ghelcha in Gujarati Short Stories by Sagar Mardiya books and stories PDF | ઘેલછા

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઘેલછા



“ઘેલછા”

“આવી ગયા તમે ?” અમોલને ઘરમાં પ્રવેશતાં જોઇને ખુશી બોલી. સોફા પરથી ઉભી થઈ રસોડામાં ગઈ અને અમોલ ફેશ થવા બાથરૂમમાં ઘુસ્યો. અમોલ ફ્રેશ થઈને ડાયનીંગ ટેબલ પર ગોઠવાયો. ખુશીએ જમવાનું પીરસતાં પૂછ્યું , " અમોલ! આમ જરા મારી સામે જુઓ તો, કઈ અલગ લાગે છે ?”

અમોલે ખુશી સામે અછડતી નજરે જોઈ નકારમાં માથું ધુણાવ્યું એટલે ખુશીએ પ્રશ્ન દોહરાવતાં કહ્યું, "જરા ધ્યાનથી જુઓ તો ખબર પડશે." કહેતા મલકી.

અમોલ ચૂપચાપ જમી રહ્યો હતો.ખુશીએ ચહેરા પર લગીર સ્મિત લહેરાવતા કાનના ઝૂમખાને આંગળીથી હલાવ્યા. અમોલે કોળિયો ગળે ઉતારતા ખુશી સામું જોયું અને થોડીવાર માટે તેને અપલક નજરે જોઈ રહ્યો.

જરા આશ્ચર્ય સાથે પૂછ્યું, “ આ બધું શું છે ખુશી?”

“ શું થયું ?”

“ હજુ એક મહિના પહેલાં જ નવા ખરીદેલા છતાં ફરી નવા ખરીદ્યા.”

“આજે માર્કેટમાં થોડી ખરીદી કરવા ગયેલી ત્યાં મારી સહેલી કોમલ મળી ગયેલી. વાતવાતમાં મારી નજર તેના કાન પર પડી. તેને પહેરેલ કાનની નવી બુટી મને ખુબ જ ગમી ગઈ ,એટલે મહિના પહેલાં લીધેલ બુટીના બદલામાં આ નવી લઇ આવી.આમ પણ તે ડિઝાઇન જૂની થઈ ગઇ હતી.”

“ જો ખુશી! રોજ દિવસ બદલે એમ રોજ માર્કેટમાં દરેક વસ્તુની નવી નવી વેરાયટી તો આવવાની જ.” અમોલ ઠંડા સ્વરથી ખુશીને સમજાવવા લાગ્યો. “ નવી વસ્તું જોઇને અંજાઈ જઈએ અને ખરીદી કર્યા રાખીએ તો ખૂટે જ નહી. જરા વિચાર...”

“અમોલ! શું મને કોઈ વસ્તું ગમે તો તે ખરીદવાનો કોઈ અધિકાર નથી.” ખુશીએ વાત કાપતાં સામી દલીલ કરી.

“ વાત અધિકારની નથી, વાત છે દિવસે દિવસે વધતી મોંઘવારીની. આવક ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે.” અમોલ સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમ પણ મધ્યમવર્ગ પોતાની અંદર ધરબાયેલી ઘણી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા રાત દિવસ દોડતો રહે છે, છતાં ક્યારેક પૂરું નથી પડતું. મધ્યમવર્ગ મોંઘવારી અને મજબુરીના પડ વચ્ચે સતત પીસાતો જ રહ્યો છે!!

" મોંઘવારી શું આપણને જ નડે છે. બીજા લોકો કેવી મસ્ત લાઈફ જીવે છે. "

" ખુશી, મોંઘવારી મધ્યમવર્ગને સૌથી વધુ નડતી સમસ્યા છે. રહી વાત બીજા લોકોની તો માણસે હંમેશા પોતાનાથી નીચલા વર્ગને જોવો જોઈએ. ઉપલા વર્ગને જોઈશું તો જિંદગીમાં ઘણું ઘટતું દેખાશે, પરંતુ આપણાથી નીચલા વર્ગને જોઈશું તો ભગવાનનો આભાર માનવાનું મન થશે કે આપણને ઘણું આપ્યું છે. જે મળ્યું છે તેમાં સંતોષ માનવો તે જ સુખી જીવનની ચાવી છે. "

ખુશી ચૂપચાપ સાંભળી રહી. " આવો વિચાર કર્યે રાખીએ તો કોઈ દિવસ આગળ જ ન વધી શકીએ." મનમાં બબડી.

" ખુશી! હું તને વસ્તુ લેવાની નાં નથી કહેતો, પણ આ બાહ્ય દેખાવ કરવાનો કોઈ જ ફાયદો નથી."

" તમને શું લાગે છે? " ખુશી ભડકી. " હું બાહ્ય દેખાવ કરું છું એમ. "

અમોલ કશું બોલ્યાં વિના ઉભો થઈ ગયો.

" બોલોને. "

અમોલ સમજાવીને થાક્યો હતો. તે સીધો બેડરૂમમાં જઈ લંબાયો. ખુશી પણ એકદમ ગુસ્સામાં પગ પછાડતી ઉભી થઈ બધું સમેટવા લાગી.

ખુશી એક મોજ-મસ્તીથી જીવનારી છોકરી હતી તો, અમોલ સાવ સીધો- સાદો. સીધો -સાદો એટલે એવું નહોતું કે તેને કોઈ ઈચ્છા નહોતી. ઈચ્છા તો ઘણી હતી ,પરંતુ તે પૂરી કરવાનો પ્રયત્ન તો કરતો, પરંતુ તેની ઈચ્છાઓ પરિવારની જવાબદારીઓ તળે દબાઈ જતી હતી!

*********

(પંદર દિવસ બાદ)

અમોલ નાસ્તાની રાહે બેઠો હતો. ઘણીવાર થઈ છતાં ખુશી રસોડામાંથી બહાર નાં આવી એટલે રિસ્ટવોચમાં નજર નાંખતા બોલ્યો, “ ખુશી! કેટલી વાર? મારે દુકાને જવાનું મોડું થાય છે.”

ટીફીન બોક્સ અને નાસ્તો લઇ ડાયનીંગ પર મુકતા જ બોલી, " બે હજાર રૂપિયા આપજો ને.”

ખુશીના શબ્દો સાંભળતાં ચાનો કપ હોંઠ સુધી પહોંચતાં પહોંચતાં અટકી ગયો.

“બે હજાર? આટલાં બધાં રૂપિયાની અચાનક કેમ જરૂર પડી?” અમોલે પૂછ્યું.

“ ના. એ તો ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે એટલે જોઈએ છે.” તેણીએ ચોખવટ કરી.

“ ઠીક છે.” ખિસ્સામાંથી પૈસા કાઢી આપતાં કહ્યું, “ જરૂરી હોય તે જ ખરીદ્જે.”

“તમને શું લાગે છે? હું જીવનજરૂરિયાતની વસ્તુ સિવાય બીજે પૈસા ખર્ચું છું.”

“ જો ખુશી મારો કહેવાનો એવો મતલબ નથી.” અમોલ અત્યારે ઝઘડો કરવાના મૂડમાં નહોતો.

“તો તમે કહેવા શું માંગો છો?”

“ સાંભળ, હું એટલું જ કહેવા માંગું છું કે થોડા પૈસાની બચત કર.”

“ બચત કરી કરીને તો ઘર ચલાવું છું.” ખુશી મનમાં બબડી.

અમોલ ટીફીન લઈને ઘરની બહાર નીકળી ગયો. અમોલનું બાઈક રસ્તા પર ટ્રાફિકને ચીરતું સડસડાટ દોડી રહ્યું હતું. તેનાથી બમણી ગતિએ તેના મગજમાં વિચારોનું વંટોળ ચડ્યું હતું. અમોલ એવું માનતો હતો કે, “પૈસાની થોડી બચત કરવી જોઈએ. કારણકે મધ્યમવર્ગની આજની બચત જ તેની મરણમૂડી છે!!" સામે ખુશી એવું માનતી કે, “ જિંદગી મળી છે તો મોજથી જીવી લેવાની.” બન્ને પોતપોતાની જગ્યાએ સાચા હતાં, પણ અમોલનો વિચાર વાજબી હતો. કેમકે જિંદગી મોજથી જીવવી જોઈએ ,પરંતુ સાથે આપણી પરિસ્થિતિનું પણ ભાન હોવું જોઈએ!

અમોલે બાઈક એક દુકાન સામે ઉભું રાખ્યું. બોર્ડ પર નજર નાખી. “ખુશી ડ્રેસ સેન્ટર.” અમોલે ત્રણ વર્ષ પહેલાં જ આ ધંધો શરુ કરેલો. અમોલ અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલો. તેના પિતાનું નિધન તો તે માંડ દસેક વર્ષનો હતો ત્યારે જ થઈ ગયેલું. માએ રાત- દિવસ કાળીમજુરી કરી તેને ભણાવ્યો. દસમાં ધોરણમાં ફેલ થયો અને તેનું ભણવામાંથી મન ઉઠી ગયું. ભણવાનું છોડી તે એક શેઠની દુકાનમાં કામે લાગી ગયો. તેની કામ કરવાની ધગશ અને ઈમાનદારીથી શેઠ ખૂબ જ ખુશ થયાં.

સમય જતાં અમોલની પરિસ્થિતિ થોડી સુધરી. મહેનત કરી બચાવેલ પૈસામાંથી તેને પોતાની દુકાન ખોલવાની વાત માને કરી. તેની માએ સમંતિ આપી અને શેઠે પણ થોડી મદદ કરી. થોડા સમયમાં તેના લગ્ન થયાં. અમોલની દુકાન અને પત્નીનું નામ બન્ને એક, તેના માટે એક સયોંગ જેવી જ વાત હતી!!

લગ્નનાં થોડાંક મહિના તો બધું ઠીકઠાક ચાલ્યું,પણ થોડા સમય બાદ ખુશીને તેની સાસુની સલાહ ટકટક લાગવાં માંડી. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યાં. શાંત સ્વભાવનો અમોલ સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ બધું પાણીમાં. એક દિવસ અમોલની માતાને હુમલો આવ્યો અને સ્વર્ગે સિધાવ્યા.

સમય સાથે પરિસ્થિતિ બદલાઈ, પરંતુ ખુશી નહોતી બદલાઈ. થોડા જમા કરેલ પૈસાથી ટોકન આપી અમોલે નવો ફ્લેટ ખરીદેલો. અમોલની અનિચ્છા છતાં ખુશીને કારણે તેણે થોડું ઘણું ફર્નીચર પણ કરાવ્યું. એક તો ફ્લેટના હપ્તા તેમાં થોડો બોજ વધ્યો, છતાં અમોલે ખુશીને ખુશ રાખવા માટે તે બોજ પણ સહન કરી લીધો!

***********

(બે-ત્રણ મહિના બાદ)

સાંજના છ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો હતો. તે બધા માટે અચરજની વાત હતી, કારણકે ભર ઉનાળે આ વરસાદ ચોમાસુ બેસી ગયું હોય તેવો અહેસાસ કરાવતો હતો. સાંજના દસ વાગી ચૂક્યા હતાં. સતત ત્રણ -ચાર કલાકથી વરસી રહેલ વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી હતી, પરંતુ શહેરના એક ઘરના બેડરૂમમાં માહોલ જરા ગરમાયો હતો.

છેલ્લી અડધી કલાકનાં વિવાદ બાદ બન્ને પતિ -પત્નીએ મૌન ધારણ કરી લીધું હતું. અમોલ સામે ટીંગાડેલ વોલક્લોકમાં એકીટશે જોઈ રહ્યો હતો. ખુશી પડખું ફરીને સુવાનો પ્રયત્ન કરી રહી હતી. વાકયુદ્ધ તો સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ બન્નેનાં મગજમાં એક તુમુલ યુદ્વ શરું થયું હતું. ખુશીએ આંખો બંધ કરી સુવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની આંખો સામે થોડાં કલાકો પહેલાંનો ઘટનાંક્રમ દેખાવા લાગ્યો.

" આજે પણ મોડું થઈ ગયું. " આમતેમ આંટા મારતી ઘડિયાળ સામું જોઈ ખુશી ફરી બબડી, " ક્યાં રોકાઈ ગયા હશે? કહ્યું હતું કે આજે તો સમયસર ઘરે આવી જજો. "

આમતેમ આંટા મારી થાકી સોફા પર બેઠી. ઘડિયાળનાં ટકોરાનો અવાજ કાને અથડાયો.ખુશીની નજર ઘડિયાળ પર પડી અને એક ઊંડો શ્વાસ છોડ્યો. સાંજના આઠ વાગી ચૂક્યા હતાં. ખુશી પોતાની જાતને કોશવા લાગી. આજે તેની મેરેજ એનિવર્સરી હતી. ખુશીએ સાંજે બહાર જમવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તે માટે તેમણે અમોલને પણ સાત વાગ્યે આવી જવાનું કહેલું,પણ તે હજુ આવ્યો નહોતો. પોતે વહેલી તૈયાર થઈને રાહ જોઈને બેઠી હતી.

ડોરબેલનો અવાજ સંભળાયો. ખુશીએ દરવાજો ખોલ્યો. અમોલ ઘરમાં પ્રવેશ્યો કે તરત જ ખુશી તેનાં પર વરસી પડી. " મેં તમને સવારે કહેલું, છતાં પણ.... "

" સોરી. ખુશી મારી વાત સાંભળ. " તેની વાત કાપતાં અમોલ બોલ્યો.

" કેટલાં વાગ્યાં? " ઘડિયાળ તરફ આંગળી ચીંધી તે બોલી.

" મને ખબર છે કે મારે મોડું થઈ ગયું, પણ તને તો ખબર છે કે કામ કેટલું જરૂરી છે. " અમોલ સમજવવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

" કામ તો રોજ કરવું જ છે ને." અમોલ સામું વેધક નજરે જોઈ બોલી, " ક્યારેક પોતાનાં અને પત્ની માટે સમય કાઢવો જોઈએ કે નહીં. "

" જો અત્યારે હું ખૂબ થાકી ગયો છું. પ્લીઝ, આજે રહેવા દે. ફરી ક્યારેક જઈશું. " કહેતા તે ફટાફટ બાથરૂમમાં ઘૂસ્યો.

ખુશી પણ પગ પછાડતા રસોડામાં જઈ રસોઈ બનાવવા માંડી.

જમીને અમોલ બેડ પર લંબાયો. રસોડાનું કામકાજ પતાવી ખુશી બેડરૂમમાં આવી. અમોલ પાસે બેઠી. અમોલે તેની સામે જોયું તો હજુ ઘણાં સવાલો તેની આંખોમાં દેખાયા.

" અમોલ, આજે તો વહેલું આવવું હતું ને.આજે પણ મોડું કેમ?" ખુશી વિવાદ કરવાના મૂડમાં હતી.

" કેટલીવાર તને કહું. આજે દુકાનમાં એટલું બધું કામ હતું કે બપોરે બરાબર જમ્યો પણ નથી. જે માલની ડિલિવરી સાંજે ચાર વાગ્યે આવવાની હતી તે છેક સાંજે સાડા છ પછી આવી. તેમાં મોડું થઈ ગયું. " અમોલનાં અવાજમાં ગુસ્સો ઉમેરાયો. કારણકે આજ તો અમોલની સહનશક્તિની પણ જાણે સીમા આવી ગઇ હતી.

" તો એક ફોન તો કરી શકતા હતાને. "

" ફોન..." અમોલ હવે બરાબરનો ગુસ્સે ભરાયો, "હવે હું મારું કામકાજ છોડીને તને ફોન કરવાં બેસું. જાણે મારી નીચે ચાર -પાંચ માણસ કામ કરતા હોય અને હું એયને આરામ ફરમાવતો હોઉં. કોક દિવસ દુકાને આવે તો ખબર પડે. સ્ત્રીઓ લ્યે એક ડ્રેસ પણ આખી દુકાન ફંફોસાવે. કલર ગમે તો ડિઝાઇન નાં ગમે, ડિઝાઇન ગમે તો માપનો નાં હોય અને માપનો હોય તો ભાવ નાં પરવડે. માથું ફરી જાય ત્યારે માંડ ચાર-પાંચ ડ્રેસ વહેંચાય. સમજી."

" તમે વાતને ક્યાંની ક્યાં લઇ જાઓ છો? મેં તમને સવારે જ કહેલું કે સાંજે આપણો પ્રોગ્રામ ફિક્સ છે. "

" તું શું ઈચ્છે છે? હું કામધંધો છોડીને તારી બધી ઈચ્છા પુરી કરતો રહું?!" અમોલનો ગુસ્સો વધતો જતો હતો.

" મારી ઈચ્છા...કઈ ઈચ્છા મારી પુરી કરી તમે બોલો... બોલોને... હું એકલી તો મોજશોખ નથી કરતીને? "

" બધી ઈચ્છાઓ તને જ થાય છે. હમણાં પંદર દિવસ પહેલા તારો બર્થડે હતો, તે દિવસે શું પ્લાન બનાવેલો... " યાદ કરીને આગળ બોલ્યો, " સાંજે જમવાનું અને ફિલ્મ જોવાનું. એના થોડાંક મહિના પહેલા તારા મમ્મી -પપ્પાની મેરેજ એનિવર્સરી પર પણ પ્લાન બનાવ્યો હતો. આ બધી તારી જ ઈચ્છાઓ થઈ કે મારી?... "

" તો એમાં તમે પણ સાથે જલસો કરો જ છો ને. "

" ખુશી! બસ હવે બહું થયું. હું કોઈ પૈસાદાર બાપનો દીકરો નથી કે પૈસા ઉડાવ્યે રાખું. આ ફ્લેટનાં હપ્તા પણ હજુ ભરાયા નથી. કામધંધો થાય તેમાંથી હપ્તો, લાઈટબીલ, ગેસબીલ આ બધું ચૂકવવામાં પૈસા ક્યારે ખતમ થઈ જાય છે તેનું તને ભાન છે. એકવાત કાન ખોલીને સાંભળી લે દુનિયાની સાથે કદમ મિલાવી ચાલવું જરૂરી છે, પણ સાથે આપણી પરિસ્થિતિ જોવી પણ જરૂરી છે! "

" મતલબ કે હું ખર્ચા જ કર્યે રાખું છું એમને? "

" તારે જે સમજવું હોય તે. મારે હવે ચર્ચા નથી કરવી. માફ કર મને. " બે હાથ જોડતા અમોલ બોલ્યો અને મૂક બની સામેની દીવાલ પર ટીંગાડેલ ઘડિયાળ સામું જોવા લાગ્યો.


ખુશીએ પાછું ફરી જોયું તો અમોલ ચૂપચાપ ઘડિયાળ સામું અનિમેષ જોઈ રહ્યો હતો. ખુશી પડખું ફરી સુવાનો પ્રયત્ન કરવાં લાગી. અને મનોમન વિચાર કરવાં લાગી.' હું શું મારી ખુશી માટે જ આયોજન કરું છું.મને પણ ખબર છે કે દુકાનમાં ઘણું કામ હોય છે. ઘરના ખર્ચા છે, પણ સાથે જિંદગી પણ તો છે જ ને મોજ મસ્તીથી જીવવા માટે! હું ક્યાં તેમને ફાઈવસ્ટાર હોટલમાં લઈ જવા માટે કહું છું, પણ મારી વાત સમજાય તો ને...'

બીજી તરફ અમોલ પણ કંઈક આવો જ વિચાર કરી રહ્યો હતો. 'ખુશી, હું આ તનતોડ મહેનત કરું છું તે તારી અને આપણાં આવનાર બાળકની ખુશી માટે જ કરું છું. હા તે જયારે મને એકદમ ખુશ થતા આ વાત જણાવેલ ત્યારે જ મેં નક્કી કરેલું કે,'હું રાત -દિવસ મહેનત કરીશ. જેથી આપણાં બાળકને સારામાં સારી પરવરીશ મળે. સારુ શિક્ષણ, તેણે જોઈતી તમામ વસ્તુ. માટે જ હું પૈસા બચાવવા માટે બહાર જમવાનું, ફરવાનું ટાળું છું. કાશ તું મારી વાતને સમજી સકતી હોત!...'

*********

બીજા દિવસની સવારે ખુશી ચૂપચાપ ઘરનું કામ કરી રહી હતી. અમોલ દુકાને ગયો, પણ આજે તેનું કામમાં ક્યાંય મન નહોતું લાગતું. ગઈકાલ રાતની વાત યાદ આવતી હતી. તેનાં મગજમાં સુનકાર વ્યાપી ગયો હતો. ખુશીની ઈચ્છા પુરી કરતા કરતા તે થાકી ગયો હતો અને તે કાયમ ઉભી રહેતી પૈસાની અછતથી પણ કંટાળી ચૂક્યો હતો. તેને પણ થતું હતું કે 'કાશ તે પૈસાદાર હોત તો આ ઝંઝટમાંથી મુક્ત હોત!'

સ્ત્રીઓનો અવાજ સાંભળી તે વર્તમાનમાં આવ્યો અને કામમાં પરોવાયો.

મોબાઈલનાં એલાર્મનાં અવાજથી ખુશીની તંદ્રા તૂટી. ઘડિયાળમાં જોયું તો સાંજના ચાર વાગી ગયા હતાં. બગાસું ખાતા પથારીમાંથી ઉભા થઈ બારી ખોલી. ઉનાળો હોવા છતાં આજે ધુમ્મ્સભર્યું વાતાવરણ હતું.

સોફા પર બેસી ચા પીતા પીતા ટીવી ઓન કર્યું. ત્યાં તેનો ફોન રણક્યો. સ્ક્રીનમાં નામ જોયું તો તેની ફ્રેન્ડનો હતો.

" સોરી કોમલ, આજે શોપિંગ કરવાં નહીં આવી શકું."
......

" હા ગઈકાલે સાંજે ઝઘડો થયો. કાંઈ નહીં બસ મેરેજ એનિવર્સરી હોવાથી જમવાનો પ્રોગ્રામ બનાવ્યો, પણ આવ્યા મોડા. પૂછ્યું તો ઝઘડો કરવાં લાગ્યા. "
.....

" ઠીક છે તું જઈ આવ. " કોઈ અન્ય વ્યક્તિનો કોલ આવી રહ્યો હતો. " હું તને પછી ફોન કરીશ. બીજો કોલ આવી રહ્યો છે. " તેણે ફોન કટ કર્યો. અજાણ્યા નંબર પરથી આવતાં કોલની રિંગ પુરી થઈ. ' કામ હશે તો ફોન કરશે ' વિચારી ફોન ટિપોઈ પર મુકવા ગઇ, ત્યાં ફરી ફોન રણક્યો. ખુશીએ કોલ રિસીવ કર્યો. સામેથી જે કહેવાયું તે સાંભળી ખુશીના પગતળેથી જમીન ખસી ગઇ. તે એકાએક સોફા પર ફ્સડાઈ પડી. ફોન નીચે પડી ગયો.

હજુ પણ સામેથી બોલાયેલા શબ્દો તેનાં કાને પડઘાતા હતાં.

" મિસિસ ખુશી!... "

" હા ખુશી બોલું છું. "

" હું સબઈંસ્પેક્ટર જાદવ બોલું છું. તમારા પતિ અમોલે આત્મહત્યા કરી છે. "

******

દિવસો વીતતા ગયા તેમ દુઃખ હળવું થતું ગયું, પણ ખુશીને હવે જિંદગીમાં ખાલીપો વર્તાવા લાગ્યો હતો. સુખડનાં હાર પહેરેલ અમોલના ફોટાને જોઈ તેની આંખોમાં ઝળઝળીયા આવી જતાં અને મનોમન પસ્તાવો કરતી. તે પોતાની જાતને કોશતી. તેને એમ જ લાગતું હતું કે,' મારી જીદ્દ અને ઈચ્છાને કારણે જ અમોલે આત્મહત્યા કરી.' તેનો વિચાર સાચો હતો, પણ અમોલની આત્મહત્યા પાછળ બીજું એક કારણ પણ હતું.

એકદિવસ ખુશી બહાર જવાની તૈયારી કરી રહી હતી ત્યાં ડોરબેલનો અવાજ સંભળાયો. ખુશીએ દરવાજો ખોલ્યો તો સામે સબઈંસ્પેક્ટર જાદવ ઉભા હતાં.

" આવો સાહેબ!... " આવકારો આપતાં ખુશી બોલી, " આમ અચાનક તમે... "

"તમારા પતિના કેસ બાબતે આવ્યો છું " ખુશીની વાત કાપતાં કહ્યું.

" કેસની કઈ બાબત? શું મારાં પતિએ કરેલ આત્મહત્યાનું કોઈ કારણ મળ્યું છે? "

" હા, તમારા પતિ અમોલના આત્મહત્યાનું કારણ મળી ગયું છે. "

" મળી ગયું. " આશ્ચર્યચકિત થતાં ખુશીએ પૂછ્યું," શું છે કારણ? "

" તપાસ દરમિયાન અમને એવું લાગેલું કે તમારા બન્ને વચ્ચેનાં વિવાદને કારણે તેમણે આ પગલું ભર્યું હશે, પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરતા નવું જ રહસ્ય ખુલ્યું."

ખુશીની ઉત્સુકતા વધવા લાગી હતી. સબ ઈંસ્પેક્ટર જાદવે વાત કરવાની શરૂઆત કરી. તે સબઈંસ્પેક્ટર જાદવની વાત ધ્યાન પૂર્વક સાંભળી રહી હતી.
***

તે દિવસે અગિયાર વાગ્યાની આસપાસ અમોલના ફોનમાં એક મેસેજ ટોન વાગી. દુકાનમાં કોઈ ગ્રાહક નહોતા. તેણે મોબાઈલમાં જોયું તો વ્હોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ હતો કે, " તમારો નંબર લક્કી ડ્રો માં વિજેતા થયો છે. તમને મળે છે પુરા પચ્ચીસ કરોડનું ઇનામ! " મેસેજ વાંચતા અમોલની આંખો પહોળી થઈ ગઇ. તેનાં ચહેરા પર સ્મિત રેલાવા લાગ્યું. મનોમન વિચાર કરવા લાગ્યો,' આખરે ભગવાને તેની પ્રાર્થના સાંભળી. હાશ, હવે બાકીની જિંદગી હસીખુશીથી પસાર થઈ જશે. ખુશીની અને આવનાર બાળકની બધી ઈચ્છા પુરી થશે અને ખુશી સાથે હવે ક્યારેય ઝઘડો પણ નહીં થાય.' મનમાં વિચાર કરતા કરતા તેણે મેસેજ વાંચ્યો. તેમાં એક નંબર આપેલો હતો. તેમાં કોલ કરવાં જણાવ્યુ હતું.

અમોલે ફટાફટ તે નંબર ડાયલ કર્યો. બીજી રિંગ પૂર્ણ થાય તે પહેલાં જ સામેવાળાએ કોલ રિસીવ કર્યો.

" હેલ્લો,' કોન બનેગા કરોડપતિ ' મેસેજ મોકલનાર બોલો છો? " અમોલનો સવાલ સાંભળી સામેથી જવાબ મળ્યો, " પ્લીઝ સર! હી.....હિંદીમેં બોલીએ. " તેનો અવાજ અચકાતો હતો.

અમોલે હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો એટલે સામેથી જવાબ મળ્યો, " જી સર! હ... હમને હી ભેજા હૈ. આ... આપ લક્કી હો. આપ કોન બનેગા ક... રોડપતિમેં પચ્ચીસ કરોડ જીત ચુકે હૈ. "

અમોલ આનંદથી ઉછળી પડ્યો.

" યે પૈસે મુજે કબ ઔર કૈસે મિલેંગે? "

"અભી. થો... થોડી દેરમે આપ ક... રોડપતિ બન જાયેંગે."

થોડીવારમાં કરોડપતિ થઈ જઈશ તે શબ્દ કાને અથડાતા અમોલ રાજીનાં રેડ થઈ ગયો.

"અ... અબ મેં જૈસા બોલતા હું...વૈસા કીજીયે. "

" ઠીક હૈ. " અમોલ બોલ્યો.

પેલો વ્યક્તિ જે બોલતો ગયો તેને અમોલ અનુસરતો ગયો. થોડીવારમાં કોલ કટ થયો. અમોલ એકદમ રાજી રાજી થઈને આ ખુશખબરી ખુશીને આપવાં ફોન હાથમાં લીધો ત્યાં મેસેજ ટોન વાગવા માંડી. અમોલે જોયું તો ચહેરા પર છવાયેલ ખુશીનું સ્થાન હતાશાએ લઈ લીધું. અમોલનાં હાથમાંથી મોબાઈલ પડી ગયો. લમણે હાથ દઈ ઘડીભર બેસી રહ્યો અને વિચારવાં લાગ્યો,કે 'પૈસા મેળવવાની ઘેલછામાં પૈસા ગુમાવવાનો વારો આવ્યો. હવે ખુશીને ક્યાં મોઢે કહીશ કે મારી ભૂલને કારણે પાઇ પાઇ કરી બચાવેલા બે લાખ પણ જતાં રહ્યા.'

********

સબઈંસ્પેક્ટર જાદવની વાત સાંભળી ખુશી પણ નીચે ફ્સડાઈ પડી. ખુશી બેભાન થઈ ગઇ. જાદવે તાત્કાલિક 108ને કોલ કર્યો.

ખુશીએ બાજુમાં સુતેલા બાળક સામું જોયું અમોલ જ તેનાં દીકરાના રૂપમાં પાછો આવ્યો હોય તેવું લાગ્યું. તેની આંખોમાં હરખનાં આંસુ આવી ગયા.

(એક વર્ષ બાદ)

ખુશીને પૈસાની કિંમત હવે બરાબર સમજાઈ ગઇ હતી. કારણકે તેણીએ માત્ર મોજ-મસ્તીમાં જિંદગી જીવવાની ઘેલછાનું પરિણામ જોઈ લીધું હતું.

એક વર્ષ બાદ ખુશી નાનકડાં અમોલને લઈને દુકાને પહોંચી. તેણે "ખુશી ડ્રેસ સેન્ટર" દુકાનનું તાળું ખોલ્યું. સામે દીવાલ પર લગાડેલ ખીલીમાં અમોલનો ફોટો ટીંગાડ્યો. અને તેણીએ મનોમન નિર્ધાર કર્યો કે, ' હું હવે મહેનત કરીશ અને પરિસ્થિતિને અનુકૂળ જીવન જીવીશ. નાનકડાં અમોલમાં સારા સંસ્કારોનું સિંચન કરીશ, સંઘર્ષથી સફળતાનો માર્ગ બતાવી તેને પગભર કરીશ.' ખુશીએ નાનકડાં અમોલની સામે જોઈ અમોલના ફોટા સામે હાથ જોડી આંખો બંધ કરી.

*સમાપ્ત *