Bhukh Laygee in Gujarati Moral Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | ભૂખ લાયગી..

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ભૂખ લાયગી..




ડિસેમ્બર આખો તેનો મુળ મિજાજ બતાવવા તત્પર હતો. તેમાં પણ આજે તો ૩૧ ડિસેમ્બર! લોકો ૨૦૨૦ અને ૨૦૨૧ બંનેનાં વધતાં-ઓછાં અંશે ભોગવેલાં સોશિયલ ડિસ્ટન્સથી છૂટેલાં આઝાદ પરિંદા જેવાં બની ચૂક્યાં હતાં. બાઇક્સને પૈડાંનાં સ્થાન પર પાંખો આવી હોય તેમ દોડવાને બદલે પાછળ બેઠેલ સાથીદારનાં પેટમાં ગલગલિયાં કરાવતી કોઈ ને કોઈ પબ, કાફે કે ડિસ્કોથેક તરફ ઊડી રહી હતી. કારનાં પૈડાંની ગતિ નીચે જાણે રસ્તો કપાવાને બદલે કચડાઈ રહ્યો હતો! આ દેશનું એ ધનિક યુવાધન(!) હતું, જેની આંખો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની પટ્ટી બંધાઈ ચૂકી છે. જે ઇન્ટરનેટની આંટીઘૂંટીઓમાં ખુદને ખોઈ બેઠાં છે અને જેમની અંદર શરાબની તરસ અને વાસનાની ભૂખ ભારોભાર ભરેલી છે!


અચાનક જ એક જતાં વર્ષ ૨૦૨૨ની ઉજવણીમાં પેટમાં ક્ષમતાથી વધારે આલ્કોહોલ રેડીને નશામાં ધૂત બનેલ નવલોહિયાએ મોંઘીદાટ કારનાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો! કાર પોતાના માટે દોરાયેલ મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગી ગઈ અને ફૂટપાથ પર ફેંકેલ કચરામાં જિંદગી શોધનારની ચીસ પર ચડી બેઠી.


કડકડતી ઠંડીએ લીધેલાં કબજાની વાત કરો કે પેલી રૂંધાયેલી ચીસની વાત કરો. ડિસ્કોથેકમાં હિટરથી ગરમ બનાવેલ વાતાવરણનાં ગરમાવા સાથે નાચતી અર્ધનગ્ન કાયાઓને આમાંની કોઈપણ વાતની અસર જ ક્યાં હતી? તેમને તો બસ બેફામ ઢીંચવું હતું અને આડેધડ નાચવું હતું. કારણભૂત આજે જતું ૨૦૨૨ બન્યું હતું. શોરબકોર અને શેમ્યિયનની છોળો આતુર હતી ૨૦૨૩ને આવકારવા!


આ તરફ ઝૂંપડપટ્ટીની વસાહતમાં ચારે તરફ નર્યા સૂનકારનું સામ્રાજ્ય હતું. એકલદોકલ કૂતરું ઠંડીનો સામનો કરવા અસમર્થ થાય ત્યારે કાવકા નાખી રડી લેતું હતું. ચીંથરેહાલ ગોદડું એક જણની જ ઠંડી રોકે તેમ હતું. ઝૂંપડીમાં બે શરીર થથરતાં હતાં. મંગુએ છ વર્ષની જીવલીની માથે ગોદડું નાખી દીધું. પોતે સંકોચાઈને પડી રહી.

ઠંડી તો મંગુને અને બહિર્ગોળ થયેલાં પેટમાં પાંગરતાં જીવ બેયને લાગતી હતી પણ સાથે મંગુને બીક એ લાગતી હતી કે જીવલી જો ઉઠશે તો બોલશે, "ભૂખ લાયગી..!" ને ઘરમાં તો કાંઈ હતું નહીં! માંડ ફોસલાવીને સુવડાવી હતી કે 'હમણાં બાપુ આયશે ને આજે તો ઈ તારી સારુ કેક લ્યાવસે!

જીવલી આશાથી ઠરેલ પેટ અને તેને લીધે ચહેરા પર સંતોષ આંજીને સૂઈ ગઈ હતી.

મંગુને તો ભૂખ અને ઠંડી બેય બાળતા હતાં. કરસન, જીવલીનો બાપ એટલે કે મંગુનો પતિ કચરો વીણીને કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો. મંગુની કાળા કુંડાળાથી ઘેરાયેલ ઊંડી આંખો ઝૂંપડીનાં દરવાજાની સંધમાં તાકતી પડી હતી.


"આજે તો મોજ છે મંગુ, જોજે રાતે!" કરસન બોલેલો.


"કેમ મોજ શેની? તમને કોઈ લોટરી લાગવાની સે? તી આમ હરખપદૂડા થ્યાં સો!" મંગુએ પૂછ્યું.


"લે, બોલ! તી તને નય ખબર? આજ તો વરસનો સેલ્લો દિવસ સે, ને કાલથી નવું વરસ સાલુ થા'સે. તે આજ તો કચરો વીણવામાં આરો નય એટલી બોટલું ભેરી થાસે ને હું એમાંથી વધેલી જિરી-જિરી ભેગી કરીશ એક બોટલમાં ને એમાં જિરીક નાખી દય દેસી..ને પછી વિદેશી સે એમ કઇસને, એટલે ઓલો ચનિયો લઈ જાસે સારા એવાં ભાવે. એટલે મોજ..!તને ખવડાવીસ ગાંઠિયા" એમ બોલી પછી મંગુનાં ઉપસેલાં પેટ પર હાથ ફેરવ્યો. પછી ખૂણે રમતી જીવલી સામે જોઈ બોલ્યો. " આ જીવલી સારું તો કેક લય આવવાનો હો! સમજી?" કરસને પત્નીને જાણે રહસ્ય સમજાવ્યું.


આખું વર્ષ ઢસરડા કરતાં કરસનને આ છેલ્લો દિવસ ફક્ત આ કારણથી ગમતો કે તે દિવસે ઓછી મહેનતે વધુ પૈસા મળતાં!


આ બધાં વિચારોમાં ઝોકે ચડી ગયેલ મંગુને સહેજ પગરવ થતાં તે સફાળી બેઠી થઈ. તેને એમ થયું કે હાશ..કરસન આવ્યો. ગાંઠિયા ખાવા મળશે ને પછી જીવલીને ય ઊઠાડીને કેક ખવડાવશે.


પોતે કરસનને છેલ્લાં એક મહિનાથી મદદ પણ નથી કરી શકતી. બે જીવ સો'તી હતી ને!


"નાનો કરસન આવે તો એનું નામ કિશન પાડવું હો ને મંગુ!" કરસન હરખાતો અને મંગુ શરમાઈને પોરસાતી.


"હવે ઝટ સૂટી થાવ તો હું ય મરી કામે જાવ. તો કઈ બે ટંક સરખું ખાઈ-ખવડાવી સકીયે. તમે એકલાં તૂટી જાવ તોય મોંઘારતમાં મેળ નય આવે."


"ના હો, હવે કિશન આવે પસી હું બમણી મજૂરી કરીસ પણ તારે તો રાજ જ કરવાનું! ઈનાં જનમનું સારું સકન (શુકન) થાશે ને મને એક કારખાનામાં રોજમદારની વાત હાંલે ઈ પાકી થઈ જાસે. આવતાં વર્ષે તો સંધુય સારું થાસે! બસ હવે આ વરસ વીતી જાય તો સારું." કરસનનું બોલેલું મંગુને પેટમાં કિશનની લાત વાગી તો યાદ આવી ગયું. ત્યાં તો ઝૂંપડી બહાર દેકારો વધ્યો.


મંગુ તૂટું-તૂટું થઈ રહેલાં, માંડ અટકાવેલ જેવાં દરવાજે ગઈ. પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે શેરીનાં લોકો ટોળે વળ્યાં હતાં. બધાં આઘાપાછાં થયાં તો વચ્ચે કરસન! મંગુની આંખોનાં કાળાં ડોળાં ફાટી પડ્યાં. છૂંદાઈ ગયેલાં મોઢા પર ફાટીને બહાર આવી ગયેલ ડોળાંવાળાં કરસનને જોઈને જ તો!


ટોળામાંથી કોઈ બોલ્યું, "બહુ ભૂંડુ થાશે ઈનું જેણે બિચારો ફૂટપાથ પર બોટલું સરખી કરતો'તો ન્યાં લગણ દારુ ઢીંચીને આના પર ગાડી ફેરવી દીધી."

કરસનનાં છૂંદાયેલ ચહેરા નીચે મંગુની તો જાણે જિંદગી પણ કચડાઈ ગઈ. તેણે કાળી મરણપોક મૂકી, "રે...મારા કિશનનાં બાપુ..!"


ઝૂંપડીનાં દરવાજે જ મંગુ ફસડાઈ ગઈ. તેને અર્ધ બેભાન હાલતમાં વેણ ઊપડી ગઈ. નીચે થયેલ ખુનનો ઢગલો જોઈ પાડોશની સ્ત્રીઓએ મંગુને ઘેરે વળી ચાદરની આડશમાં લીધી. પાંચ મિનિટ થઈ ત્યાં કિશનનો જનમ થયો. તેણે "ઉંવા... ઉંવા..."કર્યું.


અંદર ઝૂંપડીમાં જીવલીએ ગાંગરો ઘાલ્યો,

"ભૂખ લાયગી..!"

આકાશ આતશબાજીથી ઝગમગ્યું, 2023..!

✍ જાગૃતિ, 'ઝંખના મીરાં'