A Horror story in Gujarati Short Stories by Shesha Rana Mankad books and stories PDF | અ હોરર સ્ટોરી

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

અ હોરર સ્ટોરી


અંધકારનું સામ્રાજ્ય આખા ઘર પર પથરાયેલું હતું.  ધીમો પણ ઠંડો પવન શરીરમાં ધ્રુજારી વધારી રહ્યો હતો. આ સૂનકારમાં પણ ધીમો ગણગણાટ સતત સંભળાતો હતો. વાતાવરણમાં ન સમજી શકાય એવી ગભરામણ નીંદરમાં પણ સુધાબહેનને અનુભવાતી હતી. 

"સુધા ઓ સુધા..."

ગાઢ નિદ્રામાં પણ સુધાબહેનને કાને અવાજ અથડાયો. પણ નીંદરના ભારમાં ઉઠવાની ઈચ્છા ન થઈ.

"ઓ સુધા.... અહીં આવ સુધા."

પલંગની એક બાજુ સૂતેલાં સુધાબહેન એક ઝાટકે જાગીને, બેઠાં થઈ ગયાં. કાનને બધી દિશામાં ફેરવી ફેરવી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. પણ કોઈ અવાજ ન સંભળાતાં ભ્રમ સમજી ફરી નીંદરના શરણમાં જવા પલંગ પર લાંબા થઈ ગયાં. ફરી આંખો ઘેરાવા લાગી ત્યાં ફરી એ મધમીઠો અવાજ કાને અથડાયો.

"સુધા,.. ઓ સુધા...." 

અવાજ સાંભળી સુધાબહેન ફરી બેઠાં થયાં. હજી કંઈ સમજાય ત્યાં તો ફરી અવાજ ગુંજવા લાગ્યો.

સુધા.... ઓ સુધા, હું તને ક્યારની બોલાવું છું. આવ અહીં આવને."

પલંગ પર બેઠાં થઈ ગયેલાં સુધાબહેન બીકના માર્યાં પરસેવે રેબઝેબ થઈ ગયાં. બાજુમાં નગારાં જેટલાં નસકોરાં બોલાવતા મિહિરભાઈને ઢંઢોળવા લાગ્યાં, પણ મિહિરભાઈએ  જાગવાનું નામ ન લીધું. સુધાબહેનને કાને હજી પણ અવાજો સંભળાતા હતા. હવે અવાજોમાં મીઠાશ પણ વધી ગઈ હતી. આવતો સાદ ક્યાંથી આવે છે તે તો નહતું સમજાતું પણ અવાજોના કાબૂમાં આવેલાં સુધાબહેન અવાજની પાછળ ખેંચાતાં ખેંચાતાં પગથિયાં ઊતરી નીચેના રૂમમાં આવી ગયાં. અને ધીરે ધીરે રસોડામાં પહોંચી ગયાં. 

"આવી ગઈ સુધા...મારી વહાલી સુધા હું તને ક્યારની બોલાવું છું. આવતી કેમ નહોતી?"

"કોણ કોણ છે અહીં." ભયથી થર થર ધ્રુજતાં સુધાબહેન અવાજની દિશા પારખવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. સાથે પોતાના રૂમમાં ભાગી જવાનો વિચાર પણ કરી નાખ્યો પણ અવાજે બાંધી રાખ્યા હતા.
"સુધા આમતેમ શું જોશ મારી સામે જો તો ખરી."

ફરી સાદ સંભળાયો. સાથે ફ્રીઝનો દરવાજો પણ ખુલી ગયો. 
સામે રાખેલી મીઠાઈઓના ડબ્બા જોઈ સુધા બહેન બધું ભૂલી  મોં માં આવેલા પાણીનો સ્વાદ માણતાં ગુલાબજાંબુ હાથમાં લીધું. ગુલાબજાંબુ ની ચાસણી ટપ દઈને નીચે ટપકી પડી. સુધાબહેન મોં ખોલી ગુલાબજાંબુ મોં માં મૂકે તે પહેલાં ગુલાબજાંબુ એ એક જોરદાર ચીસ પાડી. હેબતાઈ ગયેલાં સુધાબહેન ના હાથમાંથી ગુલાબજાંબુ પડી ગયું. ફ્રીઝમાં રાખેલી બીજી મીઠાઈઓ પણ આંખો ખોલી જોર જોરથી ચીસો પાડવા લાગી. ગભરાઈ ગયેલાં સુધા બહેનના ગળામાંથી પણ અવિરત ચીસો વહેવા લાગી  ટેબલ પર મૂકેલા લાડુ રાડો પાડતા ટપોટપ ટેબલ પરથી કૂદી સુધાબહેન તરફ આવવા લાગ્યાં આ જોઈ સુધાબહેન પોતાના રૂમ તરફ જવા માટે પગથિયાં બાજુ ગયાં ત્યાં ફ્રિઝમાં રાખેલ ઇન્સ્યુલિનની નાની સીસી સુધાબહેનને રોકવા કૂદી પડી. સાથે રસોડાના એક ખૂણેથી સિરીંજ પણ પાછળ દોડી. હાંફતાં હાંફતાં સુધાબહેન પાછળ જોતાં જોતાં પગથિયાં ચડવા લાગ્યા પણ ધડામ દઈને નીચે પડી ગયાં એક કારમી ચીસ તેમના ગળાં માંથી નીકળી ગઈ. 

એક ઝાટકા સાથે તેઓ બેઠાં થઈ ગયાં. આજુબાજુ જોયું પણ બસ અંધારું જ અંધારું દેખાયું. પરસેવે રેબઝેબ થયેલાં સુધાબહેન લાઈટ કરવા ઊભા થયાં ત્યારે તેમને સમજાણું તેઓ પોતાના પલંગ પર જ હતાં. લાઈટ કરી ત્યારે મગજમાં પણ લાઈટ થઈ કે તેમની સાથે જે કાય બન્યું એ સપનું હતું. હજી પણ સપનાની તંદ્રા છવાયેલી હતી. પાછાં તે પલંગ પર બેસી ગયાં. 

હ્રદયના જડપથી ભાગતા ધબકારાએ મિહીરભાઇને જગાડવાનું સૂચન કર્યું. જગાડવા માટે પલંગની બીજી સાઈડ નજર કરી તો ત્યાં મિહિરભાઈ ગેરહાજર હતા.એક થડકારો સુધાબહેનના મનમાંથી નીકળી ગયો. આખા રૂમમાં અને બાથરૂમમાં પણ જોઈ લીધું ક્યાંય પણ મિહિરભાઈના દર્શન ન થયાં. રૂમમાંથી બહાર આવી બીજા રૂમો તરફ જોયું પણ બધે જ અંધારું હતું. નીચે નજર કરી તો રસોડાંમાંથી અજવાળું બહાર પડતું હતું. સપનાને યાદ કરી સુધાબહેન ગભરાઈ ગયાં મિહીરભાઈના નામની બૂમો પાડતાં રસોડામાં પહોંચી ગયાં.

પણ ત્યાંનું દૃશ્ય જોઈ હેબતાઈ ગયાં, સુધાબહેનની બૂમાબૂમ સાંભળીને ઘરના લોકો પણ જાગી ગયાં હતાં. અને રસોડામાં આવી ઊભા રહી ગયાં હતાં. બસો થી ત્રણસોની વચ્ચેના ડાયાબિટસની જવાબદારી લઈ ફરતા મિહીરભાઈ લાડુ અને રસગુલ્લાની મજા માણતા હતા. 

"સુધા આપણા પોત્રના જનોઇની મીઠાઈ મહેમાનોને
ખવડાવતાં પહેલાં આપણે ચાખવી જ જોઈએ." કહી છેલ્લો લાડુ મોઢામાં મૂકી સુવા માટે પોતાના રૂમ તરફ ઉપડી ગયા. ઘરના બધાં પ્રશ્નાર્થ ચિન્હ બની સુધાબહેનને તાકતાં ઊભાં હતાં. પણ મીઠાઈ ન મળ્યાનું દુઃખ બસો ડાયાબિટીસ ધરાવતું સુધાબહેનનું મન વગર મીઠાઈએ ત્રણસો ડાયાબિટીસનો ડંકો વગાડી રહ્યું હતું.

ખાલી પડેલી ડીસો સુધાબહેનને કહી રહી હતી 
"સુધા ઓ સુધા અમે ક્યારના બોલાવતાં હતાં, જો રહી ગઈ ને?"