લગ્ન
માનવીની નજર પેપરમાં આપેલી એક જાહેરાત પર પડે છે.
"વિધવા સ્ત્રીઓ અને વિધુર પુરુષો માટે લગ્ન નોંધણી વિષયક. જીવનનાં અંતિમ પડાવ પર એકલતાથી જીવતા સ્ત્રી અને પુરુષો માટે પસંદગી મેળો રાખેલો છે. વધુ માહિતી માટે..."
માનવી જાહેરાત જોઈને તેનાં મનમાં તેની મમ્મીનો વિચારો આવે છે.
"મમ્મી તારે લગ્ન કરવા છે?"
"મનુ... શું બોલે છે તું એનું તને ભાન છે?" નીતાબેન ગુસ્સામાં બોલે છે.
"એટલે મારો કહેવાનો એ મતલબ નથી. જો કાલે ઉઠીને મારા લગ્ન થાય તો હું તો પરણીને સાસરે જતી રહીશ. પછી ઘરડા ઘડપણમાં તારી સેવા કોણ કરશે? તું એકલી કેવી રીતે પાછળની જિંદગીનો સમય પસાર કરીશ. આમ પણ જો આજકાલ ઘણાં વિધુર પુરુષો અને વિધવા સ્ત્રીઓ લગ્ન કરી. ઘડપણની એકલતા દૂર કરતા હોય છે. તેમાં લગ્ન કરવાનો બીજો કોઈ આશય નથી હોતો બસ એકબીજાને કંપની મળી રહે તે મૂળહેતું હોય છે." માનવી તેની મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
"એ બધું આપણા સમાજમાં સારુ ના લાગે. જેની સાથે સાત ફેરા ફર્યા હોય તેની સાથે જ જીવવાનું અને મરવાનું હોય છે. તે જોયું નહિ તારી ફોઈ કારણ વગર કેટકેટલું સંભાળવીને ગઈ."
"એટલે તું હજુએ બીજા લોકોની વાતો સાંભળીને જિંદગી જીવી રહી છે. વાત રહી મારા ફોઈની તો એમને આટલા વર્ષોમાં ક્યારેય આપણે ફોન કરીને પણ હાલચાલ પૂછ્યા છે. આ તો તેમના સગામાં કોઈ છોકરો હશે એટલે તેમનો સ્વાર્થ સાધવા આપણા ઘરે આવ્યા હતાં. તારી કે મારી ખબર પૂછવા નહતો આવ્યા."
"એ ખબર પૂછવા આવ્યા હોય કે ના આવ્યા હોય, પણ આ ઉંમરે બીજા લગ્ન કરીને મારી અત્યાર સુધીની પ્રતિષ્ઠા, ઈજ્જતવાળી જિંદગી પર કાળું ટીલું નથી લગાડવું." નીતાબેન પોતાની વાત પર મક્કમ નિર્ણંય જાહેર કરે છે.
"આ પેપરમાં જો તારા કરતા પણ મોટી ઉમરનાં લોકો લગ્ન કરી પોતાની જિંદગીની એકલતા દૂર કરી રહ્યાં છે. ને તું છે કે બાબા આદમનાં જમાનામાં બેઠી બેઠી લોકો શું કહેશે તેની ચિંતા કરી રહી છે. લોકો સારી કે ખોટી વાતો કરશે. તારું કે મારું કોઈ પૂરું કરવા નહિ આવે."
"તારે જે કહેવું હોય તે કહે. મને બીજા લગ્ન કરવામાં કોઈ જ રસ નથી. હું મારી એકલતાભરી જિંદગી જીવી લઈશ." નીતાબેન ટિફિનની તૈયારી કરવા રસોડામાં પ્રવેશે છે.
માનવી પણ ચુપચાપ પોતાના રૂમમાં જઈને મોબાઈલ લઈને બેસી જાય છે.
***
રાત્રે પડખા ફેરવી રહેલા નીતાબેનનાં મગજમાં આજે મનુ સાથે થયેલી વાતચીત ગુમરાયા કરે છે. મનુનાં પપ્પાનાં ગયાં પછી આમ પણ મારી જિંદગીમાં એકલતા સિવાય બીજું અનુભવ્યું છે શું? ખરેખર મારે બીજા લગ્ન કરવા જોઈએ? ચાલો બીજા લગ્ન કરી પણ લઉં તો શું એ મારી પુરેપુરી સંભાળ લેશે એની શું ખાતરી?
"તારે ક્યાં કોઈ મુરતિયો શોધવાની જરૂર છે. તું કેવિનને પ્રેમ તો કરે જ છે ને કહી દે એને." નીતાબેનની બાજુમાં તેમનું બીજું રૂપ તેમને સલાહ આપી રહ્યું છે. ત્યાં જ બીજી બાજુથી નીતાબેનનાં બીજા રૂપનો અવાજ આવે છે.
" જો જે એવું કોઈ પગલું ભરતી. કેવિન તો તારા છોકરાનાં ઉંમરનો છે. એની સાથે કેવી રીતે લગ્ન શક્ય છે. એ તો વિચાર કર."
નીતાબેન પોતાના કાન દાબીને બન્ને ત્યાંથી જતા રહેવાનું કહે છે.
"મારે કોઈની વાત નથી. સાંભળવી. જતા રહો તમે બન્ને." નીતાબેન આંખો ખોલે છે. તો તેમને આ ભ્રમ લાગે છે, પણ વારેઘડીયે આ કેવિનનો ભ્રમ કેમ દેખાય છે. તેમના મગજમાં વિચારોનું વાવઝોડું ચકરાવે ચડે છે.
ત્યાં તેમને માનવીનાં રૂમમાંથી અવાજ આવી રહ્યો છે. આટલી મોડી રાત્રે માનવી કોની સાથે વાત કરતી હશે તે જાણવા નીતાબેન ઉભા થઈને માનવીના દરવાજા પાસે જાય છે.
"અરે હા યાર પ્રેમ તો કરું છું, પણ એને કહેવાની હિમ્મત નથી થતી. એ જયારે સામે આવે છે ત્યારે બીજી વાતો વધુ થઈ જાય છે. કંઈક આઈડિયા આપને..." માનવીનાં રૂમમાંથી માનવીનો અવાજ નીતાબેનનાં કાનમાં પ્રવેશી રહ્યો છે.
"મમ્મી માનશે કે નહિ મને એની તો ખબર નથી, પણ એકવાર એને પ્રપોઝ તો કરી જોવું. એક બે દિવસમાં એને મળીને મનની વાતો કહેવાનો વિચાર ચાલી રહ્યો છે."
માનવીની વાત સાંભળીને નીતાબેન વિચારમાં પડી જાય છે કે માનવી કોના પ્રેમમાં છે? કોને પ્રપોઝ કરવાની વાત કરે છે. નીતાબેન પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે.
ક્રમશ :