સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પડવા દઉં મમ્મી પપ્પાની અને સાસુ સસરાની પરમિશન લઈને આ નાનકડા લવને ડૉક્ટરી ચેકઅપ કરાવી જલ્દીથી મારા મીત પાસે પહોંચી જઈશ અને આ નિર્ણય સાથે તે પોતાના મમ્મી પપ્પા સાથે પોતાના ઘરે આવી...અને મીતે પણ લંડનભણી પોતાની ઉડાન ભરી લીધી....લંડનની ધરતી ઉપર પગ મૂકતાં વેંત જ મિતાંશને જાણે ત્યાંની સુહાની સવારની એક અદમ્ય ઠંડકનો અહેસાસ થયો અને એ માટીની સુગંધ જાણે કંઈક અલગ જ આવી રહી હતી તેમ તેણે અનુભવ્યું. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને તેની નજર સમક્ષ તેના હાથમાં હાથ લઈને ચાલતી તેની હસતી ખેલતી સાંવરી આવી ગઈ અને પોતાનો નાનકડો લાડકો દીકરો લવ આવી ગયો. થોડું ચાલીને તે બહાર આવ્યો અને તરતજ તેણે પોતાને લેવા આવનાર પોતાની ઓફિસના બોય પરમેશને ફોન લગાવ્યો. પરમેશ એક ગુજરાતી છોકરો હતો અને ખૂબજ પ્રામાણિક, મહેનતુ તેમજ માયાળુ પણ હતો શ્રી કમલેશભાઈના મિત્ર કલ્પેશભાઈની ઓળખાણથી તે અહીં મિતાંશની લંડનની ઓફિસમાં જોબ ઉપર લાગ્યો હતો. અને ત્રણ ચાર વર્ષથી લંડનમાં સેટલ હતો પોતાના ઘરની આર્થિક તકલીફોને લઈને પરદેશમાં સેટલ થવાના ઈરાદાથી અહીં લંડન આવી પહોંચ્યો હતો.પરમેશ મિતાંશને લેવા માટે આવી ગયો હતો અને તેની રાહ જોઈને જ ઉભો હતો. મિતાંશને જોતાં જ તે તેની નજીક જઈ પહોંચ્યો અને તેણે જરા નમીને અદબપૂર્વક પોતાના સરને આવકાર્યા..મિતાંશ કારમાં ગોઠવાઈ ગયો અને તરતજ પોતાની સાંવરીને ફોન કર્યો સાંવરી પણ તેના ફોનની રાહ જોઈને જાગતી બેઠી હતી. મિતાંશ થોડીક જ વારમાં પોતાના લંડનમાં સ્થિત બંગલોમાં પહોંચી ગયો. સાંવરીની સૂચના પ્રમાણે પરમેશે બંગલો એકદમ ક્લીન કરીને રાખ્યો હતો અને આજથી પરમેશ અહીં મિતાંશની સાથે જ આ બંગલામાં જ રહેવાનો હતો કારણ કે તે રસોઈ પણ બનાવી લેતો હતો અને ઘરનું બીજું બધું કામ પણ તેને જ સંભાળવાનું હતું. મિતાંશે પરમેશના હાલ ચાલ પૂછ્યા અને ઓફિસમાં બધું કેમ ચાલે છે, બરાબર તો ચાલે છે ને તેમ પણ પૂછ્યું. મિતાંશે પરમેશના હાથમાં મીઠાઈનું બોક્સ મૂક્યું જે તે ઈન્ડિયાથી ખાસ પરમેશ માટે જ લઈ આવ્યો હતો. પોતાની પસંદગીની મીઠાઈ મળતાં જ પરમેશ ખુશ ખુશ થઈ ગયો હતો. લોંગ જર્ની કરીને મિતાંશ થોડો થાકી ગયો હતો એટલે તે પરમેશને જમવાનું બનાવવાનું કહીને પોતાના બેડરૂમમાં સૂઈ જવા માટે ગયો. ટ્રાવેલીંગની થકાન, ઈન્ડિયાની ઓફિસનો થાક અને લંડનની શાંતિ બધું જાણે ભેગું થઈ ગયું હતું તો મિતાંશને બે ત્રણ કલાક સારી એવી ઊંઘ આવી ગઈ અને ઉઠ્યો ત્યારે બિલકુલ ફ્રેશ લાગતો હતો તે ઉઠ્યો ત્યારે બપોરના અઢી વાગી ગયા હતા પરમેશ રસોઈ બનાવીને ઘરનું બધું જ કામ પતાવીને મિતાંશના ઉઠવાની રાહ જોતો બેઠો હતો. મિતાંશ ઉઠ્યો એટલે બંનેએ સાથે જમી લીધું અને પછી બંને સાથે જ ઓફિસ જવા માટે નીકળી ગયા.આજે તો ઓફિસમાં પણ બધા જ મિતાંશના આવવાની રાહ જોઈને બેઠા હતા અને બોસ આવવાના છે તો બધાજ એલર્ટ પણ થઈ ગયા હતા. મિતાંશના ઓફિસમાં પગ મૂકતાંની સાથે જ બધાએ ઉભા થઈને તેને રિસ્પેક્ટ આપ્યું અને વેલકમ કર્યું તેમજ દીકરો આવવાની ખુશીમાં કોન્ગ્રેચ્યુલેશન્સ પણ કહ્યું. મિતાંશ પણ આજે ઘણાં સમય પછી પોતાની ઓફિસના સ્ટાફને મળીને ખૂબ ખુશ હતો. તે પોતાની કેબિનમાં ગયો અને નવા કામ માટે વિચારવા લાગ્યો કે કયું કામ કોને સોંપવું અને તેને માટે સ્ટાફ મીટીંગ કરવા વિચારતો હતો પછી તેને થયું કે પહેલા ઓફિસના એક એક કર્મચારીને બોલાવીને જરા પર્સનલ મીટીંગ કરી લઉં પછીથી સ્ટાફ મીટીંગ કરીશ અને તેણે ઓફિસના એક એક મેમ્બરને પોતાની કેબિનમાં બોલાવવાનું શરૂ કર્યું અને જાણી લીધું કે કોને કયું કામ આપવું, કોણ કયું કામ સારી રીતે કરી શકશે.. તેની આ પર્સનલ મીટીંગ પૂરી થઈ ત્યાં તેનો ઘરે જવાનો સમય થઈ ગયો હતો એટલે તે પરમેશને પોતાની સાથે લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. ટ્રાવેલીંગનો થાક સ્ટાફ મેમ્બર સાથેની ચર્ચાનો થાક એટલે જમીને તરત જ સૂઈ જ ગયો. સવાર પડજો વહેલી....બીજે દિવસે સવારે તે થોડો વહેલો જ ઉઠી ગયો અને પરમેશના હાથની ચા પીને પરમેશને જમવાનું બનાવીને ટિફિન લઈને સીધા ઓફિસે પહોંચવાનું કહીને પોતે પોતાના ગોડાઉને જવા માટે નીકળી ગયો. અને ગોડાઉને પહોંચીને તેણે આખાયે ગોડાઉનનું ચેકીંગ કરી લીધું કે પોતાનો જૂનો બનેલો માલ કેટલો પડ્યો છે, કાચો માલ કેટલો પડ્યો છે અને નવા ઓર્ડર માટે શું વ્યવસ્થા કરવાની જરૂર છે. લગભગ આ બધું કરતાં તેને દોઢેક કલાક લાગી ગયો અને આ બધું કામ પૂરું કર્યા પછી તે ઓફિસે પહોંચી ગયો જ્યાં પોતાની કેબિનમાં બેસીને તેણે નવા ઓર્ડરનો આખો પ્રોજેક્ટ પેપર ઉપર તૈયાર કરી દીધો અને ત્યારબાદ સ્ટાફ મીટીંગ બોલાવી લીધી. નવા ઓર્ડર માટે તે ખૂબ ઝડપથી કામ શરૂ કરવા ઈચ્છતો હતો...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 21/11/24