MONSTERS x GREEK TRAGEDY in Gujarati Film Reviews by Kirtidev books and stories PDF | મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી

સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થીમ્સ અને તીવ્ર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે. કથાની વિષયવસ્તુ પ્રેક્ષકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અને સામગ્રીની પ્રકૃતિ માટે તેમને તૈયાર કરે છે. આ લેખ હ્રદય સાબૂત હોય તે લોકો વાંચશે એવો આગ્રહ રાખું છું.કથાઃ ૧૯૮૯માં બે સગા ભાઈ તેમના માતા-પિતાનું ખૂન કરે છે. તે વિષયના આધાર પર શૃંખલાની કથા આગળ વધે છે. વાર્તા એરિક-લાયલ-હોસેના બચપણ-ભૂતકાળમાં ડૂબકી લગાવે છે અને તેમની હાલની પરિસ્થિતી જણાવે છે. મોટો દીકરો (લાયલ) જ્યારે છ વર્ષનો હતો ત્યારે તેના પિતા (હોસે) તેની સાથે નાહવા જતાં. તેના શરીર-ગુપ્તાંગને અડતા. લાયલ જ્યારે નવ વર્ષનો થયો અને તેનો નાનો ભાઈ(એરિક) સાત વર્ષનો થયો, તેના પિતાએ એરિક સાથે પણ એવું કૃત્ય શરૂ કરી દીધું. તેમની માતાને ખ્યાલ હતો તેનો પતિ બાળકો સાથે સામાન્ય વર્તન નથી કરી રહ્યો પરંતુ તેણી દારૂ અને નશીલિ દવાથી પોતાનું મન મનાવી લે છે.ઘરમાં ઝઘડાઓ, બાળકો સાથે મારઝૂડ અને અભદ્ર ભાષાનો ઉપયોગ વર્ષોથી ચાલતો આવતો હતો. પણ શું આટલા કારણો પૂરતા છે પોતાના મા-બાપની નિર્મમ હત્યા કરવા બદલ? ના. બંને બાળકોને પોતાના જ ઘરમાં સલામતી ન’તી લાગતી, તેમને લાગતું હતું કે તેમના માવતર તેમને મારી નાખશે. તેમની માતાએ તો કબૂલ્યું પણ હતું કે હું મારા બાળકોથી નફરત કરું છું. ‘ને ગુસ્સામાં એવું પણ કીધું કે એક દિવસ હું ખાવામાં ઝેર નાખી બંનેને મારી નાખીશ. એકવાર એરિક સ્વિમિંગ પુલમાં તરતા શીખી રહ્યો હતો ત્યારે તેના પિતાએ ગુસ્સામાં તેનું મોઢું પાણીમાં ડૂબાડી રાખ્યું, હેબતાઈ ગયેલો એરિક પાણીમાં હાથપગ મારવા લાગ્યો, થોડી ક્ષણો બાદ તેના પિતા એને છોડી દે છે અને કહે છે ‘સ્ટ્રોંગ બન!’ તો શું કારણો હતો? કારણો:પ્રથમ એપિસોડમાં ખૂનનું દ્રશ્ય દર્શાવ્યું છે, તો આગળના આઠ એપિસોડમાં શું છે? આગળના આઠ એપિસોડમાં બંને ભાઈ મર્ડર છુપાવા શું કરે છે અને આવું મોટું પગલું ઉઠાવા બદલ તેમની શું મનોસ્થિતિ હતી તે દર્શાવ્યું છે. બંને ભાઈ પર આવતા પહેલા તેમના પિતા વિષે જાણવું જરૂરી છે. હોસે મનેન્ડઝ પોતાની યુવાનીમાં રોજગાર હેતુ ક્યુબાથી અમેરિકા આવે છે. હોટલમાં વેઇટરની નોકરીથી તેનો સંઘર્ષ શરૂ થાય છે. દરમિયાન તેને એક સુંદર અમેરિકન યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. તે યુવતીનું નામ કીટી હોય છે. કીટીનો પરિવાર હોસેને સ્વીકારવા તૈયાર નથી હોતો, હોસે કીટીને તેના ઘરમાંથી ભગાવી જાય છે અને બંને લગ્ન કરી લે છે. આ યુગલ બે પુત્રોને જન્મ આપે છે. દરમિયાન હોસે બહુ મોટો બિઝનેસમેન બની ગયો હોય છે. તે પૈસા અને પાવરના જોરે ખૂબ જ ગુસ્સાવાળો અને આક્રમક થતો જાય છે. સાથે-સાથે તે એક્સ્ટ્રામેરિટલ અને સમલૈંગિક અફેર સાધે છે. હોસે તેના બાળકો સાથે કડક વલણ અપનાવે છે. તે એમને પૈસા આપતો નથી હોતો. જેથી બંને ભાઈ ઘરફોડ ચોરીઓ કરવા લાગે છે. ઘણીવાર ગુસ્સામાં આવી હોસે તેના પુત્રોને ધમકી આપે છે કે તેણે બંને પુત્રોને વસિયતમાંથી કાઢી મૂક્યા છે.જ્યારે બંને ભાઈ તેમના માતા-પિતાને મારી નાખે છે, પંદર દિવસ બાદ ઐશની જિંદગી એવી રીતે જીવવા લાગે છે જાણે કશું થયું જ નથી, મોંઘી હોટલના પ્રેસિડેન્શિયલ સ્વીટમાં રહેવું, મોંઘા કપડાં ખરીદવા, લીમોઝિન ગાડીમાં ફરવું, પાર્ટીઓ કરવી. પોલીસ તેમના માવતરની હત્યાની તપાસ આદરી રહ્યા હતા પણ કોઈ પુરાવા નથી મળતા. બે મહિના બાદ એવી રીતે સબૂત હાથમાં આવે છે કે તરત લાયલને પોલીસ પકડી પાડે છે. દરમિયાન એરિક બીજા દેશમાં હતો. તેને જાણ થાય છે મોટો પકડાઈ ગયો છે. તે પરત અમેરિકા આવે છે અને પોલીસ તેની પણ ધરપકડ કરે છે. બંને ભાઈ કેવી રીતે પકડાયા તે રસપ્રદ ઘટના છે, અહીંથી જાણી શકાય કે બંને પ્રોફેશનલ ખૂની નથી.તો પ્રશ્ન એ છે શું બંને ભાઈએ પૈસા માટે તેમના માતા-પિતાને મારી નાખ્યા? એવું કરવા પાછળનો હેતુ શું? સીરીઝમાં આ સવાલનો જવાબ ડોમનિક ડન નામના પત્રકારનું પાત્ર આપે છે: “તમે તમારા માવતરને હોસે અને કીટી મનેન્ડઝની જેમ ના મારો ફક્ત પૈસા માટે. નજીકથી શોટગનના ધડાકાથી લીટરલી તેમના મોઢા ના છૂંદી નાખો, તમે તમારી બંદૂક રીલોડ ના કરો જ્યારે તમને ખ્યાલ આવે તમારી મા હજૂપણ જીવતી છે. તેમ છતાં, જ્યારે બકશોટ્સ તેણીના શરીરની આરપાર નીકળી ગયા હોય અને તેણી અપંગ પ્રાણીની જેમ માંડ છેલ્લા શ્વાસે સળવળતી હોય/રેંગતિ હોય. ગોળીઓના ધુમાડા અને ખાલી કારતૂસોના શેલ્સ વચ્ચેથી તમે એની પાસે જઈ, એના ગાલ પર બંદૂક તાકી તેણીની આંખોમાં ના જોવો એટલા માટે કે એને ખ્યાલ આવે કે એ તમે જ છો અને ગોળી ચલાવો! ના, ના. આ પૈસા માટે ના થાય. આની પાછળ, આવી હિંસામાં માત્ર પૈસાની લાલચ જ નથી. એ કંઈક વધારે કાળું, ઊંડું... અને એવું શેતાન છે જે નફરતથી પણ ચડિયાતી કઈક વધુ ખરાબ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.”આ શૃંખલામાં અન્ય લોકોના દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે. ડોમનિક ડન તે સમયના ખ્યાતનામ પત્રકાર હતા. તેઓ ખૂનના કેસ વિષે રિપોર્ટિંગ કરતાં અને કેસમના ઊંડાણમાં ઉતરતા. આ કેસમાં તેમણે ખાસ રસ દાખવ્યો હતો. એરિક અને લાયલ વિરુદ્ધ તેમણે લેખમાં કઠોર શબ્દો વાપર્યા. આવી હત્યાઓમાં ડોમનિકની વ્યકિગત રસ એટલા માટે હતો કારણ તેની પોતાની દીકરીને તેના બોયફ્રેંડએ બર્બરતાથી મારી નાખી. તેમ છતાં, તે આદમી નિર્દોષ છૂટી જાય છે. ડોમનિક ડનની પત્રકારિતામાં તેના પૂર્વગ્રહની છાપ જોવા મળે છે પણ જ્યારે તે કોર્ટમાં લાયલની ગવાહી સાંભળે છે તો તેનું મન બદલાય છે.૯૦ના દાયકામાં એરિકની વકીલ લેસલી એબરાહમસનની છાપ વિકટીમ બ્લેમરની હતી. ડોમનિક ડનની દીકરીના દોષીને લેસલીએ છોડાવ્યો હતો. લેસલી પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં કહે છે “બંને ભાઈઓએ જે એક્શન લીધી એના પરિણામ પર સજા થવી જોઈએ કે તેમની શું મનોસ્થિતિ હતી એને ધ્યાનમાં લઈને સજા થવી જોઈએ? એક વ્યક્તિના જીવનમાં ડર અને જાતિય દૂરવ્યવહારની શું અસર થાય છે તે કોણ કહી શકે? અહીં કોર્ટમાં બેસેલા લોકો? કે આજથી વર્ષો બાદ ટીવી કે સમાચારપત્રક સામે ચાની ચૂસકીનો આનંદ ઉઠાવી રહેલા લોકો?”સામે સરકારી વકીલ લેસલીની દલીલ સામે કહે છે “જો બંને બાળકો ડરમાં જીવતા હતા, વર્ષોથી જાતિય સતામણીનો ભોગ બન્યા હતા તો પોલીસ પાસે કેમ ના ગયા? ઘર કેમ ના છોડ્યું? અને જે મા-બાપ પોતાના પુત્રોને મારી નાખવા માંગતા હોય તેઓ તેમના પુત્ર માટે એસ્ટોન માર્ટિન ગાડી બુક કરાવે?”કોનો પક્ષ લેવો જોઈએ? તે સમજવા માટે બહુ બધી સમજણ-પરિપક્વતા જોઈશે. મોંસ્ટર્સ સીરિઝ તમને ગૂંચવી નાખશે, કે કોનો પક્ષ લેવો? શું મા-બાપ સાચા હતા? કે તેમના બાળકો? તેમની સાથે જે થયું એ યોગ્ય કહેવાય કે અયોગ્ય? જેવા પ્રશ્નોના જવાબ મોંસ્ટર્સ શૃંખલા શોધે છે.શૃંખલાના વિઝ્યુઅલ્સ આબેહૂબ ૯૦ના દસકના લોસ એંજેલસ શહેર જેવા દર્શાવ્યા છે. ઘટનાઓ અને પાત્ર નિરૂપણ લગભગ વાસ્તવિક લાગે છે, શૃંખલાના નિર્માતા ખરેખર તારીફને લાયક છે, જેમણે તે સમયની થીમ અને સંગીતને ધ્યાનમાં રાખી દર્શકોને સરસ ટ્રીટમેન્ટ આપી છે. ડામર પછી નિર્દેશકો દ્વારા બીજી એવી શૃંખલા છે જેમાં એક્ચ્યુઅલ ફૂટેજ અને એક્ટિંગ ફૂટેજ લગભગ સરખું લાગે છે માટે તમે વિચારી જુઓ શૃંખલા કેટલી કન્વીન્સિંગ લાગતી હશે. શૃંખલાનું કેમેરા વર્ક ઉત્તમ અને કલાત્મક છે. ‘ને સૌથી કલાત્મક એપિસોડ પાચમો છે. ૩૩ મિનિટનો આ એપિસોડ સિંગલ શૉટમાં શુટ થયો છે. જેલના એક રૂમમાં એરિક બેઠો હોય છે, તેની પાછળ દરવાજામાંથી તેની વકીલ આવે છે, બંને વાતો કરે છે. દરમિયાન ફ્રેમ ધીમે ધીમે એરિકની નજીક આવતી જાય છે. દરમિયાન તેના ચહેરા પર આવતા વિવિધ ભાવ દેખાય છે, તણાવ, ચિંતા, આશા, રડવું, ફિક્કું હસવું વગેરે.અંતે એટલું જ કહીશ, કે સીરિઝમાં તમે બંને ભાઈઓને કે તેમના માવતરને જજ ના કરી શકો. તેમના ઘરના સંજોગ જ એવા ખરાબ હતા, હોસેનું ખુદનું બચપણ ખરાબ રહ્યું હતું. તે પોતે તૂટેલો માણસ હતો, જેણે પોતાના બાળકોને પણ તોડી નાખ્યા. ઘણા લોકો બંને ભાઈઓની માતા કીટીને દોષ આપે છે કે તે વર્ષોથી બધુ જાણતી હતી પણ કશું બોલી નહીં. પણ મને નથી લાગતું કે તેણીનો પણ વાંક છે. જેનો પતિ આક્રાત્મક હોય, પોતાનું લગ્ન જીવન ફિક્કું પડી ગયું હોય, જીવન જીવવા દવાઓ અને નશાનો સહારો લઈ વખત વિતાવો પડે, કોઈ માનસિક સ્ટેટમાં ના હોવ કે કોની માટે ઊભા રહેવું, એને વાસ્તવમાં શું સાચું લાગે? કોઈ માતા વગર નશાએ પણ નથી જોઈ શક્તી. તમારી આસપાસ આ બાબતની નોંધ લેજો. માતા ક્યારેય પોતાના બાળકોનું નમતું અન્ય આગળ નહીં રાખે અને બાળકો પહેલા પતિને પ્રાયોરિટી આપે છે. પતિ આગળ દુનિયા કુરબાન, બાળકો પણ.આ એવી આનુવંશિક ઘટનાઓ હતી, જેમાં આપણે પ્રાર્થના કરી શકીએ કે કાશ આ લોકો એકબીજાની મદદ કરી શક્યા હોત, એથી પણ વધારે પોતાની મદદ કરી હોત. સિરીઝના અંતમાં કોર્ટના નિર્ણય પહેલા બંને ભાઈ ઉમ્મીદ રાખતા હતા કે તેઓ બહારની દુનિયામાં ફરી આઝાદીથી ફરી શકશે. તેમની મનથી ઈચ્છા હતી. કદાચ ફરી શક્ય હોત પણ તેમણે કરેલો ગુનો કોઈ કાળે વ્યાજબી ન’તો. તો કેવી સજા વ્યાજબી હોવી જોઈએ?ન્યાયાલયે બંને ભાઈને આજીવન કારાવાસની સજા ફટકારી છે. પહેલા આ નિર્ણય બરાબર લાગતો હતો. કેમ કે તેમના પર જે વીતી છે પ્રમાણે મૃત્યુ દંડ વધુ કઠોર હોય શકે. પણ પછી મંતવ્ય બદલાયું. ઉંમર કેદ ફાંસી કરતાં પણ વધારે જુલમવાળી સજા છે, જે ભાઈઓએ નાનપણથી ૧૮-૨૦ વર્ષની ઉંમર સુધી ભોગ બન્યા હોય અને આખી જિંદગી એ પસ્તાવામાં નિકાળવાની કે કાશ આવું ના કર્યું હોત અમે? અને એવું નથી કે એમને પસ્તાવો નતો થયો, એરિકને પસ્તાવો થતો જ હતો., પોલીસે ધરપકડ કરી એના પહેલા, બંને જ્યારે આઝાદ હતા, પાર્ટીઓ કરતાં હતા, મોંઘી ગાડી અને કપડાંમાં ફરતા હતા ત્યારથી અફસોસ થતો હતો. પોતાના જન્મદાતાને મારી નાખવાના દોષભાવે એરિકની ઊંઘ ઉડાડી દીધી હતી, તેને ચેન ન હતું પડતું. અમેરિકામાં ૯૦ના દશકમાં પુરુષો પર રેપ થઈ શકે એ વાત જ તર્કવિહીન અને ખોટી માનવમાં આવતી હતી. તો કોર્ટનો નિર્ણય એકતરફી રહ્યો હોય શકે. તે પરિવારને આરંભથી મદદ મળી હોત તો સંજોગો અલગ ઘડાયા હોત. આ મારો મંતવ્ય છે. તમારો વ્યૂ અલગ હોય શકે છે.સિનેમા અને ફિલ્મોની તાકાત વાસ્તવમાં જોવા મળે છે, આ શૃંખલાની તારીફ સૌ કરી રહ્યા છે. નેટફ્લિક્ષ પર ઓછા સમયમાં ખૂબ જ દર્શકો મેળવનાર આ શૃંખલાને ધ્યાનમાં રાખી બંને ભાઈઓનો ટ્રાયલ ફરી કોર્ટમાં જવાનો છે અને કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વેબ સીરિઝના લીધે ન્યાયાલયનો ઓર્ડર બદલાશે.હું આ શૃંખલાને ૮/૧૦ સ્ટાર આપું છું.

-કીર્તિદેવ

LINK: https://www.netflix.com/title/81665094#MonstersNetflix #Netflix #netflixseries #netflixandchill #Netflix2024