Well - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | કૂવો - સમીક્ષા

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

કૂવો - સમીક્ષા

પુસ્તકનું નામ:- કૂવો

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

અશોકપુરી ગોસ્વામીને તેમની નવલકથા કૂવો માટે ૧૯૯૭માં ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ ૧૭ ઑગસ્ટ ૧૯૪૭ ના દિવસે ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી અને કમલાબહેનને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદ નજીક અશી ગામનો વતની હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ કરતી વખતે તેમની પ્રથમ કવિતા લખી હતી. તેમની ગઝલો પ્રથમ કવિલોકમાં પ્રકાશિત થઈ હતી, અને ત્યાર પછી કુમાર, શબ્દસૃષ્ટિ અને નવનીત સમર્પણ સહિત અન્ય ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ હતી. 

અર્થાત્  અને કાલિંગ એ તેમના ગઝલ સંગ્રહો છે. મૂળ નામની તેમની પ્રથમ નવલકથા ૧૯૯૦ માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ કૂવો (૧૯૯૪), નિભાડો (૧૯૯૫), વેધ (૧૯૯૯) અમે (૨૦૧૫) અને ગજરા પ્રકાશિત થઈ . રાવરવાટ (1994) એ તેમની આત્મકથા છે. તેમણે વિણેલા મોતી (1995) નામના વાર્તા સંગ્રહનું સંપાદન કર્યું છે. બિન-નિવાસી ભારતીયો માટે પ્રકાશિત સાહિત્યિક સામયિક સેતુ (૨૦૦૩) અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલા અધિવેશન પ્રસંગે ચરોતર વિદ્યા મંડળ દ્વારા પ્રકાશિત રૂપલબ્ધી (૨૦૦૫)નું પણ સંપાદન કર્યું. દિલીપ રમેશના હિન્દી નાટક, ખંડ ખંડ અગ્નિનું ભાષાંતર પણ તેમણે કર્યું છે. તેમણે ૧૯૯૫ માં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અને ૧૯૯૬ માં તેમની નવલકથા નિભાડો (1995) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર પણ મેળવ્યો હતો. 

 

 

પુસ્તક વિશેષ:- 

પુસ્તકનું નામ : કૂવો

લેખક : અશોકપુરી ગોસ્વામી

પ્રકાશક : આર.આર.શેઠની કંપની

કિંમત : 225 ₹.

પૃષ્ઠ સંખ્યા : 208

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. મુખપૃષ્ઠ પર કૂવો અને કૂવામાં ગર્ત થતી નારીનું મુખચિત્ર અંકિત છે. બેક કવર પેજ પર ટૂંકી પ્રસ્તાવના છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

૫૦ પ્રકરણ અને ૨૮૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી ‘કૂવો’ નવલકથા વસ્તુ અને વસ્તુસંકલનાની દ્રષ્ટિએ સબળ કૃતિ છે. ખેતરનો ખોળો ખૂંદતા ખેડૂતવર્ગ અને તેની સાથે થતા અન્યાય, શોષણ અને અત્યાચાર તથા તેની સામે અવાજ ઉઠાવતી ખેડૂત પત્ની દરિયાની આ કથા છે. આમ, તો આ નવલકથાને કોસ, મશીન અને કૂવોને ત્રણ ખંડોમાં વહેંચી શકાય. વંશવેલાથી મુખી અને ડુંગરના ખેતરના પરિવાર વચ્ચે-ભાગિયો કૂવો હોય છે. કૂવો ડુંગરના ખેતરમાં છે અને મહિનાના વીસ દિવસે ડુંગરના ખેતરમાં અને દસ દિવસ મુખીના ખેતરમાં કોસનું પાણી વહેંચવાનું લખાણ છે. પરંતુ મુખી કોસ આપવા બાબતે આડોડાઈ કરે છે, પોતાની સત્તાના જોરે મન ફાવે તેટલા દિવસ કૂવે પોતાનો કોસ જોડે, અધવચ્ચે ડૂંગરને પોતાના ખેતર પર કામ કરવા બોલાવે, એટલું જ નહીં પણ કૂવાના થાળાનું સમારકામ કરવાનો ખર્ચ પણ ડૂંગરને જ ભોગવવો પડે છે. સર્જકે નવલકથાની શરૂઆતમાં આ અન્યાયી પરિસ્થિતિ મૂકી આપી છે. ને આ કરોળિયાના જાળા જેવી પરિસ્થિતિમાંથી પ્રસંગોના તાર કાઢીને સર્જકે નવલકથાનું જાળું ગુંથ્યું છે.

અહીં આ પરિસ્થિતિ ડુંગરે તો સ્વીકારી લીઘેલી છે પરંતુ દરિયા તો નોખી માટીમાંથી ઘડાયેલી નારી છે. તે અન્યાયની સામે વાવાઝોડાની જેમ ફુંકાય છે. એની વાણી અને વર્તનમાં અન્યાયનો પ્રતિકાર અભિવ્યક્ત થાય છે. 

ડુંગર મુખી સામે આંખ ઊંચી કરે છે. એને પોતાના શારીરિક બળે દબાવે છે. પોતાના ખેતરમાં મશીન મૂકવાની બધી તૈયારીઓ કરી લે છે અને નવું મશીન લઇ પણ આવે છે. આ દરેક બાબતમાં દરિયા તેની સાથે છે – માનસિક, શારીરિક અને આર્થિક દૃષ્ટિએ પણ નવલકથામાં ટેકનિકલ રીતે નારીવાદી લક્ષણો દેખાવાનાં હવે શરુ થાય છે. અદેખા મુખીનો વસ્તો એક રાતે ખેતરમાં રખોપું કરી રહેલા દરિયા અને ડુંગરને દબોચે છે. વસ્તો અને તેના માણસો મળીને બંને પર પાશવીપણાની હદે શારીરિક અત્યાચાર કરે છે. આ સમગ્ર આત્યાચારનો સાક્ષી છે ખેતરમાંનો કૂવો. ડુંગરનું મગજ અને મન આ અત્યાચાર સહન કરી શકતું નથી અને તળપદી ભાષામાં 'ગોંડો' એટલે ગાંડપણનાં લક્ષણો તેનામાં પ્રવેશી જાય છે. પતિને માનસિક રીતે ભાંગેલો જોઇને અસહ્ય વેદનાગ્રસ્ત હોવા છતાં દરિયા ઊભી થાય છે. પતિને જાગતો કરવા, પતિનાં સપનાને જાગતા કરે છે. હવે આ ઘટના તો આપણા સમાજની દૃષ્ટિએ વિચિત્ર થઇ ગઈ કહેવાય કે પતિ બીમાર છે અને તેની સેવા કરવાની જગ્યાએ દરિયા તો ખેતરમાં જાય છે. કામ કરે છે અને ઘરનું ભરણપોષણ કરે છે ! આ આખો કંકાસ જેના લીધે ઊભો થયો છે તે પેલો કૂવો છે એમ દરિયા માને છે. અને જૂના એ કૂવાને પૂરીને નવો જ કૂવો બનાવવાની હામ ભરે છે.

નવો 'કૂવો' ખોદાયો તેમાં મીઠાં જળ પણ આવ્યાં અને મશીન પણ મૂકાયું અને પાણીનો ધોધ પણ ખેતરમાં વહ્યો. આ બધી ઘટનાઓ પ્રતીકાત્મક બની રહે છે. સમાજ સ્ત્રી અને પુરુષ બંનેની હિંમત અને સમજથી ઉજળો બને છે. 'કૂવો' પોતાના પેટાળમાં કેટલુંય જળ ધરબીને બેઠો છે એમ નારી પોતાના હૃદયમાં કેટલીય વેદના, યાતના અને શોષણ ધરબીને બેઠી છે છતાં બહાર તો મીઠું જળ જ લાવે છે !

 

શીર્ષક:- 

આખીય કથા કૂવાની આસપાસ ગૂંથાયેલી છે તેથી આ શીર્ષક સર્વથા યોગ્ય છે.

 

પાત્રરચના:-

પાત્રાલેખનની દ્રષ્ટિએ સર્જક અહીં ઘણા સભાન જણાય છે. નવલકથાના તમામ પાત્રો માનવ સહજ ક્રિયાઓ કરતા જણાય છે, પરિસ્થિતિને વશ ન થતાં તેનો સામનો કરે છે પરંતુ તેમાં પણ સર્જકે કોઈ પાત્રને દેવત્વ અર્પવાનો વ્યર્થ પ્રયત્ન નથી કર્યો, તમામ પાત્રોને આપમેળે વિકસાવવાનો અવકાશ પૂરો પાડ્યો છે. મૂળે આ નવલકથા નાયિકાકેન્દ્રી છે. દરિયા તેની નાયિકા છે. અને તેના સંઘર્ષની આસપાસ નવલકથાની ઘટનાઓના તાણાવાણા ગુંથાયા છે. ઉપરાંત મુખી, ડુંગર, દાજી, ત્રંબક, ગામની સ્ત્રીઓ વગેરે ગૌણ પાત્રો પણ કથામાં પ્રાણ પૂરે છે. 

 

સંવાદો/વર્ણન:-

નારીકેન્દ્રી કથામાં નાયિકાના મુખે શું સંવાદો મૂક્યા છે લેખકે!

“તેમને કંઈ ભોનબોંન સે કે નહીં ? ચ્યોં હુધી આમ બેહી રેશો ?... મફાના બાપુ તમ ઢીલાપોચા તો ખરા, નેંતર મગદૂર છે એમની કે આપડા ખેતરમાં કૂવો અને આપડા જ ખેતરાં તરસ્યાં રે !” 

“મૂંગા ઢોરને માર્યા કરતાં પોંણી હોય તો બાઝોને એલ્યા ખૂંદિયા હોમે. પાંચ્છેર દૂધ ઢળી ગયું એમાં જેને આટલું ચચરતું હોય એનાથી આંખ આગળ રોકાઈ જતા બપૈયા જોઈને બર્યું ખાવુંય ચ્યમ ભાવે ? બઉ જોર હોય તો મુખીનો કોસ બંધ કરાઈ અને આપડો જોડો તાર ખરાં જોણું. આ બચારા ઢોરનો શું વાંક ?” 

“એ તમારી વાત ખરી પણ આગળપાછળનો વચાર કરવો પડે. વગર જોંણે- કર્યે ભોંણિયો લાઈ અનં બેહી જઈએ, પછ્ય જિંગી પાલવ્વો પડે. પણ એક કોમ કરો ; જાં મશીન ચાલતું હોય તાં જોઈ આવો, વેરાં ખોટી થઈ ઘણીને પૂછીગાછીને બધું પાકે પાયે જોંણી લાવો. પછય પાવે એમ લાગે તો લાવવાનો નૈંણય પાકો કરો. મશીન લાવતા પહેલાં તમં એના જાણકાર તઈ જાઓ એક વાર. ચેવું સે મશીન ? ચેવું હેંડે સે ? ચ્યમનું પોંણી કાઢે સે ? ચેટલામાં આવે છે ?અનં ચેટલો ખરચ આવે સે ? ખરચનુય વિચારું પડે ને પાછુ આપડે. આ બધાં મશીનો તો પાછા હાથી બાંધ્યા જેવા એના ખરચાય ભારે. હુંય હમજુ સુ કે કોસેથી ખેતરાં પિવાડતાં તમને ઝાઝી આપદા પડે સે અનં તમને મશીનની લગની લાગી સે તો મેલો નં, ચ્યોં ના સે મારી ?” 

“નથ્ય વેચવાનું મશીન. જોઈએ તો ઢોરાં વેચીસ. દરદાગીના કે વાસણકૂસણ વેચીસ ; પણ મસીન તો નં ઈ જ.” 

“મન એ વાતે હગડગ સે કે રડું તો હું ઘઉંને રડું  કે ભવને ? એક કોર મોટી તકરાર અનં એકકોર મોંદો ભરથાર, સું કરું ?”

 

લેખનશૈલી:-

ગામડાંનો સમાજ, ખેતી ખેતરસીમનું વાતાવરણ, જીવનના દાવ ખેલતાં લોકો સામે સચ્ચાઈથી જીવતાં મનેખોની ભલાઈ – આ બધું સહજ તળપદ ભૂમિકાએ તથા લોકબોલીમાં સારી રીતે આલેખાયું છે. ક્યાંક મેલોડ્રામેટિક વર્ણનો કે પાત્રોની અતિ ગુણિયલતા મર્યાદા બને છે; છતાં ‘કૂવો’ જીવતરનું પ્રતીક બનીને કેટલાક મહત્વના સંકેતો કરે છે. કથાસંકલના, ભાષારચના, ચરિત્રચિત્રણની ર્દષ્ટિએ પણ આ નવલકથા ધ્યાનપાત્ર છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

'કૂવો’ નવલકથાએ નારીવાદી નવલકથા નથી પરંતુ નારીકેન્દ્રી નવલકથા છે. જેમાં સદ્ અને અસદ્ તત્ત્વોનો સંઘર્ષ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને રીતે જોવા મળે છે, અને નવલકથાને અંતે નાયિકા દરિયાનો વિજય એટલે કે, સદ્તત્ત્વનો વિજય છે જેમાં લેખક અશોકપુરી ગોસ્વામીનો કથાન્યાય જોવા મળે છે.

દરિયાના પાત્ર સંદર્ભે પારુલ રાઠોડ જણાવે છે કે “નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વઘતી અને અંતે વિજયને વરતી દરિયા લોકત્તર નારી બની રહે છે. દરિયાના પાત્રને અસાધારણ કે લોકોત્તર બનાવવા જતાં નવલકથાકાર દરિયામાં લગભગ બધા જ ગુણોનું આરોપણ કરે છે. એને કારણે સર્વગુણ સંપન્ન બની જતી દરિયા માનવીય રહેતી નથી.” 

ડો.કે.એમ.મકવાણા આ સંદર્ભે નોંધે છે કે “અહીં ચડતા-ઉતરતાની માત્રાથી પાઠને મૂલવવા કરતાં કથાની પરિસ્થિતિમાં એ પાત્ર કેટલું બંધબેસતું છે ને તેનું ચરિત્ર વિકાસ ઘડતર બરાબર થયું છે કે કેમ એ જ પૂરતું છે.”

કૂવો નવલકથા હિન્દી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજીમાં પણ અનુવાદિત થઈ છે. ભારતભરમાં, ખાસ કરીને ઉત્તરભારતીય પ્રદેશોમાં એ ખાસ્સી લોકપ્રિય થઈ છે. પં. યોગેન્દ્રનાથે કહ્યું છે, “ઐસી ચોપાલ, ઐસે ખેત ખલિહાન, મુખિયા ઔર મહાજનકી ઐસી ટોલી હમારે વહાં ભી હૈ.” તો મરાઠી વાચકોનો પ્રતિભાવ કંઈક આવો હોવાનું લેખકે એ જ પ્રસ્તાવનામાં નોંધ્યું છે, ‘હી કથા તર આમચી આહે. અરે! હી તર આમચી ભાષા બોલયેત્.’ આ નવલકથા લેખકે એમના દાદાને અર્પણ કરી છે.

 

મુખવાસ:-

અન્યાય અને અત્યાચાર સામે લડતી ને જીતતી સ્ત્રીના સંઘર્ષની કથા એટલે 'કૂવો'.