distance light in Gujarati Classic Stories by Real books and stories PDF | અંતરનો ઉજાસ

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંતરનો ઉજાસ

કચ્છ નો ખારો પાટ રજરી રજરી ને હવે અહી ઠરી ઠામ થાવું છે.... મારી છેલ્લી ઘડીએ તારાં ઓઢણાં ની છાંયા માં સંતાવુ છે... તારાં કારા ભમ્મર વાળ ની ઓથ માં લપાવુ છે.... તારાં મોઢે થી મારું નામ સાંભળતા સાંભળતા જ આ આયખા ને ખપાવવું છે....આ જીવ તો તને જોઈ તે દિ થી મારો નથી રયો પણ,અંતર ની ધખ તારાં વિના જીવવા નોતી દેતી..... હવે તો જીવતે મુવે તારી હારે જ આ જન્મારો પૂરો કરવો છે....

           આ વાતચીત એક ગુલાબ ની કળી સમા બે જુવાન હૈયાઓ કરી રહ્યા હતા...નતી ખબર કે આગલી ઘડી એના મોંઘેરા મીલનને ક્યારે કારમી વિદાય માં ફેરવશે કે કોણ એકબીજા નો ભવોભવ સાથે રહેવા નાં કોલ નાં બોલનો મલાજો મૂકી પોતાના જીવતરના ભેરુ ને એકલું મેલી હાલી નીકળશે.... છતાં પોતાના અંતર ની લાગણીઓ ને વધારે ને વધારે મનની મીઠાશથી તરબોળ કરી એકબીજા ને પોતાના મન માં રહેલ મીલન ની આશ ને પૂરી થતી જોઈ એક ટાઢક વળી હોય એમ એકબીજાના સહારે નવા જીવનની સાચી ખોટી આશ માં ઝીણી નજરું કરી આકાશ સામે જોતા જાય અને વાતું કરતા જાય છે.....

વાર્તા શરૂ થાય છે એક દબદબાભેર જીવતા મરદ થી અને પૂરી તો કેટકેટલાંય તડકા છાયા અને ભરતી ઓટ જોઈ ને થાશે કે કોઈ અભાગિયા ને ભરખી જાશે એ તો સમય જ બતાવશે...

            કચ્છ વિસ્તારનુ મઢંઇ ગામ...ગામ નાનું પણ ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવા માટે પોતાની જાતને ઘસી નાખનાર ગૌરવશાળી પ્રતિભા ની ભૂમિ... વાર્તા શરૂ થાય છે ગામના મુખી અને ગામલોકો ને પોતાના વ્હાલસોયા ની જેમ રાખતા કરમણબાપુ ની ડેલીયે થી.... શિયાળાની કડકડતી ટાઢ માં હાડ થીજી જાય એવી ટાઢ વાય છે....ટાઢનુ જોર ઓછું કરવા અને અલકમલકની વાતો કરવા કરમણબાપુ ની ડેલીયે તાપણું જગે છે... કો'ક ચલમ ની કસુ તાણે છે ને કો'ક તાપણાના કરગઠીયા ઠેલતુ ઠેલતુ ટાઢને સાચું ખોટું પરખાયવે જાય છે. કો'ક જમાનાને જોયેલી વાતું ના તોરમાં છે ને કો'ક ને મફ્ત માં મળતા કસુંબા અને હુકા ની છોળ માં છે.એટલા માં તો ગામનો એક જુવાન ધોળતો આવ્યો કરમણબાપુ ની ડેલીયે....હાલો બાપુ ગામને ઝાંપે એક જુવાન ઘાયલ થઇને પડ્યો શે ને મારે જીવવું શે મને થોડાંક દિ સંઘરી લ્યો એવી બકે ચડ્યો શે...ઉતાબરા હાલો નકર જુવાન જીવતો નહિ રયે ને ગામ માથે પરોણા ના મોત નું પાપ ચળશે...

                    કોણ હશે??? ક્યાંથી આવ્યો હશે???ઘાયલ થઇને આવ્યો છે તે નક્કી બહારવટિયો હશે.. કાં તો કો'ક ઠગ ને હાથે ચડ્યો હશે...એમ વિચારતા વિચારતા કરમણબાપુ એ અજાણ્યા ઘાયલ જુવાન પાસે પહોંચી ગયા..

કરમણબાપુ એ જોયું કે ચંપા ની ડાળી સરીખો કોક માનવ દેહ લોહીલુહાણ જમીન પર પડ્યો છે. તેની નાડી તપાસતા લાગ્યું કે ના ધબકારા  ખૂટી રહ્યા છે.મોત સામે ઊભું છે અને છતાં પણ જુવાન ના મોઢા ઉપરથી જોઈને એવું લાગતું હતું કે હજી એને જીવવાની ખૂબ જીજીવિશા છે. એટલે બાપુ એ ગામ ના યુવાનોને કીધું, હાલો હાલો  આપણા માટીને જીવતો કરવાનો શે.આપણી માથે મુરલીધર ની મેર છે.એ આ જુવાન ના રૂપે પરોણા થઈ ને આયવા છે....લઇ હાલો માટી ને મારી ડેલિયે.... અને તે જુવાન ને કરમણબાપુ ની ડેલીએ લઈને આવી પહોંચ્યા.

        લાગલગાટ કરતા એક અઠવાડીયુ વીતી ગયો છતાં જુવાન આંખ ખોલવા નું નામ નથી લેતો કરમણબાપુ બધા કામકાજ પડતા મેલી એ જુવાની સેવામાં લાગી પડયા.. જુવાનને જોતાં એના મનમાં કંઈક ને કંઈક થાય છે.કેવો રૂપાળો જુવાન... આ માટી કોણ હશે?? કેમ  અહી આવી ચડ્યો હશે?? આવી હાલત માં કેમ પડ્યો હશે??? કઈ સમજાતું નથી જુવાન ભાનમાં આવતો નથી તે રોજ સવારે ઊઠીને સુરજનારાયણ પ્રાર્થના કરે.. સૂર્યનારાયણ દેવ! તમે દુનિયા આખી નાં પાલનહાર છો..આ જુવાન પર તારી અમી ભરેલી નજરું રાખો મારા નાથ...હે મુરલીધર હે ઠાકર.. મારે આંગણીયેથી  કોઈ દુઃખિયો કે ભૂખ્યો ખાલી હાથે નથી વળાયવો... મારા ઉપર દયા કરો મુરલીધર અને આ જુવાને જીવતો કર..... અને નવમે દિવસે જુવાને આંખો ખોલી  કરમણબાપુને તો જાણે પોતાનો દીકરો જીવતો છે એવી લાગણી થાયછે.એ તો દોડી-દોડીને બધાને બોલાવ્યા..એ હાલ રામશી.. હાલ લાખા....હમતભા..માલદે...જટ આવો આપણો મે'માન,આપણો જુવાન, આપણો માટી,આપણો દીકરો ઉભો થયો છે... મુરલીધરે મેર કરી છે આપણો જુવાન જીવતો થ્યો..મોત ને હાથ તાડી દઇ આયનો છે અને એણે તો જુવાનને બાથ માં લઇ અને જાણે સગાં દીકરાની વહાલ કરતા હોય એવા હેત થી ભેટી ને પુચકાર અને ડચકાર કરવા લાગ્યા.

             જુવાન ઉઠ્યો એને સમજાતું નથી કે એની સાથે શું થઇ રહ્યું છે પણ એને એવું લાગ્યું કે જેની પાસે મદદ માંગી તે લોકો હશે તેને તો એ પણ ખબર નથી કે પોતે ગામમાં જઈ ચડ્યો છે... યુવાનને ભાન આવતા કરમણબાપુ એપૂછ્યું: જુવાન ક્યાં નોછો બેટા??? તું કોઈ છત્રીય બેટો હોય એવું લાગે છે નહીતર આવા ઘાવ સહન કરવાની કોઈ નાના સૂના કે પોચી છાતી વારા માણસની વાત નથી...આઠ આઠ દિવસથી અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી છતાં પણ અટાણેમારી સામે લીલી રાણ જેવો ઊભોછો...દીકરા ક્યાંથી આવ્યો હતો??? તારા ઉપર સંકટ આવવાનું કારણ શું છે??? મન માં કોઈ મેખ રાયખા વિના કે બાપ મારાથી બનતી બધી મદદ કરશું.. 

            યુવાને કીધું સોરઠનો વાણિયાનો દીકરો છું, મારું નામ બેરખો..બારવટીયા આખા ગામને અને ગામની રૈયતને રોળી રહ્યા હતા, ભોળી અને લાચાર રૈયતને રંજાડવામાં કઈ બાકી નથી રાખ્યું....મારા બાપુ ની ઈચ્છા હતી કે તેની દુકાન નો પાટલો સંભાળુ પણ મારા થી લાચાર રૈયત નું દુઃખ જોયું નોતું જાતું એટલે મેં નામાનાં ચોપડા ને બદલે હાથમાં તલવાર ઉપાડી અને મારા ભેરુબંધ ની સાથે નીકળી પડ્યો....ઘોડે ચડતા અને તલવારબાજી કે કોઈ નહોતું આવડતું પણ એની મને  ભેરુએ બધું શીખવાડ્યું અમે ચારે બાજુ ડુંગરા ને કોતર ફરતા,ક્યાંના ક્યાં  જય ચડીએ એ અમને પણ નથી ખબર પણ જ્યાં અમને આ બારવટીયા અને ડાકુ મળે એનો ખાતમો બોલાવી આગળ વધતા..જો ધાડપાડુઓ જાજા હોય તો એનાં નોખાં થાવાની ને આઘાપાછા થવા ની વાટ જોતા પણ એમને યમસદને પહોચાયડે પાર કરતાં......એક રાતના ડાકુએ મારો પર હુમલો કર્યો અમને સાબદા થવા નો મોકો ના મળ્યો,નાસભાગ થઇ,  એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો બધા પોતપોતાના થી  થઈ શકે તે રીતે તેની સામે ઝીંક ઝીલી અને જે ન કરી શક્યા તે મોતને ભેટી ગયા હું પણ એમાંથી એક હતો એ લોકોએ મને પકડીને બાંધ્યો ખૂબ માર્યો પણ એક ભલા ડાકુએ  મને છોડી મુક્યો એને કીધું કે જો તું ક્યાંક પહોંચી શકે તો ગામ કોઈ ગામ ધણી ને આશરે જા એ  તને બચાવી લેશે..જો તારી જિંદગી હશે તો તું જીવી જાય બાકી તને જે રીતે ઘાવ લાગ્યા છે એ પ્રમાણે હવે તને પરમેશ્વર જ બચાવી શકે... અને હું અંધારી રાતના ભાગ્યો અને ક્યાં આવીને પહોંચ્યો એ મને પણ નથી ખબર કેટલાં દિવસ ની રઝળપાટ અને પડતો આખડતો અહીં ગામના ઝાંપે આવી ચડ્યો... મને એક બે જણાના બોલ   મારા કાને પડ્યા એટલે હું સમજી ગયો અહી થી મદદ મળશે અને મેં મદદ માટેની દુહાર લગાવી અને આપના આંગણે આવી પહોંચ્યો...જુવાન ની આપવીતી  સાંભળી ને કરમણબાપુ ના રૂંવાડા ઉભા થઈ ગયા ઓહો આટલી ઉંમર માં આવું પરાક્રમ દેખાડ્યું, એને જુવાન માટે વધુ માન થઈ આવ્યું.. બાપુનો જીવ તો બસ યુવાન માં વસી ગયો હતો પણ કોઈ બીજાને પણ આ જુવાન હૃદયમાં વસી ગયો હતો અને બાપુ ની દીકરી રાજલ...

           રાજલ આમ તો એવી રૂપરૂપના અંબાર સરખી એનું રૂપ જાણે હિલોળા લેતો સાગર એની આંખો જાણે કોઈ માસુમ, ચંચળ હરણી ન હોય એવી,વાળ તો જાણે આષાઢી વાદળી જેવા કાળાભમ્મર, એનાં કોમળ અંગો જાણે લજામણી નો છોડ,સાવ સાદા કપડામાં ફાટફાટ થતી જુવાની છતાં એક મર્યાદા માં હતી, એ ચંચળ હરણી જેવી છતાં સમજદારી ની પ્રતિમા હતી, જુવાન હૈયું છતાં પરપુરુષ ને ભાઇ બાપ સમજતી હતી.... રાજલબાનું રૂપ જોઈને ભલભલાના હૃદય ધબકારો ચૂકી જાય પણ દુઃખ એ વાતનું હતું કે રાજલ વિધવા હતી એના લગ્ન થયેલા અને જ્યારે સાસરે વળાવવાની હતી ત્યારે કરમ વાંકું પડ્યું ને રાજલબા ના ઘરવારા ને એરુ આભડયો...સુહાગી સપના સેવતી રાજલ ૧૫વષૅ  માં વિધવા થઈ,વિધવા દીકરીને ઘરે સાચવનાર બાપને ખબર હોય કે સાપના ભારા ને કેવી રીતના સાચવે છે, છતાં, પણ બાપુની ધાક એવી હતી કે કોઈ આદમી એની સામે નજર ઓછી કરીને ના જઈ શકે આમ તો કરણ બાપુ બધી રીતે ખમતીધર હતા પણ દીકરીને દુઃખી નથી જોવાતું આવી જુવાનજોધ દીકરી રૂપના અંબાર ને ઘરે કેમ સાચવીને રાખે એના મનમાં થયા કરતું....કે મારો મુરલીધર મેર કરે ને મારી રાજલ ને ક્યારેય ઓછું ના આવે...(ત્યારે તો એ સમયમાં એવા નિયમોનો' તા   વિધવા દીકરીને પાછી લગ્ન કરે કે કોઈ સાથે હથેવાળો કરે એટલે જુવાનજોધ દીકરી ને પોતે એ ઘરમાં સંઘરીને રાખી હતી...) જયારથી આ જુવાન મળ્યો ત્યારે રોજ રાત્રે એની સેવા કરતાં કરતાં બાપુ ના મનમા થતું કે જો મારો જમાઈ હોત તો મારી દીકરીને ક્યારેય આવી રીતના વિધવા જેવી જિંદગી જીવી ન પડતી હોત આ તો નક્કી કોઈ રાજપુત નો દીકરો લાગે છે મારી દીકરીને મારા જીવતા એની સાથે હથેવાળુ કરી દેવું જોઈએ પણ સમાજ શું કહેશે??? દુનિયા શું  વિચારશે??? એવું વિચારીને કરમણબાપુ પોતાના બધા વિચારોને પોતાના હૃદયમાં ધરબી રાખતા... પણ છાને ખૂણે  એ યુવાનને જોઈને રાજલબા ના મનમા જુવાન પ્રત્યે મુંગી લાગણી જન્મી હતી ભાભીઓને પણ આ વાત ખટકતી કે રાજલ બા આજ દિન સુધી કોઈ દિવસ કોઈ પરપુરુષ સામે નજર ઉપાડી ને જોઈ નથી એ આવા અજાણ્યા યુવાનની પાછળ પડી કે મમતા બંધાઈ હશે???? શા કાજે એની આટલી સંભાળ લ્યે છે??પણ આ બધી એની મૂંગી લાગણીઓને જાણે એકબીજાને સમજતા હોય એવી રીતના રાજલ દિવસ-રાતની સેવા કરે જતી હતી અને યુવાન એની સેવા ની સેવા થકી આજે પથારીમાંથી બેઠો થયો હતો.

         રાજલ ના સુના જીવનને જાણે મીઠીવીરડી ફૂટી નીકળી હતી પણ એની મૂંગી લાગણી કોણ સમજવાનું હતું. જ્યારેથી જુવાન ભાન આવ્યો ત્યારે થી તેણે જોયું કે એકદમ સાદા કપડામાં જાણે પરમેશ્વરી સાક્ષાત એની સામે હાજર હતી એવું લાગે, સુંદર,નમણું રૂપ  કોઈ દેવી હોય એવી લાગી રહી હતી. પણ,તે તેની સાથે કોઈ વાત ન કરી શક્યો કેમકે એ જેના ઘરે પોતાનો જીવ બચાવવા પડ્યો હતો એના ઘરની બાયમાણસ ને કેમ બોલાવી શકે... કેમ પોતાની લાગણીઓ નાં તાંતણા જોડી શકે... પણ કહેવાય છે ને કે પ્રેમ તો પ્રેમ છે એ તો એનો રસ્તો શોધી લે છે આમ ને આમ જુવાન એના ઘરે આવ્યો છે એને છ મહિના વીતી ગયા.જુવાને જાવું હતું પણ એની મૂંગી પ્રીત રોકી રહી હતી એને તો જ્યારથી રાજલને જોઈ હતી ત્યારથી એનો જીવતો રાજલ માં ખોવાઇ ગયો હતો પણ તે કંઈ કરી શકે એમ ન હતો.. કેમકે અહી તો નાત જાત નાં વાડા અને ભેદભાવે તો કોણ જાણે કેટલાંય હૈયાને આ આગમાં હોમી દીધા હશે, કેટલાય મનનાં કુણા ઓરતા ને રોળી નાખ્યા હશે. આજે ફરીથી એવાં જ બે હૈયાં ને છુટા પડવાનું હતું... મનમાં તો વિરહની વેદનાએ અટાણથી જ કાંડી ચાંપી હતી.... હૈયું હાથ નોતું રેતુ,મગજ વિદ્રોહ કરવા કહેતું ને મન સમાજ ના નિયમો થી ફફડતુતુ... છતાં એણે પોતાની ઉર્મી ને વશ કરી  મક્કમ મનથી એને કરમણબાપુ ની વિદાય માંગી બાપુ હવે રજા દયો.....આપે એક અજાણ્યા ને અદકેરું માન આપીને પોતાનો કરી લીધો.... આપનો ઉપકાર તો હું જીવન ભર ક્યારેય ભૂલી શકું એમ નથી જો મારાથી કોઈ બનવાજોગ કામ હોય તો મને ગમે તે ઘડીએ યાદ કરજો હું આવી પહોંચીશ.. બાપુની તો આંખ ભીની થઈ ગઈ એણે તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે આ જુવાન પારકો છે,પરદેશી પંખી છે, દીકરા તરીકે સાથે રહે છે પણ એક દિ તો એનાં ઘેર જાવું પડશે...બીજે દિ  સવારે જ્યારે બેરખા ને વિદાય આપવાનુ ટાણું થયું... કરમણબાપુ તો બેરખા ને  ભેટી રડી પડ્યા અને કીધું કે બેટા મારું માન  થોડાંક દા'ડા રહીજા, હમણાં કૃષ્ણ જન્માષ્ટમી આવે છે મારા મુરલીધરનો રૂડો અવસર આવે છે, તો થોડાક દાડા રોકાઇ જા.. આગળ તારી ઈચ્છા....બેરખા ની ઈચ્છા તો રાજલ સાથે જ પોતાનો જન્મારો ગાળવા ની હતી.. પણ કોને કહે અને કેવી રીતના કહે....???

         અને, આ વાત કહેવા માટે એક દિવસ જાણે મુરલીધર બે જણા ને એવી સ્થિતિમાં લાવી દીધા કે આજ તો બંને જણા એકબીજાને અંતરની વાતો ખુલીને કરી શકે મુરલીધરના મંદિરનો પ્રસાદ અને શણગાર માટે રાજલબાને મંદિરે  જવું હતું બે ભાઈઓ પોતાના કામ સારું બાજુ ના ગામમાં ગ્યાતા અને કરમણબાપુ પણ તબિયત થોડી નાદુરસ્ત હતી એટલે જઈ શકે એમ નહોતા એટલે એણે પોતાના વિશ્વાસુ અને પોતીકાં અંગ સમાન  બેરખાને કહ્યું બેટા રાજલબા ને મંદિરે જવું છે થોડી સેવા કરવી છે તો તું એને લેતો જા અને પાછું એનું કામ પતે એટલે એને હેમખેમ લેતો આવજે...આ તો જાણે ચૌદ ભુવનનો નાથ આમ સામે ચાલીને પોતાની પ્રેયસી સાથે મળવાનો હોય એવું એને લાગી રહ્યું હતું એને તો બસ આજે પોતાના મનને ઠાલવવુ છે,એનો આત્મા એને ઝંખે છે એ કહેવું છે.. એનાં ભટકતા અંતર નો ટાઢો વિસામો છે એ કહેવું છે... આજે તો જે સમયે મળ્યો છે તે સમય જીવી લેવો હતો કેમ કે એને ખબર હતી કે અહીંથી ગયા પછી તો ક્યારેય પણ રાજલબા નું મોઢું જોવા પણ નહીં મળે એટલા માટે તે રાજલબાને લઈ અને મુરલીધર ના મંદિરે  જવા હાલી નીકળ્યો. બંને જણા વચ્ચે અંતર તો હતુ પણ આત્મા એક થઈ ગયા'તા, મન પણ એક થઇ ગયા હતા, હૈયાં ની લાગણીઓ ઢોળાય, વિખેરાઈ, અને એક બનીને એકબીજાને રંગે રંગાઇ ગઇ હતી છતાં પણ તન વચ્ચે અંતર જાળવી રાખ્યું હતું. મર્યાદા મૂકી ન હતી.હદો વટાવી નથી. છતાં પણ જાણે પોતાનો પ્રેમ છે એ યુગનો હોય એવું લાગી રહ્યું હતું...બેરખાએ પોતાનું માથું નીચું રાખીને વાત શરૂ કરી..

              આમ, તો હું તમારો અતિથિ કહેવાવ આવે એટલે તમારી પાસે કઈ માંગવાનો હક નથી છતાં પણ કહું છું.તમારી પોતાની લાગણીઓને ઠેસ પહોંચાડવા નો કે આપ પર ખરાબ નજર નથી કરી... જ્યારથી તમને જોયા છે ત્યારથી મારું અંતર આપનાં વેણ ને ઝંખે છે. આપણું મિલન ક્યારેય શક્ય નથી છતાં પણ આજે મને એવું લાગે છે કે જતા પહેલા મારા મનમાં વસતી લાગણી ને વાંચા આપી દઉં...જુઓ ને મુરલીધરે જ મને મારી લાગણીઓને વાચા આપવા માટે આજનો સમય શોધી કાઢ્યો છે હવે આપની અને મુરલીધરની ઈચ્છા અને આટલું બોલીને તે પાછો ફરી ગયો..રાજલે એને પાછળથી સાદ આપી ઉભો રાખ્યો.. ઊભાં રહો એનું નામ બેરખો હતું પણ રાજલે ક્યારેય એને બેરખો કહીને બોલાવ્યો ન હતો. તે ઝવેરી નો દીકરો હતો એટલે એનું નામ એને ઝવેરી જ રાખ્યું હતું.એણે કહ્યું એ ઝવેરી... તમે તો હૈયાં ની હેલી વરસાવી હાલી નીકળ્યા..પણ, મારા મનમાં આપ કયાં છો એ જાણવા પુરે ઠીક ન લાગ્યું..... હું વિધવા છું...એવાં માણસ ની વિધવા છું જેને મે ક્યારેય મન ભરીને જોયો નથી... નથી પ્રેમ ભર્યો બોલ સાંભળ્યો કે નથી હૈયે વસે એવું મીલન થયું હોય.. છતાં એની વિધવા છું....જે દિ' થી તમને જોયા એ દિ થી જાણે મન જેને શોધતું તું એ વિસામો મળ્યો હોય એવું લાગ્યું...આપ અજાણ્યા છતાં ભવોભવના સાથી હોય એવું લાગ્યું....
બંને હૈયાં ને એક સહારો મળ્યો હતો...અવાચક લાગણી વાંચા થઈ ને વહી નીકળી હતી..... હવે એને કોઈ ખોટા બંધનો કે સમાજ ના નિયમો થી દૂર નવી દુનિયા માં જવું હતું.....

    પણ, આ બધું ક્યાં સહેલું હતું...જેમ ફુલની સુગંધ ને પસરાવતી રોકી ન શકાય એમ બેરખા અને રાજલબા નો પ્રેમ પણ છાનો ના રહ્યો..... કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થય અને ફરી થી બે અજાણ્યા છતાં ભવોભવના સાથી મળ્યા એ મુરલીધર નાં સાંનિધ્ય માં.....દુનિયાને ભૂલી... પોતાના અસ્તિત્વ ને ભૂલી ને...સમાજ ના બંધનો તોડી ને... બંને એકબીજાના પ્રેમમાં હરખભીની વાતો કરતા હતા.. ત્યાં જ એક દર્દ ભર્યો કોરડો વાંસા પર વિઝાયો....અને બેરખો સટાક દઈ ઊભો થઇ ગયો.....પાછળ ફરી ને જોયું તો.. કરમણબાપુ અને ગામના બે ચાર જુવાન હતા.... કરમણબાપુ બોલ્યા... બેટારાજલ તું વિધવા થઈ છતાં મેં તને મારા આંગણે  શા માટે રાખી??? કેમકે મારી દીકરી દુઃખી થાય એ મને ક્યારેય પોષાય એમ નહોતું બધા કહે છે દીકરી સાપનો ભારો છે, છતાં પણ મેં મારી જાતથી તને અળગી ન કરી બેટા મેં તને મારી આબરૂ ગણી હતી.. તું મારું અભિમાન હતી.. અને બેટા તું તારા બાપને હાથે કરીને ઝેર આપી રહી છે બેટા એક વખત તારા બાપ નો વિચાર કરી જુઓ માથે ધોળા આવ્યા છે ક્યાંક એવું ન બને કે કુળ ની લાજ બચાવવા માટે વખ ઘોળવુ પડે. યુવાનોએ બેરખા ને હાથે પકડી રાખ્યો હતો અને કહી રહ્યા હતા કે આને જેવી  રીતના  આશરો આપ્યો  એવી જ રીતના મારીને ભો મા ભંડારી દઇએ કોઈને ભનક પણ નહિ પડે કે યુવાન ક્યાંથી આવ્યો હતો ને ક્યાં ગયો...પણ બાપુએ એમને અટકાવ્યા.ના..ના...ગમે તેવો હોય એ આપણો અતિથિ છે અને અતિથિને મારવું એટલે તો  ગૌ મારવા બરાબર છે. એટલે એને જીવતો છોડી દો. રાજલબા પગમાં પડી ગયા બાપુ! બાપુ.... જે માણસને કદી જોયો નથી એની વિધવા થઇ ને ફરું છું અને જે માણસને આત્મા સુધી પોતાનો માન્યો છે આજે એનાથી અલગ કરો છો..?? બાપુ તો તમારા હ્રદય માંથી તમારી દીકરી માટે બધી લાગણીઓ ખૂટી ગઈ છે બાપુ.. શું મને જીવવાનો અધિકાર નથી બાપુ???? તમારી દીકરી તમારી પાસે કઈ માંગે છે અત્યાર સુધી તો તમે મને હેત પ્રેમથી રાખી છે પણ આજે હું તમારી પાસે માંગુ છું કે મને આ જુવાન સાથે મારે જીવવું છે મને મારા જવેરી સાથે જીવવા દો નહિતર હું જુરી જુરી ને મરી જઈશ.... બાપુ તમારી દીકરી સામે જુઓ આ સમાજ અને દુનિયા શું કહે છે મને વિધવા.. મારો કોઈ વાંક નહોતો..બસ અણસમજુ હતી ને પરણાવી દીધી..સમજણી થઈ એની વિધવા થઇ ને હું બેઠી છું....પણ આમાં મારો કયો ગુનો છે.. મારે બધા શણગાર ત્યજવા પડ્યા મારે મારું જીવન વિધવા તરીકે વેઠવું પડે છે.. બાપુ બધુ સમજતા હતા.. દિકરી નાં આવા કાળજું વલોવાઈ જાય એવાં વેણ સાંભળીને ભાંગી પડ્યા.કોરડો હાથમાંથી સરી ગયો અને આંખમાંથી આંસુ સરી પડ્યા.... બેટા.. બેટા કહેતા ધરતી પર ઢગલો થઈ ગયા ને ગળામાં ડૂમો બાઝી ગયો બોલી પણ ન શક્યા અને  પગથિયે બેસી પડ્યા...રાજલ એમનાં હાથ હાથમાં લઈને બેઠી અને ચોધાર રડી પડી.બાપુ.. બાપુ..બાપુ કેમ બોલતાં નથી..તમને ખબર છે ને કે દુનિયાને તો જે દેખાય એ જ સાચું નથી પણ બાપુ અંતર અને આત્મા થી તો હું ઝવેરી ને વરી ચૂકી છું... ક્યાં સુધી બાપુ... ક્યાં સુધી આવા સમાજ અને દુનિયાના ખોટા નિયમો સાથે ફર્યા રાખવું.ખોટા માન અને સન્માન નાં નામે જીવ્યા રાખશો ક્યારેક તેમાંથી બહાર નીકળશો... બાપુ... બાપુ... હું તમારી દીકરી છું.....પણ..પણ...બાપુ કંઈ કરી શકે એમ નથી...એનો પિતા નો જીવ કહે છે કે તને જીવવા નો, જીંદગી માલવા નો હક છે.. તું નિર્દોષ છો...પણ..આ સમાજ નહીં સમજે....એ ઊભાં થયાં અને રાજલ નો હાથ પકડી ઘરે લઈ આવ્યા...રાજલ ને ઓરડે નાખી અને બેરખા ને તો ખૂબ માર્યો અને યા જ મુરલીધર પાસે મેલી ઘરે ગયા અને કહ્યું કે વહેલાસર ગામ મેલી ને હાલ્યો જાજે નહિ તો પાપ માથે ચડાવવા વિના છુટકો નહી રયે...

                રાજલને ઓરડામાં પૂરી..પણ.એનુ મન તો ક્યારનુંય આત્મા સાથે મુક્ત ગગન માં વિહરતુ બેરખા પાસે પહોંચી ગ્યું હતું...એક એક દિ કરતા સાત દિવસ થયા....ઓરડા નું બારણું ખોલ્યું છતાં રાજલ ઉંબરા બાર પગ નથી મેલતી...કે નથી અન્નજળ મોઢા મા મેલ્યા...બારી ની બાર ખુલ્લા નભ ને તાકી રહી છે....માં બાપ,ભાયુ યોજાયું, સમજાવી ને, ધમકાવીને ફોસલાવીને થાક્યા પણ,રાજલ તો જાણે કાળમીંઢ પથ્થર થઇ ગઇ છે.... એની વાંચા વલોપાત બની છે પણ વાણી ને શબ્દો નથી જડતાં...એને બધા બંધનો તોડી હાલી નીકળવું છે પણ,બાપની આબરૂ એને ડગ નથી ભરવા દેતા.... આજે કરમણબાપુ ખરેખર હારી ગયા... દિકરી ને વિધવા થતી જોઇને જે દુઃખ થયું હતું એનાથીય હજાર ગણુ દુઃખ, વેદના અંતર ને દઝાડી રહી છે....એને સમજાતું નથી કે શું કરું?? એક બાપ થાય તો આબરૂ જાય ને બધા ને વખ ઘોળવુ પડે..એક મુખી તરીકે વિચરે તો એ અધર્મ કહેવાય...કાલ સવારે આવાં કેટલાંય જુવાનિયા આ વાટે નીકળી પડશે.... પછી સમાજ કેમ નો ટકે...આપણી આબરૂ, મર્યાદા અને શરમ ના છાજીયા લેવાય..ના..ના.. હું એવું ના કરી શકું..... મનને ઘડી નોય ચેન નથી...રાત વહી રહી છે.. વિચારો નાં પ્રવાહ સાથે..... છેવટે એક બાપ જીત્યો....બારણે ટકોરા પડ્યા... બેટા રાજલબા...બારે આવે જોઇ.. બેટા... એટલું બોલતાં બોલતાં તો ગળે ડૂમો ભરાઈ આવ્યો...શરીર માં હાલવાની શો નથી તોયે બાપ નો મીઠો સાદ સંભળાયો એટલે રાજલ બારણે પહોંચી.. જોયું બાપ ચોધાર આંસુડે રડે છે હાથમાં પોટલી'પકડી છે....બોલો બાપુ.... કરમણબાપુ એ કઠણ છાતી એ કહ્યું...જા બેટા તને જીવવા નો હક છે... તને શણગાર કરવાનો હક છે...આ સ્વાર્થી અને મતલબી દુનિયા નાં કાયદા માં પડી ખોટાં માનપાન નો ઓળો ઓઢી બેઠો તો...તુ જા દિકરા તારો ઝવેરી હજુ તારી વાટ જોતો મુરલીધર નાં મંદિરે બેઠો છે.... હવે હું મોડું કરીશ તો એક નહિ પણ બે નિર્દોષ જીવને હણવા નું પાપ ચળશે.... તું જા...રાજલ તો આભી બની સાંભળી રહી હતી...એ બાપ ને નાના બાળક ની જેમ ભેટી પડી...ના બાપુ.. હું એવું કામ ક્યારેય ન કરું.... પછી ભલે આ દેહ પડે...પણ.. તમારી આબરૂ ને ઠેબે ચડાવી ને તો ન જ જાઉં... ના બેટા તું જા...આ અભાગિયો બાપ તને સાસરે તો ન વળાવી શકયો પણ તુ સુખે થી સંસાર વસાવ એવાં આશિર્વાદ તો દઇ શકે ને....બાપ અને દિકરી રડતાં જાય છે અને પોતપોતાના હૈયાં ઠાલવતા જાય છે...એક બાપ દિકરી ને એવી વિદાય આપવાનો છે કે એની બીજી ઘડીએ શું થાશે એ પણ ખબર નથી..એક દિકરી ઘરે થી એવી વિદાય લેશે કે પાછળ થી કદાચ એનો વંશવેલો પણ નહિ રયે..આ કેવી મુરલીધર ની માયા છે.... ઘરની ભીંત થી માંડી એકેએક નળીયુ રુવે છે... આજે વિધાતા ને પણ પોતાના લેખ વાંચતા અફસોસ થાતો હશે...એક બાપ ને પોતાના કાળજાના કટકા ને આમ નોખો કરતા કેમ જીવ હાલતો હશે...કેમ કોઈ આટલું પત્થર હૈયાં નું હોય કે જતન થી ઉચ્છેરેલી દિકરી ને અજાણ્યા ના હાથે સોંપતુ હશે..... કરમણબાપુ એ રાજલને ડેલી સુધી વળાવી ખુશ રેજે બેટા રાજલબા.. કહી ખડકી વાસી દીધી....


          આટલાં દિ ના ઉપવાસ છતાં રાજલ નાં પગ માં નવું જોમ આવ્યું હતું... મને નવી પાંખો ફૂટી હતી... હૈયે હેત ની હેલી ચડી હતી... હમણાં એનાં ઝવેરી પાસે પહોંચી જાશે એવી આશ માં પડતી આખડતી ધોળી જાય છે એના ઝવેરી પાસે....મંદિરે જઈ ને જોયું તો બેરખો મંદિર ને ઓટલે પડ્યો છે..ભૂખ અને દુઃખે એને ભીખારી જેવો ભેખ દિધો છે... છતાં જે મનનો માણીગર હોય આ ભલે ને કુબડો હોય મનને ગમે એ મીત હોય....રાજલે પાસે જઈને બેરખા ને ઢંઢોળ્યો એય ઝવેરી..એય ઝવેરી ઊઠ જો હું તારી રાજલ તારી પાસે આવી છું..અને હવે આપણે બેય આ મુલક મુકી ને ક્યાંક છેટાં હાલ્યા જાશું... જ્યાં આપણે કોઈ ઓળખે નહીં જ્યાં આપણી ઓળખાણ ફક્ત આપણા પ્રેમથી હોય ચાલ ને કોઈ એવા મલકમાં જ્યાં કોઈના જાતના બંધન ના હોય જ્યાં ના ભેદભાવ હોય જ્યાં સમાજ અને પ્રતિષ્ઠા બચાવવા માટેના ખોટા ઢોંગ નાં હોય એ ઝવેરી...ઝવેરી હાલ ને હાલી નીકળીએ.... બેરખો ઉઠ્યો એને જોયું તો રાજલ સામે ઉભી હતી હાથમાં પોટલી હતી અરે રાજલ ક્યાંથી આવી??? અડધી રાતે તું આવી છે તારા બાપુને તારા ભાઈઓને ખબર પડશે તો તને જીવતી નઇ મેલે.....રાજલે કહ્યું...એય ઝવેરી મને મારા બાપુ એ જ મોકલી છે એને કીધું છે કે તું જા તારી વાટ પકડી ને હાલી નીકળતા તને અને તારા ઝવેરીને નવું જીવન મળે એવી રાહ પકડી લે અને અમને છોડીને તું એટલી દૂર જાતી રેજે કે તને શોધતાયે ના જડે...તુ ક્યાં છે??? કેમ છે??? એ પુછનાર કોઈ નહિ હોય..પણ. .... તું જતી રહે જ્યાં તને તારા મુરલીધર લઈ જાય ત્યાં....

           રાજલ અને બેરખો વાટ પકડી ચાલી નીકળે છે ખબર નથી ક્યાં જાવું છે...પણ બંને એકબીજાના સાથ થી ક્યાંક તો જશે જ જ્યાં એ દુનિયા થી પરે હોય... પગમાં જોર નથી પણ આજે મન અને આત્મા એમ કહે છે કે ઉડી જવું છે બધા બંધનો તોડીને સમાજથી દુર દુનિયાથી દૂર એવી દુનિયા કે જ્યાં એને પોતાના પ્રેમને સાચો વિસામો મળે ત્યાં એકબીજા સાથે મન ભરી વાતો કરી શકે ત્યાં એકબીજા સાથે પોતાનો સમય વિતાવી શકે એવી જગ્યા જ્યાં ભવોભવ જીવવા નાં કોલ આ જનમમાં પૂરા કરી શકે.... એકબીજાનો હાથ પકડીને એકબીજાને સંભાળતા  સંભાળતા ,એકબીજાને ટેકો આપતા કેટલુ ચાલ્યા ક્યાં સુધી ચાલ્યા ક્યાં પહોંચ્યા કંઈ ખબર નથી બપોર થવા આવી હવે તો પગમાં તાકાત પણ રહી નથી.ચારેકોર સુકો ભાટ રણદેખાય છે, કોઈ મનેખ નથી, કોઈ જનાવર દેખાતું નથી ક્યાંય ઝાડ પાન નથી ક્યાંય પાણી નું પરબ નથી, આઠ દિવસના ઉપવાસ અને ફક્ત આધાર એટલો જ હતો કે  મુરલીધર પાસે થી પાણી પી પ્રસાદ ની સાકર થી મોં મીઠું કરી મીઠાં સંસાર ના સપના જોતા ચાલતા થયા... આજે એકબીજાને મળ્યા હતા જે ક્ષણે તેઓ રાહ જોઈ રહ્યા હતા જે સપનું હતું એ જ હકીકત બની હતી ભૂખ અને શરીરમાં ડગલુયે હાલવા ની મણા નથી લય એટલે બેરખો પડ્યો જમીન પરઅને સાથે સાથે રાજલ પણ બંને એકબીજાને ટેકો  દઈ હેઠા બેઠા અને બંને વચ્ચે વાત નો દોર શરૂ થયો

       કચ્છ નો ખારો પાટ રજરી રજરી ને હવે અહી ઠરી ઠામ થાવું છે.... મારી છેલ્લી ઘડીએ તારાં ઓઢણાં ની છાંયા માં સંતાવુ છે... તારાં કારા ભમ્મર વાળ ની ઓથ માં લપાવુ છે.... તારાં મોઢે થી મારું નામ સાંભળતા સાંભળતા જ આ આયખા ને ખપાવવું છે....આ જીવ તો તને જોઈ તે દિ થી મારો નથી રયો પણ,અંતર ની ધખ તારાં વિના જીવવા નોતી દેતી..... હવે તો જીવતે મુવે તારી હારે