Strong morale in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | મજબૂત મનોબળ

Featured Books
Categories
Share

મજબૂત મનોબળ

આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??



         મનનું "બળ" મનનું "જોમ" મનની "દ્રઢતા" શા માટે જરૂરી છે? ગીતામાં અર્જુન પૂછે છે કે;" મનને નિયંત્રણમાં રાખવું એટલે વાવાઝોડાને રોકવું જેટલો દુષ્કર કાર્ય છે, પવનની જેમ આમથી તેમ ફંગોળાતા મનને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકા?ય મન તો ચંચળ છે." ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે "બુદ્ધિ વડે મનને, મન વડે ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયો વડે તેનાં દ્વારા થતા કર્મોને ચોક્કસથી અંકુશમાં રાખી શકાય છે. તે કાર્ય અઘરું છે અશક્ય તો નથી જ." ધીરજ વડે, સતત પ્રયાસના પ્રતાપે તેને યોગ્ય આયામોમાં, યોગ્ય રીતે અંકુશમાં ચોક્કસ રાખી શકાય છે .

        મજબૂત મનોબળ આપણા જીવનધ્યેયથી, જીવનના સિદ્ધાંતોથી આપણને ભટકતા અટકાવે છે, આપણને ચલિત થતા અટકાવે છે, ભ્રમિત થતા અટકાવે છે. જીવનની યોગ્ય દિશાથી વિરુદ્ધ જતા અટકાવે છે. જેથી આપણી આત્માનું પતન થતું વ્યક્તિત્વની અધોગતિ થતી અટકાવે છે. જીવનમાં યોગ્ય દિશામાં ચાલતી વખતે આવતી અડચણો ,મુશ્કેલીઓ, આફતો ,અણધારી પરિસ્થિતિ સામે બાથ ભીડીને મક્કમપણે "સત"ની તરફ ચાલતા રહેવામાં પણ મદદ કરે છે. મજબૂત મનોબળ જીવનમાં હારતા અટકાવે છે. સાથોસાથ સુખમાં છકી જતા પણ અટકાવે છે. તે આપણને દરેક પરિસ્થિતિમાં સમ રહેતા શીખવાડે છે. મજબૂત મનોબળથી જ આહાર, વિચાર બધું નિયંત્રણમાં રાખીને જીવવાની, ખાવાની, વિચારવાની, યોગ્ય નિર્ણય લેવાની કળા વિકસાવી શકાય છે. જો મનોબળ જ મક્કમ ન હોય તો થોડી વિચલિત કરી દેતી,ભીતરથી તોડી નાખે તેવી પરિસ્થિતિ આવતાં વાદળાની જેમ આપણી જાતને વેરવિખેર થઈ જતા આપણે અટકાવી શકતા નથી. સ્થિર નાવ જ કિનારે પહોંચી શકે છે. સ્થિતપ્રજ્ઞ મન જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. જીવનને સફળ બનાવી શકે છે. 

મનોબળ મજબૂત કઈ રીતે કેળવી શકાય ?

(૧) જાત જોડે પ્રમાણિક રહીને .

       નાની નાની બાબતમાં જુઠ્ઠું બોલી,બહાના કરી, આપણે જાતને છેતરીએ છીએ. તેનાથી આપણું મનોબળ ધીમે ધીમે નબળું પડે છે. જેટલું જાત જોડે પ્રમાણિક રહી શકીશું તેટલું આપણું મનોબળ વધુને વધુ મજબૂત બનાવી શકીશું .
(૨) સત્યના માર્ગે ચાલીને 

      પોતાના જીવનના સિદ્ધાંતો સાથે ક્યારે બાંધછોડ કરવી નહીં. નાના નાના સ્વાર્થ માટે પોતાના જીવનના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે કોઈની ચાપલુસી કરવી નહીં, સ્વમાનના ભોગે કોઈ લાભ ખાંટવાની આશા રાખવી નહીં, આત્માને ખટકે , ખૂંચે એવું કંઈ જ કરવું નહીં .

(૩) શાબ્દિક કે અશાબ્દિક સુક્ષ્મ હિંસાથી દૂર રહીને 

       આપણે ઘણીવાર ગુસ્સામાં કે સ્વભાવગત રીતે કોઈ વ્યક્તિને શાબ્દિક રીતે કંઈક કહી દઈને "સંભળાવી દઈને" પોતાની ભડાશ કાઢી નાખતા હોઈએ છીએ . અમુક વાર અહમને વશ થઈને કોઈને શબ્દો એવાં બોલીએ છે કે એ દુઃખી થઈ જાય .ઘણીવાર આપણા વર્તન થકી, આપણા વ્યવહાર થકી, આપણાં મોઢાના હાવભાવ થકી, બોડી લેંગ્વેજ દ્વારા સામેવાળાને દુઃખ પહોંચાડીએ છીએ.એમાં ઘણી વાર અજાણતા અથવા તો કોઈ જાણીને પણ આવો વ્યવહાર કરતા હોઈએ છીએ અને પાછું એની અનુભૂતિ પણ થતી નથી આપણને. આવી શાબ્દિક- અશાબ્દિક સૂક્ષ્મ હિંસા આપણને ધીમે ધીમે મનોબળથી ખોખલા બનાવતી હોય છે.આને અદ્રશ્ય સૂક્ષ્મ હિંસા કહી શકાય. જે દેખાતી નથી પણ આપણાં થકી કોકને દુઃખ પહોંચતું હોય તેવી પ્રત્યેક ક્ષણ આપણને ભીતરથી અસવંદનશીલ બનાવવા તરફનું પગરણ બની રહે છે. જેટલી વધુ અસંવેદનશીલતા એટલી આપણાં દ્વારા થતી સૂક્ષ્મ હિંસા વધુ અને એટલું જ આપનું મનોબળ કાચું પડતું જાય છે .


(૪) સ્પિરિક્ચ્યુઆલિટી 

        આધ્યાત્મિકતા એટલે ઈશ્વરમાં માનવું, ઈશ્વરની સાથે જોડાવું, તેથી પણ વિશેષ આત્મશ્રદ્ધાથી માણસ સાથે જોડાવું. હર એક "જીવ"માં "શિવ"ને જોવાની દ્રષ્ટિ વિકસાવવી. "સમભાવ"કેળવવો. સુખ આવે કે દુઃખ સ્વિકારનો ભાવ રાખી, સમ રહેવું. શ્રીમદ્ ભાગવતગીતા સાથે જોડાવું. રોજ એક અધ્યાય વાંચવો.તે જીવનમાં "સાચા જીવનને"પામવાનું રાજમાર્ગ છે. સાદી ભાષામાં કહીએ તો ઈશ્વર સુધી પહોંચવાનો હાઈવે છે .


(૫) દાન,યજ્ઞ તેમજ સમાજોપયોગી કર્મો કરીને
 

       આવા કર્મો ચોક્કસથી કરવા જોઈએ. એ આપણું આપણી જાત માટેનું આત્મસન્માન વધારી દે છે. કોકને મદદ કરીને, કોઈ જરૂરિયાતમંદને કંઈક આપીને, જાત માટે અહોભાવ સહજ ઉત્પન્ન થાય છે. સૌથી મહત્વનું વસ્તુ એ છે કે આવું કોઈ પણ સત્કર્મ કરતી વખતે "મેં કર્યું" છે એવો ભાવ ક્યારે ન રાખવો નહીંતર બધું વ્યર્થ છે. આવું દરેક કાર્ય હંમેશા સારો ભવ રાખીને સમભાવ રાખીને જ કરવું.



(૬) પોતાનું દરેક કર્મ નિષ્ઠાપૂર્વક કરવું .

     આપણે સૌ ઈશ્વર નિર્મિત નૈમિત્તિક કર્મ કરવા બંધાયેલ છે .નૈમિત્તિક કર્મને ન કરી શકીએ તો બીજા બધા સત્કર્મ વ્યર્થ છે. પોતાના ભાગમાં આવેલ પોતાની જવાબદારીમાં આવતું દરેક કર્મ પૂરેપૂરી નિષ્ઠા, મહેનત અને જાતના સો ટકા આપીને કર્મ કરવું, એ પણ ઈશ્વરની ભક્તિનો જ એક પ્રકાર છે .
યોગ: કર્મસુ કૌશલમ્



(૭) યોગા, પ્રાણાયામ ધ્યાનને જીવનનો એક ભાગ બનાવીને 


     જે મનોબળને મજબૂત બનાવવામાં, વિચારોને નિયંત્રણમાં રાખી શરીર અને મનની સ્થિરતા અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે . સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. માટે યોગા, પ્રાણાયામ અને મેડીટેશનને પોતાની લાઈફ સ્ટાઈલનો, પોતાની દિનચર્યાનો ચોક્કસથી ભાગ બનાવવો જ રહ્યો.


મિત્તલ પટેલ 
"પરિભાષા"