I Jasal in Gujarati Book Reviews by Bipin Ramani books and stories PDF | આઈ જાસલ

Featured Books
Categories
Share

આઈ જાસલ


"આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” ( આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન? )

“ભલેં, નાખાંસ, ભાઈ ”

તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી સીંચી થાળામાં પાણી ઠલવ્યું, તરસ છીપતાં ઘોડીએ મેાં ઊંચું કરી જોરથી હણહણાટી નાખી, કેમ જાણે એના ધણીને સાન કરતી હોય કે “હવે હું તૈયાર છું !”

તેજણનો અસવાર તે કૂછડીનો મેર લાધવેા હતેા. લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂછડી ભણી પાછો વળ્યો હતો, રસ્તો કાટવાણા પાસ થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કાટવાણાના પાદર સુધી આવ્યો હતો, અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવારને ડેરવાવ તરફ લાવતાં તે વાવની નજીક આવ્યો હતો. તે સમયે પાણી ભરવા આવેલી પનિયારી તે ચારણિયાણી જાસલ હતી, અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી.

પાણી પાનારનું કરજ ફિટાડવા સારુ લાધવો પાંચ કોરીઓ પનિયારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો : “લે બીન, તારા વીર લાધવાનો આ કમખો. જો ના પાડ, તો તુંને આ ભાઈના સ્હમ છે.”

પનિહારી બોલી : “ લાધાભાઈ, એની કાંઈ જરૂર નથી. મારે ઘરે પ્રભુનો પરતાપ છે, તમે સ્હમ દીધા એટલે લાચાર; હું કમખો લાંસ, પણ એક વાતે. ખરા બપોર થ્યાસ એટલે શિરામણ કીધા વિના બીનને ઘરેથી ભૂછ્યા ના જવાય.”

લાધવે ઘણી આનાકાની કરી, પણ ખરા ભાવના આગ્રહ પાસે છટકનાર કોણ છે ? ધીમે ધીમે તેણે પોતાની ઘોડી જાસલની પાછળ હાંકી અને બહેનને ખોરડે આવ્યો. એની એાસરીની થાંભલીએ ઘોડીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી આપેલા ચાકળા ઉપર તે બેઠો.

જાસલની ઉમર આશરે વીસ વરસની હતી; એના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું.

જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડો હતું. જાસલ એ ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી. પોતાની જૂની સ્ત્રી પુનસરીને પિસ્તાળીસ વર્ષ લગી કાંઈ છેારુ ન થયું ત્યારે ધાના ભેડાએ પુત્રની લાલસાએ બે વર્ષથી આ નવું લગ્ન કર્યું હતું અને બંને શોક્યો વચ્ચે સારો બનાવ ન રહેવાથી તેમને થોડે થોડે દૂર નેાખાં નોખાં ઘરોમાં રાખી હતી. ધાના મોટા ભાગે નવા ઘરનો અતિથિ હતો. પુનસરીને વિશેષ ઈર્ષ્યાનું કારણ આ પણ હતું. નસીબજોગે આજે ધાનો ઘેર નહોતો, કાંઈ કામે બહારગામ ગયો હતો.

જાસલે લીલાછમ રંગના, જાડા, બાજરાના બે રોટલા, તાંસળી ભરી દુધ, આગળ ગોળનું એક મોટું દડબું, અને ડુંગળીનું શાક, જે પહેલેથી તૈયાર હતાં તે પૂરે ભાવે પરોણાને પીરસ્યાં. લાધવો પણ પોતાનું પાગડું સાંગામાંચી ઉપર મૂકી, કોગળા કરી તથા પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો.

બસ પુનસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી આવ્યું, “અલી એઈ, જો જો, એ લોંઠોં કુંણ સે ? એ કૂંણને તાણ કરી કરીને પીરહે સે ?” એવી એવી ચર્ચા તેણે પાડોશમાં ચાલુ કરી. ચેપકાં જેવામાં ચતુર ચારણિયાણીઓનાં ટોળાં એકઠાં થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવતી નિંદા કરવા લાગ્યાં.

જમી રહ્યા પછી લાધવે ઘેર બે ઘડી તડકો ગાળ્યો.

બહેનનું મફત ન ખવાય, એવી માન્યતાથી વિદાય થતી વખતે લાધવે જાસલના હાથમાં પચીસ કેારી મૂકી. પણ તે પાછી આપતાં જાસલ બોલી : “ ભાઈ, જગતમાં મહિયરમાં મારે કોઈ નથી. આજથી તું મારો ધરમનો ભાઈ! જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રહેજે. પરભુ તને ખેમ રાખે.” એટલું બોલી સજળ નયને તેણે લાધવાનાં દુખણાં લીધાં. દુખણાં લેતાં ચોળાફળી જેવી તેની કોમળ આંગળીએામાંથી ફૂટેલા અનેક ટચાકા વિદાય લેતા લાધવાએ સાંભળ્યા.બહેનને પગે લાગી લાધવા સવાર થયેા. રવાના થતાં થતાં તેણે ટપકતે નેત્રે બહેન જાસલને હાથ જોડ્યા.

એ વખતે આઘે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો.

પરનિંદા જેવું મીઠું જગતમાં બીજુ શું છે ? પુનસરીએ પ્રસરાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ.

બે દહાડે ધાનો ઘેર પાછો આવ્યો. તેને જોઈને એક સ્ત્રીએ હાસ્ય કર્યું. નાગણી જેવી વેરણ શેાક્ય પુનસરીએ તે બધી વાત ચોખ્ખેચોખ્ખી ધાના ભેડાને કહી. ચારણનો મિજાજ હાથથી ગયો. તેના બળતા અંતઃકરણમાં ઘીના ઘડા ઠલવાયા.

ધાનો ભેડો એક તો બહારગામથી થાકયો પાકયો આવેલો. વગડાનો વા તો તેના માથામાં ભરાયેલો હતો જ. તેમાં અધૂરામાં પૂરું આ દારુણ વાત સાંભળી. એટલે બાકી શું રહે ? ધૂવાંપૂવાં થયેલો ચારણ હાથમાં ચાબખો લઈ ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો. બે દહાડાથી ન જોયેલા, જીવ જેવા વહાલા પોતાના ઘરવાળાને સાકાર કરવા જાસલ સામી ચાલી, અને હસતે મુખે એાસરીની ધાર પાસે આવી ઊભી રહી, પણ ત્યાં તો કાંઈ જ પૂછયાગાછયા વિના વિકરાળ મુખમુદ્રાવાળા ભેડાએ તેના અંગ ઉપર ચાબખાને પ્રહાર કર્યો. શરીરે સાપ વીંટાતે। હોય તેમ “ફડાક” અવાજ કરતો ચાબખો બે-ત્રણ આંટા જાસલના કુમળા શરીર ઉપર વીંટળાયો, અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું. જાસલની કનકવરણી કાયામાંથી લોહીની શેડો વછૂટી.

આ દૃશ્ય જોવા ચોગમ મેદની માતી નહોતી; અને તેમાં પણ આજે પુનસરીના હરખનો પાર નહોતો. એના મુખમાંથી “રાંડ વાલામૂઈ, મેરને ઘરમાં ઘાલીને અમારું નાક વઢાવ્યું !” એવાં મે'ણાંને વરસાદ વરસી રહ્યો હતો.

પહેલાં તો પવિત્ર જાસલ, પતિના અચાનક કોપનું કારણ સમજી શકી નહિ, પણ શેાક્યનાં વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી. એ આવેગમાં તે બોલી : “હે જગદંબા, હે માવડી, જો હું પવિતર હોઉં તે તારા સાચના બે છાંટા મારા પર નાખીને મારું સતીપણું સાચવજે. આઈ, વધારે કાંઉ કહું ?”

આવા ઉચ્ચાર કરી તેણે લોચનો બંધ કર્યાં. થોડી વાર લગી તેનું અંગ સ્થિર જણાયું પણ ધીમે ધીમે તેની મુખકાંતિમાં તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય કાંતિનો સંચાર થયો. રૂપેરી ટોટીએાથી શોભતા બન્ને કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો.

આ અદ્‍ભુત પ્રભાવ જોતાં જ તમાશો જોવા ઊભેલી માનવમેદની ઝંખવાણી પડી ગઈ અને “આઈ, ખમૈયા કરો, અમે તમારાં છોરું છીએ, અમારી ભૂલ થઈ, છેારુ કછેરુ થાય પણ માવતર કમાવતર ન થાય. વડાંને વકાર ન શોભે. માવડી, તારે જે જોઈએ તે માગી લે, જગદંબા : પણ અમારી ઉપર અમીનો છાંટો નાખજે.” ઈત્યાદિ વચનો બોલી પગે પડી જાસલને વીનવવા લાગી.

જાસલ બોલી : “તમારામાંથી કોઈ અસવાર ઝટ કૂછડીએ જાઓ, ને મારા ભાઈ લાધવાને કહો કે :

સત ચડિયું શરીર, અધઘડી ઉભાયે નહિ,

માડી માયલા વીર, વહેલો આવે લાધવા !

હે લાધવા, મારા શરીરમાં સત ચડ્યું છે, એટલે હવે સંસારમાં અધઘડી પણ ઊભાય એમ નથી, આ જાસલ તારી વાટ જુએ છે, તે હે માના જણ્યા વીરા, તું વહેલો આવ.

સળગી સમંદર માંહ્ય, એકલ ઓલાણી નહિ,

કૂછડિયા કુળ ભાણ, વે'લો વળજે લાવવા.

ભાઈ ! આ તો સમુદ્રનાં જળમાંથી જ્વાળા સળગી છે, એટલે કે મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઊગી છે. મુજ એકલીથી એ લાય ઓલવાતી નથી, હે કુળભાણ કૂછડિયા, તું વહેલો આવજે.

અગર ને અબીલ, જાત્યું બે જૂજવિયું,
કૂછડિયા, કુળવીર, લેતો આવે લાવા !
સસ્વાદીલું સગા, ભેાજનમાં લઈ ભેળવીએ,

તે સોરંભી સગા, લેતા આવે લાધવા !

તું આવ ત્યારે ખાલી ન આવતો. હું સતી થાઉ છું તો તેને લાયકનો સામાન પણ જોઈશે. જુદી જુદી જાતનાં હોવા છતાં પણ સાથે જ વપરાતાં અગર અને અબીલ જોઈશે. ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમવાળું ઘી પણ જોઈશે. તે તમામ લેતો આવજે.

આજ્ઞા સાંભળતાં જ ગામેાટ ઘોડીએ ચડીને કૂછડી તરફ ધાયો, લાધા મેરને મળ્યો, અને તેને બહેનનો સંદેશો કહ્યો. પોતાને માટે બહેનને માથે આવી પડેલી આફતથી લાધવાના કોમળ કાળજામાં ભારે,આઘાત થયો, પણ શું કરે?

બહેને મગાવેલી સામગ્રી – મળી આવ્યાં તેટલાં અગરચંદનનાં કાષ્ઠો, અબીલગુલાલના પડા, કંકુ, નાડાછડી, ચૂંદડી, મોડિયો, શ્રીફળો અને ઘીના ભરેલા બે ડબ્બા – નાખીને તેણે બે સાંઢણીઓ કાટવાણા ભણી વિદાય કરી, અને પોતે પણ સાચો કમખો લઈ પોતાની ઘરવાળી રૂપી સાથે ચડીને બહેનનાં છેલ્લાં દર્શન માટે ચાલ્યો.

લાધવો કોટવણે પહેાંચ્યો. પણ આજે તો ગામને રંગ બદલાઈ ગયેા હતેા. બે દહાડા પહેલાં જોયેલું નીરવ કાટવાણું આજે નહોતું, આજે તેમાં અનેક શરણાઈ ચહચહાટ થતો હતો. અને ત્રંબાળુ ઢોલ ધ્રબૂકી ધ્રબૂકી દિગંતોને ડોલાવી રહ્યા હતા. મધઝરતે મીઠે ગળે સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. સૌને મોખરે લાંબા અને છૂટા કેશવાળી વિશાળ લલાટમાં કેસરની પિયળવાળી અને ભવ્ય મુખમુદ્રાવાળી જાસલ હાથમાં શ્રીફળ લઈ મંદ પગલે ચાલતી હતી. આજે એની ઠેકડી કરવાની તો શું, પણ તેની તેજભરી કાંતિ સામે જોવાની પણ માનવીએાની તાકાત નથી. જાણે આરાસુરી જગદંબા સાક્ષાત પ્રગટ થઈ હોય તેવી મુખમુદ્રા ઝળહળી રહી હતી.

ગામને પાદર સતી માટે ચેહ ખડકાણી છે. ત્યાં જવા તે નીકળી છે. આગળ તંબૂરાના ઝણહણાટ ને મંજીરાના ઠણઠણાટ ને સાથે ભક્તમંડળનાં ભજનની ધૂન મચી રહી છે. આંધળાં-પાંગળાં, વાંઝિયાં અને એવાં અનેક દુખિયાં સતીને રસ્તામાં આવી પગે લાગે છે, આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે, અને સતી પોતાને માટે ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ ચાલે છે.

જાસલ ચિતા પાસે પહોંચી નહોતી ત્યાં તો લાધવો પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો. એની આંખમાં આજે શ્રાવણ-ભાદરવો રેલી રહ્યા હતા.

સતીને પગે લાગતાં તે બોલ્યો : “આઈ, માફ કરજે ! મારાં ગોઝારાં પગલાંએ તારી આ દશા કરી છે.”

એને આશીર્વાદ અને સાંત્વન આપતી જાસલ બોલી : “ભાઈ, એવું એાછું ના બોલ. તારાં પાવન પગલાંએ તેા જગતમાં હું પાવન થઈને અરે ! આઈ થઈને પૂજાણી. વળી મારા બંને લોક સુધર્યા. હવે હું માગું ત્યારે છેલ્લો કરિયાવર કરજે.”

એક ચારણ બેાલ્યા : “આઈ જાસલ, શેર માટીની ખોટે મારા ભાઈ ભેડાએ તમને આણેલાં પણ તમે તો સિધાવો છો. હવે ભાઈની શી ગતિ ?”

આ વાણી સાંભળી જાસલ થંભી અને બોલી : “પુનસરી ક્યાં ? એને મારી પાસે લાવો.”

શરમની મારી પુનસરી તો અત્યારે બાયડીઓનાં ટોળાં પાછળ ક્યાંય સંતાઈ ગઈ હતી. પોતાનું કાળું મો એ સતીને શી રીતે બતાવી શકે ? છતાં વકરાયેલી વાઘની પેઠે છલાંગ મારડો ભેડો સ્ત્રીઓના ટોળામાં ગયો ને લાતો મારતો, તથા ચોટલો ઝાલી ખેંચતો પુનસરીને તે જાસલ પાસે લઈ આવ્યો. વળી પોતાની ભૂલની પણ ક્ષમા માગતા હોય તેમ તે પાઘડીનો અંતરવાસ કરી સતી પાસે નીચે મુખે ઊભો.

ગંભીર સ્વરે જાસલ બોલી : “ચારણ, પુનસરીને પૂણશો મા. એ બિચારીનો વાંક શો ? વાંક મારા નસીબનો. બેન પુનસરી, મારું વરદાન છે કે આજથી નવમે મહિને તારે ઘેર પારણું બંધાશે, ને ધણીનો વંશ રહેશે. પણ ભોળા ભરથાર ભેડા, ખબરદાર, જે વંશ હલાવવો હોય તે હવેથી ડેરવાવનું પાણી અગરાજ (અગ્રાહ્ય) કરજો. એ મારું વચન છે.”

વળી ઢાલ જોસથી ધડૂસવા લાગ્યા. કાયરને પણ શૂરવીર કરે એવા શરણાઈના સિંધુડા સ્વરે ચાલવા લાગ્યા, ને 'જે અંબે'ના આકાશભેદી સ્વરો નીકળતાં ચારણપુત્રી જાસલ ચિતા પર ચડી. તેના ચરણોની દશે આંગળીઓમાંથી એકસાથે અગ્નિની જ્વાળાઓ નીકળી ને તેણે ચિતાને ભડભડાટ પ્રજવલિત કરી. થોડી વારમાં સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ ભડક ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી. એવામાં ચિતા ઉપરની ઝુંપીમાંથી સ્વર આવ્યો : “વીરા લાધવા! તું મારો સાત જન્મારાનો ભાઈ છે. બીના વિના તું ચિતા પર આવ. ને બેનને છેલ્લી વારનો કમખો આપી પાછો સિધાવ.”

ખરો મર્દ, પવિત્ર મેર લાધવો છલાંગ મારી ચિતા પર ચડ્યો, પણ અગ્નિની જવાળા તેને ટાઢીબોળ લાગી. બહેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને આંસુભર્યે નયને હાથ જોડી તે ઊભો રહ્યો.

સતી જાસલ બોલી : “ભાઈ, તને શું આપવું ? તારે માયા-મિલકત છે, છૈયાંછોકરાં છે, ને લાજઆબરૂ પણ છે. પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તે કદી સત નહિ ચૂકે.”

“તથાસ્તુ, આઈ ”

- સૌરાષ્ટ્ર રસધાર