Shodh Pratishodh - 10 in Gujarati Classic Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | શોધ પ્રતિશોધ.. - ભાગ 10

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

શોધ પ્રતિશોધ.. - ભાગ 10

Part 10
(ગયા ભાગમાં આપણે જોયું કે લોપા હીરામાસીની બહેનનાં ઘરે કાંદિવલી રોકાવાનું નક્કી કરે છે. વિવાન અને તેની વચ્ચે લાગણીનાં બીજ વવાય ચૂક્યાં છે. નિયા તેડવા આવવાની હોવાથી લોપા સેન્ટ્રલથી કાંદિવલીની લોકલ ટ્રેનમાં બેસે છે. તે વખતે ફરી એક વાર પૃથ્વી ઠક્કર તેનાં દિમાગ પર હાવી બને છે. હવે આગળ..)
લોપા એક પછી એક સ્ટેશન વટાવતી આખરે કાંદિવલી પહોંચે છે. વિવાનની સુચના અનુસાર તે મલાડ આવતાં જ ટ્રેનનાં દરવાજે પહોંચી જાય છે. ટ્રેન થોભતાં ઝડપથી નીચે ઉતરી તે આસપાસ નજર દોડાવે છે. તે નિયાને કૉલ કરવા મોબાઈલ હાથમાં લે છે, ત્યાં જ વિવાન કૉલિંગ ફ્લેશ થાય છે. જે જોઈને એક આછી મુસ્કાન તેનાં ચહેરે ફરકી જાય છે. તે ઝડપથી કૉલ રિસીવ કરી કહે છે,"અરે બાબા, ઉતરી ગઈ છું. ડોન્ટ વરી અને હવે આપ ફોન મૂકો તો નિયાને કૉલ કરું.".."અરે હા, એ જ જે મને લેવા આવવાની છે. ઑકે...બાય....!"

મનમાં તો લોપાને ખૂબ મજા આવતી હતી કે વિવાન તેની આટલી સંભાળ રાખી રહ્યો હતો પણ ઉપરથી એવો દેખાવ કરી રહી હતી કે જાણે તે વાત ટૂંકાવવા માંગે છે. સ્ત્રીઓની આ એક ખૂબી છે કે તેને પોતાની આંતરિક લાગણીઓ છૂપાવી રાખવી હોય છે. દુનિયાથી તો ઠીક પણ પોતાના પ્રિય પાત્રથી પણ! જોકે એક વાત એ પણ હતી કે લોપા પોતે અહીં શા માટે આવી છે? તે ભૂલી નથી. એટલામાં નિયાનો કૉલ આવે છે જે લોપાથી ત્રણ ફૂટ દૂર તેને શોધી રહી હતી. તે તરતજ લોપા પાસે આવી તેને ભેટે છે. લોપા અજાણ્યા શહેરમાં અજાણી યુવતી પાસેથી આવી અનપેક્ષિત લાગણી મેળવી રાહત અનુભવે છે. બંને નિયાનાં સ્કૂટરમાં બેસી ઘરે પહોંચે છે, જ્યાં હીરામાસીનાં બહેન સુધા બંનેની રાહ જોતાં બેઠાં હતાં. નાનકડો પણ એકદમ સ્વચ્છ અને સુઘડ ફ્લેટ હતો.

મુંબઈનાં એપાર્ટમેન્ટમાં હોય તેવો નાનો હૉલ હતો. જેમાં સોફાસેટ, કાચની નાની ટિપોઇ, ખુરશી વગેરે સરસ રીતે ગોઠવેલ હતું. હસતાં ચહેરાવાળા ફેમિલી ફોટામાં ઘડિયાળનો સમય પણ જાણે ખુશ થઈ હસી રહ્યો હતો. લેમનયલો કલરની દિવાલ પર નાનકડું એલ.ઈ.ડી.ટી.વી. આસપાસ કરેલાં વૂડન ફર્નિચરને લીધે મંડપ વચ્ચે બેઠેલી દુલ્હન જેવું સોહામણું લાગી રહ્યું હતું. લોપાને જોઈ કિચનમાં નાસ્તો બનાવી રહેલાં સુધાબેન નેપકીનથી હાથ લૂછતાં તરત બહાર આવ્યાં. લોપાએ તેમને ઝૂકીને પ્રણામ કરવા ગઈ તો તરત જ તેને બાથમાં ભરી કહ્યું, "અરે બેટા! દીકરીઓ પગે ન લાગે હો." લોપાને તેમાં હીરામાસીની જ પ્રતિકૃતિ દેખાતી હતી. તેને એકદમ પોતાની ઘરે આવી હોય તેવું સુકૂન મહેસૂસ થયું.


લોપા નાહીને ફ્રેશ થઈને આવી તો નિયાએ તરત જ કહ્યું, "લોપા, યુ આર સો મચ બ્યુટિફૂલ..રિયલી..!" "થેંકસ ડિયર" લોપાનો ચહેરો ગુલાબી થયો. બધાંએ સાથે મળીને થેપલાં, સૂકીભાજી, રાયવાળા મરચાં, દહીં વગેરે નાસ્તાને ન્યાય આપ્યો. સુધાએ આદુ નાખીને બનાવેલ ચા પીને લોપાને એકદમ સ્ફૂર્તિ જેવું લાગ્યું. તેણે કહ્યું, " સુધામાસી, તમારા હાથની ચામાં મારા મમ્મી જેવો જ સ્વાદ છે. થેપલાં ખાતી વખતે પણ મા બહુ યાદ આવી, તેના જેવો જ તમારા હાથમાં પણ જાદુ છે."

લોપાની આંખો ભીની જોઈ સુધાનું મન પણ ભીનું થઈ ગયું. તેણે કહ્યું, " લોપા બેટા, આમ તો હીરાએ મને અચલાદીદીની બધી વાત કહી જ છે. સાથે એ પણ સુચના આપી છે કે હું તને બહુ પરેશાન ન કરું..આડુ-અવળું પૂછીને! પણ તને મારી કે નિયાની કોઈ પણ બાબતે જરૂર પડે તો ચોક્કસ કહેજે."

"તમારા આટલાં લાગણીભર્યા વ્યવહારથી આજે મન નિશ્ચિત થઈ ગયું છે કે આ અજાણ્યા શહેરમાં મારું કોઈ છે. મારે તમારી કે નિયાની મદદની જરૂર પડશે તો હું જરૂર કહીશ માસી. થેંકસ નિયા." લોપા બોલી.

"હવે તું પેલાં રૂમમાં આરામ કર. તારી આંખો કહે છે કે તું રાતે સૂઈ નથી શકી. તે નિયાનો રૂમ છે. તને ફાવશે ને?" સુધા બોલી.

"હા, માસી. ફાવે જ ને. મારા માટે જમવાનું બહુ થોડું બનાવજો. અત્યારે જ બહુ હેવી બ્રેકફાસ્ટ થઈ ગયો છે."
"હા, તો ઓન્લી ગરમાગરમ દાળભાત મમા કે હાથ સે! ચલેગા?"નિયા બોલી
"નહીં...દૌડેગા.." ને જાણે બેયને વર્ષોની દોસ્તી હોય એમ સામસામે તાલી દીધી અને લોપા સુવા માટે ગઈ.

નાનો પણ સ્વચ્છ રૂમ હતો. ચાદર પર એક પણ શળ ન હતી. બેડની સામેની દિવાલ પર નિયાએ શાહરૂખ ખાનનાં અલગ-અલગ પોસ્ટર લગાવેલાં હતાં. જે તેનો ફેવરિટ હશે તે વાતની સાબિતી આપતાં હતાં. લોપાએ વિચાર્યુ કે મારો તો કોઈ હીરો ફેવરિટ જ ન બન્યો. મને કોઈ એવું ગમ્યું જ નહીં ને! ત્યાં તેને વિવાન નજર સમક્ષ તરવરી રહ્યો. તેને યાદ આવ્યું કે તે વિવાનને કૉલ કરતા તો ભૂલી જ ગઈ. મોબાઈલ ખોલ્યો તો અધધધ...પોતે ચાર્જિંગમાં સાયલન્ટ કરીને મૂકેલાં મોબાઈલમાં વિવાનનાં પાંચ મિસ્ડકૉલ અને દર દસ મિનિટે કરેલાં કેટલાંય મેસેજ....! લોપાનો ચહેરો ફરી મલકી ગયો.

તેણે વિવાનને કૉલ કર્યો. એક જ રિંગ ગઈ ને ઉપડી પણ ગયો. વિવાન સીધો વરસી જ પડ્યો." લોપા, તમને ખબર છે હું કેવો ટેન્શનમાં આવી ગયેલો? અરે યાર ...ફોન તો ઉપાડાય ને? આમ કોઈને બી.પી.નાં પેશન્ટ બનાવીને છોડશો? હજુ વધારે વાર લાગી હોત તો..."

"તો શું થાત, વિવાન?" લોપાને બહુ મજા આવી વિવાનને આમ ઝઘડતો જોઈને.

"તો શું...તો મને એટેક આવી જાત ...!"

લોપા આ સાંભળી એકદમ ગંભીર બની ગઈ. તેણે કહ્યું, "પ્લીઝ વિવાન...આઈ એમ રિઅલી સોરી...બટ આવું ન બોલો."

એક મિનિટની ચૂપકીદી છવાઈ ગઈ બંને તરફ. પછી વિવાન મૌન તોડતાં બોલ્યો,"ઑકે મેમ માફ કિયા .. બટ એક શર્તપે!"
"હમમ.."
"કલ શામ છે બજે બોરીવલી આના હોગા...હમારે સાથ કોફી કે લિયે.."વિવાન નટખટ અંદાજે બોલ્યો.

લોપા ફરી હસી પડી. પછી બોલી "ઠીક છે. મળીએ કાલે. બાય."

પછી લોપાએ મોબાઈલ પર તેની શોધ પૃથ્વી ઠક્કર પર સર્ચ કર્યું અને મનોમન હવે પછી તેને કેમ મળવું તેના પર વિચાર કરતા-કરતા જ સૂઈ ગઈ.
ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં '...