હું ઝડપથી તૈયાર થઈ અને નીચે હોલમાં પહોંચ્યો હતો. સવારના સાત વાગી ચુક્યા હતા. પૂજા પણ સુંદર સાડી પહેરીને તૈયાર થઈને ત્યાં હાજર જ હતી. બધી જ તૈયારીઓ બરાબર થઈ છે કે નહીં એ પૂજા જોઈ રહી હતી. જેવો હું હોલમાં આવ્યો કે એ તરત જ બોલી, "પપ્પાજી તમે પણ એક વખત નજર કરી લો, બધું જ બરાબર છે કે નહીં?"
મેં ટેબલ પર ગોઠવેલ નાસ્તા પર નજર કરી, રોટલા, થેપલા, ભાખરી, ખાખરા, કોન ફ્લેક્સ, ઓટ્સ, મેગી, ઘી ગોળ, લસણની ચટણી, અથાણું, પૌવા બટેકા, ઉપમા, ફ્રુટ જ્યુસ, બ્રેડ બટર, જામ, ચા, દૂધ અને કોફી બધું જ સુંદર રીતે ગોઠવેલું હતું.
"અરે બેટા કોઈ જ એવી વસ્તુ નથી કે જે બાકી રહી હોય બધું જ તે બરાબર પરફેક્ટ કર્યું છે." મેં પૂજાની પીઠ થાબડતા એને જવાબ આપ્યો હતો. બપોરનો લંચનો તો ઓર્ડર કેટરર્સ વાળાને આપી દીધો છે ને? અને પૂજા વખતની બધી સામગ્રી, આસોપાલવના પાન, ફૂલ, પંચામૃત એ પણ તૈયાર છે ને?" મેં પુજાનુ આ બાબતે ધ્યાન દોરતા કહ્યું હતું.
"હા પપ્પાજી એ બધું જ તૈયાર છે અને એ ત્યાં પહોંચાડી પણ દીધું છે."
બધા જ મહેમાનો થોડી જ વારમાં તૈયાર થઈને હોલમાં આવી ગયા હતા. ધીરે ધીરે બહાર ગામના મહેમાન પણ આવવા લાગ્યા હતા. મારા ગામડાના મિત્રોને ઘણા વર્ષો બાદ જોઈ રહ્યો હોવાથી એમની ખબર અંતર પૂછતા હું એમની સાથે વાતો કરી રહ્યો હતો. રવિ અને આદિત્યએ મારા બધા જ મિત્રોને એક એક ને યાદ કરીને આમંત્રણ આપ્યું હતું. હું બધાને વર્ષો બાદ મળતો હોવાથી ખૂબ જ ખુશ હતો. એમને પણ ખુશી અનહદ હતી જે એમના ચહેરા પરથી નજર આવી રહી હતી. જેવો નનકો આવ્યો કે, એની સાથે ઝુમરીની યાદો પણ મને તાજી થઈ ગઈ હતી. ક્ષણભરમાં જ હું ફરી ભૂતકાળમાં એક લટાર મારી આવ્યો હતો. આજે પણ ઝુમરીની યાદ મારા મનમાં પહેલા જેવી જ ઝણઝણાટી મચાવી ગઈ હતી. ભીતરમનમાં જ મને થયું કે, ઝુમરી વગર એક મિનિટ પણ નીકળતી ન હતી અને આજે આટલા વર્ષો વીતી ચૂક્યા છે. મારો પહેલો પ્રેમ પૂર્ણ હોવા છતાં અધુરો જ રહી ગયો હતો, સહેજ ક્ષણ માટે મને અફસોસ થઈ ગયો હતો.
હું મારા આ વિચારોમાં જ હતો ત્યાં જ મારું ધ્યાન હોલમા રાખેલ મારા અને તુલસીના ફોટા પર ગયું હતું. કુદરતે મને જાણે તરત જ સંકેત આપ્યો હોય એમ હું મારા વિચારોમાંથી મુક્ત થયો હતો.
રવિ, આદિત્ય અને દીપ્તિ પણ હવે તૈયાર થઈને આવી ગયા હતા. બહારગામ ના બધા જ મહેમાનો પણ આવી ગયા હતા. અમે ફક્ત પૂજારી આવે એની રાહ જોઈ રહ્યા હતા. પૂજાના સ્થળે અમે ભૂમિપૂજન માટે જતા રહ્યા હતા.
આદિત્યએ બધા જ લોકોને એમનું સ્થાન ગ્રહણ કરવા માટે ગોઠણ કરી આપી હતી. ખુબ સરસ મંડપ નાખીને આખી જગ્યાને એકદમ સરસ ડેકોરેશનથી શણગારી દીધી હતી.
પૂજારીએ મંત્રોચ્ચારથી પૂજાની વિધિ શરૂ કરી દીધી હતી. પૂજારીનો અવાજ પણ એટલો સ્પષ્ટ અને ચોખ્ખો હતો કે એક એક મંત્ર સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ભાગ્યે જ એવું જોવા મળે કે, ઉપસ્થિત બધા લોકોનું ધ્યાન પૂજા વિધિમાં હોય, પૂજારીનો અવાજ એટલો સ્પષ્ટ અને પહાડી હતો કે, લોકોનું ધ્યાન વિધિ પરથી હટતું જ ન હતું. બધાએ આ પૂજાનો ખુબ સરસ લાભ મળ્યો હતો. પૂજા સરસ રીતે પૂર્ણ થઈ ગઈ હતી.
મુકતારે હવે પોતાની વાત બધા જ લોકો સમક્ષ રજૂ કરવાના હેતુથી જાહેરાત કરતા કહ્યું,"હું, વિવેકભાઇ અને તેજાભાઇ એક પ્રવૃત્તિ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રવૃત્તિ સેન્ટરનું નામ "શુભકાર્ય" રાખવામાં આવ્યું છે. આ સેન્ટરમાં જે જરૂરિયાત મંદ લોકો કે જેમના પરિવારમાં કોઈ પીઠબળ ન હોય એવી વ્યક્તિઓને અમે સહાય કરશું, અનાથ બાળકોને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરશું, અકસ્માતમાં કોઈને અચાનક મદદની જરૂર પડે એવા લોકોને પણ મદદ કરશું, નિ:સંતાન દંપતીમા એમના સાથીદાર ગુજરી જાય ત્યારે એવા વ્યક્તિઓને રહેવા માટે 'આશરો' નામના અમારા આશ્રમમાં સ્થાન આપશુ, બહુ જ ગરીબ ઘરની બાળાઓને ભણવાની અને એમને પરણાવવાની જવાબદારીઓ અમે નિભાવશુ. અમારી આ પ્રવૃત્તિની જાણ અમે જુદા જુદા માધ્યમ દ્વારા જાહેરાત કરીને દેશ-વિદેશ સુધી પહોંચાડશું. આથી જે લોકોને મદદની જરૂર હોય એમને મદદ મળી શકે અને જે લોકો મદદ કરવા ઈચ્છતા હોય એ અમારા આ પ્રવૃત્તિ સેન્ટરમાં જોડાઈને સભ્ય બની શકે. આ ઉમદા કાર્યને અમે શરૂ કરી દીધું છે. એક વેબસાઈટ પણ અમે લોન્ચ કરી દીધી છે. એ વેબસાઈટ પરથી વિસ્તૃત માહિતી બધા જ લોકોને મળી શકશે. અમારી આ બધી જ યોજનાઓનો લાભ લેવા માટે ચોક્કસ માહિતી અમને જણાવવી જરૂરી છે. અમારું આ પ્રવૃત્તિ સેન્ટર નિષ્પક્ષ રીતે બધાને મદદ કરશે, નાત જાત, ઊંચનીચ બધી જ બાબતોથી પર રહી ફક્ત સેવા કરવાના માધ્યમથી જ અમે આ કાર્યને વધારતા રહેશુ. આપ લોકોએ મને ખુબ સરસ શાંતિથી સાંભળ્યો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું." મુકતારે એની વાત આભાર માનવાની સાથે પૂર્ણ કરી હતી. જેવી મુકતારની વાત પૂર્ણ થઈ કે બધા જ ઉપસ્થિત લોકોએ એને તાળીઓથી વધાવી લીધો હતો. આ આખો પ્રોગ્રામ આદિત્ય એ લાઈવ મૂક્યો હતો. આથી કેટલાક લોકો આ પ્રવૃત્તિ સેન્ટરમાં જોઈન્ટ પણ થવા લાગ્યા હતા.
મુક્તારને થોડા જ સમયમાં અસંખ્ય લોકોની કોમેન્ટ આવવા લાગી હતી. બધાએ આ પ્રવૃત્તિને આવકારી હતી. આ પ્રવૃત્તિ ક્યાં થઈ રહી છે અને એનો લાભ કેવી રીતે લેવાનો એ બધી જ માહિતી વેબસાઈટ પર મૂકેલી હતી. આદિત્યના લીધે આ આખો પ્રોગ્રામ અમુક જ કલાકમાં બહુ બધા લોકો સુધી પહોંચી ચૂક્યો હતો. ઘણા બધા લોકો ડોનેશન આપવા માટે તૈયાર થઈ ગયા હતા. વિદેશના લોકોનુ પણ ખૂબ ફંડ આવવા લાગ્યું હતું. થોડા સમયમાં તો અસંખ્ય લોક ચાહના આ પ્રવૃત્તિને મળી ચૂકી હતી.
મુક્તારની ખુશીનો તો પાર રહ્યો ન હતો મુકતાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મુખ્તાર મારી પાસે આવીને બોલ્યો કે, "તું મારા માટે ખૂબ જ લકી છે. તું જ્યારે મારા ધંધામાં જોડાયો હતો ત્યારે પણ મને આટલો જ ફાયદો થયો હતો. આજે પણ તું જેવો આ પ્રવૃત્તિની અંદર પ્રવેશ્યો કે તરત જ હું દેશ-વિદેશમાં આ પ્રવૃત્તિથી ઓળખાવા લાગ્યો છું. મુક્તાર એકદમ ખુશ થઇને મને ભેટી પડ્યો હતો. એ ખુશ થતા ફરી બોલ્યો, "હવે મને અલ્લાહના દરબારમાં જઈશ ત્યારે મારા મનમાં કોઈ જ જાતનો ભાર રહેશે નહીં."
મેં એની પીઠ થાબડતા કહ્યું, "તું પણ મારે માટે ખૂબ જ લકી છે."
તેજો પણ અમારા બંનેની વાત સાંભળી ખૂબ જ ખુશ હતો. એ પણ બોલ્યો, ખરેખર મેં કંઈક ખૂબ સારા કર્મ કર્યા હશે કે તમે બંને મારા મિત્ર તરીકે મારા જીવનમાં આવ્યા છો, હું તમારા બંનેથી ખુબ ખુશ છું. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે હું ક્યારેય કલ્પનામાં પણ આવું વિચારતો ન હતો એટલા ઉમદા કાર્યમાં હું જોડાઈ ગયો છું. અમે ત્રણેય એક સાથે એક ફોટો પાડ્યો હતો. અને અમારો આ ફોટો અમે વેબસાઈટ પર મૂક્યો હતો.
આખો સમારંભ ખુબ જ શાંતિથી પૂર્ણ થયો હતો. ધીરે ધીરે બધા જ લંચ કરીને પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. ગામડેથી આવેલ બધા મિત્રોને એક સરસ ટ્રોફી યાદગીરી તરીકે આપેલી હતી.
હું હવે બધું જ કાર્ય પૂરું થઈ ગયા બાદ મારા રૂમમાં આવ્યો હતો. હું મનોમન વિચારવા લાગ્યો, મારા જીવનની શરૂઆત મેં કેવા કાર્યથી કરી હતી, અને હવે જિંદગી જ્યારે ઢળતી સંધ્યાએ પહોંચી છે ત્યારે હું આ પ્રવૃત્તિમા જોડાઈને ખરેખર ખુદને ખૂબ ભાગ્યશાળી માનું છું. કારણ કે બહુ જ ઓછા લોકો એવા હોય છે કે ગંદકીરૂપી દલદલમાં એક વખત ખૂંચે પછી બહાર આવી શકતા હોય તેમ છતાં હું એ દલદલ માંથી બહાર તો આવી ગયો અને કરેલા કર્મનો પ્રાયશ્ચિત કરવા માટેનો કુદરતે મને અવસર પણ આપ્યો. મારા જીવનમાં કદાચ આ દિવસ હું તુલસીના હિસાબે જોઈ રહ્યો છું. કારણ કે એ હંમેશા મને કહેતી, ' છે તેમાં ખુશ રહો!' જિંદગીના આ પડાવે મને એના શબ્દ સમજાઈ રહ્યા છે. મા થી મેં આજીવન હું શું કામ કરું છું એ છુપાવ્યું હતું, મારા મુત્યુ બાદ હું જ્યારે માને મળીશ ત્યારે મારી આંખમાં મારા કર્મો માટેની ગ્લાની મને નહીં હોય એ વાતની અનહદ મને ખુશી થઈ રહી છે. મારુ ભીતરમન આજ ખરેખર ખીલી ઉઠ્યું છે. મુક્તારના બે નંબરના ધંધામાં હું જોડાયો હતો, પણ મારી સારાઈના લીધે હું તો આજીવન એમાં ન રહ્યો, અને મુક્તારને પણ મેં યોગ્ય રસ્તા ઉપર લાવી દીધો હતો. મારુ ભીતરમન આજે ખૂબ ઠર્યું હતું. હંમેશા જે અનેક વેદનાઓમાં તડપતું હતું એ વેદનાઓમાં આજે આનંદના અમી છાંટણા થઈ રહ્યા હતા.
સમાપ્ત
- ફાલ્ગુની દોસ્ત