મહેનતાણું
--------------
મને તમે જુના જમાનાની નવા વિચારવાળી સ્ત્રી કહી શકો. હું સ્ત્રી સમાનતા, આર્થિક સમાનતા, કાર્યનિષ્ઠા ને એવા આદર્શોમાં માનું છું અને વર્તું પણ છું. આમ તો હું ભલી ને મારૂં કામ ભલું. દુનિયાને સુધારવાનો મેં ઠેકો નથી લીધો અને કોઈ એકના કહ્યે દુનિયા સુધરે પણ નહીં. છતાં ક્યારેક કોઈને બોધપાઠ આપવો પડે તો આપી દઉં. આવી જ મારી એક વાત.
હું એક ગૃહિણી છું. સાવ યુવાન નહીં તો હજુ માજી કહો એવી પણ નહીં. રસોડું અને ઘરકામ મારી પેઢી પોતાની એકચક્રી સત્તા હેઠળનું કાર્યક્ષેત્ર ગણે છે. પુરુષનો ચંચુપાત મને ન ગમે. નવી પેઢીમાં પતિ પત્ની મળીને બધું જ કામ કરે, મને તો મારા એ એક ખૂણે બેસી એની પ્રવૃત્તિમાં રહે એ જ ફાવે. મારૂં ઘર એ મારૂં સર્વસ્વ. એમાં દરેક કામમાં શ્રેષ્ઠતા જ મારો આગ્રહ. એટલે જ ઘરમાં કચરા પોતાં બાઈ કરે તો પણ બારી બારણા અને ફર્નિચરની ધૂળ તો હું જ ઝાટકું. વાસણ બાઈ કરે પણ ક્રોકરી અને મૂલ્યવાન વાસણો તો હું જ કરું.
બાઈએ સરખું કામ તો કરવું જ પડે ને, એ એનું ક્ષેત્ર છે. એના હું મારા પતિની કમાણીના પૈસા આપું છું. ઘરમાં માન સન્માન એ જ મારું મહેનતાણું, સારી રીતે કામ કરવું એ એની ફરજ અને યોગ્ય ઠરાવેલું મેળવવું એનું મહેનતાણું.
મારી, એવી જ ખંતથી કામ કરતી અને ઠરાવેલું આપીએ એમાં સંતોષ લેતી કામવાળી કોઈ 774c,8કારણે પંદરેક દિવસ માટે બહારગામ ગઈ. કદાચ મહિનો પણ થાય. એટલે ‘ભાભી, તમે ખેંચાઈ રહેશો’ કહી (અરે હું તારી ભાભી નહીં, શેઠાણી છું. હા, પૈસા ‘તારા ભાઈ’’ના આપું છું એની ના નહીં.) બીજી કામવાળીની વ્યવસ્થા કરતી ગઈ.
મારે તો સહુ સમાન. કામ કરે એટલે બસ. આમેય ke તો અમે બે જ. પાંખો આવતાં બચ્ચાં માળામાંથી ઉડી ગયાં છે. બે જણમાં કામ કેટલું? એ આવે, રસોઈનાં વાસણો અને બે થાળીવાટકા સાફ કરી ચાલી જાય. ચા,પાણીનાં તો હું જ કરું. ગરીબ હોય. એનું શોષણ ન કરાય.
પણ આ તો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલો સડો. પૈસા બને તેટલા વધુ લેવા, કામ બને તેટલું ઓછું કરવું. આજકાલ સમાજના છેવાડાના માણસોમાં આ વૃત્તિ વધી રહી છે.
નવી બાઈ મન ફાવે ત્યારે આવવા લાગી, વાસણોમાં ખોરાકના કણો મારે ખૂણેખાંચરેથી કાઢી એને બતાવવાના. આવે તો છે? થોડું વધુ કમાવા બે ત્રણ વધારે ઘરનાં કામ બાંધી બેસે પછી ઉલાળીયા મારે. એ પણ ચલાવ્યું.
જેમ દયા ખાઈએ તેમ દયાપાત્ર પોતાનો દયા મેળવવાનો અધિકાર સમજી બેસે છે. એનું પાલન ન થાય તો એની રીતે વિદ્રોહ કરે છે. સાચું સમજાવવું પડે. એ બાઈ ચોક્કસ સમયે ગણતરીપૂર્વક રજા લઈ લેતી કે કોઈ ટંકનો ખાડો પાડતી. હશે. એક બે વાર ધીમેથી કહ્યું. એ વળી બાજુવાળા બેને સાડી આપી, કોઈના વરે કેરી લાવેલા તેમાંથી એક કિલો કાઢી આપી ને એવી આડકતરી માંગણીઓ કરવા લાગી. મેં તેને મારી સાથે જ હું પીતી હોઉં તો ચા આપું છું, વધેલું નહીં પણ જે બનાવ્યું એ થોડું કાઢી આપું છું ને એ કે એનો વર માંદા પડ્યાં ત્યારે ઘરમાંથી દવા, ગોળી પણ આપેલી, એ એવી જ આડકતરી રીતે કહ્યું, ગણાવ્યું નહીં. એ એકાદ મહીના માટે જ છે એમ પણ કહ્યું નહીં.
એક દિવસ એ સવારે સાડાનવે રાતનાં વાસણ કરવા આવી. મારાં બેન બનેવી આવેલાં. નહાતાં તૈયાર થતાં હતાં. એણે ઘરમાં સામાન પડેલો જોયો. વધુ માણસો જોયાં. બપોરે એ ન આવી. અમારે બહાર જવું હતું . એની ખુબ રાહ જોઈ આખરે મોડી સાંજે બહાર જઈ, રાત્રે બહાર જમી આવી સવારના વાસણ કર્યાં. બહેન પણ કરાવવા લાગી. મને શરમ આવી. બીજે દિવસે એ કામવાળી ઘર બહારથી પસાર થઈ. ઘરમાં કપડાં સુકાતાં હતાં. બનેવી અને મારા એ વાતો કરતા બેઠેલા. સામાન ઓસરીમાં જ પડેલો. જાહેર થતું હતું કે આજે મહેમાન રહેવાના છે. એ ચૂપચાપ સરકી ગઈ.
સાંજે બેન બનેવી ગયાં. બીજે દિવસે ઓસરી ખાલી, ઘર પણ ખાલી. એ વહેલી અવારે સાડાસાતે આવી. રાતનાં બે ઠામડાં ઘસી ચાલતી થઈ.
થોડા દિવસો બાદ કોઈ તહેવાર આવ્યો. મારો પુત્ર અને વહુ આવ્યાં. મારાં વૃદ્ધ સાસુ સસરા પણ. એ આરામથી બે ચાર ઠામડાં ઉટકવાની ગણત્રીએ આવેલી. ઓચિંતું તેણે ઘર ભર્યું જોયું. રાતના વધારે માણસોનાં વાસણોનો ઢગલો જોયો. સહેજ બબડી ફફડી. મોં બગાડી એ કર્યાં. સવારે જ આવેલી વહુએ એની સાથે મીઠી ગોઠડી કરવા પ્રયત્ન કર્યો. એણે ખાસ પ્રતિભાવ ન આપ્યો.
એનું મોં બગડી ગયું. ‘ઠીક. આજે બપોરે છ માણસોનાં વાસણ.‘ મનમાં એણે કહ્યું હશે. એ ઉધરસ ખાવા લાગી. માથું દબાવવા લાગી. નાટક તો કરતી લાગી પણ મેં દવા આપી અને સમયસર બપોરે આવશે જ ને? એમ પૂછયું. ‘હા ભાભી. એમાં હું ખાડો નહીં પાડું’ કહી એ ગઈ તે ગઈ. મોડી બપોરે આખી રાતની થાકેલી વહુ અને મેં મળીને વાસણો કર્યાં. બીજી સવારે હું આસપાસની બે ત્રણ બાઈઓને કરગરીને બોલાવવા ગઈ પણ કોઈ આવી નહીં. બે ચાર દિવસ માટે પણ ‘વસ્તારી’ ઘરનું કામ કરી એમના કુમળા હાથ થાકી ન જાય! અમે ડિસપોઝેબલ ડીશ લાવ્યાં પણ રસોઈના વાસણો જ મુખ્યત્વે વધુ હોય.
ઠીક. વધુ મહેનતાણું લેવું છે પણ વધુ મહેનત કરવી નથી.
તહેવાર પુરા. ફરી ખાલી ઘરમાં અમે બે. એ જ બે થાળી અને બે તપેલી. ‘ભાભીની નણંદ’ વિના ફરિયાદે , વિના કોઈ માંદગીએ વાતોનાં વડાં કરતી કામ કરી જવા લાગી.
જમીનમાં ઉધઈ થાય તો દવા નાખી દુર કરવી જ પડે. એને જીવદયા કરી ઉછેરીએ તો ઘરનો પાયો ખવાઈ જાય. સમાજના કહેવાતા દિન-દુખિયારાંઓ પણ જે કરે તે ચલાવીશું તો દુનિયામાં આપણો દેશ નહીં ચાલે. જે કામ આપણને ભૂખ્યા સુવાડતું નથી તે જાગતાં પુરી નિષ્ઠાથી કરવું જોઈએ. કમભાગ્યે નિમ્ન વર્ગને જલ્દી વધુ સમૃદ્ધ થવું છે, પરંતું એ માટે વધુ ને બદલે ઓછો પરિશ્રમ કરવો છે. કોઈને દેવું લઈ સંપૂર્ણ માફી જોઈએ છીએ, કોઈને બિલ કે ટેક્સ નથી ભરવા, કોઈને જંગી ઉધારી પરનું વ્યાજ જતું કરવું છે પણ વધુ મહેનતે વધુ કમાઈ ભરવાની વાત નહીં. સમાજના પાયામાં લાગેલો એ લૂણો છે.
મેં નક્કી કર્યું કે આ બાઈને કઈંક શીખવવું. પાઠ તો ભણાવી શકાતો નથી એ આપણા મધ્યમ વર્ગની ‘બિચારા ગરીબ’ વર્ગ પ્રત્યેની લાચારી છે.
મારી નણંદ, નણદોઈ અને એક સંતાન આગલી રાતે આવ્યાં. મેં આવતાં જ તેમનો સામાન અંદરના રૂમમાં ડબલબેડ નીચે રખાવ્યો. સવારે નણંદ નહાવા ગઈ અને બેલ તોડી નાખવી હોય એમ જોરથી વાગી. એ જ. એમને મેં નણદોઈને લઈ ઉપર અગાશીમાં આંટો મારવા કહ્યું.
તે આવી. ખાલી ઘર લાગ્યું.બીજાં માણસોની ગંધ પણ આવી હોત તો બહારથી ચાલી જાત
આવતાંવેંત તે વાસણો જોઈ ચોંકી ગઈ. હવે પાછા તો જવાય નહીં! રોજ તો ખાલી ઘરમાં તેના વાતોનાં વડાંના પડઘા ગુંજી રહે. આજે એ મોં ચડાવી મૂંગી રહી. એના બદલે વાસણો પછડાવાનો અવાજ આવ્યો. એ તો રાતનાં વાસણ સાવ થોડાં હશે એમ માની આવેલી. એને બદલે એક્સટ્રા વાસણો જોઈ રોષથી પાણી ઉડાડતી, મારી બહાર સુકાતી સાડીથી હાથ લૂછતી ગઈ.
બપોરે આવી.. પછાડતાં, ખખડાવતાં ઢગલો વાસણ કર્યાં. બીજાં બે મારા એમનાં સગાં પણ જમવામાં હતાં. એ મોં બગાડતી ગઈ. અમે સાંજે બહાર જમ્યાં પણ થોડાં વાસણો રાખી મુક્યાં. સવારે બારણું બંધ. ઓસરી ખાલી. કપડાં બહારથી લઇ લીધાં. એ ખાલી ઘર જોઈ આવી, વળી વધુ વાસણો. “ભાભી, મહેમાનો ગયાં? જવાનાં હતાં ને?” એણે પૂછ્યું.
“અરે બેન, તમે ચિંતા નહીં કરો. મહેમાનો રોજ થોડાં હોય? આવે ને તુરત વિદાય થઈ જાય.” મેં એમ એને કહ્યું. એ સમજી કે ગયાં. બપોરે આવી તો એ જ ખાલી દેખાતું ઘર. અંદર ગઈ તો વાસણોનો ઢગલો. એણે મોં બગાડી પુછયું કે મહેમાનો કયાં છે. મેં કહ્યુ કે ઘરમાં. બીજી સવારે એ શેરીમાં દેખાઈ એટલે નણંદે ટહુકો કર્યો, “આવો બા. શેઠાણી રાહ જુએ છે. ચાલો સાથે વાતો કરતાં કરતાં જઈએ.”
હું ભાભી તો એ બા. સહુને માનથી બોલાવવા જોઇએને?
માર્યા ઠાર. હવે એનાથી ભાગી જવાય એમ પણ ન હતું.નણંદ સાથે એ કમને ઘરમાં આવી.
બે ચાર ગોબા પડે એમ વાસણ પછાડી એ ઉભી થવા ગઈ ત્યાં નણંદ કહે “વાહ. આવાં સાફ સુથરાં વાસણ ઘસી એને નીચે મુકી જવાય? લો. રસોડામાં મૂકી દો.” એ ખૂબ જોર પડ્યું હોય એમ વાસણની ટ્રે ઊંચકી લાવી. એકાદ વાસણ મેં લૂછયું અને એને નેપકીન આપી કહ્યું કે વાસણો લૂછી નાખ. એ સિફતથી છટકવા તો ગઈ પણ નણંદ બારણાં આડે ઉભેલી. એ કોઈ થેલી લઈને આવેલી.નણંદ કહે “ભાભી, આની થેલી સાચવીએ. બા બીજે કામ કરવા જાય ત્યાં ક્યાં સાચવશે? બપોરે આવશે જ ને, ત્યારે લઈ જાય. હા બા, બપોરે શિખંડ પણ લઈ જજો. ખાસ તમારે માટે. પેલી કિલો કેરી કઈ હતી, રત્નગીરી હાફૂસ?”
મને ખબર હતી, એને પેલા બેને એક બગડેલી કેરી જ આપેલી. કિલો કેરી રસ્તામાં પડી છે?
એ મને ક મને બપોરે આવી. નણંદને પૂછે “હેં બુન, તમે ક્યારે જશો?”
નણંદ કહે “ એ તો મારી ભાભી ને તમારી શેઠાણીએ પણ નથી પૂછ્યું. મારા ભાઈનું ઘર છે. ઠીક. લો આ બંગડીઓનો સેટ તમારા માટે. હું આવતા વર્ષે આવીશ. તમે તો નહીં હો. એ જ સારું છે.”
એ સમજી નહીં. હવે બહારથી ડોકાઈ અંદર આવવું કે નહીં એ નિર્ણય લેવો એણે બંધ કરેલો. ખાડા પાડશે તો બીજે દિવસે વધુ કરવું પડશે એ સમજી ગયેલી.
મેં તેને, મુળ કામવાળી આવી ત્યારે આપવાના થાય તે કરતાં વધુ પૈસા આપ્યા પણ પેલા બીજી બાઈઓને કરગરવા ગયેલી તે દિવસના તો કાપ્યા જ. જે તેને મંજુર ન હતું. તેણે ખૂબ કચકચ કરી. ‘રાજી ખુશીથી’ ખાસ્સા ડબલ પૈસા આપવા શબ્દોની બંદૂક તાકી. ખુશી થઈએ તો ખુશીના આપીએ. બંદૂકની અણીએ ખુશી થોડા થવાય? ન કરેલ કામનું ન જ મળે.
એણે મોં બગાડી થોડા મોટા અવાજે મને હું કંજૂસ છું, ‘ગરીબ‘ની હાય લઉં છું, અમુક પૈસા તો આપવા જ પડશે, એવું કહ્યા કર્યું. મેં મચક ન આપી.
મહેનતાણું તો સહુને કામ પ્રમાણે જ મળવું જોઈએને? એ બબડતી, બારણું પછાડતી કદાચ ધીમેથી શ્રાપ આપતી ગઈ. ભલે. એના શ્રાપ નહીં લાગે એની મને ખાત્રી છે.
ફરી મારી કામવાળી જશે ત્યારે બીજી કોઈની લાચારી કરીશું. જરૂર પડ્યે એને પણ શીખવશું. સમાજને સુધારવાનો ઠેકો લે એણે લાચારીથી હાર પણ સહન કરવી પડે. અત્યારની સરકારની જેમ.
ઈશ્વર પણ કરેલ કામનું જ મહેનતાણું આપે છે. “રામ ઝરૂખે બેઠકર સબકા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત”
-સુનીલ અંજારીયા