Anokho prem in Gujarati Fiction Stories by Sagar Mardiya books and stories PDF | અનોખો પ્રેમ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અનોખો પ્રેમ

*અનોખો પ્રેમ*

પાખીએ રિસ્ટવોચમાં નજર ફેરવી. બપોરના એકને દસ મિનીટ થઈ ગઈ હતી. ફટાફટ કામ આટોપી બાજુમાં બેઠેલી સ્વીટી તરફ જોયું. સ્વીટી અપલક નજરે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહી હતી. અને તેની આંગળીઓ કીબોર્ડ પર જાણે ચોંટી ગઈ હતી. પાખી તેના ખભા પર હાથ રાખીને બોલી, “સ્વીટી, ક્યાં ખોવાઈ ગઈ? લંચ ટાઈમ થઈ ગયો. ભૂખ નથી લાગી?”


સ્વીટીની તંદ્રા તૂટી.

“હં.” બોલી ડ્રોવરમાંથી લંચબોક્સ કાઢી પાખીની પાછળ યંત્રવત ચાલવા લાગી. 

આખી ઓફિસમાં માત્ર ફીમેલ સ્ટાફ જ હતો. તેમાંય સ્ટાફમાં જો સીનીયર કહી શકાય તેવું કોઈ હોય તો એકમાત્ર પાખી. ઉમરમાં પણ પાખી બધા કરતાં મોટી હતી. ચાલીસી વટાવી ચૂકેલ પાખીની બધી કલીગ પચ્ચીસેક વર્ષની આસપાસ હતી. પાખીના મિલનસાર સ્વભાવના કારણે આખા સ્ટાફની ફેવરીટ હતી. સ્વીટીને પાખી સાથે સારી મૈત્રી થઈ ગઈ હતી.  પોતાના મનની મૂંઝવણને પાખી આગળ ઠાલવતી અને પાખી તેના અનુભવના આધારે સરળતાથી તેના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લાવતી. 

સ્વીટીના ચહેરાના ભાવને કળી જતાં પાખીને એટલો અંદાજ તો આવી ગયો હતો કે સ્વીટીના મનમાં કોઈ ગડમથલ ચાલી રહી છે. 

કોળીયો ગળે ઉતારતાં પાખીએ સીધું પૂછી જ લીધું, “બોલ, શું પૂછવા માંગે છે?”

પાખીના અણધાર્યા સવાલથી ભોજનને ચાવતાં જડબાં સ્થિર થઈ ગયાં. અચાનક ઉધરસનો ઠહ્કો આવતાં પાખીએ તેની પીઠ પસવારતા આંખોથી જ ધરપત આપી. 

એક ઘૂંટડો પાણી પીધા પછી સ્વીટીએ આજુબાજુમાં નજર ફેરવી એકદમ ધીમા સ્વરે પૂછ્યું, “શું આ સમયમાં સાચો પ્રેમ થવો શક્ય છે?” પાખી ઘડીભર તો હસી પડી. તે જાણતી હતી કે આ ઉંમર જ એવી છે કે કોઈ ફૂટડા યુવાનને જોઈને હદયમાં સ્પંદનો જાગી ઉઠે અને સુંદર કન્યાને જોઈને યુવકો આકર્ષિત થાય. 

  પાખીના ચહેરા પરનું રહસ્યભર્યું સ્મિત જોઈને સ્વીટી એકદમ મૂંઝાઈ ગઈ. 

  “જો સ્વીટી સાચો પ્રેમ તો ફિલ્મોમાં અને નોવેલમાં, વાર્તામાં જ જોવા મળે પણ ક્યારેક વાસ્તવિક પણ હોઈ શકે.”

“મતલબ વાસ્તવિક જીવનમાં સાચા પ્રેમ જેવું કશું હોતું જ નથી?”

“ના, હમેશાં એવું નથી હોતું. બધા પુરૂષો એક સરખા નથી હોતા. કોઈ કોઈ પુરૂષો એવા હોય છે કે, એમને મન લાગણી અને હૂંફ સર્વસ્વ હોય છે. શરીરસુખ એમના માટે ગૌણ હોય છે. આવા પુરૂષો જયારે પ્રેમ કરે છે ત્યારે પ્રેમની પરાકાષ્ઠા સુધી પ્રેમ કરે છે. એ દૂર રહીને પણ એટલોજ પ્રેમ કરે છે જેટલો પાસે રહીને. એમને મન બસ સામેના પાત્રની ખુશી જ  સર્વસ્વ હોય છે અને એ ખુશી માટે બધું જ  કરી છૂટે છે.”

  સ્વીટીના સવાલ સામે પાખીએ સવાલ કર્યો. “તને કોઈ યુવક તરફ એટ્રેકશન તો નથી થઈ ગયુંને”

“સાચું કહું તો ઘણા સમયથી ન સમજાય તેવી ફીલિંગ્સ અનુભવી રહી છું.” સ્વીટીએ હવે માંડીને વાત કરવાની શરૂઆત કરી. “અમારી સોસાયટીમાં થોડાક મહિના પહેલા એક ફેમિલી રહેવા આવ્યું છે. ફેમિલીમાં પતિ-પત્ની અને તેનો દીકરો છે. જે મારી જ ઉમરનો છે. એકવાર અમારી મુલાકાત નજીકના સુપર માર્કેટમાં થઈ. ત્યાં માત્ર હાય હેલ્લો જ કર્યું. તે ફેમિલીના સારા સ્વભાવને કારણે અમારા પરિવાર સાથે સારા સંબંધો બંધાઈ ગયા છે. 

થોડા દિવસ પછી સોસાયટીમાં એક ફેસ્ટીવલની ઉજવણી દરમિયાન થોડી વાતચીત થઈ. વાતચીત દરમિયાન એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ ગઈ, પરંતુ હજુ સુધીમાં ગુડ મોર્નિંગ કે ગુડનાઈટ સિવાય બિનજરૂરી મેસેજો નથી કર્યા.”

સ્વીટીની વાત આંખો બંધ કરીને સાંભળી રહેલી પાખીએ અચાનક સવાલ કર્યો, “તને એ છોકરો કેવો લાગે છે?”
સ્વીટીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. પાખીએ કડક શબ્દોમાં કહ્યું, “તને સીરીયસલી પૂછું છું કે તને છોકરો ગમે છે?”

“હા.” જરા ખચકાટ સાથે કહ્યું. 

“તું એ છોકરાને કેટલા સમયથી ઓળખે છે?”

“બસ બે-ચાર મહિનાથી.”

“તું એના વિશે શું-શું જાણે છે.”

“વધુ તો નહી પણ તેણે હમણાં જ મારી જેમ નોકરી જોઈન કરી છે.”

અચાનક બેલનો અવાજ સંભળાતા પાખી બોલતા અટકી ગઈ અને ઘડિયાળમાં જોઈ ટીફીન બેગમાં પેક કરતાં બોલી, “આ વિષય પર આપણે કાલે સાંજે છૂટીને વાત કરીશું ત્યાં સુધીમાં તું મારા એક સવાલનો જવાબ શોધી લાવજે. તને એ છોકરાની કઈ વાત ગમી? મતલબ તેનામાં શું ખાસિયત છે? શું છે એવું કે જે તને ગમે છે?”

   પાખીના સવાલથી સ્વીટી ઘડીભર મૂંઝાય ગઈ. માત્ર હકારમાં ડોક હલાવી તે પણ ઉભી થઈ. 

     ****
સાંજના સાડા છ વાગ્યે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ચૂકી હતી. કોફી હાઉસના ખુલ્લાં મેદાનમાં રાખેલા એક ટેબલ પર બેસી બંનેએ પહેલા કોફી પીધી. કોફીનો ખાલી મગ ટેબલ પર મૂકી પાખીએ પ્રશ્નાર્થનજરે સ્વીટી તરફ જોયું. 

સ્વીટીના મનમાં ગડમથલ ચાલુ થઈ. તેનું મન અવનવા જવાબો વિચારવા લાગ્યું. શું કહેવું અને શું ના કહેવાંની મથામણમાં એ પણ ભૂલી ગઈ કે પાખી અપલક નેત્રે જવાબની રાહ જોઈ રહી હતી.

“તારી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી એમ ને?”

સ્વીટી ચમકી. તેના મોઢામાંથી “હા” એટલો જ ઉદ્ગાર નીકળ્યો. 

પાખીએ સ્વીટીના હાથ પર પોતાનો હાથ દાબી ધરપત આપતા કહ્યું કે, “સ્વીટી, હું તારી મનોસ્થિતિ બરાબર સમજી શકું છું. હું એ પણ સમજુ છું કે આવી ફીલિંગ્સ માત્ર તું જ નહી, આ ઉંમરમાંથી પસાર થતા દરેક યુવાહૈયાં અનુભવે છે. પણ સાથે એ પણ સમજવું, જાણવું અને ધ્યાન રાખવું જરૂરી છે કે, આપણે ખોટી ભાવનાના વહેણમાં વહીને આપણી સાચી મંઝીલથી દૂર તો નથી જઈ રહ્યાને.”

સ્વીટી એકદમ ધ્યાનપૂર્વક તેની વાતને સાંભળી રહી હતી. 
પાખીએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ વધારતા કહ્યું, “હું તને આજે એક સત્ય ઘટના કહીશ. એ સાંભળ્યા પછી તને તારા સવાલનો અને મે પૂછેલા સવાલોના જવાબ પણ મળી જશે.” 

પાખીએ જોયું કે સ્વીટીની આંખોમાં આતુરતા દેખાઈ રહી હતી. 
પાખીએ વાતની શરૂઆત કરી, “જીવનમાં પહેલીવાર કોઈ યુવકને જોઈને નક્કી ન કરી શકાય કે પ્રેમ છે કે માત્ર આકર્ષણ? અજીબ લાગણી અનુભવી રહેલ એક યુવતી સૃષ્ટિની વાત છે. એ પણ એક યુવકના પ્રેમમાં હતી. પ્રેમમાં પડી ત્યારે તેને પ્રેમની પરિભાષાની સાચી સમજ નહોતી. તેને મન પ્રેમ એટલે કોઈ યુવક તેની વાતો સાંભળે, તેની બધી વિશ પૂરી કરે બસ.” પાખી વાત કરવામાં એવી ખોવાઈ ગઈ કે જાણે તેની આંખો સામે જ એ દ્રશ્ય દેખાય રહ્યું હોય...

આજે સૃષ્ટિ એકદમ ખુશ હતી કેમકે તેને મળેલ પ્રથમ જોબમાં તેની મહેનત રંગ લાવી હતી. બોસ તરફથી મળેલ પ્રમોશનથી તેના પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થવાનો હતો. સતત પોતાનાં કામમાં રત રહેનાર અને કામ સિવાયની કોઈ સાથે વાત નહિ કરનાર એ સૃષ્ટિની નજર જ્યારે પહેલી વાર નવા જોઈન થયેલ યુવક પર પડી ત્યારે તેની પાંપણો ફરકાવવાનું ભૂલી જ ગઈ. તેની આંખો તો પતિ નવયુવાનનું નિરીક્ષણ કરવા માંડી હતી.

પાંચ ફૂટ આઠ ઈંચની હાઈટ, લંબગોળ ચહેરો, ભૂરા રંગની પારદર્શી આંખો, ચપટું નાક, ટ્રીમ કરેલ દાઢી, વ્યવસ્થિત ઓળેલા વાળ અને સ્નાયુબધ શરીરના માલિક એવા યુવાન પર એ પહેલી નજરે મોહી પડી. 

ઘણીવાર કામકાજ બાબતે વાત થતી, પણ યુવકના ઓછાબોલા સ્વભાવ અને ચહેરા પરનું સ્મિત તે સુષ્ટિને ખૂબ ગમતું. 
સાંજનો સમય હતો. સૃષ્ટિ બસસ્ટેન્ડ પર ઉભી બસની રાહ જોઈ રહી હતી. ત્યાં જ બાઈકના હોર્નનો અવાજ સંભળાયો. સૃષ્ટિએ જોયું તો તેની ઓફિસમાં કામ કરતો યુવક હતો.

“મે આઈ હેલ્પ યુ?” એકદમ ધીમા સ્વરે બોલ્યો. તેના મધુર શબ્દો સૃષ્ટિને સુમધુર સુર જેવા લાગ્યા.

  તેની ઈચ્છા હોવા છતાં શરમાઈને નકારમાં માથું ધુણાવ્યું.

“તમે છેલ્લી પંદર મિનિટથી બસની રાહ જોઈ રહ્યાં છો અને હજુ કેટલો સમય લાગે તે નક્કી નહીં, માટે જો તમને વાંધો ના હોય તો હું તમારા ઘરે ડ્રોપ કરી દઉં?”  

એ યુવકના અવાજમાં ગજબ આકર્ષણ હતું. સાથે સૃષ્ટિને એ વાતનું આશ્ચર્ય પણ હતું કે એક અજાણી યુવતી માટે આટલી ચિંતા? હા, ઓફિસમાં કલીગ છીએ, ઓળખીએ છીએ પણ વધુ પરિચય ના હોવા છતાં મદદ કરવાની ભાવના તેના હદયને સ્પર્શી ગઈ. સૃષ્ટિ તેની બાઈક પાછળ બેસી ગઈ. 

બાઈક રસ્તા પર સડસડાટ દોડવા માંડી. સૃષ્ટિ ચોક્કસ અંતર રાખી  પાછળ બેઠી હતી. બંને વચ્ચે છવાયેલ મૌનને તોડતો પેલા યુવકનો અવાજ સૃષ્ટીના કાને  પડ્યો, “મારું નામ અનુજ છે.”

સામે સૃષ્ટિએ પોતાનું નામ કહ્યું અને બીજી ઘણીબધી વાતો કરી. જોતજોતામાં સૃષ્ટિનું ઘર નજીક આવતાં જ અનુજે બાઈક રોકી. સૃષ્ટી હજુ તેનો આભાર માને તે પહેલા જ બાય કહીને અનુજે બાઈક દોડાવી મૂકી. 

ધીમે ધીમે બંને વચ્ચે પરિચય વધવા લાગ્યો, દોસ્તી પ્રેમમાં પરિણમી અને નિકટતા વધવા લાગી. સૃષ્ટિ અનુજના પ્રેમમાં સાવ અંધ બની ચૂકી હતી. અનુજની મીઠી મીઠી વાતોમાં એવી તો ભોળવાઈ ગઈ હતી કે અનુજના ફાઈવસ્ટાર હોટેલના બેડરૂમમાં મળવાના આમંત્રણને ગણકારી શકતી નહોતી. 
એક દિવસ અચાનક ઓફિસમાં અનુજ કયાંય નજરે ન પડતાં સૃષ્ટિ બેચેની અનુભવવા લાગી. કેમકે, આજે તે ઘરેથી નક્કી કરીને આવી હતી કે ‘અનુજનો પરિચય પેરેન્ટ્સને કરાવશે.’ આખો દિવસ ગમગીનીમાં વિતાવ્યા બાદ સાંજે ઘરે જઈને કોલ કર્યો પણ મોબાઈલ સ્વીચઓફ હતો. મોડીરાત સુધી ઘણો પ્રયત્ન કર્યો પરંતુ નિરર્થક. બે-ચાર દિવસ પછી ઓફીસના જ એક વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું કે, અનુજે આ નોકરી અને શહેર બંને છોડી દીધું છે!!

સૃષ્ટિના પગતળેથી જમીન સરકી ગઈ. તેના માટે આ આઘાત જીરવવો અઘરો હતો. તેનાથી અઘરી વાત એ હતી કે, અનુજે તેને પ્રેમ કરવાને બદલે તેનો ઉપયોગ કર્યો હતો. અનુજના પ્રેમમાં હદયની લાગણી નહીં  પરંતુ માત્ર હવસ હતી.

સૃષ્ટિ એકદમ ભાંગી પડી. રાતો પથારીમાં પડખા ઘસીને પસાર થવા લાગી. ધીમે ધીમે તેણીએ પોતાનાં મનને મનાવી લીધું. પરિસ્થિતિનો સ્વીકાર કરી જીવનમાં આગળ વધવાનો નિર્ધાર કર્યો. સમય જતા માબાપની પસંદગીના યુવક સાથે લગ્ન કરી નવી જિંદગીની શરૂઆત કરી. પણ મુસીબતે તેનો પીછો ન છોડ્યો. શરૂઆતમાં પતિ ખૂબ સારી રીતે કાળજી લેતો પરંતુ લગ્નના થોડા દિવસમાં જ પતિએ પોતાનો અસલ રંગ દેખાડવાનો શરૂ કર્યો. વાતવાતમાં ભૂલો કાઢવાની અને સૃષ્ટિ સામે દલીલ કરે તો તેનો અવાજ દાબી દેવાનો પ્રયત્ન કરવાનો. મારઝૂડ કરવાની.

એક દિવસ બપોરના સમયે ઘેર ડોરબેલ રણકતાં તે બહાર ગઈ. જોયું તો કુરિયર બોય હતો. પોતાની આદત અનુસાર સૃષ્ટિએ પાણી માટે પૂછ્યું. પેલાએ ના પાડી. કુરિયરબોય સાથે વાત કરતી જોઈને બારીમાંથી આ દ્રશ્ય જોઈ રહેલ પતિનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. સૃષ્ટિ જેવી ઘરમાં દાખલ થઈ કે પતિએ સીધો સવાલ કર્યો, “પેલા સાથે શું વાત કરી રહી હતી?” આજે સૃષ્ટિને પતિની શંકા કરવાની આદત વિષે જાણ થઈ. પોતે એ વાત બરાબર સમજી રહી હતી કે પોતે ચાહે લાખ ખુલાસા આપશે છતાં તેનો પતિ પાણીમાંથી પોરાં કાઢવાનું નહી બંધ કરે. 

પતિ તાડૂકી ઉઠ્યો  “હું તને પૂછું છું.”

સૃષ્ટિ ધ્રુજી ઉઠી. ધ્રુજતા સ્વરે બોલી, “તે કહેતા હતા કે ઘણીવાર ખોટા એડ્રેસ પર પહોંચી ગયા હોય તો પણ કોઈ પાણીનું પણ પૂછતું નથી. બસ બીજું કઈ...”

“શું તારો એ પિયરવાળો થાય છે કે પાણીનું પૂછતી હતી? સાચું બોલ ક્યારથી ઓળખે છે એને?” પોતાનાં મજબૂત હાથોથી સૃષ્ટિના બાવડાં પકડી તેની આંખોમાં પોતાની લાલઘુમ આંખો પરોવી બોલ્યો, “સાચું બોલ, તારે એની સાથે શું સંબંધ છે?”

સૃષ્ટિ ગમ ખાઈ ગઈ. પોતાનાં પર આવું લાંછન? તે સહન ન કરી શકી. બે હાથ જોડતા કરગરતા બોલી, “હું તમને સાચું કહું છું હું આજે તેને પેહેલીવાર જ મળી છું અને બીજી કોઈ વાત નથી કરી. મારી વાતનો વિશ્વાસ કરો.”

“અરે હટ...” સૃષ્ટિને જોરદાર ધક્કો માર્યો. માથું સોફાના ખૂણે પટકાતા કપાળમાંથી લોહી વહી નીકળ્યું. પતિના મોઢામાંથી ગંદી ગાળો છુટવા લાગી. સૃષ્ટિ તેની સામે કરગરવા લાગી પણ પતિ પર જાણે તેની કોઈ અસર ન થઈ રહી હોય તેમ તેની પર હવે ન માત્ર શબ્દોનો માર સાથે હાથ-પગનો માર વરસાવી રહ્યો હતો. સૃષ્ટિ બેભાન થઈ ઢળી પડી છતાં અટક્યો નહી. આખરે થાકી પગથી હડસેલો મારી ઘરની બહાર નીકળી ગયો. 

સૃષ્ટીએ જેમતેમ કરીને માંડ દોઢેક વર્ષ વિતાવ્યું. પોતાનાં લગ્નજીવનમાં દિવસભર પતિ તરફથી તિરસ્કાર મળતો પણ રાતે પ્રેમના સ્થાને માત્ર એક પુરુષની જરૂરિયાત પૂરી થતી. તેણી માટે પ્રેમ શબ્દ જ નફરતભર્યો બની ગયો હતો. પ્રેમની પરિભાષા તેના માટે એવી બની ગઈ હતી કે, પુરુષ માટે સ્ત્રી પોતાની કામેચ્છા સંતોષવાનું સાધન!!... પ્રેમજાળમાં ફસાવી સ્ત્રી સાથે રમાતી લાગણીની ગંદી રમત!!... 

અંતે કંટાળીને સૃષ્ટિએ પતિનું ઘર છોડ્યું. પિયરપક્ષમાં પણ કોઈ રહ્યું નહોતું. લગ્નના થોડા મહિનામાં હાર્ટની બીમારીથી પીડાતા પિતાએ દુનિયાને અલવિદા કરી દીધી અને તેના વિરહમાં તે જ ક્ષણે એક પત્ની, માતાએ અનંતની વાટ પકડી. સૃષ્ટિ હવે સાવ એકલી હતી. તેની ઓથ કહી શકાય તેવું આ ધરતી પર ઈશ્વર સિવાય કોઈ નહોતું. 

જોબ માટે ઈન્ટરવ્યું આપવાનાં શરૂ કર્યાં. તેમાં કિસ્મતે સાથ આપતા સારી જોબ મળી ગઈ. જોબ સાથે ફરીવાર જિંદગીની નવી શરૂઆત તો થઈ પરંતુ મનમાં પુરુષ પ્રત્યેની નફરતની ગાંઠ વધુ મજબૂત થતી ગઈ. 

સૃષ્ટિની કામ પ્રત્યેની ધગશથી બોસ એકદમ પ્રભાવિત થઈ ગયેલા. એક દિવસ પોતાની ચેમ્બરમાં બોલાવી ત્યારે સૃષ્ટિ વિચારમાં પડી ગઈ કે આટલા મહિનામાં કોઈ દિવસ નહી ને આજે અચાનક મને તેની ચેમ્બરમાં? થોડા ગભરાટ સાથે બોસની ચેમ્બરમાં પ્રવેશી. બોસે તેને સામેની ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. સૃષ્ટિ પોતાની નજર આમતેમ ફેરવવા લાગી. લેપટોપ બંધ કરી બોસે કહ્યું, “મે તમારું કામ જોયું. તમે પૂરી ઈમાનદારી અને ચોકસાઈપૂર્વક કામ કરો છો. એકાઉન્ટમાં એકદમ પરફેક્ટ છો. હું તમને એક પ્રપોઝલ આપું છું.” 

સૃષ્ટિ વિચારમાં પડી ગઈ. તેના ચહેરા પરની ગભરાટને દૂર કરતાં કહ્યું. “પ્લીઝ તમે ખોટું ન વિચારતા. જો તમારી ઈચ્છા હોય તો હું તમને આગામી બીઝનેસ મીટીંગમાં મારી સાથે લઈ જવા માગું છું.”

થોડીવાર ચેમ્બરમાં પીન્ડ્રોપ સાયલન્સ છવાઈ ગયો. બોસે એકદમ ધીમા અવાજે કહ્યું, “આપ નિરાંતે વિચાર કરીને જવાબ આપી શકો છો.” સૃષ્ટિ હકારમાં ડોક હલાવી ફટાફટ બહાર નીકળી ગઈ. 

ઘણું મનોમંથન કર્યા પછી નક્કી કર્યું કે બીઝનેસ મીટીંગમાં જશે તો પૂરી સેફટી સાથે. સાવધાની સાથે. 

બોસ સાથેની એક-બે બીઝનેસ મિટિંગ અટેન્ડ કર્યા પછી તેના ઘણા ભ્રમ દુર થયા. બોસ તેની દરેક વાતની કાળજી લેતા હતા. નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા. તેમાં એક વાત સમજાઈ ગઈ કે બધા પુરુષો એક સરખા નથી હોતા. સૃષ્ટિને હવે બોસ સાથે વિદેશ પણ જવાનું થતું. ત્યાં તેમની અમાન્યા જળવાય તેવું જ વર્તન કરતાં. કોઈ પૂછે તો બિન્દાસ્ત કહી દેતા કે, “તે માત્ર મારી ઓફિસમાં કામ કરતી એક કર્મચારી નથી, મિત્ર પણ છે અને બિઝનેસમાં યોગ્ય સલાહકાર પણ.” 

ધીમે ધીમે સૃષ્ટિના મનમાંથી પુરુષ પ્રત્યેની નફરત દૂર થવા લાગી. સમય વીતતો ગયો તેમ તેમ બોસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બની ગયો. સુષુપ્ત અવસ્થામાં પડેલ સ્ત્રી સહજ લાગણી આળસ મરડીને બેઠી થવા માંડી અને બોસ પ્રત્યે કૂણી લાગણી થવા લાગી. પોતાની અંદર ધરબાયેલ ઈચ્છા અને લાગણીઓ પૂર્ણ કરવા માટે મન તલપાપડ થવા લાગ્યું. 

વાતવાતમાં સૃષ્ટિએ એકવાર પોતાનાં મનની વાત બોસ આગળ કરી ત્યારે બોસે કહ્યું, “સૃષ્ટિ, હું પણ તને પ્રેમ કરું છું. પણ પ્રેમ એટલે એકબીજાને પામવાની કે શારીરિક મિલનની ઝંખના નહી પણ એક બીજાથી દૂર રહીને પણ યાદોના સહારે જીવાતી જિંદગી.  હદયની લાગણીથી થાય એ પ્રેમ અને શરીરની ચાહતથી જે લાગણી ઉદ્ભવે તે વાસના...! પ્રેમ અને શરીરને કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ માટે તો જરૂર હોય છે એકબીજાની ખુશીઓ વિશે વિચારવાની, નહી કે પોતાની ઈચ્છા સંતોષવાની. તું મને ગમે છે. તારી સાથે દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની ખબર પણ નથી પડતી. હું જયારે તારી સાથે અહીં હોઉં કે બિઝનેસ ટૂર પર, મારા મનમાં ક્યારેય તને પામી લેવાની લાલસા નથી થતી. બસ એમ થાય છે કે, સમય થોભી જાય અને હું તને ધરાઈ ધરાઈને પ્રેમ કર્યા કરું.”

સૃષ્ટિની આંખો ભરાઈ આવી. બોસને ભેટી પડી. સૃષ્ટિએ બોસને શારીરિક સુખ આપી સંતુષ્ટ કરવાનો વિચાર કર્યો. સૃષ્ટિએ ઘણીવાર એકાંત માણવાનો આગ્રહ કર્યો પરંતુ દરેક વાર બોસ હસીને વાત ટાળી દેતા. અંતે, વારંવાર સૃષ્ટિના કહેવાથી એકવાર બોસે હા કહી અને બંને બે માંથી એક થઈ ગયાં. સૃષ્ટિના ચહેરા પર સંતુષ્ટિના ભાવ જોઈને બોસ ખુશ થયા. સૃષ્ટિને ઘણા વર્ષો પછી શારીરિક સુખની તૃપ્તિનો અહેસાસ થયો. સૃષ્ટિને હવે એવું લાગવા માંડ્યું કે, બોસ સાથે તેની બાકીની જિંદગી સરળતાથી વિતી જશે પણ નિયતિનો ખેલ એવો રચાયો કે, કાયમ માટે બંને જુદા થઈ ગયા. બોસને પોતાના શારીરિક પ્રોબ્લેમને કારણે પોતાનો બીઝનેસ બંધ કરવો પડ્યો. 

સૃષ્ટિએ શહેર છોડી દીધું, પણ બંને એકબીજાના કોન્ટેક્ટમાં રહ્યાં. જેટલો સમય એ બંનેએ સાથે વિતાવ્યો એમાં સૃષ્ટિને જીવન જીવવા માટેનું કારણ મળી ગયું. એ લોકો આજે પણ એકબીજા સાથે મન ભરીને વાતો કરે છે અને એકબીજાની ખુશીમાં ખુશ રહે છે. એ બંને લોકોએ ઈશ્વર પાસે આખી જિંદગી સાથે રહેવાનું વચન માગ્યું છે. એ લોકો ક્યારેક ક્યારેક મળી લે છે પણ એમને ક્યારેય શારીરિક ભૂખનો અહેસાસ સુદ્ધાં થતો નથી. બસ એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખમાં દુઃખી થઈ જીવન વિતાવે છે અને આવતા જન્મનો ઈન્તઝાર કરે છે. બંને વચ્ચે પ્રેમ પણ ગજબનો છે. એક બીજાના મનની વાત દૂર રહીને પણ સમજી લે છે. બંને એકબીજાના એરિયામાંથી પસાર થાય તો તરત એકબીજાને એનો ભાસ થઈ જાય છે.

પાખીએ ઊંડો શ્વાસ ભરી સ્વીટી સામે જોયું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતા. પાખીએ તેના હાથને દાબતા શાંત રહેવા કહ્યું અને તેની આગળ પાણીનો ગ્લાસ આગળ ધર્યો. પોતે પણ પાણી પીધા પછી ફરી બે કોફીનો ઓર્ડર કર્યો. 

“મને આશા છે કે તને બધા સવાલોના જવાબ મળી ગયા હશે?”

“હા. જવાબ સાથે ઘણું શીખવા અને સમજવા પણ મળ્યું.” 

થોડીવાર અટકી સ્વીટી બોલી, “એક સવાલ છે કે તે સૃષ્ટિ તેના બોસ તરફથી મળેલ હુંફ અને પ્રેમની યાદોના સહારે જીવન વિતાવી રહી હશે? પાખીબેન તમે કેમ લગ્ન નથી કર્યાં?”

“તને શું લાગે છે?” પાખીએ સામો સવાલ કર્યો. 

“અચાનક મધદરિયે ડૂબી ગયેલ પ્રેમની નાવના બંને મુસાફિર સામસામેના કિનારે પહોંચી દૂર રહેવું મને અઘરુ લાગે છે.”

“સાચા પ્રેમી માટે અઘરુ નથી. તને આશ્ચર્ય થશે કે તે સૃષ્ટિ હજુ યાદોના સહારે ખુશી ખુશી જિંદગી જીવે છે.” સ્વીટી આશ્ચર્યચકિત થઈ જોવા માંડી.

પાખીએ હળવું સ્મિત કરતાં કહ્યું, “જે સૃષ્ટિની વાત કરી એ પોતે જ પાખી હું!!...”

સ્વીટીના આશ્ચર્યનો પાર ના રહ્યો. આટલી વેદના અને દુઃખો સહન કર્યા પછી મેળવેલ પ્રેમ છુટી ગયા પછી પણ આનંદપૂર્વક જીવી શકાય.

પાખીએ કોફીનો ખાલી મગ ટેબલ પર મૂકતાં ઉભી થઈને બોલી, “હું તારી મનોસ્થિતિ સમજી શકું છું. એકવાર રાધા-કૃષ્ણના પ્રેમ વિષે પણ વાંચજે. ઘણા સવાલોના જવાબ મળી જશે. પ્રેમ થોડીક પળોનો આનંદ નથી. સમજી. સારું ચાલ કાલે મળીએ. 

પાખી ફટાફટ કોફીહાઉસની બહાર નીકળી ગઈ અને સ્વીટી આશ્ચર્ય સાથે તેની પીઠને તાકતી રહી. 

                                *સમાપ્ત*

                                         (કથાબીજ : હરી મોદી)