Bhagvat Rahasaya - 149 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 149

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 149

ભાગવત રહસ્ય-૧૪૯

 

કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.

 

યજ્ઞકુંડમાંથી મોટો અસુર નીકળ્યો છે-તેનું નામ વૃત્રાસુર રાખ્યું છે.તે દેવો ને ત્રાસ આપવા લાગ્યો.દેવો આથી ગભરાયા.અને પરમાત્માના શરણે ગયા. પરમાત્માએ કહ્યું-દધિચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો-તેનાથી વૃત્રાસુર મરશે.પોતાનું દિવ્ય તેજ –પ્રભુ એ વજ્રમાં પધરાવ્યું. વૃત્રાસુરને મારવા ઇન્દ્ર આ વજ્ર લઈને જાય છે.

 

વૃત્રાસુર=ત્રાસ આપનારી વૃત્તિ. બહિર્મુખી વૃત્તિ તે વૃત્રાસુર. (વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ -ઈશ્વરનું મિલન થાય છે.) બહિર્મુખી વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખવાની છે.જ્ઞાન એ પ્રધાન-બળ (શક્તિ) છે. તેથી તેના વડે બહિર્મુખી વૃત્તિઓ(વૃત્રાસુરને)મારવાથી –ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળે છે.

 

ભાગવતમાં પહેલાં ચરિત્ર (ઉદાહરણ) આવે છે-પછી ઉપસંહારમાં સિદ્ધાંત (જ્ઞાન) આવે છે.

વૃત્રાસુર રાક્ષસ છે-પરંતુ કૃપાપાત્ર દૈવી જીવ છે,ભગવદભક્ત છે.

ઇન્દ્રના હાથમાં રહેલા વજ્રમાં તેને નારાયણના દર્શન થાય છે.

વૃત્રાસુર પુષ્ટિ ભક્ત છે-પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે-પણ તેને નારાયણ દેખાતા નથી.

 

 

વૃત્રાસુર કહે છે-કે- તું જલ્દી વજ્ર માર.ભલે તારી જીત થાય પણ તારા કરતા મારા પર ભગવાનની વિશેષ કૃપા છે.ઇન્દ્ર, તારી જીત થવાની છે-તને સ્વર્ગનું રાજ્ય મળશે,પણ હું તો પરમાત્માના ધામ માં જઈશ.જ્યાંથી મારું પતન થવાનું નથી.તારું તો કોઈ દિવસ સ્વર્ગમાંથી પતન થશે-પણ મારું પતન થવાનું નથી.તેથી હું માનુ છું કે મારા પર પ્રભુની કૃપા વધારે છે.ભલે મને લૌકિક સુખ મળે કે ન મળે.પણ હું ભગવાનના ધામમાં જઈશ.

 

ઇન્દ્રના વજ્રમાં રહેલા નારાયણના દર્શન કરી વૃત્રાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે.(ભાગવત-૬-૧૧-૨૪ થી ૨૭)

વૃત્રાસુરની આ સ્તુતિના વૈષ્ણવ ગ્રંથો એ ખુબ વખાણ કરેલાં છે. ત્રીજા શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાનો પ્રિય શ્લોક માન્યો છે.વૃત્રાસુરની સ્તુતિમાં -----પહેલા શ્લોકમાં શરણાગતિ છે.

--બીજા શ્લોકમાં તેનો વૈરાગ્ય બતાવ્યો છે.(શરણાગતિ વૈરાગ્ય વગર દૃઢ થતી નથી.)

--ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે-કે તમારાં દર્શન માટે મને આતુર બનાવો.તમારો દર્શન વિના મારા પ્રાણ વ્યાકુળ થાય,તમારો વિયોગ મારાથી સહન ન થાય. મને એક જ ઈચ્છા છે-તમારાં દર્શન માટે આતુર બનું.

--ચોથા શ્લોકમાં વૃત્રાસુરે સત્સંગની માગણી કરી છે.પાપથી કોઈ પણ જન્મ મળે –પણ તે જન્મમાં સત્સંગ મળે-તેવી માગણી કરી છે.

 

પુષ્ટિમાર્ગમાં વર્ણવેલા ચાર પુરુષાર્થનું જ જાણે -વર્ણન –વૃત્રાસુરની સ્તુતિના ચાર શ્લોકમાં છે.

(પુષ્ટિમાર્ગમાં –પ્રભુનું દાસપણું –એ ધર્મ-પુરુષાર્થ, પ્રભુ ને જ અર્થ રૂપ માની –અર્થ-પુરુષાર્થ, કૃષ્ણદર્શનની કામના-એ-કામ-પુરુષાર્થ,અને શ્રીકૃષ્ણના થઇને રહેવું તે મોક્ષ-પુરુષાર્થ.)

 

છઠ્ઠા સ્કંધની પુષ્ટિ લીલા છે. ભગવાને વૃત્રાસુર પર પુષ્ટિ કરી.કૃપા કરી.

ઇન્દ્રે વજ્રથી વૃત્રાસુરનો વધ કર્યો છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય મળ્યું છે.

વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું છે ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો છે.

 

 - - - - -- - - - - -- - - - - --        - - - - -- 

ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -