Bhagvat rahasaya - 137 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 137

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 137

ભાગવત રહસ્ય-૧૩૭

 

ભરતજીએ પહેલાં ઠાકોરજીની પ્રત્યક્ષ સેવા બહુ કરેલી, પણ હવે વનમાં તે માનસી સેવા કરે છે.શરીર કરતાં યે વધુ પાપ મનથી થાય છે.એટલે મનથી માનસી સેવા-માનસી ધ્યાન –એ સહેલું નથી.ભટકતા –પાપ કરતા- મનને -ઈશ્વરની માનસીસેવામાં પ્રવૃત્ત કરી –ઈશ્વરમાં તન્મય કરવાથી -મન ધીરે ધીરે શુદ્ધ થાય છે.

 

એક વખત એક વાણિયો ગુંસાઈજી પાસે ગયો. જઈને કહ્યું-બાપજી,લાલાજીની સેવા કરવા હું તૈયાર છું-પણ કાંઇ ખર્ચ કર્યા વગર સેવા થાય એવું કંઈક બતાવો –એવી સેવા બતાવો કે એક પાઈનું ખર્ચ ન થાય.ગુંસાઈજીએ તેને માનસી સેવા બતાવી અને કહ્યું-તું માનસી સેવા કર, હું ભગવાનને સ્નાન કરવું છું, વસ્ત્ર પહેરાવું છું,ભોગ ધરાવું છું-ભગવાન આરોગે છે.

 

વાણિયો કહે –આ બધું બજારમાંથી લાવવાનું ? ગુંસાઈજી કહે છે-ના,ના, ફક્ત મનથી ધારવાનું.તને કયું સ્વરૂપ ગમે છે ? વાણિયો કહે –મને બાલકૃષ્ણલાલ-લાલાજીનું સ્વરૂપ ગમે છે.

ગુંસાઈ કહે છે-બસ-સવારે વહેલા ઉઠી-માત્ર -મનથી જ ગંગાજીમાં સ્નાન કર-મનથી જ ગંગાજળ ઘડામાં લઇ આવવું-ગાયનું દૂધ અને માખણ લઇ આવવાં. યશોદા જેવો વાત્સલ્યભાવ રાખી –સૂતેલા લાલાજીના દર્શન કરો. સૂતેલો કનૈયો બહુ સુંદર લાગે છે. વાંકડિયા વાળ ગાલ પર આવ્યા છે. સૂતાં સૂતાં પણ જાણે મંદ હાસ્ય કરે છે. લાલાજીને મંગળગીત ગાઈને જગાડો.મંગલામાં લાલાને ગાયનું દૂધ અને માખણ ધરાવો.

( જરા મનાવવા પડે તો મનાવો.-લાલાજી જરા ટેઢા છે-યશોદાજી જેમ લાલાને મનાવી કહો-લાલા,આટલું માખણ ખાઈ જા-તારી ચોટલી દાઉજી કરતાં જલ્દી મોટી થઇ જશે.)

 

પછી થોડા ગરમ જળથી સ્નાન કરાવી તન્મય થઇને લાલાજી ને શૃંગાર કરવો.

(કનૈયાને પૂછવું કે –આજે કયું પીતાંબર પહેરવું છે ?-એ જે માગે તે પહેરાવો)

તિલક કરો,માળા અર્પણ કરો,નૈવેદ્ય અર્પણ કરો. ભાવનાથી લાલાને નૈવેદ્ય આરોગતા જુઓ.

તે પછી મનથી આરતી ઉતારી, અને કોઈ ભૂલચૂક થઇ હોય તો ક્ષમા પ્રાર્થના કરો.

 

તે પછી વાણિયાએ –ગુંસાઈજીના કહેવા મુજબ બાર વર્ષ સુધી રોજ પ્રેમથી.માનસી સેવા કરી.એવી તન્મયતા આવી છે-કે –બધું જાણે પ્રત્યક્ષ જ દેખાય છે. બાર વર્ષ સુધી સત્કર્મ નિયમથી થાય તો તે સિદ્ધ થાય છે.મન ની ચંચળતા ઓછી થાય છે.એક વખત એવું બન્યું કે-તે કટોરામાં દૂધ લઇ આવ્યો –પણ દુધમાં ખાંડ નાખતાં-ખાંડ વધારે પડી ગઈ.વાણિયાથી આ સહન કેમ થાય ? સ્વભાવ કંજુસ –તે ક્યાંથી જાય ? વાણિયાએ વિચાર્યું-દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં,તો બીજા ઉપયોગમાં આવશે. દૂધમાંથી ખાંડ કાઢવા દૂધમાં હાથ નાખે છે.

 

આ બાજુ લાલાજી મરકમરક હસે છે.ગમે તેમ પણ તેણે બાર વર્ષ મારી સેવા કરી છે-પ્રસન્ન થઇ પ્રગટ થયા છે.

અને સીધો વાણિયાનો હાથ પકડ્યો-ખાંડ વધારે પડી ગઈ છે-તો તારા બાપનું શું ગયું છે ? તે ક્યાં એક પૈસાનો ખર્ચ કર્યો છે ? તારા જેવો નંગ મને જગતમાં કોઈ મળ્યો નથી....તારા જેવો તો તું જ છે.....

વાણિયાને ભગવતસ્પર્શ થયો. તે પછી તે સાચો વૈષ્ણવ બન્યો. લાલાજીનો અનન્ય ભક્ત બન્યો.

 

શંકરાચાર્યજી પણ મહાજ્ઞાની હોવાં છતાં શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા.

ભરતજી દરરોજ માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે.

સેવા કરતા કોઈ દિવસ –કંટાળો આવે તો ધ્યાન કરે છે-કિર્તન કરે છે.

 

સંસારમાં જે ફસાયેલો હોય-કે માયાના પ્રવાહમાં જે વહેતો હોય તેને માયા બહુ ત્રાસ આપતી નથી.તેને માયા વિઘ્ન કરતી નથી.માયા માને છે-કે- આ તો મારો ગુલામ છે, આ તો મરેલો જ છે-તેને મારવામાં શું મજા છે ? મરેલા ને શું મારવાનો ? પણ પરમાત્મા પાછળ જે પડેલો હોય –તેની પાછળ માયા વધારે પડે છે. વિઘ્ન ઉભા કરે છે.માયાની ગતિ વિચિત્ર છે. માયાની ગતિ સમજી ન શકાય (અકળ) તેવી છે.