Talash 3 - 15 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 15

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

તલાશ 3 - ભાગ 15

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઈમ્તિયાઝ ખાન, પોતાની ઓફિસમાં વ્યગ્ર ચહેરે આંટાં મારી રહ્યો હતો. ડર અને ચિંતા એના મનમાં ધબકી રહ્યાં હતા. પ્રમાણમાં ગરીબ પણ, નખશિખ ઈમાનદાર એવા ઈમ્તિયાઝ ખાને આજ દિવસ સુધી કદી કોઈ ગેરકાનૂની કામ કર્યું ન હતું. પણ આજની વાત અલગ હતી. લગભગ 1 કલાક પહેલા એને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને એ ફોન કરનારે એક એવી ઓળખાણ વાપરી હતી કે ઇમ્તિયાઝ ખાન એની તરફેણમાં ગેરકાનૂની કામ કરવા તૈયાર થયો હતો. આમ તો એ એક નાનકડી ફેવર જ હતી. પણ છતાં. જે માણસે એની દીકરીનો વેરવિખેર થયેલ ઘરસંસાર ફરીથી હસતો રમતો કરી દીધો હતો, જે માણસને કારણે પોતાના ભાઈ સાથેના પાંચ વર્ષથી બગડેલા સંબંધ ફરીથી સુધર્યા હતા એ જીતુભાએ ફોન કરીને એને એક નાનકડું કામ સોંપ્યું હતું. અને આમ જોવા જાવ તો એ કઈ ગેરકાનૂની કામ ન હતું. એ કામ ઈમ્તિયાઝ ખાનના રૂટિન કામ સમ્બન્ધિત જ હતું. પણ એ કામ એને જુનિયર કંઈક ચોક્કસ માહિતી મળે ત્યારે કરતા. પણ આજે જીતુભાનાં કહેવાથી એ કામ કરવા એ સંમત થયો હતો જીતુભાનાં કારણે એની વ્હાલસોયી દીકરી ફાતિમાનું તૂટવા આવેલ ઘર, તલાક નોબત સુધી પહોંચેલા સંબંધ ફરીથી રૂટિન થયા હતા. (વાંચો તલાશ 2)

લગભગ 15 મિનિટ પછી એક પોલીસ ગાડી એની ઓફિસના પ્રાંગણમાં આવીને ઉભી રહી એક ઇન્સ્પેકટર અને 2 કોન્સ્ટેબલ સાથે વિક્રમ એમાંથી નીચે ઉતર્યો એ ધૂંધવાયેલો હતો 

"ક્યાં છે તમારા બોસ, તમે મને ઓળખતા નથી હું તમારી બધાની નોકરી ખાઈ જઈશ" રાડ નાખતા એણે કહ્યું. જવાબમાં કઈ પણ બોલ્યા વગર કદાવર ઇન્સ્પેકટરે એને ઓફિસની અંદરની સાઈડ ધકેલ્યો.

"મારો ભાઈ અને બોડીગાર્ડ ક્યાં છે? એમના વગર હું કોઈને મળવા માંગતો નથી મારે મારા વકીલ સાથે વાત કરવી છે."

"તારો ભાઈ અને બોડીગાર્ડ બીજી ગાડીમાં છે. હમણાં આવી પહોંચશે. અને એક વાર બોસ તારી સાથે વાત કરી લ્યે પછી હું તને ફોન પ્રોવાઈડ કરીશ તારે જે વકીલની સલાહ લેવી હોય એ લઇ લેજે."

"તમારી કંઈક ગેરસમજ થાય છે. હું બિઝનેસમેન છું અહીં દુબઈમાં પણ મારુ ઈન્વેસ્ટમેન્ટ છે. અને અત્યારે મારા મોમ અહીં હોસ્પિટલમાં એડમિટ છે ગઈ રાત્રે એમની તબિયત અચાનક બગડી એટલે ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા. મને અને મારા માણસોને શું કામ અટકાવ્યા છે. મારે હોસ્પિટલ પહોંચવું જરૂરી છે."

"લો આ સાહેબ આવી ગયા, અને તમારા ભાઈ અને બોડીગાર્ડ વળી ગાડી પણ આવી ગઈ, કહી ઈન્સ્પેક્ટરે સામે ઉભેલા ઈમ્તિયાઝ ને સલામ મારી અને બહાર નીકળી ગયો. વિક્રમે એની સામે જોયું ઇમ્તિયાઝ ખાન નો રોબદાર ચહેરો જોઈ એ સહેજ ઢીલો પડ્યો એના યુનિફોર્મ પરથી જ લાગતું હતું કે એ કોઈ ઉચ્ચ અમલદાર છે. એટલામાં રાજીવ અને શેરાને પણ ત્યાં લાવવામાં આવ્યા. એ ત્રણેને બેસવા માટે ખુરશી તરફ ઈશારો કરતા ઈમ્તિયાઝ ખાને કહ્યું. "હેલો હું ઇમ્તિયાઝ ખાન પોલીસ સુપ્રિટેન્ડેટ દુબઈ. પ્લીઝ તમારા પાસપોર્ટ અહીં ટેબલ પર મૂકી દો."

"પણ સર, અમને આમ લગભગ ગિરફ્તાર કરીને લાવવાનું શું કારણ છે. અમે ઇન્ડિયાથી આવીએ છીએ. મારા મોમ ગઈ કાલે અહીં કનેક્ટિંગ ફ્લાઈટની રાહ જોતા હતા અચાનક બીમાર પડી ગયા એ આઈ.સી.યુ.માં છે. એમની સારસંભાળ માટે અમારે અચાનક આવવું પડ્યું છે. મારી અને રાજીવ પાસે દુબઈના મલ્ટીપલ વિઝિટના વિઝા છે. જયારે આ શેરા મારો બોડીગાર્ડ છે. મારા પ્રગતિથી જલતા કેટલાક અજ્ઞાત લોકો તરફથી મને મારી નાખવાની ધમકીઓ મળી હોવાથી મેં એને બોડીગાર્ડ તરીકે રાખ્યો છે. મારુ અહીં દુબઈમાં પણ ઘણી ઈન્વેસ્ટમેન્ટ છે."

"પહેલી વાત એ કે અમને અમારા સોર્સ દ્વારા ટીપ મળી હતી કે આજે અહીં ડ્રગની મોટી ડીલ ફાઈનલ કરવા માટે ઈન્ડિયાથી મુંબઈથી 3 જણા આવી રહ્યા છે. ઉપરાંત તમારા આ બોડીગાર્ડ. ઈમિગ્રેશન ઓફિસર સાથે તોછડાઈપૂર્વક વર્તન કર્યું. એટલે અમારી ટીમ ને તમારા પર શક પડ્યો. તમે જેવા એરપોર્ટ બહાર નીકળ્યા એ વખતે પોલીસ વાહને તમને રોકવાનો પ્રયાસ કર્યો. પણ તમે ઉતાવળે એક ટેક્સી પકડી અને ભાગવાનો પ્રયાસ કરો. માટે તમારી ટેક્સીને આંતરીને તમને લોકોને પરાણે ઉતારવા પડ્યા. અને આ બધું મારે તમને એક્સપ્લેન કરવાની કોઈ જરૂર નથી એ મારી હાયર ઓથોરિટીને હું સમજાવી શક્યો હોત. પણ તમે બિઝનેસમેન છો અને બીમાર માં ને મળવા આવ્યા છો એ ખુલાસો કર્યો એટલે જણાવું છું." પછી પોતાના આસિસ્ટન્ટને કહ્યું. "આમના બિઝનેસ કાર્ડ લે, અને મુંબઈ કન્ફર્મ કર. ઉપરાંત એમનો દુબઈમાં શું બિઝનેસ છે એની પુરી ડીટેલ એમની પાસેથી લઇ અને ચેક કરીને જલ્દીથી રિપોર્ટ મને આપ .અને એમનો સમાન ચેક થઇ ગયો હોય તો અહીં મોકલી આપ."

પછી. વિક્રમને કહ્યું. "સોરી હું દિલગીર છું પણ મારે મારી ફરજ બજાવવી પડશે. તમે ચા કે ઠંડુ શું લેશો? તમે અહીં દુબઈ પોલીસની મહેમાનગતિ માણો ત્યાં 10-15 મિનિટમાં બધા રિપોર્ટ મળી જશે એટલે તમે છુટ્ટા." 

xxx 

"સર મને તો આ મૂર્તિ જ ગરબડીયો લાગે છે. ગઈ કાલે બનેલા માલ સાવ રદ્દી છે. જે આપણે નાના વેપારીઓને રમકડાં બનાવવા સપ્લાય કરીએ છીએ એવો સી કેટેગરીનો." હતાશ ચહેરે બોમ્માઈ ધર્મેન્દ્રને કહી રહ્યો હતો. 

"યાર બોમ્માઈ તમે લોકો ભેગા થઈને મને મારી નખાવશો. આટલું મોટું બ્લન્ડર? હાઉ ઇઝ પોસિબલ?"

"સર કઈ જ સમજાતું નથી."   

“ગઈકાલે સવારથી આજ સવાર સુધી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પ્રવેશેલા તમામે તમાલ લોકોની તપાસ કરો. કોઈ ને છોડતા નહિ ઉપરાંત દરેક વોચમેનને રજા ઉપર ઉતારી દો. દરેક કર્મચારીને 5 દિવસની રજા આપી દો. ટેમ્પરરી કારીગર હોય તો અત્યારે જ હિસાબ કરીને ભગાડી મુકો. બધું રો મટીરીયલ ચેક કરવો અને એક કલાકમાં ફ્રેશ પ્રોડક્શન સેમ્પલ પ્રમાણેનું ચાલુ થવું જોઈએ."

"પણ સર એમાં તો મોટી નુકસાની જશે. કદાચ વિક્રમ સર.."

"વિક્રમને હું સાંભળી લઈશ અને નુકસાની જાય તો ભલે જાય પણ 'નિકુંજ સુપર ટોય્સ"માં રમકડાં બનાવવા માટેની રબર સીટ તો ઠીક પણ એક રબર બેન્ડ કે જે નોટોના બંડલ પર વીંટાય છે એ પણ હલકી ક્વોલિટીનું ન જવું જોઈએ સમજ્યા?"

યસ સર, પણ એક વાત પૂછું?"

"પૂછ"

"આ નિકુંજ સુપર ટોય્સના માલ માં આટલી ચોક્સાઈનું કારણ જાણી શકું. તમે જયારે સાંભળ્યું કે આ કંપની માટે માલ બની રહ્યો છે કે તરત જ અહીં આવવાનું ફ્લાઇટ પકડી લીધી."

“કારણ કે આ 'નિકુંજ સુપર ટોય્સ નો માલ બને છે. નિકુંજ ટોય્સ એ અનોપચંદ ની કંપની છે. એના એક પૌત્રના નામ થી. અને ગઈ કાલે જ અનોપચંદે આપણને વાર્ષિક 200 કરોડનો વધારાનો ધંધો આપવાનું નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે બિઝનેસ વધારશે તો ક્વોલિટી કંટ્રોલ પણ વધારે જ.

xxx 

"જીતુભા સાચું કહું તો મને તમારા કામ કરવાની રીત સમજાઈ નહિ. આપણે તમારા મામાને કોઈ ચોક્કસ સ્થળે શોધવાને બદલે શા માટે રખડ્યા કરીએ છીએ?" કંટાળેલા ગિરધારીએ પૂછ્યું.હકીકતમાં એ શ્રી નાથદ્વારા દર્શન કરવા જવા ઉતાવળો થયો હતો. એ પોતે મથુરામાં જન્મ્યો અને ઉછર્યો હતો. અને અનેક વર્ષથી એને આતુરતા હતી એ એકવાર શ્રી નાથદ્વારા દર્શન કરવા જવું. આજે અનાયાસે એ અહીં આટલા નજીક પહોંચીને પણ 18-20 કલાકથી દર્શન કરવા જઈ શક્યો ન હોવાથી ધૂંધવાયો હતો.

"જો ગિરધારી, તને દર્શન ની ઉતાવળ હોય તો તું નીકળ. હું કદાચ કાલે બપોર સુધીમાં નાથદ્વારા પહોંચી જઈશ." જીતુભાએ કહ્યું.

"મને મોહનલાલજી એ તમને છોડીને ક્યાંય પણ જવાની ના પડી છે. જ્યાં સુધી તમે મુંબઈ પાછા ન ફરો ત્યાં સુધી હું તમારી સાથે જ રહીશ."

"હું મોહનલાલને જણાવી દઈશ કે તું મારી સાથે જ છે."

"હું બ્ર્હામણ નો દીકરો જૂઠું કેવી રીતે બોલી શકું. કઈ નહિ કાલે દર્શન કરીશું. હવે ક્યાં જવું છે એ કહો."

"મેં મારા એક સોર્સ ને ફોન કર્યો છે. હમણાં એ જણાવશે કે આપણે ક્યાં જવાનું છે."  

xxx 

"સોનલ તારી વાત માનીને હું તારી સાથે રેસ્ટોરાંમાં જમવા આવી પણ હવે પ્લીઝ જીતુની વાતને સમજ જે. આપણે ક્યાંય ઘરની બહાર નીકળવું નથી."

"તું બીકણ બિલાડી છે. હું સિંહણ છું સમજી મને મન પડે ત્યાં હું જઈશ."

મારે હમણાં જ જીતુને ફોન કરીને કહેવું પડશે કે તું મારી વાત માનતી નથી."

"તું મારી થનારી ભાભી છે. શમજી ભાભી નણંદ ની વાત માનવાની હોય." 

"નણંદ છોકરમત કરતી હોય તો રોકવી પડે."

"જાણે તું મોટી સમજદાર મને રોકવા વાળી "

"મને લાગે છે કે મારે પૃથ્વીજી ને જ ફોન કરીને કહેવું પડશે કે આને જટ ઉપાડી જાવ, ફલૌદી. આ અમારું બધાનું માથું ખાય છે. કોઈના કહ્યામાં નથી. અને ખાસ તો માં સાહેબને પણ ફોન કરીશ કે અને થોડી દાબમાં રાખજો."

"તું તો ફોન કરતી હોઈશ ત્યારે કરીશ અને તારી પાસે માં સાહેબનો નંબર પણ નથી, હું તો હમણાં જ ફૈબાને તારી ફરિયાદ કરું છું અમારા સાસુ વહુના ઝગડા તારે કરાવવા હતાને હવે જો તારા સાસુ પાસે તને વઢ  ખવડાવું નહિ તો મારુ નામ સોનલ નહિ."

xxx 

"ચાલો. આંટી હું નીકળું છું કલાકમાં મારી ફ્લાઇટ છે. તમારી તબિયત હવે એકદમ સારી છે. 2 દિવસ અહીં જ રેસ્ટ કર જો. ખોટી ઇન્ડિયા પહોંચવાની જીદ ન કરતા." સુમતિ ચૌહાણની ઊંઘ ઉડી એટલે પૃથ્વી એ કહ્યું.

"ભાઈ તમારો ખુબ ખુબ આભાર, રાત્રે તમે ન મળ્યા હોત તો આ મારી પૂજા બિચારી મુંઝાઇને મરી જાત."

"અરે એવું થોડું હોય. આંખ દુનિયામાં ભારતીય લોકો બધે જ છે. અને એક ભારતીય એમાંય યુવતી મુસીબતમાં હોય તો એની મદદ કરવા કોઈ પણ તૈયાર હોય જ"

"ના ભાઈ, મેં ય દુનિયા જોઈ છે. કાલે મારી તબિયત અચાનક બગડી ત્યારે લગભગ 200 જાણ આજુબાજુમાં હતા, જેમાંથી 75-80 જણા ભારતિય હતા. પણ તમે એક જ મદદ કરવા ત્યાં હાજર રહ્યા એટલું જ નહિ. અહીં હોસ્પિટલમાં તમારી ઓળખથી તરત એડમિશન અને ડોક્ટરની સુવિધા મળી ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપતા જાવ હું મારા દીકરાને કહીને.."

"એની કોઈ જરૂર નથી આંટી. ભગવાનની દયાથી મારી પાસે બધુજ છે. અને મેં કોઈ બક્ષિસની આશાએ મદદ નહોતી કરી. ચાલો હું નીકળું છું."

પણ છતાં તારો નંબર"

"પૂજા પાસે છે, ચાલ પૂજા હું નીકળું છું." કહ્યા પછી માત્ર પૂજા સાંભળી શકે એમ કહ્યું. "વિક્રમને કહેજે આજે મેં એને જીવતો જવા દીધો છે. ફરી ક્યારેય મારી સામે જો એ દેખાશે તો આ દુનિયામાંથી એ અથવા હું બે માંથી એક ઓછો થઇ જશે." પૃથ્વી એ આટલું કહ્યું અને પછી ચાલતી પકડી પણ સાભળીને પૂજા ધ્રુજી ઉઠી.  

 

 

ક્રમશ:  

 

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.