ભાગવત રહસ્ય-૧૬૯
ધર્મરાજાના રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણ લોકોનાં એંઠાં પતરાવડા ઉપાડે છે.
હલકામાં હલકું કામ ભગવાન કરે છે.તેથી -લોકો એમ માને કે-જો પરમાત્મા હોય તો આવાં એંઠાં પતરાવડા ઉપાડે ? આ છે-ગીતાના ગાનાર શ્રીકૃષ્ણનો દિવ્ય કર્મયોગ.ફળ ઉપર કોઈ અધિકાર રાખ્યો નથી, ફળની કોઈ અપેક્ષા નથી,કોઈ સ્વાર્થ નથી,આશા નથી-છતાં કર્મ કરે છે.
ભગવાન જેવું બોલ્યા છે-તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે.કોઈ જ સ્વાર્થ નથી પણ પાંડવોના ઘેર સેવા કરે છે.શ્રીકૃષ્ણ, એંઠાં પતરાવડા ઉપાડે એટલે ધર્મરાજા એમ માને છે-કે મામાના દીકરા છે-એટલે મારું સઘળું કામ કરે એમાં શું નવાઈ ? ધર્મરાજા ભૂલી ગયા છે-કે-શ્રીકૃષ્ણ ઈશ્વર છે.
અને તેથી બોલે છે-કે મને હજુ પરમાત્માના દર્શન થયા નહિ.
નારદજી કહે છે-આ મોટા મોટા ઋષિઓ તમારા ઘેર આવ્યા છે-તે કોઈ દક્ષિણા કે મિષ્ટાન્નની લાલચે નથી આવ્યા.આ ઋષિઓ જંગલમાં ઝાડ નીચે બેસી –અનેક વર્ષોથી પરમાત્માનું ચિંતન કરે છે-પણ પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. તેથી તેઓ પરમાત્માના દર્શન કરવાના લોભથી તારા યજ્ઞમાં આવ્યા છે.
રાજા –પ્રહલાદ કરતા પણ તું વધારે ભાગ્યશાળી છે-પરમાત્મા તારા સંબંધી થઈને –તારા ત્યાં આવ્યા છે.
તારે ત્યાં રહે છે-તારા ઘરમાં ભગવાન વિરાજ્યા છે.
આપણા ઘરમાં પણ ભગવાન છે. (આપણા શરીરમાં રહેલો આત્મા-એ-જ પરમાત્મા છે) પણ આપણે તેના દર્શન કરી શકતા નથી, કદાચ કરી શકીએ તો પણ દૃઢતા આવતી નથી.તેમને જોવા આંખ જોઈએ. (દૃષ્ટિ જોઈએ) નારદજી જેવા સંત આંખ આપે –દૃષ્ટિ આપે તો ભગવાનના દર્શન થાય છે.
જ્યાં સુધી અંદર વિકાર-વાસના ભર્યા છે-મનમાં વિકાર છે-ત્યાં સુધી ભગવાન દર્શન આપતા નથી.
ભગવાન તો દર્શન આપવા આતુર છે. પણ જીવ લાયક થાય તો પ્રભુ દર્શન આપે.
કેટલાક સાધુ ઓ આવે તો કનૈયો,યશોદા મા ની સાડી માં મોં છુપાવી દે છે.અને પીઠ બતાવે છે.કનૈયો મા ને કહે છે-કે-“મા, પેલા સાધુની મોટી દાઢી છે-તેથી મને બીક લાગે છે.”
જીવ લાયક નથી એટલે પરમાત્મા એ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે.
નારદજીની વાત સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગ્યા.પણ તેમને ક્યાંય પરમાત્મા દેખાતા નથી.
દ્વારકાનાથ તરફ નજર જાય તો લાગે છે-કે આ તો મારા મામાના દીકરા છે.
શ્રીકૃષ્ણ વિચારે છે-કે-આ નારદ હવે ચુપ રહે તો સારું. તેઓ નારદને કહે છે-
નારદ, તું મને જાહેર કરીશ નહિ,તારી કથા તું પૂરી કર.
છતાં પણ નારદ પોતાનું કહેવાનું ચાલુ રાખે છે-
“આ સભામાં જગતને ઉત્પન્ન કરનાર બેઠા છે. બ્રહ્માના પણ પિતા આ સભામાં બેઠા છે.”
ધર્મરાજા નારદને પૂછે છે-“ક્યાં છે પરબ્રહ્મ? ક્યાં છે ભગવાન ? મને તો ક્યાંય દેખાતા નથી “નારદજી વિચારે છે-હું વિવેકથી બોલું છું પણ ધર્મરાજાને જ્ઞાન થતું નથી.
છેવટે નારદજીથી રહેવાયું નહિ. “ધર્મરાજાના ઘરનું મેં ખાધું છે.તેથી મારે તેમનું કલ્યાણ કરવું પડે, આજે ભગવાન નારાજ થાય તો પણ તેમને જાહેર કરવા જ પડશે, હવે જાહેરાત કર્યા વગર છુટકો નથી”
હવે નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણ તરફ આંગળી ચીંધીને બોલ્યા છે-અયમ બ્રહ્મ (આ બ્રહ્મ છે,આ ભગવાન છે)
(ઉપનિષદ માં “ઇદમ બ્રહ્મ “ ની વાતો છે-અહીં “અયમ બ્રહ્મ” ની વાત છે)
પ્રભુએ માથું નીચે નમાવ્યું છે. “હું બ્રહ્મ નથી.નારદ ખોટું કહે છે. નારાયણ તો વૈકુંઠમાં વિરાજે છે.”
નારદજી કહે છે-ભગવાન કોઈ વખત લીલામાં ખોટું બોલે છે.નાનપણમાં યશોદામાતાને કહેલું-“મેં માટી ખાધી નથી” પરંતુ સંતો હંમેશા સાચું બોલે છે. હું કહું છું તે સાચું છે-“અયમ બ્રહ્મ.” (આ બ્રહ્મ છે)
અનધિકારીને ભગવાનના દર્શન થતાં નથી.અને કદાચ થાય તો આ જ ભગવાન છે-એવી દૃઢતા આવતી નથી.
(અનેક વાર ઘણાને આત્માનુભૂતિ થાય છે –પણ સંશય રહે છે-દૃઢતા આવતી નથી)
દૃઢતા ગુરુ કૃપાથી (સદગુરુની શરણાગતિથી અહંનો ને પછી સંશયનો નાશ થાય છે) આવે છે.
ને સ્વ-રૂપનું ભાન થાય છે.
સંત નારદજીએ ધર્મરાજાને પરમાત્માના દર્શન કરાવ્યા છે.એક દૃષ્ટિ આપી છે.