એક ઘા ને બે કટકા
અબ્દુલ જમાદાર ધીમે ધીમે અંધારામાં પોતાના ઘર તરફ હાલ્યો જાતો હતો.પણ એના પગમાં જરાય જોર ન હતુ.ઘેર જવાનો એને જરાય ઉત્સાહ.ઉતાવળ.કે ઈચ્છા ન હતી.પણ ઘર એટલે ઘર.ઘરે ગયા વગર કંઈ હાલે?
નો જ હાલેને?
અને એટલે જ એ ઘર કોર હાલ્યો જાતો હતો.એ ફુલ ટેન્શનમાં લાગતો હતો.અને એને કંઈ વાતનું ટેન્શન હોય એની તો તમને ક્યાંથી ખબર હોય?લાવો ત્યારે હું જ કહી દઉં. એની બૈરીને તમે ભાળી છે?અલમસ્ત હેડંબા જોઈ લ્યો.નામ એમનું ઈમરતી બેગમ.પણ ઈમરતી જેવા એમનામાં જરાય ગુણ નહીં હો.સ્વભાવ તો તીખા મરચા જેવો.
અબ્દુલ ગામ આખાનો જમાદાર ખરો. ને ગામ આખા ઉપર રોબે ય કરે.પણ ઘરે આવે એટલે મિયાની મીંદડી..
ઘરની જમાદાર તો ઈમરતી બેગમ જ.
હાલતા ને ચાલતા અબ્દુલ ને તતડાવે. આજ સવારે જ એણે અબ્દુલ ને રિમાન્ડ પર લીધો તો. હવે વાતમાં કંઈ માલ નોતો. થયું હતું એવું કે ગઈકાલે જમાદાર થોડાક વહેલા કચેરી થી ઘરે આવવા નીકળ્યા.તો ભાઈ ને થયું કે લાવ બજારમાં આંટો મારતો જાવ.હવે જમાદાર બજારમાં નીકળે તો બધા સલામુ તો કરે ને?તો રહીમ બકાલીએ પણ જમાદારને સલામ કરી.અને સાહેબને સારું લગાડવા થોડીક ડુંગળીયુ પણ આપી.અને એ ડુંગળીયુએ રામાયણ કરી.
હવે આપણને બધાને ખબર છે કે ડુંગળી કાપો એટલે મંડે આંખમાંથી ટપ ટપ પાણી પડવા.જાણે રોતા હોઈએ એવું જ લાગે.પણ આ તો ઈમરતી બેગમ. ઈ તો ભલભલા ને રોવરાવે.ડુંગળી તો હું ડુંગળીના બાપને કાપે ને તોય એની આંખમાંથી પાણીનું એક ટીપુય નો પડે. ઘણાય તો એમેય કે છે કે એ જન્મી ને ત્યારેય નોતી રોય.કદાચ હોયે ખરું. પણ આજે જમાદારની કઠણાઈ હશે કે ડુંગળી એવી તે તેજ નીકળી કે વાત ના પુછો.ડુંગળી કાપતા કાપતા એમની આંખમાંથી મંડ્યા ડબ.ડબ.ડબ આંસુ ઓ પડવા.અને બેગમનો પિત્તો ગ્યો.
"આવી ડુંગળી લવાતી હશે?જમાદાર સો કે હજામ?અસલી ને નકલી ની કોઈ ગતાગમ પડે સે કે નહીં?તમારા હગલા એ નકલી ડુંગળી પધરાવી દીધી અને તમેય આંધળાની જેમ ઉપાડી લાવ્યા. આવડા મોટા થ્યા પણ ભાન નો આવી. આજે જો તમે એ રહીમડા નો વારો નથી પાડ્યો ને તો તમે ઘરે આવો એટલી વાર.હું તમારો વારો કાઢવાની સુ."
જમાદાર મોઢુ વકાસીને બેગમને બોલતા હાંભળી રયા.હવે આને કોણ હમજાવે કે ડુંગળીમાં અસલી નકલી એવું કાંઈ નો હોય..
પણ અબ્દુલ જમાદાર માટે આજનું મુરત જ સારું નહોતું.ઘરેથી બાયડીના ડફણા ખાઈને કચેરીએ આવ્યો તો ન્યા મોટા સાહેબેય કદાચ પોતાની બૈરી નો ઠપકો ખાઈને આવ્યા હશે.તે એ બૈરીનો ગુસ્સો સાહેબે અબ્દુલ માથે કાઢ્યો..
"અલ્યા હરામના હાડકા જેવા.પાંચ પાંચ વરસ થી જમાદાર ની નોકરી કરેસો પણ એકેય કેસ પકડ્યો?સરકારનો મફતનો પગાર ખાસ.શરમ નથી આવતી તને?તને આઠ દીનો સમય આપુ સુ. આઠ દીનો.કાન ખોલીને પાછુ હાંભળ. આઠ દીમાં એકેય કેસ નથી પકડ્યો ને તો યાદ રાખજે બદલી કરાવીને ઠેઠ જુમરી તલૈયા મોકલી દઈશ."
ઘરમાં બૈરીની હામે નો બોલાય ને કચેરીમાં સાહેબની હામે નો બોલાય. નીચુ ડાચું રાખીને ચૂપ ચાપ અબ્દુલે સાહેબને સાંભળી લીધા.શું થાય?
સાંજે ઘેર જવા નીકળ્યો તો પાછી પનોતી બેઠી.બેઠી નહિ પણ એણે હાથે કરીને નોતરી.સવલી દાતણ વાળી હાલી જાતીતી એને એણે સાદ પાડીને ઉભી રાખી.અને કીધું.
"એ સવલી બે ચાર દાતણ આલ ને."
સવલીએ સાવ સુકાઈ ગયેલા પાતળા ચાર દાતણ આપ્યા.આવા દાતણ જોઈ બચ્ચારા અબ્દુલથી બોલાઈ ગયું.
"એલી.આવા દાતણ આલસ?"
બસ પછી પૂછવું જ શુ?બેગમ અને સાહેબે જે કસર અધૂરી છોડી તી.એ આ સવલીએ પૂરી કરી.
"એક તો મફતમાં દાતણ લેવા સે ને પાસા નખરાય કરવા સે કે આવા સે ને તેવા સે.જંગલમાં વાઢવા જા તો ખબર પડે કે કેટલી વીહે હો થાય."
અબ્દુલ તો ડઘાઈ ને સવલીને જોઈ જ રયો.હું બોલવું એ જ એને નો હમજાણુ હમજાણું તો બસ એટલું જ.કે આ બાઈ ને મોઢે નો લગાય.હુ હજુ કંઈક કઈશ તો એ હામી બીજી બે ચાર ચોપડાવશે.
એટલે ભાઈ અબ્દુલ મૂંગે મોઢે ઘર તરફ હાલ્યા જાતા તા. હવે હમજાણું ને અબ્દુલ જમાદારને શેનું ટેન્શન હતું?એક.બે.નહીં પુરા ત્રણ ત્રણ ટેન્શન એના મગજમાં ઘુમરાઈ રહ્યા હતા.
હવે એક ગલીમાં જેવો જમાદારે વળાંક લીધો.તો એક બંધ ઘરમાંથી એને એક અવાજ સંભળાયો.
"બપોરે તો તું બચી ગઈ તી પણ અત્યારે ક્યાં જવાની?હમણાં જ તારા એક ઘા એ બે કટકા નો કરું તો મારું નામ સુમરો નય."
બસ આ સાંભળતા જ અબ્દુલના બેય કાન ઊંચા થઈ ગયા. સરરર સટ્ટાક કરતા ક ને પગમાં બ્રેક લાગી ગઈ.એને થયું કે નક્કી અહીં કોઈ અબળા ની જિંદગી ખતરામાં છે.અને આજે જ સાહેબ મેણા મારતા તા ને કે.પાંચ પાંચ વરહમાં એકય કેસ નથી પકડ્યો.તો આજે દેખાડી દવ.કે મોકો મળે તો આ અબ્દુલ જમાદાર ગુનો થાય એ પહેલા જ ગુનેગારને પકડી હકે એમ છે. જે ઘરમાંથી અવાજ આવ્યો હતો કે .
*હમણાં એક ઘા ને બે કટકા કરું સુ ન કરું તો મારું નામ સુમરો નય.*
એ ઘરનું બારણું જમાદારે ઠપકાર્યું.
"અલ્યા કોણ સે અંદર? બારણું ખોલ"
તો ધડ દઈને સુમરે બારણું ખોલ્યુ ને પૂસ્યુ.
"હુ સે?હુ કામ સે?"
"હમણાં અંદર એક ઘા એ બે કટકા તું કરવાનો હતો?"
"હા તે?તમારે હુ સે?"
"હુ સે ની હવાદણી."
સુમરા નો કાંઠલો ઝાલતા જમાદારે કહ્યું.
"કચેરીએ હાલ પસી તને દેખાડું સુ કે સુ સે."
એમ કયને જમાદારે સુમરાને ઢહડ્યો.સુમરો કે.
"લ્યા.પણ મારી વાત તો હાંભળો."
તો જમાદારે દંડુંકો દેખાડતા કહ્યું.
"જે કેવું હોય એ સાહેબની હામે કેજે.રસ્તામાં એક હરફેય મોઢામાંથી કાઢ્યો સે ને તો તારી ખેર નથી."
કચેરીએ પુગતાજ અબ્દુલે છાતી ફુલાવીને સાહેબને કહ્યું.
"સાહેબ તમે બપોરે મને મેણા મારતાતા ને કે હું કેસ નથી પકડી હકતો તો લ્યો બનાવો કેસ."
સાહેબે પગથી લઈને માથા લગી સુમરા ઉપર નજર ફેરવી.ને પછી પૂછ્યું.
"અલ્યા હું કર્યું સે તે?"
"મેં કાંઈ નથી કર્યું ભૈસાબ."
સુમરો હાથ જોડીને બોલ્યો.
"આ જમાદારે બારણું ઠપકાર્યું ને મેં ખોલ્યુ.બસ આટલી જ મારી ભૂલ."
"બસ આટલી જ મારી ભૂલ."
અબ્દુલે સુમરાના ચાળા પાડ્યા.અને પછી બોલ્યો.
"દરવાજો બંધ કરીને તું તારી બૈરીના એક ઘાએ બે કટકા નોતો કરવાનો? આતો હું ન્યાથી નીકળ્યો અને હાંભળી ગયો.એટલે મડર કરતાં પહેલાં તને પકડી પાડ્યો."
અબ્દુલે જ્યાં બોલવાનુ પૂરું કર્યું.કે ત્યાં તો સૂમરો મંડ્યો દાંત કાઢવા.એટલા દાંત કાઢ્યા.એટલા દાંત કાઢ્યા કે દાંત કાઢી કાઢીને ઈ ઊંધો પડી ગ્યો.અબ્દુલ ને તો એવી પેટમાં ફાળ પડી કે આને હું થઈ ગ્યું?આટલા બધા દાંત?ક્યાંક ખૂન કરતા અગાઉ પકડાય ગયો એટલે ગાંડો તો નહીં થઈ ગયો હોય ને?
સાહેબે સુમરા ને પૂછ્યુ.
"ખૂન કરતા પહેલા પકડાઈ ગયો ને પાસો આટલા દાંત શેના કાઢેસ?"
તો સુમરા એ શુ કીધું ખબર છે?તમને ક્યાંથી ખબર હોય? લ્યો ત્યારે હું જ કય દવ સાંભળો.
"દાંત નો કાઢું સાહેબ તો હું કરું?તમારા પોલીસ ખાતા માંય આવા કાર્ટૂન હોય સે એની તો આજે જ ખબર પડી."
સુમરાએ કાર્ટુન કીધો ને અબ્દુલ નો પિત્તો ગ્યો.
"તારી આટલી હિંમત કે તું મને કાર્ટુન કેસો?."
"નકર હુ કવ?હજુ તો મારા લગનેય નથ થ્યા ત્યાં તમે તો મારી વોવે લઈ આવ્યા."
"તારી નહિ તો કોઈ બીજાની વોવ હશે. પણ તું એક ઘા એ બે કટકા કરવાનો હતો કે નય?"
અબ્દુલે ઉલટ તપાસ કરતાં પૂછ્યું.તો સુમરો પાસુ થોડુક હસ્યો.ને કે.
"મારી વાત જરાક ધ્યાનથી હાંભળજો."
ને સૂમરે વાત માંડી.
"મારી બાજુમા સોમો ખેડૂત રે સે.એણે બચ્ચારાએ બપોરે મને બે શેરડીના ઠાઠા દીધા તા.તે મને થયું કે ચૂસીને તો હંમેશા ખાવ જ સુ.આ ફેરે ગંડેરી કરીને ખાવ તો મજા પડે.તો બપોરે છરી લઈને કાપવા બેઠો તો છરીમાં ધાર જ નય.હાહરીની હાવ બુઠ્ઠી થઈ ગયતી.તે હાંજે છરી ને ધાર બાર કાઢીને શેરડીની ગંડેરીઓ કરવા બેઠો.હવે હાથમાં ધારદાર છરી હતી.અને સામે શેરડી પડી તી.તે મારાથી બોલાય ગયુ કે બપોરે તો બચી ગઈ તી.પણ અત્યારે તુ ક્યા જાવાની?હમણાં તારા એક ઘા એ બે કટકા કરું સુ.ત્યાં તો આ જમાદારે બારણું ઠપકાર્યું.ને મે બારણું ખોલ્યું.તો આ ભાઈસાબ મારો કાઠલો ઝાલીને મને આંય ઢહડી લાવ્યા."
સુમરાએ આખી વાતનો ફોડ પાડ્યો. ત્યાં તો અબ્દુલનુ ડાચું દિવેલ પીધા જેવું થઈ ગયું.
"તો ન્યા ફાટતા હું થ્યું તુ?"
"પણ તમે મને ન્યા બોલવા જ ક્યાં દીધો? દંડુંકો દેખાડીને નો કીધું?કે જે કેવું હોય એ કચેરીએ જઈને કે જે.તો આંય આવીને કીધું."
મોટા સાહેબે કતરાઈને અબ્દુલની હામે જોયું.ને કરડાકીથી બોલ્યા.
"તમે અત્યારે ને અત્યારે જવાની તૈયારી કરો."
અબ્દુલ એ બીતા બીતા પૂછ્યુ.
"ક્યાં?"
તો જવાબ આવ્યો.
"જુમરી તલૈયા"
સમાપ્ત