Prem thay ke karay? Part - 27 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 27

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 27

પ્રેમ કે લાગણી

માનવી કેવિન સાથે પોતાના રૂમમાં મોબાઈલ પર ચેટ કરી રહી છે. નીતાબેન ઘરનું બધું કામ પરવારીને પોતાના રૂમમાં જઈને સુવાની તૈયારી કરે છે. તે જેવી આંખો બંધ કરવાની કોશિશ કરે છે ત્યાં જ તેમના મગજમાં માનવીએ કરેલી કેવિનની વાત મગજમાં ચકરાવા લાગે છે. તે વિચારોનાં સમંદરમાં ડૂબવા લાગે છે.

"હું કેવિનને પ્રેમ નથી કરતી તો પછી માનવીએ જયારે કેવિનનું નામ લીધું તો મારા શરીરમાં કેમ એક લખલખું તીર પસાર થઈ ગયું. કેમ કેવિન નામ સાંભળતા જ મારા હૃદયનાં ધબકારા એકદમ વધી ગયા. કેમ કેવિનની નજીક હું ખેંચાઈ રહી છું? શું મને ખરેખર કેવિન પ્રત્યેય પ્રેમ થઈ ગયો છે?" નીતાબેનનાં મગજમાં એકસામટા વિચારો પ્રવેશી નીતાબેનનાં મનને વિચારોનાં વમળમાં ફસાવી લે છે.

"ના ના એને તો મારી મનુ પ્રત્યેય પ્રેમ છે. એ કેવી રીતે મને પ્રેમ કરી શકે? તો શું હું એકતરફી કેવિન પ્રત્યેય ખેંચાઈ રહી છું? કંઈ સમજાતું નથી." નીતાબેન એક ઉંડો શ્વાસ લઈ વિચારોનાં વમળમાંથી બહાર આવવાની કોશિશ કરે છે.

"ના નીતા જો તું કેવિનને પ્રેમ કરતી હોયને તો તે તારી જિંદગીની મોટામાં મોટી ભૂલ હશે. કેમ તારી દીકરી મનુ એ કેવિનને પ્રેમ કરે છે. જો તે બન્નેનાં લગ્ન થઈ ગયાં તો એ તારો જમાઈ કહેવાય જમાઈ." અંદરથી આવી રહેલા વિચારો નીતાબેનને આકુળ વ્યાકુળ કરી રહ્યા છે. તેમને પોતાને ખબર નથી પડી રહી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. જેમ જેમ કેવિનનાં વિચારોમાંથી બહાર આવવવાની કોશિશ કરે છે. તેમ તેમ દલદલનાં કાદવની જેમ ચિંતામાં ડૂબતા જાય છે.

તે ભીની થઈ ગયેલી આંખો લૂછીને કબાટમાંથી કેવીને આપેલી ડાયરી બહાર કાઢી તેનાં પર હાથ ફેરવીને તેનાં પન્ના ફેરવે છે. જ્યાં પહેલે પન્ને કેવીને પોતાના હાથે લખેલુ વાક્ય નીતાબેનનાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
"એક તો જિંદગી મળી છે. જીવી લેવાની."

નીતાબેન ડાયરી બંધ કરીને, આંખો બંધ કરે છે. ખુલ્લી બારીમાંથી આવતી ઠંડી લહેરો નીતાબેનનાં શરીરને સ્પર્શી આનંદદાયક ઠંડક અનુભવ કરાવી રહી છે.

"મારા નસીબમાં આમ પણ ક્યાં કોઈનો પ્રેમ લખાયો છે. કદાચ ભગવાનને મને એકલી જીવાડવાનાં લેખ લખ્યા હશે. જેવી ભગવાનની મરજી." નીતાબેન આકાશમાં ચમકી રહેલા તારલાઓને જોઈને પોતાના મનને મનાવી રહ્યા છે.

                              ***

રાત્રે મોડે સુધી આવેલી ઉંઘનાં કારણે નીતાબેન આજે સહેજ મોડા ઉઠે છે. તેમની નજર સામે દીવાલ પર ટીંગાડેલી ઘડિયાળ તરફ જાય છે.

"અરે બાપ રે 8 વાગી ગયાં!" નીતાબેન પથારીમાંથી સફારા બેઠા થઈને ઝડપથી નિત્યક્રમ પૂરો કરીને રસોડામાં જાય છે.

રસોડામાં માનવીને રસોઈની તૈયારીઓ કરતી જોઈને નીતાબેન વિચારમાં પડી જાય છે, પણ તેમને આજે મોડું થયું હોવાથી તે ફટાફટ રસોઈનું કામ હાથમાં લઈને માનવીને સવાલ પૂછવા લાગે છે.

"શું વાત છે? આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે. તે જોવું પડશે." નીતાબેનનાં હાથ રસોડામાં એક મશીનની જેમ કામ કરી રહ્યા છે.

" શું મમ્મી તું પણ... એક તો તારી હેલ્પ કરું છું ને તું છે કે..."

"મેં ક્યાં હેલ્પ કરવાની ના પાડી.આ તો આજે પહેલીવાર આટલી વહેલા ઉઠીને રસોડામાં કામ કરતી જોઈને એટલે."

"પરણીને સાસરે જઈશ તો અત્યારથી વહેલા ઉઠવાની આદત તો પાડવી પડશે ને." માનવી શરમાઈ જાય છે.

"તારી હજુ એની સાથે સગાઈ નથી થઈ બરાબર. પહેલા એ કે તે અહીંયા ફક્ત 6 મહિના માટે ટ્રેનિંગ માટે આવ્યો છે. તેના પરિવારવાળા કેવા છે? તેનું ઘર કેવું છે? એ બધું જોવું પડે. પછી બધી આગળ વાત થાય. ખાલી પ્રપોઝ કરવાથી આખી જિંદગી ના નીકળી જાય. તું એના વિશે શું જાણે છે?" નીતાબેન એક માની જેમ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

માનવી તેની મમ્મીની વાત સાંભળીને સ્તબધ થઈ જાય છે. તેને થોડીકવાર વિચારમાં ડૂબી જાય છે કે મમ્મીની વાત તો સાચી છે. હું કેવિનને કેટલો ઓળખું છું? તે તો અહીંયા 6 મહિના માટે જ આવ્યો છે. પછી? તેનાં પરિવારમાં કોણ કોણ છે એ તો જાણ્યું જ નથી?

"મમ્મી તારી વાત તો સાચી છે, પણ એને તું ઓળખે તો છે. એને તારા માટે અને મારા માટે છેલ્લા થોડાક દિવસોમાં આપણી કેટલી ચિંતા કરી હતી. ખાસ કરીને તારી એકલતા દૂર કરવા એને કેવા પ્રયાસો કર્યા હતાં. તું એ કેમ ભૂલી ગઈ." પ્રેમમાં ડૂબેલી માનવીને તેની મમ્મીનાં શબ્દોમાં ક્યાંક કચાસ દેખાઈ રહી છે.

નીતાબેન મૌન ધારણ કરીને રસોડામાં કામ કરી રહ્યા છે. તે મનોમન વિચાર કરી રહ્યા છે કે "મનુ તને કેવી રીતે સમજાવું કે કેવિન પ્રત્યેય મને લાગણી છે કે પ્રેમ છે એ જ નથી સમજાતું. હું તો તારી જિંદગી મારી જેમ બરબાદ ના થાય એના માટે ચિંતિત છું. કેમ કરી સમજાવું??"

                                                                   ક્રમશ :