Diwali no vayado in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | દિવાળીનો વાયદો

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

દિવાળીનો વાયદો



વાઘજીભાઈ કપાસમાં આંટા મારી રહ્યા હતા. શરુઆતમાં કપાસ ખૂબ સારો હતો.પરંતુ હાથિયા નક્ષત્રમાં વધારે વરસાદ પડવાથી કપાસનો પાક બગડી ગયો હતો.કપાસના છોડ સૂકાવા લાગ્યા હતાં.વાઘજીભાઈ પોતાના સંતાન જેવા વ્હાલા કપાસના છોડ પર હાથ પંપાળી જીવ બાળી રહ્યાં હતાં.વાઘજીભાઈની આજીવિકાનું એક માત્ર સાધન આ ખેતી જ હતી.પોતાની પાસે રહેલી સાત વીઘા ભો માંથી મળતાં ઉત્પાદનમાંથી આખું વર્ષ નિભાવ કરવો હવે આ મોંઘવારીના જમાનામાં અઘરો થઈ પડતો.વાઘજીભાઈને મોટી દિકરી,નાનો દિકરો તેના પત્ની મળીને ચાર જણનું કુટુંબ સાદાઈથી જીવતાં હોવાથી આટલાં વર્ષો તો જેમ તેમ કરી કાઢી નાખ્યાં.પરંતુ હવે મોંઘવારીએ માઝા મૂકી હતી.આ વખતે આખા ઘરે મહેનતનો પરસેવો પીવડાવી કપાસને ખૂબ સારો કર્યો હતો. કપાસ સારો પાકવાની ધારણા હતી.પરંતુ દિવાળી આવતાં આવતાં તો કપાસ સૂકાવા લાગ્યો હતો.પછી વાઘજીભાઈનો જીવ ન બળે તો શું થાય?
વાઘજીભાઈના મોઢા પર આવતું આખું વર્ષ કેમ કરીને કાઢશે તેની ચિંતા તો ઘેરાયેલી હતી જ તેમાં દિવાળી ઢૂંકડી આવી ગઈ તેની પણ ઉપાધી હતી.તેની દિકરી અને દિકરો દિવાળી આવે ને બાપુજી નવા કપડાં,મીઠાઈ અને ફટાકડા અપાવે તેની રાહમાં હતાં.વાઘજીભાઈ થોડી થોડી બચત કરે રાખતા તેમાંથી આ બન્નેને દિવાળી કરાવતાં.તેમની ખરીદી થઈ ગયા પછી રૂપિયા બચે તો પોતાના પત્ની માટે અને છેલ્લે પોતાના માટે કપડાં ખરીદતાં.
કપાસની વાવણી ટાણે વાઘજીભાઈ પાસે ખાતર બિયારણના રૂપિયા ન હતાં. તે તેનાં ભાઈબંધ સામતના ગામ ગયાં.ત્યાં જઈ ભાઈબંધને બધી મુશ્કેલી જણાવી.સામતે ભાઈબંધને દસ હજાર ઉછીના આપ્યાં.પરંતુ દિવાળીએ સામતને રૂપિયાની જરૂર પડે તેમ હોવાથી દિવાળીએ પરત આપી દેવાના વાયદે આપ્યાં હતાં.વાઘજીભાઈએ પાક્કી ગણતરી કરી હતી કે કપાસ સારો થશે અને નવરાત્રિમાં પહેલો ફાલ વિણાવા પર આવી જશે.એટલે તેનું વેચાણ કરી મિત્રને આપેલ વાયદે ઊભું રહી શકાશે.પરંતુ કપાસે આ વર્ષે દગો દિધો.દિવાળી સામે દેખાઈ રહી હતી,ને કપાસ વળી ગયો હતો.બિચારો સામત પણ કંઈ એવડો ધનાઢ્ય ન હતો. તેણે તો પોતાની નાની આવકમાંથી ભાઈબંધને મદદ કરી હતી. હવે જો હું મારા વાયદે ઊભો ન રહુ તો તેની મુશ્કેલી વધી જાય.
આજે સૂકાતો કપાસ જોઈ અને દિવાળી નજીક આવતી જતી હોવાથી વાઘજીભાઈના મોઢા પર ચિંતાના વાદળો ગોરંભાયા હતાં.આ બધી ઉપાધી અને ઉપરથી ભાદરવા મહિનાનો તડકો ભળવાથી વાઘજીભાઈ પરસેવે ન્હાય રહ્યાં હતાં.એવામાં પેરણનાં ખિસ્સામાં રહેલો સ્વિચવાળો સાદો ફોન રણકી ઉઠ્યો. વાઘજીભાઈએ યંત્રવત્ ખિસ્સામાંથી ફોન કાઢી ધૂંધળી થઈ ગયેલી મોબાઈલ ફોનની નાનકડી સ્ક્રીનમાં કોનો ફોન હશે? તે જોવા કોશિશ કરી. પરંતુ તેને કંઈ દેખાયું નહિ. વાઘજીભાઈએ ફોન રિસિવ કર્યો.તો સામે સામત હતો.
"વાઘજીભાઈ મજામાં?"
વાઘજીભાઈએ મોઢા પર કૃત્રિમ હાસ્ય લાવી કહ્યું, "અરે બોલ..બોલ..સામત,હું તો મજામાં છું.તારે કેમ છે?"
સામતે કહ્યું, " મેં તમને ફોન દિવાળીનો વાયદો યાદ દેવરાવવા કર્યો છે.દિવાળી હવે ઢુંક્ડી આવી ગઈ છે.ને મારે દિવાળીએ રૂપિયાની ખાસ જરૂર છે.એટલે ભૂલ્યાં વગર મને દિવાળીના અઠવાડિયા પહેલાં રૂપિયા પોગતાં કરી દેજો.એ સિવાય પણ મારે બીજા રૂપિયાનો બહારથી મેળ કરવો પડે એવી જરૂરિયાત ઊભી થઈ છે."
વાઘજીભાઈએ કહ્યું, "તમે ચિંતા નો કરતાં હું તમને દિવાળીના અઠવાડિયા પહેલાં રૂપિયા પહોંચતા કરી દઈશ."
સામતે રામ..રામ..કહી ફોન કૉલ કટ કર્યો.
વાઘજીભાઈને પરસેવાના વધારે રેલા ઉતરવા લાગ્યા. થોડાં ચક્કર પણ આવતાં હોય તેવું લાગ્યું.તે શેઢે આવેલા લીમડાના છાયે ઘડીક સૂઈ ગયાં.સૂતા સૂતા વાયદે કેમ કરી ઊભું રહેવું તેનો વિચાર કરી રહ્યા હતાં. તેણે સૂકાઈ રહેલાં કપાસના રડ્યા ખડ્યા જીંડવા પર આશા ભરી મીટ માંડી.પરંતુ આમાંથી તો માંડ પાંચેક હજારનો કપાસ થાય તેમ હતો.ત્યાં તેના મનમાં એક ચમકારો થયો. તેણે આખા વર્ષ દરમિયાન થોડા થોડા કરી છોકરાવ માટે દિવાળીના પાંચ હજાર બચાવીને રાખેલા હતાં.
આજે વાઘજીભાઈનું ચિત્ત વાડીએ ચોંટતું ન હતું.તે ઘરે આવી ગયાં. તેમનાં પત્ની વાઘજીભાઈનું મોઢું જોઈ સમજી ગયાં.
તેણે કહ્યું, " તમે કપાસ જોઈને જીવ બાળોમાં આપડો એકલાનો થોડો બગડ્યો છે?આખા મલકનો કપાસ બગડી ગયો છે.કુદરતને આપવું હોય એટલું જ આપે. ઈ કાય આપડા હાથની વાત થોડી છે?ભગવાનની મહેરબાની છે,એટલે કૂવે પાણી તો છે જ.શિયાળુ પાક કરશું એટલે વરહ પાર ઉતરી જાહુ.આપડે ખેડુ માણાને ઈમ જીવ બાળ્યો નો પરવડે."
વાઘજીભાઈએ તેમનાં પત્નીને દિવાળીના વાયદાની વાત કરી. વાઘજીભાઈના પત્નીએ તેનાં છોકરાને સમજાવી દીધા.બંને ગરીબ ખેડૂતના ડાહ્યાં સંતાન હતાં. તેણે તેનાં પિતાજીને કહ્યું, " આ વખતે અમારે દિવાળીએ કપડાં નથી ખરીદવા.ગયા વર્ષના હજી નવા જેવાં જ છે.મીઠાઈ હવે ભેળસેળ વાળી આવે છે એટલે અમારે આ વર્ષે મીઠાઈ તો ખાવી જ નથી.દિવાળીના દિવસે મા લાપસી બનાવશે ઈ ખાઈ લેશું. અમારાં સાહેબ કહેતાં હતાં કે, ફટાકડા પ્રદૂષણ ફેલાવે છે.એટલે આ વર્ષે અમારે દિવાળીમાં ફટાકડા પણ નથી ફોડવા.એટલે તમે અમારાં માટે પાંચ હજાર રૂપિયા અલગ મૂકી રાખ્યા છે ઈ લઈ લો બાપુજી.સામતકાકાને વાયદે આપી દો."
વાઘજીભાઈ કશો જવાબ ન આપી શક્યા. તેણે બંને ભાઈ બહેનને પોતાની પડખે લીધા. આંખોમાંથી આંસુ સરી પડવાની બીકે અવળું જોઈને આંખો મીચી ગયા.
હજી દિવાળીને દસ દિવસની વાર હતી. વાઘજીભાઈ સામતના ઘરે પહોંચી ગયા. ચા પાણી પીને બંને ભાઈબંધ બેઠા હતા. વાઘજીભાઈએ પેરણના ખિસ્સામાંથી પાંચસોની નોટની થપ્પી કાઢી સામતના હાથમાં મૂકી. સામત વાઘજીભાઈના મોઢા સામે જોઈ રહ્યો.
વાઘજીભાઈએ મોઢા પર સ્મિત રાખી કહ્યું, "ભાઈબંધ તે મારી ભીડ ભાંગી બહુ સારું કર્યું. નહીંતર હું આ વર્ષે વાડીમાં કપાસ વાવી શકું તેમ ન હતો."
સામતે રૂપિયાની થપ્પી સામું જોઈ કહ્યું, "આ રૂપિયાનો મેળ ક્યાંથી કર્યો?"
વાઘજીભાઈએ કહ્યું, "પહેલી વીણીનો કપાસ વેચી દીધો."
સામત, વાઘજીભાઈના મોઢા પરનું દુ:ખ જોઈ શકતો હતો. વાઘજીભાઈએ નીકળવાની તૈયારી કરી. સામતે આગ્રહ કરી તેને બપોરા કરવા રોક્યા. બપોરા કરી વાઘજીભાઈએ રજા માંગતા કહ્યું, "હવે મને રજા આપો, મારી વાડી રેઢી હશે."
સામત, વાઘજીભાઈને ઝાપા સુધી વળાવવા આવ્યો. જતી વખતે તેણે વાઘજીભાઈને રામરામ કહી હાથ મિલાવ્યો. હાથ મિલાવી રહેલા વાઘજીભાઈએ જોયું તો સામતે તેના હાથમાં રૂપિયાની થપ્પી પકડાવી દીધી હતી. તેને કશું સમજાયું નહીં. તે સામતની સામે જોઈ રહ્યા.
" ભાઈબંધ તમે વાયદે ઉભા રહ્યા છો. પણ કેમ કરી ઊભા રહ્યા હશો એ તમારા મોઢા પર મેં વાંચી લીધું છે. એટલે આ પાંચ હજાર ફરી ઉછીના લેતા જાવ.દિકરી, દિકરાને દિવાળી સારી રીતે કરાવજો. અને હા..., પાછા આવતી દિવાળીએ પાછા આપી દેજો. દિવાળીનો વાયદો ભૂલી ન જાતા!"એમ કહી સામતે,વાઘજીભાઈનો ખભો પકડી લીધો.
બંને મિત્રો દરવાજા વચ્ચે ભેટી પડ્યા. વાઘજીભાઈની આંખોનો શ્રાવણ સામતનો ખભો ભીંજવી રહ્યો હતો.
લેખક: અશોકસિંહ ટાંક
શિક્ષક શ્રી,9428810621
YouTube channel:"જીવતી વાર્તા"