Sindbad ni Saat Safaro - 3 in Gujarati Adventure Stories by SUNIL ANJARIA books and stories PDF | સિંદબાદની સાત સફરો - 3

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સિંદબાદની સાત સફરો - 3

3.

બીજે દિવસે સાંજ પડતાં મિત્રો અને હિંદબાદ સિંદબાદની હવેલીએ આવી પહોંચ્યા. સહુને આવકાર આપી સિંદબાદે પોતાની કથની શરૂ કરી.

“એક સવા વર્ષ હું બેઠો રહ્યો. એટલે કે સ્થાનિક વેપાર કરતો રહ્યો. પણ થોડો વખત થયો ને જેને કહે છે કે બેઠાં બેઠાં પગે કીડી ચડી. મને ફરીથી દૂર દેશોમાં વ્યાપાર કરવાની ઈચ્છા થઈ. બીજા સારા વેપારીઓ સાથે હું એક અનુકૂળ દિવસે મારો માલ એક વહાણમાં  ભરીને નીકળી પડ્યો. આ વખતે અમે ઈરાકથી ઈરાન પાસેથી પસાર થઈ અફઘાનિસ્તાન અને પશ્ચિમના દેશો તરફ જવા માર્ગ પસંદ કર્યો.

 અમે ઘણી મંઝિલ કાપી. કેટલાંય બંદરો પર વેપાર કર્યો. આખરે એક સમય એવો આવ્યો જ્યારે ખૂબ લાંબા સમય સુધી જમીન જોવા મળી નહીં.

આખરે કોઈ એકલો અટૂલો ટાપુ દેખાતાં જ અમે ત્યાં જઈ લંગર નાખી દીધું.

ટાપુ તો ખૂબ ફળાઉ જમીન વાળો હતો. સાથીઓએ ખૂબ તાજાં ફળો તોડીતોડીને ખાધાં. મેં સાથે લીધેલો ખોરાક બગડી ન જાય એટલે એક બે ફળો સાથે મારો ખોરાક ખાધો, સાથે લાવેલ સુરાનું પાન કર્યું. પેટમાં એના દારૂ બનવાની પ્રક્રિયા શરુ થઈ અને હું થાકેલો તો હતો જ. હું  એક ઝાડને છાયે ગાઢ નિદ્રામાં પોઢી ગયો.

ખૂબ લાંબા સમય પછી હું જાગ્યો ત્યારે મારા વહાણના બધા ખલાસીઓ સાથે વહાણ ચાલ્યું ગયેલું. હું આ નિર્જન ટાપુ પર એકલો હતો. હવે?

  મેં આસપાસ નજર ફેરવી. એક ઊંચું ઝાડ ઉપર ચડી શકાય એવું હતું તેની ટોચ પર હું ચડ્યો. ઉપરથી ક્ષિતિજમાં કોઈ મોટો સફેદ ગુંબજ દેખાયો. હું નીચે ઉતરી એ દિશામાં ગયો. કદાચ એ મસ્જિદ હોય, તો વસ્તી પણ હોય.

 પણ મારી આશા ઠગારી નીવડી. એ તો વિશાળ ઈંડું હતું. તમે પ્રદક્ષિણા કરો તો સો ઉપર પગલાં થાય એટલું પહોળું અને એના પ્રમાણમાં ઊંચું. એની ઉપર ચડાય એમ પણ ન હતું કેમ કે તેની સપાટી ચીકણી અને લીસ્સી હતી. હું ત્યાં ઉપર નજર કરતો ઊભો રહ્યો ત્યાં ઓચિંતું આકાશમાં અંધારું થઈ ગયું અને પવનના જોરદાર ઝપાટા  આવ્યા. એ ત્યાંનું રૂખ નામનું પક્ષી હતું. ખૂબ વિશાળકાય કદનું. અંધારું અને ઝપાટા એની પાંખોને લીધે હતા. 

 એ નીચે ઉતર્યું અને એનું વિશાળ ઈંડું સેવવા લાગ્યું. એના પંજા કોઈ વૃક્ષ જેવા મજબૂત અને ઊંચા હતા. એના પગના નખ કોઈ વૃક્ષનાં મૂળ જેવા પહોળા હતા.

 આ પક્ષી ક્યાંકથી આવ્યું તો ક્યાંક જશે જ. એ વિચારે મેં મારી પાઘડી છોડી એના પંજા સાથે મારી જાતને બાંધી.

 પક્ષી સાચે જ ઉડ્યું. પ્રચંડ ફફડાટ કરતું. એણે ઊંચાઈ પકડી ત્યાંથી નીચે પૃથ્વીની જમીન પણ દેખાતી ન હતી. ઉપર ખૂબ ઠંડુગાર હતું. હું એ પક્ષીને વળગી રહ્યો.

 આખરે એ કોઈ જગ્યાએ ઉતર્યું. એ ખૂબ જ ઊંડી ખીણ હતી. ચારે તરફ ઊંચા ઊંચા અને સીધા ખડકો. ત્યાંથી બહાર નીકળવું અશક્ય હતું. મને ખૂબ ખરાબ ગંધ પણ આવી. મેં નજર કરી તો જ્યાં ત્યાં માંસના મોટા મોટા ટુકડાઓ પડેલા. શું આ પક્ષી માંસાહારી હશે? તો હું પણ એનો કોળિયો બની જઈશ. મેં અલ્લાહની બંદગી કરી.

પક્ષી તો ફરીથી ઉડી ગયું. મેં સહેજ આગળ જઈ નજર કરી તો મારી આંખો અંજાઈ ગઈ. ચારે તરફ હીરા જ હીરા! એ પણ મોટા પથ્થર જેવડા. બધા એકદમ પારદર્શક અને કોઈ તો રંગીન પણ હતા. અતિ દુર્લભ. મેં મારી સાથે રાખેલ ચામડાંની કોથળીમાં  ઠાંસી ઠાંસીને હીરાઓ ભર્યા.

પણ બહાર નીકળવાનું શું?

મેં મારાથી થોડે જ દૂર વિશાળ અજગર આવતો જોયો. હું ખસી તો ગયો. એ અજગર એક મોટી ગુફામાં જતો રહ્યો.

મેં જોયું કે આ ખીણમાં મોટા મોટા સાપ ટટ્ટાર થઈ જોરથી ફૂંફાડા મારતા ફરી રહ્યા છે. દરેક સાપ કોઈ ને કોઈ ગુફામાં જાય છે.

પેલો અજગર બહાર નીકળી ક્યાંક ગયો એ સાથે એની ખાલી થયેલી ગુફામાં હું ઘૂસી ગયો અને એક મોટો પથ્થર ગબડાવી ગુફાનું દ્વાર બંધ કરી દીધું. આખી રાત હું એમ પુરાઈ રહ્યો. બહારથી સાપોના વિકરાળ ફૂંફાડાઓ સંભળાતા રહ્યા. કદાચ પેલો અજગર પણ પૂંછડી કે માથું ટકરાવતો રહ્યો.

આખરે કદાચ સવાર પડી. અવાજો બંધ થતાં હું બહાર આવ્યો. ત્યાં જ મેં એ ખડકોની ઉપર ટેકરીઓની ટોચે માનવ કોલાહલ સાંભળ્યો. મેં જોયું કે  તેઓ મોટા મોટા માંસના ટુકડાઓ નાખી રહ્યા હતા. પેલાં વિશાળ પક્ષીઓ  એ ખાવા આકાશમાંથી ચક્કરો લગાવતાં નીચે આવતાં હતાં. ત્યાં પડેલા હીરા ના ટુકડાઓ એ માંસ સાથે ચોંટી જતા અને પક્ષીઓ એને લઈ ઉપર આવતાં. એ લોકો હોકાટા પડકારા કરી એ માંસના ટુકડાઓ ફેંકાવી દેતા અને એની સાથે ચોંટેલા હીરાઓ ભેગા કરી લેતા.

મેં હવે એક મોટા, કદાચ કોઈ ઢોર કે ઊંટના માંસના ટુકડા સાથે મારી જાતને બાંધી. કોઈ રૂખ પક્ષી એ ટુકડો લઈને ઉડ્યું એ સાથે હું ખીણની બહાર આવ્યો. એ પક્ષી ઉતરતાં જ મેં મારી જાતને છોડીને મુક્ત કરી.

આવી ખીણમાંથી જીવતો માણસ, એ પણ વિશાળ પક્ષી સાથે બંધાઈને ઉપર આવતો જોઈ તેઓ અવાક  થઈ ગયા પણ પછી  મને ઘેરી વળ્યા. તેઓએ એક એક પક્ષીની ગુફા વહેંચી લીધેલી અને એ પક્ષી ફેંકે એ હીરા  જે તે વેપારીના એમ બધા વચ્ચે બોલી હતી. મેં મારી ગુફા જેને હતી તેને ઘણા હીરા અને એ બધા વચ્ચે મારા હીરાઓ લઈ લેવા કહ્યું. તેઓએ જરૂર પૂરતા થોડા હીરાઓ લઈ મને જવા દીધો અને મેં ભેગા કરેલ ખૂબ મોટા અને મૂલ્યવાન હીરાઓ મારી પાસે રહેવા દીધા. એમની સાથે જ હું ટાપુ છોડી  એમનું વહાણ પકડી વેપાર અર્થે આગળ  વધ્યો. 

આગળ એક રૂહા  નામનો ટાપુ આવ્યો જ્યાં કપૂરનાં મોટાં મોટાં ઝાડ હતાં. એ એટલાં તો પહોળાં હતાં કે એના છાયામાં સો માણસો બેસી શકે. એ ઝાડમાં છેદ કરી રસ એકઠો કરવાનો હતો જે કપૂર તરીકે દુનિયાના બધા દેશમાં વેંચાતો હતો. પણ એ છેદ પાડવું સહેલું ન હતું. ત્યાં નાક પર  મોટાં શિંગડાં વાળા ગેંડા થતા. એનાં ચમકતાં સફેદ શિંગડાં પર મનુષ્યાકૃતિ જેવું રહેતું. ત્યાં વિશાળકાય હાથીઓ પણ રહેતા. ગેંડાઓ  લડાઈમાં હાથીના પેટમાં શિંગડું મારે એટલે હાથી મરી તો જાય પણ એનાં પેટમાંથી જે ફુવારો ઉડે એનાથી ગેંડા આંધળા બની જતા. આંધળા બની દોડે ત્યારે કપૂરનાં ઝાડમાં શિંગડાં ભોંકી દે. એનાથી જે કાણું પડે એમાંથી પહેલાં તો કપૂરનો રસ ઉડે, પછી કપૂર ઝરે એ એકઠું કરવાનું.

આખરે એ ગેંડા અને હાથી બન્નેને રૂખ પક્ષી ઉઠાવી જાય અને મારી નાખી એનું માંસ પોતાનાં બચ્ચાંઓને ખવરાવી દે.

મને તો કપૂર ઉપરાંત મરેલા હાથીઓના હાથીદાંત પણ મળ્યા જેનો  અહીં આવી દેશ વિદેશમાં વેપાર કરી હું ખૂબ અમીર બની ગયો.

આ રીતે એ લોકો સાથે હું મારે દેશ  પરત આવ્યો.

સદભાગ્યે હું ઉઠ્યો નહીં ત્યારે ચાલી નીકળેલા ખલાસીઓએ મારો માલ રાખ્યો હતો. એ સ્થાનિક બજારમાં વેંચી દીધો. હીરાઓ દ્વારા મને અખૂટ સંપત્તિ મળી.”

આમ કહી સિંદબાદે પોતાની બીજી સફરની વાત પૂરી કરી અને ફરી એક દિવસે બધા મિત્રો અને હિંદબાદને પણ આગળની સફરની વાત કહેવા બોલાવ્યા.

ક્રમશ: