Nitu - 30 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 30

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 30

નિતુ : ૩૦ (યાદ)

નિતુને પોતાની પુત્રવધૂ બનાવવા માટે વર્ષાની હા સાંભળતા જ બધાના મનમાં હર્ષની લાગણી ઉમટી. મયંકને આશ્વર્ય થયું, કે એની માએ હા કહી દીધી! પણ એને ખુશી એટલી જ હતી કે અંતે એની અને નિતુની વચ્ચે કોઈ બાધા નથી. શારદાએ અનંતને ઈશારો કર્યો અને તે રસોડામાં જઈને મીઠાઈઓ લઈને આવ્યો. ધીરૂભાઈએ અને જગદીશે સામસામે એકાબીજીને મીઠાઈઓ ખવરાવીને તેઓના આ નવા બનવા જઈ રહેલા સંબંધને વધાવ્યો.

જગદીશે બે હાથ જોડી નમ્રતાથી ધીરુભાઈ અને શારદા સામે પ્રસ્તાવ મુક્યો, "ધીરુભાઈ, શારદાબેન, આપણા આ સંબંધમાં કોઈ ઉણપ ના રહે એ માટે અમે આપને એક વિનંતી કરવા માંગીએ છીએ."

"અરે જગદીશભાઈ! તમારે તે કાંય વિનતી નો કરવાની હોય, હુકમ ફરમાવો તમ- તમારે."

"ધીરુભાઈ, છોકરાઓએ તો એકબીજાની પસંદગી પહેલેથી કરી લીધી છે અને હવે આપણો સંબંધ નક્કી જ થઈ ગયો છે. જો તમને લોકોને કોઈ વાંધો ના હોય તો અમે સગપણની વિધિ પણ અત્યારે કરી લેવા માંગીએ છીએ."

"અતારે?..." અકળાયેલા અવાજમાં શારદાએ પૂછ્યું.

"હા, શું છે કે શારદાબેન... અત્યારે અમે અહીં આવ્યા જ છીએ તો એ કામ પણ પતાવી લઈએ. એટલે સીધી લગ્નની વાત જ બાકી રહે. હવે અહીંથી અમે પાછા જઈએ અને પછી ફરીથી આ બધું ગોઠવીએ... માફ કરજો હું આવો પ્રસ્તાવ મૂકી રહ્યો છું, મારી પાસે બાદમાં એટલો સમય નહિ મળે. જો તમારી બધાની ઈચ્છા હોય તો આજે જ આ કામ કરી લઈએ."

ધીરુભાઈએ મલકાતાં કહ્યું, "ભાભી, મને તો આમાં કાંય વાંધો દેખાતો નથી ને ઈ રયા મોટા માણહ. ભાઈની વાતેય હાચી. એમાં ક્યાં ખોટું છે? હગપણ તો કરવાનું જ છે. આપણે પૂછવા કારવવાનું તો કાંય રયુ નથી. બધા આવ્યા જ છે તો ભેગા ભેગ હગપણેય થઈ જાય."

ઉતાવળિયા અનંતે વિચાર કરી કહ્યું, "હા રે કાકી. એમાં તો બીજા કોઈની જરૂર નથી પડવાની. પછી લગ્ન ધામધૂમથી કરીશું. અત્યારે એક કામ પાટે ચડે છે તો એમાં શું વાંધો છે? તમારે મૂંઝાવાની સહેજ પણ જરૂર નથી. બધું અધઘડીયે જ થઈ જશે."

શારદાના મનમાં કેટલાંક પ્રશ્નો હતા અને તે પોતાની વ્હાલી દીકરી નિતુ તરફ જઈને તેને પૂછવા લાગી, "બેટા, તારો હુ વિચાર સે?"

"મમ્મી, તમને બધાને જે યોગ્ય લાગે તે."

શારદાએ તેનો મત જાણી ટોપલો ધીરુભાઈના અનંત પર ઢોળી દીધો. તેણે કહ્યું, "અનંત! બધાની મરજી સે તો મારી એકલીનું તો હુ હાલવાનું સે? તમી જ બધું આદરો."

જગદીશભાઈએ ફરી તેઓ સામે પોતાની વાત રાખતા કહ્યું, "એની કોઈ જરૂર નથી શારદાબેન. મારા એક બિઝનેસ પાર્ટનર અહીં આસપાસના જ છે. હું એને જાણ કરું છું એટલે એ બધી વ્યવસ્થા ફટાફટ કરાવી આપશે. આપણે કશે દોડવાની જરૂર નહિ રહે."

તેણે પોતાનો ફોન કાઢ્યો અને પોતાના પાર્ટનરને ફોન લગાવ્યો. તેણે જગદીશભાઈની બધી વાત સાંભળી પોતાના સંપર્કોથી બધી જ વ્યવસ્થા કરાવી આપી. સામગ્રી આવતાની સાથે જ બંનેની એન્ગેજમેન્ટ કરી દેવામાં આવી. આટલી જલ્દી બધું થતા જોઈને બધા અવાક બની ગયેલા. જગદીશભાઈની પહોંચ અને તેનાં વ્યક્તિત્વની ચર્ચા દરેકના મોઢે છવાઈ ગઈ. વર્ષાને આ બધું એટલું તો ના ગમ્યું પણ પોતાના દીકરા માટે તેણે નિતુને પોતાના ઘરમાં આવવાની મંજૂરી આપી.

પોતાના ઘરે પરત ફરીને વર્ષાએ એકલા બેઠેલા જગદીશ પાસે જઈને પોતાની વાત માંડી.

"સાંભળો..."

હાથમાં રહેલા ન્યુઝપેપરને એકબાજુ કરતા તે બોલ્યો, "હા બોલ. શું થયું સવાર સવારમાં?"

"મારે નિતિકાની વાત કરવી છે."

"નીતિકાની?"

"હા."

"એની શું વાત કરવી છે તારે?"

"આપણે એના ઘરે ગયા તો તમે જોયુંને કે એની રહેણી કારણી અને ઘર સાવ સામાન્ય હતા."

"હા, તો?"

"તો જગદીશ હું નથી ઇચ્છતી કે આપણે મયંકના લગ્નમાં ત્યાં જઈએ."

"આ સવાર સવાર માં તું શું બોલે છે? ભાનમાં તો છેને વર્ષા? જાન લઈને આપણે તો માંડવે જ જવાનાને! બીજે ક્યાં જવાના?"

"જગદીશ! મારો કહેવાનો મીનિંગ એમ છે કે આપણે તેને કહીને આવ્યા છીએ કે થોડા દિવસોમાં તને સમય મળશે એટલે તું લગ્નની તારીખ લેવા અને લગ્ન અંગે ચર્ચા કરવા ત્યાં જઈશ."

"હા આપણે એમની સાથે વાત તો એવી કરીને આવ્યા છીએ. પણ તારો કહેવાનો મીનિંગ શું છે વર્ષા?"

"જગદીશ, તમે જ્યારે ત્યાં જાવ ત્યારે તેઓને મનાવીને આવજો કે તે દરેક આપણે કહીએ એમ લગ્ન કરે. તેમને બધાને અહીં બોલાવી લેજો અને આપણે કોઈ સારી એવી જગ્યા પર લગ્ન કરીશું. નહિ તો એવા નાનકડા ઘરમાં... તમને ખબર છેને આપણા ગેસ્ટ તો મોટી મોટી હસ્તીઓ હશે! તેઓને એક સારું એન્વાયરમેન્ટ મળે એ આપણી રિસ્પોસીબીલીટી છે. ત્યાં જઈશું તો આપડી વેલ્યુ શું રહેશે?"

તેની વાત જગદીશને યોગ્ય લાગી અને વિચાર કરતા તે બોલ્યો, "હમ.. તારી વાત તો સાચી છે. થોડા દિવસોમાં હું સમય કાઢી ત્યાં જઈશ અને લગ્ન અંગે વાત કરી લઈશ. હું તેઓને આ અંગે આજે ફોન કરી બધું કન્ફર્મ કરું છું."

ધીરુભાઈ અને અનંતને બોલાવી પોતાની વાત રાખતા શારદાએ કહ્યું, "જગદીશભાઈનો ફોન આવેલો આજ. કે'તા 'તા કે બે ત્રણ દિ'માં ઈ પાછા આવવાના છે અને લગન હાટુ વાત કરવાના છે."

"હા ભાભી, એની માણસાઈ નો સવાદ તો મેય ચાખી લીધો છે. બૌ હારા માણહ છે. મોટીપાઈનો ગુરુર તો એક આનાનોયે નથી એનામાં. આપડી નિતુ નસીબદાર તો ખરી હો. એવડો મોટો માણહ આપણને કયને ગીયો અને વેણ હાટુ બે- તણ દા'ડા માં પાછો આવે છે તો પછી આપડે એનું માન રાખવું રિયુ."

શારદા બોલી, "એણે આપડી પાહે જવાબ માંગ્યો છે. હુ કરવું ઈ આપડે એને કે'વાનું છે."

વાતમાં વચ્ચે અનંતે કહ્યું, "કાકી! નાનું મોઢુંને મોટી વાત કરું છું. આમ તો આ જવાબદારી આપણા બધાની છે પણ નિર્ણય તો તમારે એકલા એ જ લેવાનો છે. તમે જેમ કહેશો એમ જ કરવા માટે આપડે જગદીશભાઈને મનાવી લઈશું. બાકી નિતુના સસરા તો માની જાય એમાંથી જ છે."

રસોડામાં ઉભેલી નીતિકા અને કૃતિ બંને બહેનો બહાર ચાલી રહેલી ત્રણેયની ચર્ચા સાંભળતી હતી. વાત વાતમાં કૃતિ પોતાની મોટી બહેનની છેડતી કરતા તેને મસ્કા લગાવતી હતી. "ઓહો... સસરા...!" તો પોતાની કોણી વડે તેને ઠોંસો મારીને નિતુ તેને મોઢું બંધ કરવા કહેતી હતી. જો કે સાથે તેને શરમ પણ એટલી જ આવી રહેલી.

રાત્રે પોતાની રૂમ તરફ જઈ રહેલા પપ્પાને રોકતા મયંકે કહ્યું, "પપ્પા એક મિનિટ."

પગથિયાં પર પહોંચેલા જગદીશભાઈ પાછા વળ્યાં અને તેની પાસે આવી પૂછ્યું, "મયંક! શું થયું?"

"પપ્પા મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે."

"હા બોલ."

"પપ્પા મને ખબર પડી કે મમ્મીએ નિતુના પરિવારને લગ્ન માટે અહીં આવતા રહેવાનું કહ્યું છે."

"હજુ કહ્યું તો નથી, પણ મેં શારદાબેન સાથે લગ્નની તારીખ લેવા અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે જ્યારે તમારી પાસે સમય હોય તમે અહીં આવી જજો. હું જઈશ એટલે આ વાત પણ સાથોસાથ કરતો આવીશ."

"શું એમ કરવું જરૂરી છે?"

"તો તારી શું ઈચ્છા છે? શું તારે તારા લગ્ન ધામધૂમથી નથી કરવા?"

"વાત એમ નથી પપ્પા."

"કમોન માય બોય. એ બધું એટલા માટે છે કારણ કે આપણા ગેસ્ટને કોઈ જાતની તકલીફ ના પડે."

"તો તમે અંતે મમ્મીની જેમ વૈભવથી વ્યવહાર કરતા શીખી જ ગયા."

આશ્વર્ય સાથે તેણે પૂછ્યું, "મયંક! મને તારા શબ્દો અને વિચારોમાં એકતા નથી જણાતી. તું કહેવા શું માંગે છે?"

તેણે પોતાનું મન ખોલતા વાત કરી, "પપ્પા હું મમ્મીને તો કશું નહિ કહી શકું. પણ તમે જ્યારે તેઓની સાથે વાત કરવા જાઓ ત્યારે મારા ખાતર એટલું ધ્યાનમાં રાખજો કે તમે નિતુના પરિવારને તમારી વાત માનવા માટે કોઈ જાતનો ફોર્સ નહિ કરો."

"હું ફોર્સ તો નહિ કરું. પણ જો, લગ્ન જિંદગીમાં એકવાર થાય છે અને એ ધામધૂમથી કરવાના છે. એ માટે જો અમે..."

જગદીશની વાત પુરી થાય એ પહેલા જ મયંકે કહ્યું, "પપ્પા... પપ્પા! તમારી બધી વાત સાચી છે. પણ હું તેમના પરિવારને સારી રીતે જાણું છે. તેઓ સ્વાભિમાનથી જીવવાવાળા સ્વતંત્ર વ્યક્તિઓ છે. કોઈ એને ઉપરાણું આપી જાય એ તે સહન નથી કરી શકતા. એટલે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તે આ માટે તૈય્યાર નહિ થાય અને તમારે મને પ્રોમિસ કરવું પડશે, કે જો એની ઈચ્છા ના હોય તો તમે એને ફોર્સ નહિ કરો."

અચરજ ભરેલા અવાજે જગદીશ બોલ્યો, "મયંક!"

"પપ્પા પ્લીઝ."

અંતે તેની વાત માન્ય કરતા તેણે કહ્યું, "ઠીક છે. હું માત્ર વાત કરી જોઇશ. કદાચને જો તારી મા પણ મારી સાથે આવશે અને એ ફોર્સ કરશે તો હું એને નહિ રોકી શકું."

"આજ સુધી તમે એને મનાવતા જ આવ્યા છોને! મને વિશ્વાસ છે કે તમે આ વખતે પણ તેને મનાવી લેશો."

"વેલ... તેની હું ટ્રાય કરીશ બેટા." કહી તેના ખભા પર હાથ મૂકી, જગદીશ પોતાની રૂમ તરફ ચાલ્યો ગયો.