નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન)
નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું થયું જ નથી એ રીતે વર્તી રહ્યા હતા. કામની સાથે તેઓની નજર વિદ્યાની દરેક હરકત પર ફરતી હતી. તે પોતાની કેબિનમાંથી સવારથી બહાર નહોતી નીકળી એ બંનેએ નોટિસ કર્યું.
નવીનના આઈડિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી અને નિતુ તેના પર કામ કરી રહી હતી જેમાં નવીન તેને આસિસ્ટ કરતો હતો. વિદ્યા પર નજર રાખવાનાં ચક્કરમાં બહારથી આવતી વખતે અનુરાધા સાથે તેણે વાત કરી કે જેથી તે વિદ્યા કેબિનમાં શું કરી રહી છે તે જોઈ શકે. જોકે તે પોતાનું પર્સ ત્યાં ભૂલીને ડેસ્ક પર બેઠી હતી.
કામ કરતાં કરતાં તેને યાદ આવ્યું એટલે તે કહી બેઠી, "ઓહ ગોડ, હું મારું પર્સ તો બહાર જ ભૂલી ગઈ."
એટલામાં બાજુમાં બેઠેલો નવીન બોલ્યો, "મેડમ મને ખબર હતી, એટલે હું લઈને આવ્યો છું. લ્યો..." કહી તેણે નિતુને તેનું પર્સ આપ્યું. તેણે આશ્વર્ય સાથે પૂછ્યું, "તને કઈ રીતે ખબર પડી કે હું મારું પર્સ બહાર ભૂલી ગઈ છું?"
"સિમ્પલ, તમે જ્યારે આવ્યા ત્યારે હું મેઈન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ વાળા સાથે વાત કરી રહ્યો હતો. મારુ ધ્યાન ત્યાંના સીસીટીવીમાં હતું એટલે મેં જોયુ કે તમે જ્યારે આવ્યા ત્યારે અનુરાધા સાથે વાત કરતાં તમારું પર્સ ત્યાં જ છોડીને આવ્યા છો. એટલે હું આવ્યો ત્યારે લેતો આવ્યો."
તેણે તેને "થેન્ક્સ." કહ્યું. તેણે પોતાના ડેસ્ક તરફ રાખેલા કેમેરા સામે જોયું, જાણે તેને કોઈ વિચાર આવતો હોય. નવીન પોતાના કામમાં પરત પરોવાયો કે તુરંત તેણે ફોન કાઢ્યો અને કરુણાને મેસેજ કર્યો, "ગઈ કાલના સીસીટીવી ફૂટેજ ચેક કર. મિટિંગ રૂમમાં મેડમની કરેલી કરતૂત કેદ હશે."
"ઓકે, મોકો મળતા હું ચેક કરું છું." કરુણાએ તરત રીપ્લાય આપ્યો. પાણીના બહાને કરુણા થોડીવાર પછી ઉભી થઈ. વૉટર કુલર પાસે જઈને તેણે નળ સાથે ગ્લાસ અડકાવ્યો અને પાણી ભરતા તેણે આજુ- બાજુમાં નજર કરી. દરેક સ્ટાફને કામમાં વ્યસ્ત જોયો. અડધો ગ્લાસ ભરાયો કે પાણી પીતા પાછળ ફરી તેણે વિદ્યાની કેબીન તરફ નજર કરી. ત્યાં પણ શાંતિ હતી. તેણીને તે સમય યોગ્ય લાગ્યો અને ઓફિસના મેઈન્ટેનન્સ ડિપાર્ટમૅન્ટ તરફ પગલાં માંડ્યા.
તે છૂપા પગે અને ચોકસાઈ પૂર્વક ચાલીને સીસીટીવીના રેકોર્ડ રૂમ સુધી પહોંચી ગઈ. કર્મચારી ત્યાં હાજર હતો. તેને જોતાંની સાથે તે બોલ્યો, "લે, મેડમ તમે અહિંયા?"
"સંજય!.. હા... એ.. મારે, મારે થોડું કામ હતું."
"હા બોલો, શું કામ હતું?"
કરુણાને નહોતું સમજાતું કે તેની સામે કઈ રીતે વાત રાખે. તેનું ધ્યાનભંગ કરતા તે કર્મચારી ફરી બોલ્યો, "શું કામ હતું મેડમ?"
"હ્હ...?"
"બોલો..."
"ના... એ, મારે... હા, ગઈ કાલે મારી એક રીંગ પડી રહેલી. અમારી પહેલી એનિવર્સરી પર મારા હસબન્ડે મને ગિફ્ટમાં આપેલી. મેં તેને કહ્યું નથી કે એ મારાંથી ગુમ થઈ ગઈ છે. મને શક છે કે તે ઓફિસમાં જ ક્યાંક પડી હશે. એટલે સીસીટીવીની ગઈ કાલની ફૂટેજ જોવી છે."
"કંઈ વાંધો નહિ મેમ. હમણાં જોઈ આપું આવો." કહેતો તે તેને રેકોર્ડ રૂમમાં અંદર લઈ ગયો અને સ્ક્રીન સામે બેસાડી.
"તમે કાલે ક્યાં ક્યાં ગયેલા?"
"મિટિંગથી શરૂ કરીએ હું ત્યાં ગઈ હતી."
"તમે સીધા તો ત્યાં નહીં જ ગયા હોને?"
"મને યાદ છે ત્યાં સુધી મિટિંગમાં મારી પાસે રીંગ હતી એ પછીની નથી, સો પ્લીઝ તમે મિટિંગ રૂમથી ચાલુ કરો."
"ઓકે મેમ જેવી તમારી ઈચ્છા."
તેણે મિટિંગ રૂમમાં ચાલી રહેલી મિટિંગનાં તમામ વિડીયો તપાસ્યા. મિટિંગ પૂરી થયા પછી નીતુ અને વિદ્યા બંને એકલા ઉભા હતા. કરુણા આગળની ઘટના જોવા માટે તત્પર હતી પરંતુ વિદ્યા ઊભી થઈ અને નિતુ પાસે જાય તે પહેલા ફૂટેજ બંધ થઈ ગઈ.
"તમે આ ફૂટેજ કેમ બંધ કરી દીધી?"
"ના મેડમ, એ મેં બંધ નથી કરી. એ પછીનું આગળનું ફૂટેજ રેકોર્ડ જ નથી થયું. એટલે જાતે બંધ થઈ ગયું છે."
"કેમ રેકોર્ડ નથી થયું?"
"એક્ચ્યુલી મેડમ ગઈ કાલે મિટિંગ રૂમ નો કેમેરો વિદ્યા મેડમે થોડીવાર માટે બંધ કરી દીધો હતો."
" પણ સંજય, તે તો ત્યાં મિટિંગ રૂમમાં બેઠા છે! તો પછી એણે કેમેરો કઈ રીતે બંધ કર્યો?"
"મેડમ આ ઓફિસના દરેક કેમેરા વિદ્યા મેડમ પોતાના લેપટોપથી ઓપરેટ કરી શકે છે. એટલે તેણે તે સમયે પોતાના લેપટોપ માંથી આ કેમેરો બંધ કર્યો હતો."
"એટલે... એનો અર્થ એમ છે, કે મેડમ આખી ઓફિસ પર નજર રાખી શકે છે."
"ચોક્કસ મેડમ. તે પોતાની કેબીનમાં બેઠા બેઠા ઓફિસના દરેક ખૂણા પર નજર રાખી શકે છે."
કરુણા માટે આ એક મોટો ઝટકો હતો. કારણ કે હવે તેને જાણ થઈ ગઈ હતી, કે વિદ્યાની નજર તેના પર ફરી રહી છે. જો કે સંજય સામે કરેલું નાટક હવે શરૂ રાખવા સિવાય ત્યાંથી ભગાય તેમ નહોતું. સંજયે પૂછ્યું, "મેડમ તમે બીજે ક્યાં હતા?"
પોતાની જાતને સંભાળતા તે બોલી, "બસ ત્યાં અને મારા ટેબલ પર બીજે કશે નહીં."
સંજયે તેના કહ્યા પ્રમાણે ફરીથી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું. એટલામાં જ દરવાજે ટકોર થઈ. બંનેએ જોયું તો અદફ લગાવીને વિદ્યા ઉભેલી હતી. તેને જોતાં જ કરુણાની આંખો પહોળી થઈ ગઈ. નજીક આવી વિદ્યા એ કરુણાને પૂછ્યું, "શું તુ મને કહી શકીશ કે આ બધું શું ચાલી રહ્યું છે?"
તે જવાબ આપવા અસમર્થ હતી. તેની અંદર ગભરાહટ જાગી અને વિદ્યા ને શું કહેવું તે વિચારવા લાગી. એટલામાં સંજય બોલ્યો, "મેડમની વીંટી ગુમ થઈ ગઈ હતી. એટલે તેઓ પોતે જ ચેક કરાવવા આવી ગયા."
કરુણાની આંખોમાં આંખો પરોવી તે બોલી, "તો કશું મળ્યું?"
"ના મેડમ, હજુ તો અમે ચકાસીએ છીએ." સંજયે કહ્યું.
"હવે વધારે ચકાસવાની જરૂર નહીં પડે મિસ્ટર સંજય. કરુણાની રીંગ મને મીટીંગ રૂમમાંથી મળી હતી."
"ઓકે મેમ." સંજયે જવાબ આપ્યો
"કરુણા ચાલ મારી સાથે. હું તને તારી રિંગ આપું છું." તેણે કરુણાને આંખો વડે સાથે ચાલવાનું ઇશારો કર્યો.
"જી... મેમ!" કહેતી તે ધીમા પગલે આગળ ચાલવા લાગી. વિદ્યા તેની પાછળ હતી. રેકોર્ડ રૂમ ની બહાર નીકળી વિદ્યાએ તેને રોકી અને કડક શબ્દોમાં કહ્યું, "કરુણા મેં ગઈકાલે તને વોર્ન કરી હતી, છતાં આજે તું શું કરી રહી હતી?"
"મેં કહ્યુંને, મારી રિંગ ખોવાઈ ગયેલી એટલે... તમે સમજો છો એવું કંઈ નથી."
"બસ." મોટા અવાજે ગુસ્સા સાથે તેણે કહ્યું, "આવી બહાનેબાજી મારી સામે નહિ કર. તને શું લાગે છે હું નાની કીકલી છું? કે કંઈ સમજીશ નહિ."
"એવું નથી. હું સાચું બોલું છું."
"ગીવ મી યોર ફોન કરુણા." તેનો શ્વાસ અધ્ધર ચડી ગયો. વિદ્યાએ ફરી કહ્યું, "મને તારો ફોન આપ કરુણા."
"પણ મે... મેમ એમાં..." તે વધારે બોલે તે પહેલાં વિદ્યાએ કહ્યું, "જેમ કહું છું એમ કર, સમજી." અને તેના હાથમાંથી તેનો ફોન ઝૂટવી લીધો. તેનો એક હાથ પકડી તેની આંગળી ફિંગર સેન્સર સાથે ટચ કરાવી લોક ખોલ્યો અને તેનાં દરેક મેસેજ ચેક કરવાનું શરૂ કર્યું.
કરુણા આ બધું થતાં ડર સાથે ખાલી જોયા જ કરી.