધુને વિચાર આવ્યો કે, “પણ આ ગાયને દોહવાનું, એનું વાસીદું કરવાનું બધું કોણ કરે?” છેવટે ગાય માટે પરણ્યા અને પત્ની લઈ આવ્યા. આમ સંસાર તો પાછો ત્યાંનો ત્યાં જ રહ્યો. વાર્તાનો સાર એ છે કે, આપણે વિચારોને નિયંત્રણમાં લાવવા લાખ પ્રયત્નો કરીએ, પણ મન તો આપણી સાથે ને સાથે જ રહેવાનું, તે છોડશે નહીં.
ખરેખર તો મનનો સ્વભાવ એવો છે કે એને જેટલું કંટ્રોલ કરવા જઈએ એટલું એ છટકી જાય. દાખલા તરીકે, હમણાં સમાચાર આવે કે સરકારે પેટ્રોલ ઉપર નિયંત્રણ મૂકી દીધું છે, કાલથી થોડા દિવસ પેટ્રોલ નહીં મળે, તો લોકો પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવે અને પેટ્રોલ ભરી રાખે. હવે રોજ પેટ્રોલનો વિચાર પણ ના આવતો હોય, પણ જેવો કંટ્રોલ આવ્યો કે મન કૂદાકૂદ કરી મૂકે. એટલે ગમે તેટલા જપ-તપ કે ધ્યાન કરવાથી મન કંટ્રોલમાં આવતું નથી. થોડો સમય મન કાબૂમાં રહ્યું એવું લાગ ખરું, પણ લાંબુ ટકતું નથી. ધ્યાન કરવા બેઠા તેટલી વખત એકાગ્રતા થાય અને મન શાંત રહે, પણ જેવા ધ્યાનમાંથી ઊભા થયા કે મન પાછું ચડી બેસે.
વિચારો કરવા એ મનનો ધર્મ છે. વિચારો ઉપર નિયંત્રણ કરીએ તો મનને મારી નાખવા જેવું થાય. આત્મજ્ઞાન એક જ એવી વસ્તુ છે કે જેનાથી મન બંધાઈ જાય, પછી મન આપણને કોઈ દિવસ મુશ્કેલીમાં મૂકે નહીં. આત્મજ્ઞાન એટલે “હું કોણ છું?” અને “કરે છે કોણ?” તેનું ભાન થવું. પોતાના સાચા સ્વરૂપમાં એટલે કે, આત્મામાં સ્થિર થવું એ આત્મજ્ઞાન. આત્મા સ્વભાવથી અચળ છે, જ્યારે મન ચંચળ છે. સ્વરૂપનું ભાન થાય પછી પોતે અચળ પદમાં સ્થિર રહીને જેમ જેમ મનને જુદું જોયા કરે છે, તેમ તેમ મન ખાલી થતું થતું ખલાસ થઈ જાય છે, અને નવું મન ઉત્પન્ન થતું નથી.