ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 23
શિર્ષક:- ધર્માનંદ ચાલ્યા ગયા.
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
આ ભાગ રજૂ કરવા માટે જ્યારે એનું લખાણ શોધતી હતી ત્યારે અન્ય એક સમાચાર જાણવા મળ્યા. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પગ લપસતાં પડી ગયા હતા. એમની સારવાર અમદાવાદઃ ખાતે ચાલી રહી હતી.
સ્વામીજીનાં ત્મમમ ગ્રુપમાં શેર કરાયેલ સંદેશ હું આપ સૌ સાથે શેર કરું છું અને સ્વામીજી હંમેશા સ્વસ્થ રહે એવી પ્રભુ પ્રાર્થના.
પ.પૂજય મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ [ પદ્મભૂષણશ્રી ] શ્રી ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદ આશ્રમમાં તા.૧૧/૧૨/૨૦૨૪ નાં પડી જવાથી જમણાં પગમાં ફ્રેકચર થવાથી અમદાવાદમાં SGVP ( સ્વામીનારાયણ ગુરુકુળ વિધાપીઠ પ્રતિષ્ઠાનમ્ ) માં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં તેમનું સફળ ઑપરેશન કરનારાં દસ ડૉક્ટરની ટીમને _દરેક ડૉક્ટરને સાચાં રૂદ્રાક્ષ-સોનાની માળા રુ.1,30,000 ( એક માળાની કીંમત રુપિયા એક લાખ ત્રીસ હજાર છે .) ભેટરૂપે આપવામાં આવી. આવતીકાલે તા.૨૪/૧૨/૨૪ નાં પૂજ્ય સ્વામીજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેમની તબિયત બિલકુલ સારી છે..આ દરમિયાન પૂજ્ય સ્વામીજીની કાળજી રાખનાર આપણાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, તથા સર્વ મિનિસ્ટર્સ, તથા શ્રી લવજીભાઈ 'બાદશાહ'_સુરત, જીતુભાઈ તિરુપતિ, બંસીભાઈ_અમદાવાદ, રમેશભાઈ થરાદ, હરજીભાઈ સુઈગામ, નિલેશભાઈ રાજગોર, નરેશભાઈ_થરાદ તથા સર્વ અગ્રણીઓ, દેશવિદેશમાં વસતાં પૂજ્ય સ્વામીજીના વિચારકોનો દીલથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.પૂજ્ય સ્વામીજીની સતત કાળજીપૂર્વક સાર-સંભાળ રાખનાર સર્વ હોસ્પિટલ સ્ટાફ, સંતો, મહંતો અને ખાસ તો પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીનો ખુબ ખુબ આભાર સહ વંદન.હોસ્પિટલના સ્ટાફને ગરમ સ્વેટર તથા પ્રસાદ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ દરમિયાન પૂજ્ય સ્વામીજીની સારી તબિયત માટે પ્રાર્થના કરનારા સર્વે વિચારકોનો ખુબ ખુબ આભાર.
મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ…23. "ધર્માનંદ ચાલ્યા ગયા."
જે દિવસે અમે દીક્ષા લીધી તે જ દિવસે એક એવી ઘટના બની કે કૅમ્પમાં ખળભળાટ મચી ગયો.
બન્યું એવું કે એક વૃદ્ધ પણ સશક્ત ડોશીમા સ્વામીજીની સેવા કરવા સાથે આવેલાં, તે ડોશીને સ્વામીજીએ ક્રોધમાં આવીને સૌની વચ્ચે એક તમાચો મારી દીધો. માજીને બહુ લાગી આવ્યું. કોઈને કહ્યા વિના તે ગંગાજીમાં ડૂબી મરવા ચાલી નીકળ્યાં. તેમની આંખોમાં ચોધાર આંસુઓ જોઈને સૌનું હ્રદય કકળી ઊઠ્યું હતું. સૌને તેમના પ્રત્યે લાગણી તથા સ્વામી પ્રત્યે અણગમો થઈ ગયો હતો. જ્યારે ખબર પડી કે માજી તો ગંગાજીમાં ડૂબી મરવા ચાલ્યાં ગયાં છે ત્યારે સૌને ફાળ પડી. ખાસ કરીને સ્વામીજી બહુ ગભરાયા. તેના છોકરાને શો જવાબ આપીશ ? તે તેમની ચિંતા હતી. સમય વીતતો ગયો, શોધવા ગયેલા માણસો નિરાશ થઈને પાછા ફર્યા. સાંજ પડવા આવી હતી. ચારે તરફ કકળાટ વધી રહ્યો હતો. સૌમાં ધીરે ધીરે ઉગ્રતા વધી રહી હતી. રહી રહીને મને પ્રથમ દિવસે જ થતું હતું કે દીક્ષા લેવામાં કાંઈક ભૂલ થઈ ગઈ છેઃ આટલી ચકાસણી કરનાર તું કશું જાણ્યા-સમજ્યા વિના એકદમ કેમ ભેરવાઈ ગયો ? પણ વળી પાછું થતું કે ના, એક દિવસની એકાદ ઘટનાથી કોઈ નિર્ણય કરવો ઠીક નહિ. કેટલીક વાતો બનવાકાળ બની જતી હોય છે, સારા માણસો પણ ભૂલ કરતા હોય છે, માટે પૂજ્યભાવમાં અંતર લાવ્યા વિના શાંતિથી અહીં રહેવું.
ધર્માનંદજીએ મને બોલાવ્યો અને કહ્યું કે ‘હું તો અત્યારે જ વિદાય લઉં છું. મારે અહીં નથી રહેવુ.” તેમના નિર્ણયથી હું વધુ દુઃખી થયો. “અરે, તમારા કહેવાથી તો હું અહીં આવ્યો. અહીંના કરતાં તો હું જ્યાં હતો ત્યાં વાતાવરણ ઘણું ઉત્તમ હતું. પણ તમે મને એકલો મૂકીને જાઓ છો તે બરાબર નહિ.’ પણ તે માન્યા નહિ. રાતના નવ વાગ્યે તે સ્વીમીજી પાસે ગયા અને વિદાય માગી. પરિસ્થિતિના દબાણમાં હોવાથી સ્વામીજીએ પણ થોડીક શિખામણો આપીને તેમને વિદાય આપી. તે તો ગયા પણ એકદમ અજાણી અને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવી જગ્યાએ મને મૂકતા ગયા. મને થયું કે હું ચાલ્યો જાઉં, પણ હું જલદીથી કોઈ નિર્ણય કરવા માગતો ન હતો.
અંતે રાત્રે ડોશીમા પાછાં આવ્યાં અને સૌનો તાળવે ચોંટેલો જીવ શાન્ત થયો.
આભાર
સ્નેહલ જાની