Tari Pidano Hu Anubhavi - 5 in Gujarati Moral Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 5

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 5

હું ઘરે જઈને થોડું રિલેક્સ થઈ. મિરાજને જોઈને મને મારા પર વીતેલા દિવસો યાદ આવી ગયા પણ મારા ભૂતકાળમાં ઊંડા ઊતરવાની મને જરાય ઈચ્છા નહોતી.
ભૂતકાળને યાદ કરવામાં મજા નથી. જો એ સારો હોય અને વર્તમાનમાં તકલીફો હોય તો ભૂતકાળ યાદ કરીને માણસ દુઃખી થાય. અને જો ભૂતકાળ ખરાબ હોય અને વર્તમાનમાં બધું બરાબર ચાલતું હોય તો ભૂતકાળમાં ગરકાવ થઈને આપણે સારા વર્તમાનને પણ વેડફી નાખીએ છીએ.
ખુરશી પર બેસી મેં પલંગ પર પગ લંબાવ્યા. હું બારીની બહાર જોવા લાગી. આજે આછો તડકો હતો. વાદળા ઘેરાયેલા હતા, છતાં વરસાદની આ સીઝન નહોતી. ક્યારેક સીઝન વિના જ વરસાદના છાંટા આવી જાય એવું બને. રસોડામાંથી વાસણોનો અવાજ આવતો હતો.
‘ચલ સંયુક્તા, આજ કિચન કા કામ કર લિયા જાય.’ મારી અંદરથી અચાનક અવાજ આવ્યો. રસોડાના વાસણોનો અવાજ મને મમ્મી તરફ ખેંચી ગયો. મેં પહેલા ક્યારેય એની રસોડામાં કોઈ હેલ્પ કરી જ નહોતી. ‘જાગ્યા ત્યારથી સવાર.’ બિચારી મમ્મીઓનું પણ કેવું અજીબ જીવન હોય છે. દિવસનો પચાસથી સાંઈઠ ટકા ટાઈમ એ રસોડામાં જ ગાળે છે.
‘મમ્મી, ચાલ આપણે કોફી પીવી છે?’
‘કોફી? આ ટાઈમે?’
‘હા મમ્મી, આજે મને ઈચ્છા છે.’
‘સારું. તું બેસ. હું હમણાં બનાવીને આપી જઉ છું.’
‘ના મમ્મી, આજે હું બનાવું છું. તું બાકીના કામ પતાવ.’ મેં ફ્રિજ ખોલીને દૂધની તપેલી હાથમાં લેતા કહ્યું.
‘તને આવડે છે?’ મમ્મીને નવાઈ લાગી.
‘હા, હું પપ્પા પાસેથી કોફી બનાવતા શીખી છું.’
‘એમ?’
‘હા, તું જ્યારે પપ્પાથી રિસાઈ જતી અને બા ઘરે હાજર ના હોય, ત્યારે પપ્પા રસોડામાં ઘૂસીને કેવા ચા-કોફી બનાવતા હતા યાદ છે ને મેડમ?’
‘હા. યાદ છે ને?’ મમ્મીનો ચહેરો શરમ અને આનંદથી લાલ થઈ ગયો.
અમારા જીવનમાં ખુશીની આવી અમુક જ પળો હતી, જે મને યાદ આવે છે. અમે બધા સાથે બેઠા હોય અને આનંદની પળો વિતાવી હોય, એ બધી ક્ષણોને જીવ્યે જાણે વર્ષો વીતી ગયા. ઈટ્સ ટાઈમ ટૂ રિલીવ ધોસ ગોલ્ડન મોમેન્ટ્સ.
‘અને તમને છોકરાંઓને મનાવવા માટે એ મેગી પણ બનાવતા હતા. એ ભૂલી ગઈ?’
‘ના, યાદ છે મને. ભૂલી નથી. હું અને રોનક પપ્પાના હાથની મેગી ખાવા માટે રવિવારે ખાસ રાહ જોતા.’ મારા અવાજમાં આવેલી ગહેરાઈ મનોમન પપ્પાને થેન્ક્સ કહી રહી હતી.
‘તારા પપ્પા પણ અત્યારે ઘરે હોત તો વધારે મજા આવત.’
‘એ મજા પણ આવશે. રવિવાર ક્યાં દૂર છે. પણ આજે મારે ફક્ત તારી સાથે બેસીને જ કોફી પીવી છે. ઓન્લી મી એન્ડ માય મમ્મા.’ મેં મમ્મીનો સાડીનો પલ્લું પકડીને કહ્યું.
મમ્મીની આંખોમાં પાણી આવી ગયા. એનું દિલ ભરાઈ આવ્યું. એને પ્રેમથી મારા ગાલ પર ટપલી મારી.
‘યાદ છે ને, હું જ્યારે ત્રણ-ચાર વર્ષની હતી, ત્યારે દરેક વાતમાં એવું જ કહેતી કે ઓન્લી મી એન્ડ માય મમ્મા.'
મમ્મીએ માથું હલાવી આંખના પોપચા બંધ કરી ખોલ્યા, એક હળવી સ્માઈલ સાથે.
અચાનક કોફીની સ્ટ્રોંગ સ્મેલ આવતા મે ગેસ બંધ કર્યો. વાતો કરતા કરતા કોફી તૈયાર થઈ ગઈ. ડાઈનિંગ ટેબલ પર બેસીને અમે સાથે કોફી પીધી. અમારા બંને વચ્ચે શબ્દોની આપ-લે ઓછી થઈ પણ લાગણીઓની આપ-લે જરૂર થઈ.
દરેક સંબંધનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. એની મીઠાશ અને ભીનાશ અનુભવવા માટે કાયમ આઉટિંગ પર જવાની જરૂર નથી હોતી. ક્યારેક ટી.વી. અને મોબાઈલને છૂટાછેડા આપીને આવો સમય વિતાવવામાં જે આનંદ આવે છે, એ ટી.વી. અને મોબાઈલના મનોરંજનના ટેમ્પરરી આનંદ કરતા અનેકગણો વધારે હોય છે.
‘કોફી સારી બની છે.’ મમ્મીએ મારા વખાણ કર્યા. જે મને બહુ મીઠા લાગ્યા. વાતવાતમાં મેં મમ્મીને મીત અને મિરાજની વાત કરી.
‘એ લોકોને ઘરે બોલાવજે રોહન હોય ત્યારે. મિરાજને સારું લાગશે.’
‘હં. ગુડ આઈડિયા. પણ હમણાં મિરાજ ઘરે આવવા તૈયાર નહીં થાય.’
હું નેક્સ્ટ મીટિંગમાં મિરાજ સાથે શું વાત કરવી એનો વિચાર કરવા લાગી.
‘તારી કોફીએ પહેલાની યાદોને તાજી કરી દીધી. આ પણ એક યાદગાર મેમરી રહેશે.’ મમ્મીએ ટેબલ પરથી કોફીના કપ ઉપાડતા કહ્યું. એ પાછી એના કામમાં લાગી ગઈ.
મમ્મીની વાત પરથી મને મારો આઈડિયા મળી ગયો. રૂમમાં જઈને મેં તરત જ મીતને ફોન કર્યો.
‘હેલ્લો.’
‘હાય, હું તને ફોન કરવાનો જ હતો.’
‘કેમ?’
‘થેન્ક યૂ કહેવા.’
‘તો કહી દે.’ મેં વટથી કહ્યું.
‘તું સાચે જ બદલાઈ ગઈ છે, સંયુક્તા. પણ આનંદ થાય છે તને આમ જોઈને.
‘થેન્ક યૂ.’
‘આજે તે જે સાપસીડીની ગેમ આપી એ લઈને મિરાજે એના રૂમમાં મૂકી દીધી. તારા આવવાથી ઘરના વાતાવરણમાં થોડો ચેન્જ આવ્યો.’
‘હા, આઈ થિંક મિરાજને ચેન્જની ખૂબ જરૂર છે.’
‘હં.’
‘મેં એટલે ફોન કર્યો હતો કે હું મિરાજને મળું, એ પહેલા આપણે એકવાર મળી શકીએ?’
‘હા, શ્યોર. કાલે મળીએ?’
‘કાલે? ઓ.કે. ફાવશે.’
હું પહેલીવાર આમ એકલા કોઈ છોકરાને મળવા જવાની હતી. એટલે મનમાં જરા ખટકતું હતું. મીતને હા તો પાડી દીધી. પણ મમ્મીને પૂછવું જરૂરી લાગ્યું. ફોન મૂકીને હું સીધી મમ્મી પાસે ગઈ.
‘મમ્મી, હું મીતને એકલા મળવા જઉ એ યોગ્ય છે?’ મમ્મી મારી આંખોમાં જોઈ રહી.
‘કેમ આવું પૂછે છે?’
‘તને તો ખબર છે કે મિરાજ માટે જ થોડી વાતચીત કરવી છે એટલે મળવાનું છે. છતાં આમ હું એકલી ક્યારેય ગઈ નથી.’
‘તારો હેતુ શું છે એ મહત્વનું છે.’
‘હેતુ તો મિરાજનો જ છે. નથિંગ પર્સનલ.’
‘તે મને પૂછ્યું એ સારી વાત છે. બસ આપણી મર્યાદા ચૂકાય નહીં, એવા વાણી અને વર્તન કાયમ જળવાઈ રહે એનું ધ્યાન રાખજે. મને તારા પર વિશ્વાસ છે. અમે તારા માટે એવા કોઈ કડક નિયમો નથી રાખ્યા. કેટલું જરૂરી છે અને કેટલું બિનજરૂરી એની સમજણ તને છે જ.’
મમ્મીની એ સ્થિર નજર મારા મનમાં મર્યાદા અને વિશ્વાસની લક્ષ્મણરેખા દોરી ગઈ.
આમ તો મને ખબર છે કે મારા જેવી છોકરી પર કોઈ છોકરો ફિદા થાય નહીં, પણ કોઈ છોકરા માટે મારું મન બગડે નહીં, એનું ધ્યાન તો મારે જ રાખવાનું ને!
બીજા દિવસે હું અને મીત કોફીબારમાં મળ્યા. ત્યાં આજુબાજુ બધું યંગ ક્રાઉડ જ હતું. ક્યાંક કપલ બેઠા હતા, તો ક્યાંક ચાર-પાંચ ફ્રેન્ડ્સના ગ્રુપ. અમુક લોકોનું ધ્યાન મારા તરફ ગયું. બે મિનિટ માટે હું કોન્શિયસ થઈ, મારી ચાલ ધીમી પડી. પણ ખુરશી પર બેસતા જ કોઈકની એક વાત યાદ આવતા હું નોર્મલ થવા લાગી.
જ્યારે આપણને આપણી જાત પર વિશ્વાસ હોય પછી લોકો આપણા માટે શું વીચારે છે એનું કોઈ મહત્વ રહેતું નથી.
હું વાત તો મીત સાથે કરી રહી હતી, છતાંયે આજુબાજુવાળા મને અને મીતને જોઈ રહ્યા છે, તેનો મને ખ્યાલ હતો. એ લોકો મીતને પણ એટલું જ ઘૂરી રહ્યા હતા જેટલી મને.
‘હોપ યૂ ડોન્ટ ફીલ ઓકવર્ડ.’ મેં મીતને પૂછ્યું.
‘ના. કેમ?’
‘આજુબાજુવાળા બધા આપણી સામે...’
‘ઓહ રિયલી! મીન્સ વી આર સ્પેશિઅલ.’ મીતે કોલર ઊંચો કર્યો અને આસપાસમાં ઊડતી નજર ફેરવી. કાયમની જેમ એ દિવસે પણ મેં એને એની ખાસિયત પ્રમાણે સીરિઅસ વાતને ઈઝીલી લેતા જોયો. મને એનો આ ગુણ પહેલેથી જ ગમતો હતો. શીખવા જેવો હતો.
‘એક્ચુઅલી એ લોકોને મારામાં કંઈ અજુગતું લાગે છે એટલે...’
‘નો, યૂ આર રોંગ. તારી જગ્યાએ કોઈ બહુ એટ્રેક્ટિવ છોકરી હોત તો આ લોકો શું કરતા હોત?’
‘તો પણ જોતા જ હોત...’
‘રાઈટ. આ તો બધી નવરી બજાર કહેવાય. એ પોતે અહીંયા આવ્યા છે એન્જોય કરવા, રિલેક્સ થવા પણ બિચારા પારકી પંચાતમાં પડી જાય છે. માણસ જાતનો સ્વભાવ જ એવો છે.’
‘હા, પેલું કહે છે ને... જ્યાં જ્યાં નજર મારી પડે.’
‘ત્યાં ત્યાં દોષ લોકોના જડે...’ મીતે બરાબર પ્રાસ બેસાડ્યો.
હું અને મીત ખડખડાટ હસી પડ્યા.
‘બોલ શું કહેવાનું હતું?’
‘મને તારી પાસેથી મિરાજ વિશે થોડું જાણવું હતું.’ મીતે ઊંડો શ્વાસ લીધો.
‘મિરાજ અત્યારે જે સ્થિતિમાં છે, એ એક્સુઅલી ક્યારથી અને કેવી રીતે સ્ટાર્ટ થયું એ અમને પણ ખબર નથી.’
મારા ચહેરા પર પ્રશ્નાર્થ ઊપસી આવ્યો.
‘એનામાં ચેન્જીસ તો છેલ્લા દોઢેક વર્ષથી દેખાતા હતા. જે સામાન્ય રીતે આપણને બધાને ટીનેજમાં આવે જ. પણ જેટલું મને સમજાય છે, એના પર એના ફ્રેન્ડ સર્કલની ખૂબ અસર પડી છે.’
‘મને લાગે છે કે આજના જમાનામાં બધાને વધતે-ઓછે અંશે આ પ્રોબ્લેમ તો આવે જ છે.’ મેં આસપાસની પબ્લિક પર નજર કરતા કહ્યું. ત્યાં બેઠેલા છોકરાં-છોકરીઓમાં એકબીજા પર ઈમ્પ્રેશન પાડવાની, સ્ટાઈલો મારવાની હરકતો ચાલુ જ હતી.
‘એ સિવાય મને એવું લાગે છે કે વચ્ચે થોડો પિરિયડ એવો ગયો, જ્યારે એ મારાથી પણ દૂર રહેવા લાગ્યો હતો.
કોફીનો એક સિપ લઈને મીતે કપ નીચે મૂક્યો અને...
‘એકવાર હું અને મિરાજ કોઈ કામ પતાવીને ઘરે પાછા જતા હતા ત્યારે રસ્તામાં એણે મને એક સવાલ પૂછ્યો હતો એ હજી મને યાદ છે.’
‘મીત, તે ક્યારેય કોઈ ચેટ ફ્રેન્ડ બનાવ્યા છે?’ મિરાજની આંખોમાં એક ઉત્સુકતા હતી.
‘ચેટ ફ્રેન્ડ? ના ભાઈ ના. આપણે ક્યાં જરૂર છે એવા ફ્રેન્ડ શોધવાની. હળીમળીને વાત કરી શકે એવા ફ્રેન્ડ તો છે જ ને આપણી પાસે.’
‘પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ તો રોજ ચેટિંગ કરે છે. પરમ તો કહે છે કે એની બેસ્ટ ફ્રેન્ડ એની ચેટ ફ્રેન્ડ જ છે.’
‘એને હશે પણ મને ક્યારેય એવી જરૂર નથી લાગી.’
ઘર આવી ગયું અને વાત ત્યાં જ અધૂરી રહી ગઈ. કદાચ આ ટોપિક પર મારે એની સાથે શાંતિથી ચર્ચા કરવાની જરૂર હતી. એના મનનું સમાધાન થાય એમ એને શાંતિથી સાંભળવા અને સમજવાની જરૂર હતી. પણ મેં એની વાતને નકામી વાતની જેમ કાપી નાખી અને એ દિવસ પછી એ ટોપિક પર એ ફરીવાર કંઈ બોલ્યો જ નહીં.
‘એને નવા નવા ફ્રેન્ડ્સ બનાવવા ગમે?’
‘હં... ફ્રેન્ડ્સ...’ મીત વિચારવા લાગ્યો. હું એના હાવભાવ જોઈ રહી હતી.
‘ઘરમાં બધા કાયમ એવું કહેતા કે હું બધા સાથે ઈઝીલી મિક્સ થઈ જઉં છું, ફોરવર્ડ છું, મને ગમે એની સાથે ફાવે.’
‘અને મિરાજને?’
‘મિરાજ પહેલેથી સ્વભાવે થોડો સંકોચવાળો કહી શકાય. એ ફ્રેન્ડ્સની બાબતમાં પણ થોડો ચૂઝી હતો. ઈઝીલી કોઈને ફ્રેન્ડ ના બનાવી લે.’
‘ઈન્ટ્રોવર્ટ?’
‘હં... હા... આમ તો ઈન્ટ્રોવર્ટ જ કહેવાય.’
‘એનો કોઈ બેસ્ટ ફ્રેન્ડ?’
‘ફ્રેન્ડમાં પહેલા એક વિશ્રુત કરીને છોકરો હતો, પણ પછી એનું ફેમિલી વચ્ચે થોડા વર્ષો બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયું હતું. ત્યારથી એના ફ્રેન્ડ સર્કલમાં વળાંક આવ્યો.’
‘તો અત્યારે કોણ છે એના સારા ફ્રેન્ડ્સ?’
‘જેટલું મને ખબર છે અને મમ્મી પાસેથી સાંભળ્યું છે, અત્યારે તો એ કોઈની સાથે ટચમાં રહેવા માંગતો જ નથી. પણ....’
‘પણ શું?’
‘વિશ્રુત પછી એના બે ફ્રેન્ડ્સ બન્યા હતા. પરમ અને નિખિલ. પરમ એનો ક્લાસમેટ છે. અમારા ઘરની નજીક જ રહે છે. રિચ ફેમિલીનો થોડો વંઠેલો છોકરો છે. જોવા જઈએ તો સ્વભાવમાં મિરાજથી એકદમ ઓપોઝિટ કહી શકાય.’
‘અને નિખિલ કોણ છે?’
‘નિખિલ પરમના પપ્પાના બિઝનેસ પાર્ટનરનો છોકરો છે. અને ઉંમરમાં આશરે ઓગણીસ-વીસ વર્ષનો હશે.’
‘એટલે નિખિલ તો ઉંમરમાં પણ ઘણો મોટો છે ને?’
‘હા, પણ મિરાજ એ બંનેની સાથે જ ફરતો હતો.’
‘ઓ.કે. તારી વાત સાંભળીને મને બે વાત જાણવાનું મન થાય છે.’
‘શું?’
‘એક તો એ કે તે કહ્યું, કે મિરાજ ઈન્ટ્રોવર્ટ છે અને પરમ એક્સ્ટ્રોવર્ટ. તો એ બંનેની ફ્રેન્ડશિપ કયા આધારે ટકી હતી? નોર્મલી આપણને આપણા સ્વભાવ અને વિચારો સાથે થોડું ઘણું મેચ થતા હોય એવા લોકો સાથે જ વધારે ફાવે.’
‘આ પ્રશ્ન વિશે તો મેં પણ વિચાર્યું નથી.’
‘બીજું શું પૂછવું હતું તારે?’
‘બીજું એ કે એના ખરેખર કોઈ ચેટ ફ્રેન્ડ હતા કે છે?’
મીત બે મિનિટ મૌન રહ્યો.
‘સાચું કહું સંયુક્તા...’ મીત બોલતા બોલતા અટકી ગયો.
‘હા, કહે ને.’
‘હું મારી લાઈફમાં એટલો બિઝી હતો કે મને આના વિશે કંઈ ખબર જ નથી, તો હું તને શું જવાબ આપું. પણ આજે તે આ બધું પૂછ્યું તો મને એવું લાગે છે કે ઘરમાં કોઈને એના વિશે કંઈ જ આઈડિયા નથી. નહિતર મમ્મી મને જરૂર કહેત. મેં મિરાજને ઘણીવાર મોબાઈલમાં ખોવાયેલો જોયો છે. એ વખતે એના ચહેરા પર ગુસ્સો, બેચેની, અધીરાઈ, ઉત્સુકતા અને આનંદના ભાવ પણ જોયા છે. પણ મને એવું જ લાગતું હતું કે એ પરમ અને નિખિલ સાથે જ વાતો કરતો હશે.’ અચાનક બોલતા બોલતા મીત ડિસ્ટર્બ થવા લાગ્યો.
‘ઈટ્સ ઓ.કે.’
‘નો, ઈટ્સ નોટ ઓ.કે. મિરાજની હાલત માટે આ પ્રશ્ન મને કેમ ના થયો?’ હું મીતને જોઈ રહી.
‘મમ્મી ઘણીવાર મોબાઈલ માટે એની પાછળ પડતી, ત્યારે હું મમ્મીને રોકતો કે આ ઉંમરમાં આવું બધું તો કોમન છે એટલે એને વધારે ટોકે નહીં કારણ કે હું પોતે પણ ઘણીવાર મોબાઈલમાં એવો ખોવાતો કે કલાકોના કલાકો ક્યાંય વીતી જતા ખબર જ ના પડતી.’
‘આઈ થિંક બધાના એ જ હાલ છે. બધા મોબાઈલમાં એવા પડ્યા છે કે પોતાની સાથે, પોતાના ઘરમાં રહેતી વ્યક્તિઓની સાથે શું બની રહ્યું છે એ ખબર ના હોય પણ દુનિયામાં, દેશમાં, પોલિટિક્સમાં, સમાજમાં, સેલિબ્રિટી વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે એની બધાને ખબર હોય. ફ્રેન્ડ આજે કઈ રેસ્ટોરેન્ટમાં, કોની સાથે, કયા કપડાં પહેરીને ગયો એ બધું જ ખબર હોય.’
‘આજે તારી સાથે વાત કરતા રિયલાઈઝ થાય છે કે મિરાજમાં આવતા બદલાવને સામાન્ય ગણવામાં અને એની મૂંઝવણોને જાણવામાં અમારી પણ ક્યાંક ભૂલ થઈ ગઈ છે. ધીમે ધીમે એ લોકોથી કટ ઓફ થતો ગયો અને વધારે પડતો ટાઈમ મોબાઈલ સાથે ગાળતો ગયો એની પાછળનું કારણ હવે સમજાય છે.’
‘શું?’
‘એ એકલો પડી ગયો હતો. એની સાથે હસવા-બોલવાવાળું કોઈ હતું જ નહીં.’
‘ડોન્ટ વરી. એવરી થિંગ ઈઝ ગોઈંગ ટુ બી નોર્મલ.’
‘થેન્ક્સ સંયુક્તા...’
‘તું આમ વારેઘડીએ થેન્ક્સ ના કહીશ. મિરાજ પહેલા જેવો થઈ જાય ત્યારે કહેજે.’
મેં મોબાઈલમાં ટાઈમ જોયો, ‘ટાઈમ ટૂ ગો હોમ.’
અમે બંને કોફી શોપની પાર્કિંગ સુધી પહોંચ્યા, ત્યાં અચાનક મીત કહેવા લાગ્યો.
‘પહેલા તો મિરાજ અમુક વાતોથી ચિડાતો, અકળાતો અને ક્યારેક ગુસ્સો પણ કરતો. હવે તો એ ચિડાતો નથી, ગુસ્સો પણ નથી કરતો, બહુ શાંત અને ગંભીર બની ગયો છે. ખબર નહીં કંઈ કેટલીય વાતો એણે પોતાની અંદર જ દબાવી રાખી હોય એવું લાગે છે.’ મીતને ધીમે ધીમે મિરાજના વર્તન અને વ્યવહાર માટે અત્યાર સુધી નોટિસ ના થઈ હોય એવી વાતો હવે સમજાતી હોય એમ લાગ્યું.
અમારી મીટિંગથી જો આ દિશામાં એનું વિઝન ખૂલ્યું હોય તો એ મિરાજની પરિસ્થિતિને અને એના પ્રોબ્લેમને સમજવામાં અમને જરૂર હેલ્પફુલ થશે, એવી આશા સાથે મેં મીતને ‘બાય’ કહ્યું.
આ આપણી દુનિયા પણ વિચિત્ર છે. જો કોઈ વધારે ગુસ્સો કરતું હોય તો બધા કહે કે બહુ ગુસ્સો ના કરાય. નાનપણથી જ આવી ટોકટોકથી એક દિવસ એવો આવે કે એ વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રકારની લાગણીઓને વ્યક્ત કરવાનું જ બંધ કરી દે. પરિણામે એની અંદરની આખી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય. એ શાંત પડી જાય. અને ત્યારે એનું એ શાંત પડી ગયેલું વર્તન જ એબનોર્મલ લાગવા લાગે. આવા સમયે એ વ્યક્તિના અંતરમાં વ્યાપેલો અંધકાર પારખવો મુશ્કેલ હોય છે.
હું મારી સ્કૂટી લઈને ઘરે જઈ રહી હતી, ત્યારે મારું મન હ્યુમન સાયકોલોજીના વિવિધ રંગ-રૂપને સમજવામાં વ્યસ્ત બની ગયું. અહંકારનું સ્વરૂપ પણ કેવું કોમ્પ્લિકેટેડ છે ને! જો ચગી જાય તો કોઈને ગણકારે નહીં અને જો ભાંગી પડે તો બીજાનો તો શું પણ પોતાની જાતનો જ સામનો ના કરી શકે.
ઘરે પહોંચતા જ મેં મારી સ્કૂટીને બ્રેક મારી અને મારા વિચારોને પણ ટેમ્પરરી બ્રેક લાગી ગઈ.