ભાગવત રહસ્ય-૧૮૧
જૈમિનીની વાત સાંભળી –વ્યાસજીએ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.ત્યાં તેમણે એક સુંદર યુવતીને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભનમાં પડ્યા.
જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું –વરસાદમાં પલળવા કરતા ઝૂંપડીમાં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.
સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ?
જૈમીનીએ કહ્યું-અરે મૂર્ખ,હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ?
મારા જેવા તપસ્વી જ્ઞાનીનો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો?અંદર આશ્રમમાં આવી વિરામ કરો.
સુંદર સ્ત્રી અંદર આશ્રમમાં આવી અને જૈમિનીએ તેને બદલવા કપડા આપ્યાં.
વાતોમાં જૈમિનીનું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રીને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે?
સ્ત્રીએ ના પાડી. એટલે જૈમિનીએ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - -- - - - - - - -
યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તે પર હું સવાર થાઉં,
અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય –તેની સાથે તે મને પરણાવશે.
અને મારા બાપુજીને મેં વચન આપેલું છે-કે-મોઢું કાળું કરીને જમાઈને હું લઇ આવીશ.
જૈમિનીએ વિચાર્યું-ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને ?
જૈમિનીએ મોઢું કાળું કર્યું !! અને ઘોડો બન્યા-યુવતી તેમના ઉપર સવાર થઇ.
આ પ્રમાણે - વરઘોડો અંબાજી માતાના મંદિર પાસે આવ્યો. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા.
આ દૃશ્ય જોઈ-વ્યાસજી એ જૈમિની ને પૂછ્યું-કે બેટા,કર્ષતિ કે નાપકર્ષતિ ?
જૈમિની કહે-કર્ષતિ. ગુરુજી,તમારો શ્લોક સાચો છે.
એક ક્ષણ પણ ગાફેલ થયા કે કામ છાતી પર ચઢી બેસે છે.
મોટા મોટા જ્ઞાનીઓ ભુલા પડ્યા તો આપણા જેવા સાધારણ મનુષ્યોની શું વિસાત ?
તેથી જ ભર્તૃહરિ એ કહ્યું છે-કે-
“કેવળ ઝાડનાં પાંદડાં અને જળ પીને નિર્વાહ કરતા ઋષિઓને પણ કામે થપ્પડ મારી છે'
તો પછી- લૂલીના લાડ કરનાર,અને નાટકોમાં (સિનેમામાં) નિત્ય નટીઓના દર્શન કરનાર
આજનો માનવી કહે છે-કે-મેં કામને જીત્યો છે- તો તે વાત વાહિયાત છે.”
બ્રહ્મચર્ય પાળનાર શક્તિશાળી બને છે. શ્રીકૃષ્ણને દુર્બળતા ગમતી નથી.
“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને”
શ્રુતિ પણ કહે છે-નાયમાત્મા બલ્હીનેન લભ્યઃ (બળવાન ના હોય તેને આત્મા મળતો નથી)
વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે. અને તે પછી વામનજી ભિક્ષા માગવા જાય છે.
જગદંબા પાર્વતી ખુદ ત્યાં પધાર્યા છે. વામનજી કહે છે- ॐ ભગવતી ભિક્ષામદેહી.
પાર્વતી ભિક્ષા આપે છે. વામનજીએ- ભિક્ષા ગુરુજીને અર્પણ કરી છે.
વામનજી ગુરુજીને કહે છે-ગુરુજી મને મોટો યજમાન બતાવો.તો વધારે ભિક્ષા લાવીશ.
ગુરુજી કહે છે-નર્મદા કિનારે બલિરાજા મોટો યજ્ઞ કરે છે.તે મોટો યજમાન છે.તને વધારે ભિક્ષા આપશે.
વામનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું છે.
પગમાં પાવડી.એક હાથમાં કમંડલ છે-બીજા હાથમાં છત્ર અને દંડ છે.કેવળ લંગોટી પહેરી છે.
કમર પર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે.
બગલ માં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ પર બ્રહ્મતેજ છે.
બ્રહ્મતેજ આંખમાં અને લલાટ (કપાળ) પર હોય છે.