મહાત્મા મંદિર, ગાંધીનગર
ગાંધીનગર ખાતે આકાર પામેલું આ અદભુત સ્થાપત્ય હજુ જોયું ન હતું. કેટલીક સાઈટ એ સોમવારે બંધ રહે છે એમ કહે છે પણ એ ખુલ્લું જ હોય છે.
અમદાવાદથી જતાં ડાબી સાઈડ પર જ પાર્કિંગનું મેદાન છે. સામેની તરફ મોટા હોલમાં ફક્ત પ્રદર્શનો કે મિટિંગ, સેમિનાર વગેરે થાય છે. ખૂબ અગત્યની સરકારી મીટીંગો ઉપરાંત મોટી કોર્પોરેટ મીટીંગો માટે ગાંધીનગર અને એ તરફ નજીકમાં કદાચ આ એક જ યોગ્ય જગ્યા છે. એ ઉપરાંત ઘણા ઓછાને ખબર છે કે તે એક સારું જોવાલાયક સ્થળ છે.
મહાત્મા મંદિર નજીક આવતં પવનચક્કી જેવું દેખાય છે, એ રેંટીયાના આરા છે અને રેંટિયાના તાર ની જેમ લાંબા વાયરો સીધા તણાયેલા ઊંચે દેખાય છે.
સામે પ્રદર્શનોનો ખંડ કોઈ ઇજિપ્તના પિરામિડ જેવો લાગે, એ દાંડીના મીઠાના ઢગલાની પ્રતિકૃતિ છે.
અંદર જતાં જમણે તમારી બધી જ ચીજો સિવાય કે પાણી અને સાવ નાના બાળકોની દૂધની બોટલ મૂકી દઈ અને સિક્યોરિટી ચેક કરાવ્યા પછી પ્રવેશ મળે છે. રૂ. 10 ટિકિટ છે.
અંદર જતા ખુબ ઊંચો ડોમ તમારું સ્વાગત કરે છે. તમને એક હેડફોન અને એક પ્લેયર આપવામાં આવે છે જે ગળે લટકાવવાનું હોય છે. આ પ્લેયરનું કનેક્શન રિમોટ થી જે તે જગ્યાઓ સાથે થયેલું લાગ્યું કેમ કે જેવા એ જગ્યાએ જાઓ, એ ત્યાંની સંબંધિત સ્ટોરી કહેવા લાગે અને એ જગ્યા છોડો એટલે બંધ.
અક્ષરધામને ક્યાંય પાછળ પડી દે તેવા મલ્ટી મીડિયા શો છે જેમાં 3ડી નો ઉપયોગ અને દ્રશ્યોનું મિશ્રણ માની ન શકાય એવી રીતે કર્યું છે.
પહેલા પોરબંદરની શેરીઓ વચ્ચે તમને લઇ જાય જ્યાં એનાં વાતાવરણ વચ્ચે નાનો મોહન જન્મે, રમે, અંધારાથી ડરે (એમાં ભૂતની ડરાવણી આકૃતિઓ પણ ઉભી કરેલી) બધું ફિલ્માંકનથી, આપણી ચારે બાજુના પડદા પર ચાલતી ફિલ્મ દ્વારા. અહીં મોહનનાં, એના મોટાભાઈ અને કાકાનાં એક માંડવે લગ્ન થાય છે ત્યાં ફેરા ફરતાં ફિલ્મ અને પ્લેયર અટકે.
હવે બીજા પાર્ટમાં કસ્તુરબાના અવાજ એટલે યુવાન અવાજમાં એની ભાષામાં જીવન શરૂ થવાની સ્ટોરી અને સામે લગ્નના અગ્નિની જમીનમાં પ્રજવલિત વેદી લાઈટ થી બતાવે. સહેજ આગળ જતાં મોહન હવે બેરિસ્ટરનું ભણવા વિલાયત જાય છે ત્યાં કસ્તુરની મૂંઝવણ અને “ક્યાંક ગોરી લાલ વાળ વાળી મેઢમ નો તો નહિ થઇ જાય ને?” એ મૂંઝવણ સાથે અટકે.
ત્રીજા ભાગમાં ગાંધી સ્ટીમરમાં ચડે અને આપણી ચોપાસ દરિયો, જાણે આપણે વહાણમાં વિલાયત જઈએ છીએ એવું લાગે. કોઈ ત્રમ્બકરાય મજમુદારનું અને ત્યાં ઉતરતા ગાંધીનું વર્ણન, અને ટચ સ્ક્રીન દ્વારા જે મકાનનું બટન દાબો ત્યાં નો ઇતિહાસ અને ચિત્રો આવે.
લંડન બાદ હવે આફ્રિકા. વકીલ ગાંધી કસ્તુરને રસોઈમાં મદદ કરે છે અને કહે છે કે આફ્રિકાની ભૂમિ પર બ્રિટીશ કાયદા મુજબ ખ્રિસ્તી લગ્નો સિવાય બધાં લગ્નો અમાન્ય છે. એની કસ્તુરબાને નવાઇ લાગે છે અને આનું કંઇક કરવું જોઈએ એમ વાત કરે છે. મોહનદાસ કસ્તુરને કહે છે કે સ્ત્રીઓ એમના પતિની રખાત બની રહેશે. કસ્તુર ખુદ લડવા અને બીજીઓને જોડવા તૈયાર થઇ જાય છે, કટાક્ષમાં કહે છે કે તમારે તો મને જેલ મોકલવી જ હતી! પણ કહે કે એમ કરતા મરી જાઉં તો પણ 30 જન્મો સુધી તમારી રહીશ.
હવે અદભુત દૃશ્યો. આપણી ચો પાસ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં સભા છે, આગળ. પાછળ, ડાબે, જમણે. ગોળ પડદા પર. એમાં ગાંધી અને એક મુસ્લિમ સજ્જન અસહકારની હાકલ કરે છે. “તમારા આંગળાંઓની છાપ તમે નહિ આપો તો કોઈ ફરજ પાડે નહિ, આપો તો ગમે ત્યારે તમારા ઘરમાં ઘુસી તમારી બાયડીની જડતી તમારી સામે લે ને તમારી રખેલ હોઈ ઉપાડી જાય. બોલો આ ચલાવશો?” એમ પૂછે. અસહકાર આંદોલન સફળ થાય છે. હવે એ જ ફિલ્મ કલરમાં અને 3 ડી માં. ગોખલે, રાજાઓ વગેરે એ વખતનું ભારત બતાવતી આગળ વધે.
હવેનું તો અવિસ્મરણીય દ્રશ્ય છે. તમે ટ્રેઈન ના ડબ્બા માં બેસો. તમારી બારીની બહાર ટ્રેઈન ની ફિલ્મ ચાલે. હા, સ્ટેશનથી ઉપડતી, સ્પીડ પકડતી, ધીમી પડતી. વારાણસી આવે. ત્યાં યુનિ. ની સ્થાપના અને અંગ્રેજીને બદલે માતૃભાષામાં ભણવાનો આગ્રહ થાય. ત્યાંના રાજા કલરમાં ઠસ્સાદાર વ્યક્તિત્વ સાથે આવે. હવે શાંતિ નિકેતનમાં ટાગોર સાથે પાયાના પ્રશ્નોની ચર્ચા, વળી ટ્રેન ઉપડે, ચેન્નાઇ. ગોખલેનું કહેવું કે 1 વર્ષ કોઈ જાહેર વક્તવ્ય નહિ, ફક્ત ભારત ભ્રમણ. ત્યાંના લોકોને ગાંધીજી મળે. હવે ટ્રેન ચાલતી રહે, ગાંધીજી નું ઠેરઠેર સ્વાગત થાય.
હવે સભામાં ગાંધીજી કહે કે રેલ્વે, પોસ્ટ જેવી ભૌતિક સુવિધાઓ બ્રિટિશરો તરફથી મળી પણ બદલામાં આપણને એમના તાબામાં રાખે એને બદલે સ્વતંત્રતા જોઈએ.
હવે જેલના સળિયા. જાણે આપણે કેદી હોઈએ એમ, અંદર ફિલ્મ ચાલે અને 3 ડી ઇમેજ. ક્વિટ ઇન્ડિયા, સ્વતંત્રતા આપવાની જૂન માં જાહેરાત અને ઓગસ્ટમાં મળે એ પહેલાં ભારતીય ગુરખાના હાથે ગોળીબારમાં સત્યાગ્રહીઓનાં મોત, તુરત સત્યાગ્રહ આંદોલન ગાંધીજી બંધ કરે છે, લોકો વચ્ચે જઈ શાંતિ સ્થાપે છે. ફરી જેલમાં કસ્તુરબાની સેવા અને કસ્તુરબાનું મોત. આઝાદી અને ત્યાર બાદ.
અહીં મલ્ટી મીડિયા શો પુરા થાય. હવે પ્રદર્શન ભણી જવાનું. અહીં પણ ટચ સ્ક્રીનનો ઉપયોગ સરસ રીતે કર્યો છે.
ઇતિહાસ બતાવવાની સુંદર રીત.
બહાર રેકોર્ડર અને હેડફોન આપી ને નીકળો એટલે ચરખા રેસ્ટોરન્ટ આવે. ત્યાં સમોસા પોટલી- વાટીદાળ નાં સમોસા ખાવાની મઝા આવી. ઘણા સુંદર નાસ્તાઓ મળતા હતા. બાજુના સ્ટોલમાં સુંદર ચીજો, ખાદીના ઝબ્બા, નેચરલ ફેશ વૉશ અને એવું મળતું હતું. મેં એક ચરખો 2 ફૂટ લાંબો 300 રૂ. માં લીધો. 200 નો પણ હતો.
હોલમાં વચ્ચે બીમ દ્વારા તકલીઓ બતાવવા તકલી આકારનાં, સફેદ ફૂલેલા ભાગને નીચે એની, ઉપર સપાટ ટોચ વાળાં પીલ્લરો હતાં.
બહાર તમારો ફીડબેક આપવા માટે ટચ સ્ક્રીન, જે સહેજ ધીમો હતો, એના પર ટાઈપ કરો. તે સામે ખુબ મોટા સ્ક્રીન પર લોકોને દેખાય. તમારું ઈ મેઈલ આપતા તમને એક્નોલેજમેન્ટ આવે છે. વિગતો ને ફીડબેક બાદ આભાર લખેલું આવે.
અવિસ્મરણીય અનુભવ. સુંદર શો, સુંદર, બેનમુન સ્થાપત્ય જે ગાંધીયન શૈલીને અનુરૂપ છે.
જરૂર જુઓ અને એક થી વધુ વખત આ નજરાણું માણો.
-સુનીલ અંજારીયા